"લવની લવ સ્ટોરીસ"
લેખક અને ડાયરેકટ- દુર્ગેશ તન્ના,
પ્રોડ્યુસર - મનીષ અંદાની, કરીમ મીનસરિયા.
કલાકાર - પ્રતીક ગાંધી, દીક્ષા જોશી, વ્યોમા નંદી, શ્રદ્ધા ડાંગર, હાર્દિક સંગાની.
ફિલ્મમાં વાત છે આજના આધુનિક સમયની. આધુનિક સમયના પ્રેમની. પ્રેમ એટલે લવ અને લવ એટલે પ્રેમ. આ ફિલ્મની વાર્તામાં આમ તો ત્રણ અભિનેત્રીઓ સાથેનો પ્રેમ બતાવવામાં આવ્યો છે પરંતુ તેમાં એકને જણાવી નથી શકતો તો બીજાને જણાવવામાં મિત્રતા પણ ખોઈ બેસે છે. જ્યારે ત્રીજી વખતે પ્રેમ પામતા પહેલા પરિક્ષાઓમાંથી પણ પસાર થવું પડે છે એ વાતને બહુ સરળ અને સાહજિક રીતે અભિવ્યક્ત કરી છે.
ફિલ્મના પાત્રોની વાત કરીએ તો મુખ્ય અભિનેતા તરીકે પ્રતીક ગાંધી છે તો મુખ્ય અભિનેત્રીઓમાં દીક્ષા જોશી, શ્રદ્ધા ડાંગર અને વ્યોમા નંદી છે. ફિલ્મની શરૂઆત ખૂબ જ પ્રેરણાત્મક છે. શરૂઆતમાં જ પ્રતીક ગાંધી દ્વારા નિભાવવામાં આવેલું લવ નામનું કિરદાર ખરા અર્થમાં તેના નામને ઉજાગર કરે છે. એક સ્ત્રીના જીવનમાં આવતા ઉંમરના વધારાની વાત બહુ જ ઝીણવટથી આલેખી છે. જે આજના સમયમાં દરેક પુરુષોએ અનુસરવી જોઈએ. એક સ્ત્રીને શું જોઈએ, તે શું ઈચ્છે છે તે વાત આપણા લવભાઈ પોતાના દાદી, કાકી અને મમ્મીનામાં બદલાવ લાવીને બતાવી આપે છે.
ફિલ્મના પહેલા હાફમાં જ બંને અભિનેત્રીઓ સાથેના પ્રેમ પ્રેકરણ જાહેર થાય છે, જેમાં મીસ્ટી (શ્રદ્ધા ડાંગર) સાથે પહેલી જ નજરમાં લવને પ્રેમ થઈ જાય છે પરંતુ એ પ્રેમ અભિવ્યક્ત નથી થઈ શકતો. ત્યારબાદ તેના જીવનમાં મિત્ર રૂપે સોનમ (વ્યોમા નંદી) આવે છે. જેની સાથે પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતાં મિત્રતા પણ ખોઈ બેસે છે.
ફિલ્મના બીજા હાફમાં એન્ટ્રી થાય છે પ્રીતિ (દીક્ષા જોશી)ની અને પ્રીતિ આપણાં લવભાઈના લવની એવી પરીક્ષાઓ લે છે કે લવભાઈ પણ ગોટે ચઢી જાય છે. દીક્ષા જોશીના એક નવા અંદાઝ માટે તો આ ફિલ્મ જોવી જ જોઈએ. ફિલ્મનો અંતભાગમાં પ્રીતિ દ્વારા કહેવામાં આવેલી વાતો આંખોમાં ભીનાશ જરૂર લાવી દેશે.
ફિલ્મમાં પડદા ઉપર જોયેલા ઘણા ચહેરા જોવા મળશે. જેઓ અભિનયમાં પારંગત છે અને આ ફિલ્મમાં પણ તેમનો અભિનય વખાણવા યોગ્ય તો ખરો જ. લવના દાદી તરીકે ભાવિની જાની છે તો કાકીના કિરદારમાં વંદના વિઠલાણી જોવા મળે છે. લવની મમ્મીનો રોલ અલ્પના બુચે નિભાવ્યો છે. અભિનેત્રી તરજાની ભડલા લવની બહેન તરીકેનો અભિનય પણ મઝાનો છે. નાની બહેન તરીકે ભવ્યા શિરોહિની હોશિયારી પણ જોવા જેવી છે.
ફિલ્મના સંવાદોમાં હાસ્ય આવતું જાય છે જે ફિલ્મને જકડી રાખવામાં સફળ બને છે. હાર્દિક સંગાની આ ફિલ્મમાં એક કોમેડિયન તરીકે જોઈએ એવી ઇફેક્ટ નથી આપી શક્યો છતાં એના કેટલાક સંવાદોમાં હસવું ચોક્કસ આવશે.
ફિલ્મના ડાયલોગમાં કેટલીક એવી લાઈન છે જે પોતાની ડાયરીમાં પણ નોંધવાનું મન થઈ જાય. "મોટાભાગની સ્ત્રીઓ એટલે પોતાની જુવાની ખોઈ દે છે કારણ કે એમની પાસે જુવાન રહેવાનું કોઈ કારણ નથી." આ ઉપરાંત સ્ત્રીઓને જ અનુલક્ષીને લખાયેલ બીજો ડાયલોગ "કોઈપણ સ્ત્રીની થોડી કદર અને થોડો પ્રેમ આપોને તો એમની જુવાની પાછી આવી શકે છે." આ વાતો હૃદયને સ્પર્શી જાય છે.
સંગીતની વાત કરીએ તો ફિલ્મમાં સંગીત આપ્યું છે પાર્થ ભરત ઠક્કરે. ફિલ્મનું સંગીત ફિલ્મને ધાર્યા ટ્રેક ઉપર લઈ જવામાં સફળ બને છે તો ફિલ્મના ગીતો પણ પોતાના ફેવરિટ પ્લે લિસ્ટમાં ઉમેરવાનું મન થાય એ પ્રકારના છે.
સમગ્ર રીતે જોવા જતા આ ફિલ્મ માણવા લાયક ચોક્કસ છે. તમામ કલાકારોનો શ્રેષ્ઠ અભિનય આ ફિલ્મને ઉત્તમતા બક્ષે છે. તો ફિલ્મની વાર્તા પણ આજના જમાનાને અનુલક્ષીને લખાઈ છે જે જુવાન હૈયાઓને ચોક્કસ સ્પર્શી જશે. મોટાભાગના લોકોના જીવનમાં પ્રેમ સંબંધો તૂટવાની ઘટના બનતી હોય છે, અને આ ઘટનાઓમાંથી કેવી રીતે બેઠા થવું એ વાત આ ફિલ્મમાં ખૂબ જ અસરકારક રીતે બતાવી છે.
લે. નીરવ પટેલ "શ્યામ"