વિશ્વાસ કે અંધવિશ્વાસ ? Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિશ્વાસ કે અંધવિશ્વાસ ?

શ્રાવણ માસ આવ્યો એટલે શિવજીની ભક્તિ આરાધના કરવાનો મહિનો આવી ગયો. આપણા હિન્દૂ ધર્મમાં શ્રાવણ માસ એટલે સૌથી પવિત્ર મહિનો. આ મહિના દરમિયાન લોકો દાન, ધર્મ, પૂજા, પાઠ કરાવશે. સદીઓથી માનતા આવ્યા છીએ કે આ મહિનામાં કંઈક સારું કરવાથી પૂણ્ય મળે છે. મળતું હશે !!!

પરંતુ કેટલાય દિવસથી હું કેટલાય ગ્રુપમાં શિવજી ઉપર દૂધ ચઢાવવા માટેની કેટલીય પોસ્ટ જોઈ રહ્યો છું. કેટલાય લોકો પોતાના વિચારો પ્રમાણે દૂધ ચઢાવવાની વાતો કરી રહ્યાં છે. હું પણ માનું છું કે શિવજીને દૂધનો અભિષેક થવો જોઈએ. પણ કેટલો ? આ પ્રશ્ન ઉપર ભાગ્યે જ કોઈ પોતાનો જવાબ આપશે. ક્યાંય કોઈ ગ્રંથમાં લખેલું પણ નથી કે શિવલિંગ ઉપર કોઈ નિશ્ચિત માત્રામાં દૂધનો અભિષેક કરવો. આપણે જેટલું નક્કી કરીએ એટલો અભિષેક કરી શકીએ. કેટલાક લોકો આ બાબતને વૈજ્ઞાનિક કારણ તરીકે પણ ઓળખાવે છે. હશે ! જે પણ કઈ હોય તે !!

પણ હું દૂધનો વેસ્ટ થાય એમ નથી ઈચ્છતો. શિવજીને અભિષેક કરો. ૫-૨૫-૫૧ ચમચી દૂધનો અભિષેક કરી શકો છો. પણ હજારો લીટર દૂધ નો અભિષેક કરવો એ કેવી ભક્તિ ? એ બધું દૂધ તો વેસ્ટ જ જવાનું ને ??? પહેલાના સમયમાં પણ લોકો અભિષેક કરતાં, પણ એકાદ લોટો શિવજીને અર્પણ કરતાં. પણ આજે તો જે રીતે અભિષેક થાય છે એ જોઈને જ આંખો પહોળી થઇ જાય. ધર્મને થોડીવાર માટે બાજુપર મૂકીને એક માણસની રીતે વિચારીએ તો તમને અંદાજો આવશે કે આપણે કેટલું મોટું નુકસાન કરી રહ્યા છીએ. કેટલાયને મેં કૉમેન્ટ કરતાં જોયા કે "ગરીબો આખું વર્ષ યાદ નથી આવતા, માત્ર શિવજીને અર્પણ થતાં દૂધ માટે ગરીબો યાદ આવે છે." તો એવા લોકોને પણ મને કહેવાનું મન થાય કે "આપણે શ્રાવણ માસને પવિત્ર માસ માનીએ છીએ. ભલે આખું વર્ષ તમને એ ગરીબ યાદ ન આવ્યા પણ આ શ્રાવણમાં આવ્યા તો એમાં ખોટું શું છે ? આખું વર્ષ ગરીબોએ જે મળ્યું એનાથી ચલાવી લીધું. પણ આ શ્રાવણ માસમાં એને દૂધ પીવા મળશે તો એમાં ક્યાં કઈ ખોટું છે ? એની ભૂખ સંતોષ પામશે અને તમને આશીર્વાદ મળશે. ખરાં અર્થમાં તમને પુણ્ય મળશે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરવાથી શિવજી પોતે તો પીવાના નથી, તમારા મનને સંતોષ થશે કે મેં દૂધ અર્પણ કર્યું. પણ કોઈ ગરીબને પીવડાવવાથી તમને પણ સંતોષ થશે અને પીનારાને પણ.. અને છેલ્લે એ દૂધ પીનાર ના મોઢામાંથી શબ્દો નીકળશે.. "ભગવાન તમારું ભલું કરે !!!" તો આવા અમુલા અવસરને શું કામ ખોવા માંગો છો ?

શિવલિંગ પર દૂધનો અભિષેક કરો પણ મર્યાદિત. ઈશ્વરની ભક્તિ આપણી આસ્થાનો વિષય છે. પૂજા પાઠ, ક્રિયાકાંડ, ભક્તિ, અભિષેક કરવો એ આપણી પરંપરા છે. એને બાજુ પર ના મૂકી શકાય એમ હું પણ માનું છું. બસ થોડા જાગૃત નાગરિક તરીકે આપણું કરેલું વ્યર્થ ના જાય એજ વિચારવાનું છે.

કેટલાય લોકો કોમેન્ટ કરીને એમ પણ જણાવશે કે 31st ની પાર્ટીમાં હજારો લીટર દારૂ અને ખોટા ખર્ચા થાય ત્યારે કેમ આ બાબત યાદ નથી આવતી. તો એ બાબતે પણ કહેવાનું મન થાય કે કોઈપણ વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક જ હોય છે. જે લોકો આ પ્રકારની મોજમસ્તી માટે ખોટા ખર્ચ કરે છે તે ક્યારેય વાજબી ગણીજ ના શકાય. અને ત્યારે પણ આવી ચર્ચાઓ ચાલતી જ હોય છે. પણ જે લોકો સમજે છે તે લોકો આવા વ્યર્થ ખર્ચાઓથી દૂર જ રહેતા હોય છે. દારૂ પીનારની જે હાલત એના અંત સમયે થાય છે એ આપણે સૌ જાણીએ જ છીએ.

કેટલાક લોકો બીજા ધર્મ સાથે પણ આપણાં ધર્મને જોડે છે અને એમ પણ કહે છે કે "આ ધર્મના લોકો આમ કરે છે તો આપણે આપણા ધર્મમાં શું કામ બાંધ છોડ કરવી ?" તો એ માટે પણ કહેવાનું મન થાય કે બીજા ધર્મના સાથે આપણે શું કામ આપણા ધર્મને મુલવવો ? સામેની વ્યક્તિ જેમ કરે એમ જ કરવામાં આપણે કદાચ આપણા ધર્મને નીચો લઈ જઈએ છીએ. બીજાની તુલના કરવામાં જ આપણે પાછળ રહી જઈએ છીએ. બીજાનું વિચાર્યા વગર આપણે આપણા ધર્મને જ કેવી રીતે ઊંચો લઈ જઈ શકાય, એમાં કેવા સુધાર કરી શકાય એમ ના વિચારી શકીએ ? જો પ્રશ્નો જ શોધવા જઈશું તો હજારો પ્રશ્નો મળતાં જ જશે. પણ જવાબ શોધવા નિકળીશું તો રસ્તા પણ ચોક્કસ મળશે. એક જાગૃત નાગરિક તરીકે આપણા ધર્મને આપણે કઈ દિશામાં લઈ જવો એ આપણી ફરજ બને છે.

આપણા હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર જો ઘરમાં દૂધ ઢોળાઈ જાય તો પણ આપણે ૐ નમઃ શિવાય !! બોલી ઉપર પાણી નાખ્યા બાદ એને સાફ કરતાં હોઈએ છે. તો પછી આપણી આંખો સામે વ્યર્થ થતાં દૂધને આપણે કેવી રીતે જોઈ શકીએ ? ગાયને આપણે માતા તરીકે સ્થાન આપ્યું છે. ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓ હોવાનું આપણે માનીએ છીએ તો એના દૂધને પણ આપણે પ્રસાદ માની શકીએ ને !! મંદિરના પ્રસાદને આપણે નીચે પણ નથી પડવા દેતા તો આ પ્રસાદ રૂપી દૂધને ગટરમાં કેવી રીતે જવા દઈ શકીએ ???

મારી આ વાતનો વિરોધ કરનારા ઘણાં લોકો આપણી અંદરથી જ આવશે, પણ એક સાચા નાગરિક તરીકે, એક સાચા હિન્દૂ તરીકે જો વિચારશો તો આ બાબત તમને સમજાશે, બાકી ધર્મની ખોટી પટ્ટી આંખ ઉપર બાંધનારાઓને આ વાત ક્યારેય નહીં સમજાઈ શકે.

પવિત્ર શ્રાવણ માસની સૌને શુભકાનનાઓ ???

લે. નીરવ પટેલ "શ્યામ"