ઘરની લક્ષ્મી સ્ત્રી Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘરની લક્ષ્મી સ્ત્રી

"ઘરની લક્ષ્મી સ્ત્રી"
લે. નીરવ પટેલ "શ્યામ"

ગામડું છોડીને સારું જીવન જીવવા માટે પરેશ શહેરમાં નોકરી કરી જીવન વિતાવવા લાગ્યો. તેના લગ્ન તો ગામમાં હતો ત્યારે જ થઇ ગયા હતા. પત્ની પણ ખુબ જ સમજદાર મળી. નામ એવા જ ગુણ, વૈદેહી. જાણે સીતા માતાના બીજો અવતાર. આદર્શવાદી ગૃહિણી. બે ફૂલ જેવા બાળકો પણ ઈશ્વરે આપ્યા.

પરેશને શહેરમાં સારી કંપનીમાં નોકરી હતી. પગાર પણ સારો. આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ. પણ પગાર સાથે ખર્ચા પણ એવા. શહેરના સારા વિસ્તારમાં ઘર ભાડે રાખ્યું. રોજ ઓફિસ જવા માટે કાર ખરીદી. બાળકોને સારી શાળામાં ભણવા માટે મૂક્યા. તેનો મોટાભાગનો પગાર તો ઘરના ભાડા, બાળકોની ફી અને ગાડીના હપ્તામાં જ નીકળી જતો. વળી પોતાનું સ્ટેટ્સ જાળવી રાખવા માટે હોટેલમાં જમવા જવું, પાર્ટીઓમાં હાજરી આપવી જેવા ખર્ચ કરવામાં તો છેલ્લે કઈ હાથ ઉપર રહેતું જ નહીં.

પરેશ સ્વભાવે પણ ખુબ જ ભોળો માણસ. કોઈને મદદ કરતા પણ ક્યારેય અચકાય નહિ. ભલે તેની પાસે ઓછું હોય પણ કોઈ માંગતું આવે તો તે તરત જ મદદ કરી દેતો. મિત્રો સાથે પાર્ટી કરવા માટે જાય ત્યારે પણ કોઈના ખિસ્સામાં હાથ નાખવા દેતો નહિ. બધો જ ખર્ચ તે જાતે જ ઉઠાવતો. જેના કારણે તેની આસપાસ ઘણા મિત્રો પણ હતા. એવું નહોતું કે તેના મિત્રો મધ્યમ પરિવારના હતા. તેઓ પણ સારી નોકરી અને પૈસાવાળા ઘરના. પરેશ કરતા પણ તેના મિત્રો સુખી સંપન્ન હતા પણ પરેશની જેમ દિલ મોટા નહોતા.

વૈદેહી ઘણીવાર પરેશને ટોકતી અને કહેતી કે: "આમ બધા પાછળ ખર્ચા કર્યા કરશો, તો ભવિષ્ય માટે શું બચાવશો? આજે સારી નોકરી છે કાલે નહિ હોય ત્યારે પરિવારની શું હાલત થશે? કેમ કરી બધું પૂરું થશે પછી?" ત્યારે પરેશ તેને પ્રેમથી સમજાવી કહેતો કે "ભવિષ્યની ચિંતા શું કામ કરવાની? કાલે જે થશે તે થવાનું જ છે એને તું કે હું કોઈ રોકી શકવાના નથી. જેટલું જીવીએ છીએ તેટલું મોજથી જીવી લઈએ, કાલની ચિંતા કર્યા વગર. હું બેઠો છું ને?"

વૈદેહી પરેશના જવાબ સામે કઈ બોલી શકતી નહિ પરંતુ તે જાણતી હતી તેની સાચી હાલત. બસ સમાજ સામે અને લોકો સામે પોતાનો પરિવાર મોટો દેખાતો હતો પરંતુ પોતાની પાસે શું હતું તેતો એ પોતે જ જાણતી હતી. ઘણીવાર તેને પરેશને કમાણીમાં મદદ થાય એ માટે નોકરી કરવાનું પણ કહ્યું, પરંતુ પરેશે તેને ના જ પાડી. તે તો કહેતો કે "હું કમાઉ છું ને તારે ક્યાં જરૂર છે કમાવવાની? તને હું કોઈ ખોટ નહીં પડવા દઉં."

વૈદેહીને ખબર હતી કે પરેશ તેને ખુબ જ પ્રેમ કરે છે, તેને અત્યારના સમયની કોઈ ચિંતા નહોતી પરંતુ તે ભવિષ્ય માટે હંમેશા ચિંતિત રહેતી. દિવસેને દિવસે વધતી મોંઘવારી, ખર્ચા, બાળકોની ફી એ બધા સામે ટકી રહેવા માટે પરેશ તનતોડ મહેનત કરતો હતો પરંતુ હજુ પરેશને ભવિષ્યની કોઈ ચિંતા નહોતી. બસ તે તો "થઇ જશે!" એમ જ માનીને જીવ્યા કરતો.

દિવસો વીતતા ગયા અને પરિવારનું ગાડું પણ એજ ગતિએ ગબડતું રહ્યું. ના પરેશ બદલાયો ના પરિસ્થિતિ, ના મિત્રો ના ખર્ચા કે ના ભવિષ્ય માટેનું કોઈ મોટું પ્લાનિંગ થયું. કઈ અટકતું પણ નહિ કે કઈ વધતું પણ નહિ. બસ ગમે તેમ કરી બધું પૂરું થઇ રહેતું.

ઓફિસમાં એક દિવસે પરેશ વધુ કામ કરવા માટે રોકાયો. તેને આવતા રાત્રે મોડું થવાનું હતું. ફોન કરીને વૈદેહીને જણાવી પણ દીધું. કામના કારણે ઘણું જ મોડું થઈ ગયું હતું. ઓફિસમાં જ રાત્રે 2 વાગી ગયા. કામમાંને કામમાં જમવાનું પણ ભુલાઈ ગયું. ઓફિસમાંથી પરેશ નીકળ્યો ભૂખ્યા પેટે અને સતત કામના કારણે થોડું ચક્કર જેવું પણ લાગતું હતું. પરંતુ પરેશે તેની ચિંતા કર્યા વગર પાર્કિંગમાંથી પોતાની કાર લઈને નીકળ્યો. ડ્રાઈવ કરતા કરતા પણ તેને ચક્કરની અનુભૂતિ થતી હતી પરંતુ તેને કાર રોકી નહિ.

અચાનક સામે આવતી ટ્રકની અપર લાઈટ સીધી જ કાચમાં થઈને પરેશની આંખો ઉપર પડી અને પરેશ અંજાઈ ગયો તરત સ્ટેરીંગ ઉપરથી પોતાનો કાબુ ખોઈ બેઠો. પરેશનું કિસ્મત સારું હતું કે તેની કાર સામે આવતી ટ્રકમાં ના અથડાઈ, પરંતુ ડિવાઈડર તોડી બે ત્રણ પલટી ખાઈ ઉંધી પડી ગઈ.

લોકો ભેગા થયા અને પરેશને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. વૈદેહીને પણ જાણ થતા તે પણ હોસ્પિટલ દોડી આવી. ભગવાનની કૃપાથી પરેશનો જીવ તો બચી ગયો હતો. પણ આ અકસ્માતમાં તેના બન્ને પગ ચાલ્યા ગયા. થોડા દિવસ હોસ્પિટલમાં ઈલાજ કરી પરેશ ઘરે આવ્યો.

વિમાની રકમથી ઈલાજ તો બરાબર થઇ શક્યો પણ હવે પરેશ ક્યારેય પોતાન પગ ઉપર ચાલી શકે તેમ નહોતો. તેની કંપની તરફથી પણ તેને કેટલીક રકમ આપવામાં આવી પરંતુ પરેશથી હવે નોકરી તો થઇ શકે તેમ નહોતી. ફંડ અને વિમાની રકમથી 1-2 વર્ષ ઘરના ખર્ચ તો નીકળી શકે એમ હતું પરંતુ પછી શું? એ ચિંતા હવે વૈદેહીને સતાવવા લાગી. પરેશ પણ લાચાર હતો. વૈદેહી પરેશને બરાબર સાચવતી તેની સેવા કરવામાં કોઈ કસર બાકી રાખતી નહિ.

જે મિત્રોને પરેશ મદદ કરતો એ મિત્રો બસ થોડા સમય સુધી હાલચાલ પૂછવા માટે આવ્યા, બાકી કોઈ મિત્રએ ક્યારેય મદદ કરવા માટેની વાત સુદ્ધા પણ કરી નહિ. કેટલાક તો હવે વૈદેહી ઉપર પણ નજર બગાડવા લાગ્યા હતા. મદદના બહાને પોતાનો હાથ સાફ કરવા માંગતા હતા. પણ વૈદેહી આ વાત બરાબર સમજતી હતી એટલે એને પરિસ્થિતિને એ રીતે સાચવી લીધી કે હવે એ લોકો ઘરે પણ આવતા બંધ જ થઇ ગયા. તેને તો ખબર જ હતી કે આ બધા મિત્રો માત્ર પરેશનો ફાયદો જ ઉઠાવી રહ્યા છે તેને પરેશને ઘણીવાર ચેતવ્યો પણ હતો, છતાં પરેશ માન્યો નહોતો. પરંતુ આજે તેને સમજાઈ રહ્યું હતું કે વૈદેહી જે કહેતી હતી તે સાચું જ હતું.

દિવસો વીતતા ગયા, પરિસ્થિતિ વધુ ગંભીર થવા લાગી હતી. હવે તો એક એક રૂપિયો પણ વિચારી વિચારીને વાપરવાનો સમય આવી ગયો હતો. મિત્રો, સંબંધીઓ સૌ હવે તો જાણે નામના જ રહી ગયા. આલીશાન ઘર છોડીને હવે તે લોકો સામાન્ય વિસ્તારના ઘરમાં રહેવા લાગ્યા."

વૈદેહી અને પરેશ ગામડે પણ પાછા જઈ શકે એમ નહોતા કારણ કે બાળકોને સારું ભણાવવું પણ હતું. પરેશ ઘણીવાર વૈદેહી સામે રડી પડતો અને કહેતો: "તું જે કહેતી હતી એ સાચું જ હતું, મેં જ તારી વાત સાંભળી નહિ, જો મેં એ સમયે આપણા ભવિષ્યનું વિચાર્યું હોત તો આજે આ દશામાં પણ આપણે ટકી રહ્યા હોત, હવે તો હું સાવ લાચાર બની ગયો છું." વૈદેહી પરેશને હિમ્મત પણ આપતી અને કહેતી: "જે થવાનું હતું તે થઇ ગયું છે, તેને ના તમે બદલી શકવાના છો ના હું. હવે આપણે આગળનું જીવન કેવી રીતે જીવવું તે આપણી જાતે જ નક્કી કરવાનું છે. આપણે કંઈક કરી લઈશું તમે ચિંતા ના કરો. બધું જ થઇ જશે."

વૈદેહી હિમ્મત હારે એમ તો હતી જ નહિ. હવે તો પરેશ પણ પોતાની જાતે હરીફરી શકે તેમ હતો. બસ તે ચાલી શકતો નહોતો. પોતે જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટીની બહાર જ વૈદેહીએ એક દુકાન ભાડે લીધી અને ત્યાં અનાજ કરિયાણાની દુકાન શરૂ કરી. વીમાના પૈસામાંથી થોડી રકમ ધંધામાં રોકી. શરૂઆતમાં થોડી તકલીફ થઇ પરંતુ ધીમે ધીમે ધંધો સારો ચાલવા લાગ્યો. પરેશ પણ ત્રણ પૈડાં વાળી સાયકલમાં બેસીને દુકાને આવતો. બેઠા બેઠા તે પણ ઘણું કામ સાંભળી લેતો.

સમય જતા ખરાબ દિવસો વીતવા લાગ્યા. હવે પૈસાની અછત રહી નહીં. બાળકોને ભણવામાં કોઈ મુશ્કેલી રહી નહિ. બસ, એ મોજશોખ ભરેલું વૈભવી જીવન હવે પાછું જીવવા નહોતું મળવાનું, પરંતુ વૈદેહીએ હવે બચત પણ શરૂ કરી અને થોડા જ વર્ષોમાં એ સોસાયટીમાં જ ઘર અને દુકાન બંને ખરીદી લીધા.

પરેશને હવે વૈદેહીને જોઈને માન થતું હતું. ખરેખર તે ઘરની લક્ષ્મી બનીને આવી હતી. જો તે ના હોતી તો આજે આ પરિસ્થિતિ સામે ટકી રહેવું મુશ્કેલ હોત. પરેશનો દરેક સમયમાં તેને સાથ આપ્યો. જે મિત્રો અને સંબંધીઓ તેના સારા સમયમાં તેની સાથે હતા એ ખરાબ સમયમાં સામે જોવા પણ ના આવ્યા. તેને પણ સમજાઈ ગયું કે પત્નીથી મોટું સાથી આ દુનિયામાં બીજું કોઈ નથી.