દીકરીનો બાપ. Nirav Patel SHYAM દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દીકરીનો બાપ.

દીકરીનો બાપ...

"એલા ધનજી આ કોની છોડી છે ?"

ધનજીભાઈના ગામમાં લગ્ન પ્રસંગે આવેલા તેમના જૂના મિત્ર વિષ્ણુભાઈ હુકો પીતાં પીતાં ઓસળીમાં આંટા મારતી એક છોકરી ને જોઈને પૂછી લીધું.

"કોણ આ, આ મારી દીકરી મંજુ, ઓળખી ના ?"

"અરે આ મંજુ છે, બહુ મોટી થઈ ગઈ લે, મેં તો ઓળખી પણ નહીં. મારા ઘરે તો તું જ્યારે એને લઈને આવ્યો ત્યારે કેડ માં લઈને આવ્યો હતો, છોકરા બહુ જલ્દી મોટા થઈ જાય હો."

વિષ્ણુભાઈ મોટી થઈ ગયેલી મંજુને જોઈ બોલી રહ્યા હતા.

ધનજી : "હા વખત વીતતા ક્યાં વાર લાગે છે ? જો ને તું અને હું પણ કેવા હતાં ને હવે ઘડપણ તરફ વળી રહ્યાં છીએ."

વિષ્ણુ : "હા, ખરી વાત છે, પણ આ મંજુ નિશાળ ભણવા નથી જતી ???"

ધનજી : "એનું મન ભણવામાં નથી લાગતું, એટલે ઘરે જ છે, ઘર કામમાં આખો દિવસ એની મા ને કામ કરવા લાગે, એમાં હોશિયાર થઈ ગઈ છે, અને છોડીને બીજું જોઈએ શું ? ભણીને ક્યાં એને નોકરી કરવાની છે તો ચિંતા ? ઘરકામ સારું કરે એટલે એનો ભવ પૂરો."

વિષ્ણુ : "હા, વાત તો તારી સાચી છે, છોકરીઓને ઘરકામ આવડવું જોઈએ નહીં તો સાસરે જઈ અને રોવાનો વખત આવે. (હુકોની પાઇપ બાજુએ મૂકતા) ધનજી, ક્યાંય છોકરાની ભાળ કાઢો છો કે નહીં હવે એના માટે ?"

ધનજી : "હજુ તો એ સોળ વરહની છે, અત્યારે ક્યાં ઉતાવળ છે, હજી બે ચાર વરહ પછી ક્યાંક જોઈશું, અને સારું મળે તો હાથ પીળા કરી દઈશું."

વિષ્ણુ : "અરે ધનજી, તું છોડીનો બાપ છું, આજકાલ જમાનો બહુ ખરાબ થઈ રહ્યો છું, જેમ જેમ આપણી છોડી મોટી થાય એમ એમ લોકો એની ઉપર દાનત બગડતાં જાય, લોકોની ખરાબ નજરનો સામનો આપણી દીકરીને કરવો પડે, તું કદી તારી છોડીની પાછળ ક્યાંય ગયો છે ? એકવાર એ ગામમાંથી નીકળે ત્યારે જરા જોઈ લે જે, એના શરીરને જોઈ લોકો કેવી કેવી વાતો કરતાં હોય છે, મેં તો મારા ગામની છોડીઓ ઉપર નજર બગડતાં લોકોને મારી આંખો એ જોયા છે અને મંજુ મારી પણ દીકરી જેવી છે એટલે હું તો તને સમજાવું છું, કે છોડી મોટી થાય એટલે એના હાથ પીળા કરી દેવા સારા, દીકરી એ સાપનો ભારો છે એ કહેવત ખોટી નથી આ જમાનામાં, એના સાસરે હોય એટલે બાપની ચિંતા મટે."

ધનજી : "વાત તો તારી હાચી છે, પણ હમણાં તો એના લગનનો ખર્ચો ઉપાડવાની તાકાત મારામાં નથી, ઘરમાં આ પહેલો પ્રસંગ આવે એટલે ગામ વાળા ને અને સમાજના લોકોને ખવડાવવું તો પડે ને ? આ બે વરહથી ખેતીમાં પણ કઈ ઝાઝું પાકતું નથી, પાંચ વિઘા ભોંય છે પણ ટાઈમે પાણી પણ મળતું નથી, ના તમાકુના ભાવ આવે છે, કેમ કરી થાય બધું ? અને એમાં પણ સારું ઘર શોધવાનું છોડી માટે એ બહુ મુશ્કેલી વાળું !"

ધનજી પોતાની ગરીબી અને પરિસ્થિતિ વિશે વિષ્ણુ આગળ પોતાની મનોવ્યથા વ્યક્ત કરી.

વિષ્ણુએ હુકાની અંદરના અંગરાને બાજુમાં પડેલી નાની સડકલીથી થોડા હલાવી ફૂંક મારી, અને પાઇપને મોઢામાં નાખી ધુમાડી કાઢતાં કહ્યું :

"જો ધનજી, તારી એકની એક દીકરી છે, એટલે તારે એના લગનમાં કેટલો ખર્ચ કરવો એ તારી ઇચ્છની વાત છે, પણ તું જો સારું ઘર શોધવાની વાત કરે છે તો એ જવાબદારી મારી બસ. હું મંજુ રાજ કરશે એવું ઘર એના માટે શોધીને લાવીશ."

ધનજી : "વિષ્ણુ, આભાર તારો.. પ… ણ...

ધનજીને વચ્ચે જ રોકતા વિષ્ણુ એ કહ્યું..

"આ પણ બણ હેઠું મુક હવે, અને આજથી જ દીકરીના લગ્નની તૈયારીમાં લાગી જા, જો હું તેના માટે સારું ઘર શોધી લાવીશ પછી તારે શું ચિંતા, અને ઉપર હજાર હાથ વાળો બેઠો છે, એ કઈ ને કઈ મેળ તો કરી જ આપશે, ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને મંજૂના હાથ પીળા કરવાની તૈયારી કરવા માંડ."

ધનજીને વિષ્ણુભાઈની વાત ગળે તો ઉતરી પણ લગ્નમાં કરવામાં આવતા મોટા ખર્ચાથી તે હજુ ઘભરાઈ રહ્યો હતો, પોતે હા કહેવી કે ના એના વિચારમાં જ ઘેરાયેલો હતો, પણ વિષ્ણુભાઈની જીદ સામે ધનજીને ઝુકવું પડ્યું.. વિષ્ણુભાઈ પોતાની વાત ને ચાલુ જ રાખી હતી..

"જો ધનજી, તું વરહ વંટોળની રાહ જોવામાં જ બેસી રહીશ તો કદાચ જે અત્યારે કરી શકીશ એ પણ તારાથી નહિ થઈ શકે, મોંઘવારી દિવસે અને દિવસે વધતી જાય છે, તું આજે લગનમાં જેટલો ખર્ચો કરીશ તેનાથી બમણો તારે બે પાંચ વર્ષ પછી પણ કરવો જ પડશે, અને તારે ક્યાં બીજા કોઈ ખર્ચ આવવાના છે ! તો ચિંતા, દીકરી પરણી ને સાસરે જશે અને ત્યાં સુખેથી રહેશે તો તને પણ હૈયે હાશ વડશે, દરેક બાપ પોતાની દીકરીને સારા ઘરમાં જ જોવા માંગતો હોય છે, અને હું એ ઘર તારા માટે શોધી લાવીશ એની તું ચિંતા ના કર."

વિષ્ણુભાઈના વધુ પડતા દબાણ અને સારા ઘર શોધી આપવાની વાતથી ધનજીનું મન થોડું માની ગયું, અને ધનજી એ વિષ્ણુને હા કહી દીધી. વિષ્ણુએ ઘરેથી વિદાય લેતા પણ કહ્યું કે "હું જલ્દી એક સારું ઘર શોધી અને પાછો આવીશ"

વિષ્ણુના ગયાની એ રાત્રે ધનજીને ઊંઘ ના આવી, થોડી થોડીવારે ઊભા થઈ અને પોતાની દીકરી મંજુ ને જોઈ રહ્યાં હતાં, કાલ સુધી આંગણા માં હસતી રમતી એ મંજુ મોટી થઈ ગઈ છે અને થોડા દિવસમાં જ એ પારકી પણ થઈ જશે, એ વિચારે ધનજીની આંખો ભરાઈ આવી, ધનજીની પત્ની કમળા પણ ધનજીના હાલ પારખી ગઈ હતી, કમળા અભણ હોવા છતાં પણ ધનજીને સુખ દુઃખની સાથી બનીને હંમેશા દરેક પરિસ્થિતિમાં સાથે ઉભી રહી હતી, કમળાના મનમાં પણ સવાલો ચાલી રહ્યા હતા અને એના જવાબ ધનજી પાસે જ હતો, અંતે ના રહેવાતા ધનજી જ્યારે મંજુ પાસે જઈ પોતાની પથારીએ પાછા ફર્યા ત્યારે કમળા એ પૂછી જ લીધું :

"શું થયું છે આજે કેમ બદલાયેલા બદલાયેલા લાગો છો ."

ધનજી આંખોમાં આંસુ સાથે બોલી ઉઠ્યો : "કમળા, આપણી દીકરી મંજુ જોને કેવડી મોટી થઈ ગઈ છે, હું તો હજુ એને નાની છોકરી જ માનતો હતો પણ આજે વિષ્ણુ એ મને સમજાવ્યું કે તારી દીકરી હવે મોટી થઇ ગઈ છે, એને પરણાવી દેવી જોઈએ." વિષ્ણુ સાથે થયેલી વાત ધનજીએ કમળાને કરી અને પાછી એની આંખો છલકાઈ આવી સાથે કમળાની આંખો પણ ભરાઈ આવી હતી.

કમળા : "વાત તો વિષ્ણુભાઈએ સાચી જ કરી છે, આજકાલ જમાનો બહુ ખરાબ થઈ ગયો છે, દીકરીને સાચવવી ખૂબ જ મુશ્કેલ છે, લોકો કેવી કેવી નજરથી જોવે છે. આપણી મંજુ ભલે ગમે એટલી સારી હોય પણ દુનિયા તો એને ખરાબ નજરે જ જોશે, અને વળી આજકાલના લોકો તો અમારા જેવી સ્ત્રીઓ ઉપર નજર બગડ્યા કરે છે તો છોકરીઓ માટે તો કેવી કેવી વાતો કરતા હોય, જો વિષ્ણુભાઈ કોઈ સારું ઠેકાણું ગોતી આપે તો આપણે મંજૂના વિવા પાક્કા કરી નાખીશું."

ધનજી :"હા, મેં પણ વિષ્ણુને સારું ઘર શોધવાનું કહ્યું જ છે, પણ કમળા આ લગનના ખર્ચાને કેમ પુગી વળીશું આપણે ? અત્યાર સુધી ગામના બધા પ્રસંગોમાં આપણને આમંત્રણ મળ્યું છે, બધાનું ખાધું છે તો સામે ખવડાવવું પણ પડશે જ ને ? અને દીકરીને ખાલી હાથે પણ થોડી મોકલાય છે ? કરિયાવરમાં એને પણ દેવું પડશે, સારું ઘર શોધીશું તો સારું આલવું પણ પડે ને ?"

કમળા : "હું જાણું છું કે આપણે એ માટે એટલા સક્ષમ નથી પણ આપણે પાછળ બીજું છે પણ કોણ ? થોડું કરજ લઈ લઈશું, મારી પાસે જે રકમો છે એ વેચી અને નવી કરાવી લઇશું, કઈક ને કઈક મેળ પડી જશે, તમે ચિંતા ના કરો સમય આવે બધું સારું થશે."

કમળાની વાતથી ધનજીને થોડી હૂંફ બંધાઈ. અને થોડીવાર એની પણ આંખ મીંચાઈ.. સવારે એક નવા સાહસ માટે લડવાની તૈયારી કરવાની હતી.

ધનજી સવારે વહેલો ઉઠી ખેતરે પહોંચ્યો, પોતાની પાંચ વિઘા જમીનને જોઈ રહ્યો, બાજુમાં જ પશા પટેલનું ખેતર હતું, પટેલ પણ સવારે મજૂર ને જોવા માટે ખેતરે આવ્યા હતાં, ધનજીના ખેતર પાસે આવી ધનજીને જોતા કહ્યું....

"કેમ ધના આજે આટલો વહેલો ખેતરે આવી ગયો, નવી વાવણી કરવાનું આયોજન કરી રહ્યો છે કે શું ?"

ધનજી : "ના પટેલ, નવી વાવણી તો ક્યાંથી કરવાની જુઓને આ તમાકુના ભાવ પણ નથી આવતા, ના બીજા પાકના ભાવ આવે છે, કરવું તો શું કરવું ? એમાંય આ ઓચિંતા આવતા ખર્ચા, માણસને જીવવા જ નથી દેતા ને !"

પટેલ : "વાત તો તારી સાચી ધના, પણ તારે ક્યાં વળી મોટા ખર્ચા છે તો ચિંતા ?"

ધનજી : "પશાભાઈ, મારી દીકરી હવે મોટી થઈ ગઈ છે, એના લગન લેવાનું વિચારું છું, અને લગન કઈ એમજ થોડા થઈ જાય છે ?"

પટેલ : "ઓહો તો એમ વાત છે એટલે દીકરીના લગનની ચિંતા બાપને ખેતરે ખેંચી લાવી છે એમ ને ?"

ધનજી :"હા, મારી પાસે આ જમીન સિવાય કોઈ બીજી મોટી મૂડી નથી, વિચારું છું, આને ગીરવે મૂકી દઉં. અને એ પૈસાથી દીકરીના લગન કરાવું, ગામનું ખાધું છે એટલે ખવડાવવું તો પડશે"

પટેલ : "ધના, હું જ તારી જમીન રાખી લેતો, પણ તું જાણે છે, મેં હમણાં મારી દીકરીના લગનમાં કેટલો મોટો ખર્ચો કર્યો અને એમાં પણ મારા છોકરાને મેં વિદેશ મોકલ્યો એટલે મારે હમણાં સવલત નથી. પણ હા, તું મનહર માસ્તરને મળી આવ. એ કઈ કરી આપશે."

ધનજી :"આભાર પટેલ તમારો, હું હમણાં જ મનહર માસ્તરને ત્યાં જઈ આવું."

પટેલ પાસેથી રજા લઈ ધનજી સીધો મનહર માસ્તરના ઘરે ગયો. માસ્તર પરવારી અને ઘરની બહાર ઓટલા ઉપર જ બેઠા હતા..

ધનજી : "રામ રામ મનહરભાઈ"

માસ્તર : "ઓહો ધનજી, રામ રામ, આવ આવ બેસ, કેમ સવારમાં આવવું થયું બધું ઠીક તો છે ને ?"

ધનજી : "હા, મનહરભાઈ. ઓણગાર દીકરીના લગન લેવાનું વિચારું છું."

માસ્તર : "લે એ તો બહુ સારું કહેવાય."

ધનજી : "પણ વાત જાણે એમ છે ને કે.... "

માસ્તર : "અરે એમાં મૂંઝાય છે શાનો બોલી દેને.."

ધનજી : "માસ્તર તમે તો જાણો છો, આ બે ત્રણ વરહથી ખેતીમાં કઈ મઝા નથી, અને એમાં પણ આ લગન ગોઠવું છું એટલે થોડી તકલીફ પડે છે, મારુ ખેતર તો તમે જોયું ને પશાપટેલના ખેતરની બાજુવાળું ?"

માસ્તર : "હા. જોયું."

ધનજી : "એને મારે ગીરવે મૂકવું છે, પશાભાઈ સાથે સવારે જ વાત થઈ અને એમને મને કહ્યું કે મનહરભાઈ કરી આપશે.એટલે સીધો તમારી પાસે આવ્યો."

માસ્તર : "કેટલા રૂપિયા જોઈએ છીએ ?"

ધનજીને થોડી હાશ થઈ, માસ્તર તેનું કામ કરી આપશે એવી આશા બંધાઈ અને કહ્યું :

"હજુ એવો અંદાઝો નથી કર્યો કે કેટલા જોઈશે, પણ આ તો પહેલા વાત કરી લેવી સારી."

માસ્તર : "બરાબર, કિયા ગામ નક્કી કર્યું છોડી નું ?"

ધનજી : "હજુ ક્યાંય નથી જોયું, પણ આ જોવાનું થાય એ પહેલાં બધી સગવડ હું મારી રીતે કરી લેવા માંગુ છું, બધું નક્કી થયા પછી એકદમ ક્યાં એકલો એકલો ભાગુ."

માસ્તર :"હા, ઘના હું સમજુ છું તારી હાલત, તું દિલનો ચોખ્ખો માણસ છે એટલે મને કોઈ વાંધો નથી તને પૈસા આપવામાં અને એમાં પણ તું જમીન મૂકે છે મારી પાસે એટલે કોઈ ચિંતા નથી પણ તને કહી દઉં, મારી પાસે પણ મારા ઘરની મૂડી નથી હોતી, બાજુના શહેરમાં મારા એક ઓળખીતા શેઠ છે એ એમના પૈસા મને ફેરવવા માટે આપે છે, હું એમને કહીશ એટલે તારું કામ થઈ જશે, એ પાંચ ટકા વ્યાજ લે છે બધા પાસે પણ તું જમીન પણ મુકીશ એટલે તારી પાસે બે ટકા હું કરવી આપીશ. ચાલશે ?"

ધનજી : "ભલે મનહરભાઈ ચાલશે, એકવાર દીકરી સારા ધરમાં પરણી ને જાય તો મનને ટાઢક વળે. ચાલો હું રજા લઉં"

ધનજી ખુશ થતો પોતાના ઘરે ગયો, કામળાને બધી વાત કરી. મંજૂના લગન પછી કમળા અને ધનજી બે જ રહેવાના હતાં એટલે પાછળ શું થશે એની ચિંતા કરી નહીં, હવે એ વિષ્ણુભાઈ સારા સમાચાર લઈને આવે એની રાહ જોઈ રહ્યા હતા

દસેક દિવસ પછી વિષ્ણુભાઈ ધનજીના ઘરે આવ્યા, ધનજી અને કમળા ખેતરે હતા. મંજુ બહાર રમી રહી હતી.

વિષ્ણુભાઈ : "ક્યાં ગયા છોડી તારા બાપા?"

મંજુ : "એ ખેતરે છે, હું બોલાવી લાવું તમે બેસો કાકા."

વિષ્ણુભાઈ : "ભલે. ઝટ જા, અને કે જે વિષ્ણુકાકા આવ્યા છે."

મંજુ દોડતી ખેતરમાં ગઈ અને ધનજીને સમાચાર આપ્યા, ધનજી પણ હરખાતો હરખાતો ઘરે આવવા નીકળ્યો, કમળા અને મંજુ પણ પાછળ પાછળ આવવા લાગ્યા.

ધનજી : "આવ આવ વિષ્ણુ, અમે તારી જ કેટલાય દિવસથી રાહ જોતા હતાં."

વિષ્ણુ : "હા, મેં તને કહ્યું હતું ને કે હું સારું ઘર શોધીને જલ્દી આવીશ, મેં મંજુ માટે એક સારું ઘર શોધી લીધું છે, અમારી બાજુનું જ ગામ રામનગર. વિસ વીંઘા જમીન અને એકનો એક છોકરો છે, વળી પોતાનો કૂવો અને ટ્રેકટર પણ પોતાનું છે, મારી બાજુવાળાના માસીનું ઘર જ છે, મેં મંજુની વાત તારા ભાભીને કરી અને તારા ભાભીએ બાજુના ઘરે વાત કરી તો એમને સામે ચાલી ને કહ્યું, હું અને તારા ભાભી એમનું ઘર જોઈ આવ્યા, અમને તો બહુ ગમ્યું, છોકરો પણ સારો છે, મંજુ અને એ છોકરાની જોડી જામશે."

ધનજી : "આનાથી રૂડું શું જોઈએ આપણે. મારી મંજુ સુખેથી રહે એવી જ મારી ઈચ્છા છે."

વિષ્ણુ : "તું કહું ત્યારે આપણે જઈ અને જોઈ આવીએ, સાકરના કરી અને સાવ રૂપિયો પણ આપી દઈશું તને ગમશે તો."

ધનજી : "તે જોયું છે તો ખોટું તો ના જ હોય, તું કહું ત્યારે આપણે જઈ અને નક્કી કરી આવીશું."

વિષ્ણુ :"મને તો બધી રીતે સારું લાગે છે, મોડું કરવામાં કદાચ આ છોકરો નીકળી ના જાય એનું પણ ધ્યાન રાખવું પડશે, એટલે જેમ બને તેમ જલ્દી જઈએ એજ સારું, તું કહું તો આજે જ જઈ આવીએ."

ધનજી :"હા, ચાલો મારે કઈ કામ નથી, તો આજે જ જઈ આવીએ."

કમળા પણ દરવાજા પાસે ઉભી રહી બધી વાત સાંભળી હાશકારો લઈ રહી હતી. ધનજી વિષ્ણુની મોટરસાઇકલ ઉપર રામનગર જવા નીકળ્યા, છોકરાનું ઘર અને છોકરો જોયો, ધનજીને લાગ્યું કે અહીંયા મંજુને કોઈ તકલીફ નહીં થાય, એટલે એને ત્યાં હા કહી, અને છોકરા વાળાને પોતાના ઘરે આવી મંજુને જોવા આમંત્રણ આપ્યું.એ લોકોએ પણ બીજા જ દિવસે આવવાની વાત કરી.

પાછા ઘરે આવી ધનજીએ વિષ્ણુનો આભાર માન્યો, અને કાલે છોકરા વાળા આવે ત્યારે આવવા માટે કહ્યું.

કમળા અને ધનજી મંજુને સારું ઘર મળ્યું છે એ વિચારી મનોમન ખુશ હતા, બીજા દિવસે છોકરા વાળા આવ્યા, એમને પણ મંજુ ગમી, એમના તરફથી પણ હા આવી. એ લોકો એ બધું નક્કી કરી વિદાય લીધી.

થોડા દિવસોમાં લગનની તારીખ પણ નક્કી કરવામાં આવી, ધનજીએ લગ્નનો હિસાબ કર્યો અને અંદાજે ચાર લાખ જેવા ખર્ચની ગણતરી થઈ. મનહર માસ્તરના ઘરે ગયો અને તેને માસ્તરને પાંચ લાખ માટે કહ્યું, માસ્તરે ધનજીને નકલ લઈ અને બે દિવસ પછી વકીલને ત્યાં આવવા કહ્યું, ધનજી કાગળિયા લઈ અને વકીલની ઓફિસે પહોંચી ગયો, વકીલે તેને સ્ટેમ્પ ઉપર લખેલી વિગતો વાંચી ને સંભળાવી, અને ત્યારબાદ ધનજી એ શરતોને માન્ય રાખી પોતાનો અંગુઠો લગાવ્યો. બે ટકા લેખે છ મહિનાનું સાહિઠ હજાર વ્યાજ પહેલા જ કાપી લેવામાં આવ્યું.

એક જ મહિનામાં ધનજીએ ધામ ધૂમથી દીકરીની વિદાય કરી, વિદાય સમયે ધનજી અને કમળા ખૂબ રડ્યા, જમણવારમાં પણ આખા ગામમાં વાહ વાહ થઈ, દીકરીને ઘરવખરીના સામાનમાં ઘણું બધું આપ્યું, સાથે જમાઈને મોટરસાઇકલ અને બે તોલાની વીંટી પણ કરવી આપી.

લગ્ન પૂરું થતા ધનજી પાસે માંડ ત્રીસ હજાર જેવા બચ્યા હતા. વિષ્ણુભાઈએ પણ ધનજીને આશ્વાસન આપ્યું કે બધું થઈ જશે.

દીકરીના લગ્નમાં ખર્ચ કર્યા બાદ હવે ધનજી પાસે ના તો જમીન રહી હતી ના કોઈ આવકનું સાધન, એટલે કમળા અને ધનજી બંને મજૂરીએ જતાં, અને એમનું ગુજરાન ચલાવતા, વ્યાજના ઘોડા માથે ચઢી રહ્યાં હતાં, મનહર માસ્તર પાસે જમીન ગીરવે હતી એટલે એમને કોઈ પ્રશ્ન ન હતો કરજ તો ધનજીના માથે જ આવતું હતું, મંજુ એના સાસરે સુખી હતી એમને એમ સમય વીતતો ગયો, મંજૂને સારા દિવસો પણ શરૂ થયા, અને એની સુવાવડ માટે કમળા અને ધનજી એને પોતાના ઘરે લઈ આવ્યા, ત્યાં એને દેખરેખમાં ખર્ચો વધ્યો, અને ધનજી બીજા પચાસ હજાર મનહર માસ્તર પાસેથી લઈ આવ્યો. મંજુએ દીકરાને જન્મ આપ્યો એની ખુશી પરિવારમાં હતી, મંજૂના સાસરીવાળા પણ અવાર નવાર મંજુની ખબર કાઢવા માટે ધનજીના ઘરે આવતા, અને એમને ખાલી હાથે તો જવા ના દેવાય એ માટે ધનજી દર વખતે એમને કઈ ને કઈ આપતો. મંજૂના આણું કરવાના સમયે પણ ધનજી માસ્તર પાસેથી એક લાખ લઈ આવ્યો, અને ધામધૂમથી આણું પણ કર્યું.

ધનજી પાસે દૂર દૂર સુધી જમીન પાછી મેળવવાની કોઈ આશા હતી નહિ, સમય પણ વધુ વીતી ગયો હોવાના કારણે મનહર માસ્તર પણ હવે વારેવારે ધનજીને ઠપકો આપી રહ્યાં હતાં, બે વર્ષ.. ત્રણ વર્ષ એમને એમ વીતતા ગયા, વ્યાજની રકમ મૂડીની બરાબરી કરવા જઈ રહી હતી. પણ હવે કઈ થઈ શકે એમ નહોતું, મનહર માસ્તરે એકવાર ધનજીને ગામ વચ્ચે ખખડાવીને કહી દીધું, કે "બે મહિનામાં મારા પૈસા વ્યાજ સાથે પાછા જોઈએ નહીં તો તારું ઘર પણ તારે મારા નામે કરી દેવું પડશે."

એ રાત્રે ધનજી અને કમળા ખૂબ જ રડ્યા, પણ બીજું કંઈ થઈ શકે એમ નહોતું, જમીન વેચવા છતાં પણ મનહર માસ્તરની રકમ પુરી થાય એમ નહોતું, દીકરીના લગ્ન કરવા માટે લીધેલ કરજ આજે માથા ઉપર આવીને ઊભું હતું, ઘર પણ ખોવાનો વખત આવે એમ થઈ રહ્યું હતું, એ રાત્રે કમળા એ કહ્યું :

"આપણે આખું જીવન મજૂરી કરી અને કાઢી નાખીશું, આ ઘર જમીન કઈ નહીં રહે તો પણ વાંધો નથી, આપણા બે માણહ ને વળી જોઈએ કેટલું ? પણ કાલ ઉઠીને મંજૂના ઘરે કોઈ પ્રસંગ આવે, તો એમ જ થોડી ચાલ્યું જવાય ?"

ધનજી : "હા, મને એજ ચિંતા કોરી ખાય છે, શું કરવું એ કઈ ખબર નથી પડતી, કેટલીકવાર તો એમ થાય છે કે મારો જીવ આપી દઉં, પણ મને તારો વિચાર આવે છે કમળા એટલે હું રોકાઈ જાવ છું."

કમળા : "હું પણ સમજુ છું તમારી હાલત, તમે કેવા હતાં અને કેવા થઈ ગયા, ભગવાન પણ બીજો કોઈ રસ્તો દેખાડતું નથી."

એ રાત્રે મોડા સુધી કમળા અને ધનજી રડતાં રહ્યાં, માસ્તરને શું જવાબ આપવો ? પૈસા ક્યાંથી લાવવા ? એનો કોઈ રસ્તો મળી રહ્યો નહોતો, અંતે કમળા અને ધનજીએ ભેગા મળી મોતને વહાલું કરવાનું નક્કી કર્યું, પશા પટેલના ખેતરમાં દવા નાખવા માટે પટેલ સાંજે જ દવા આપી ગયા હતા, એ બોટલ ઘરમાં જ હતી, બંને એ દવા પી અને એક બીજાને આલિંગન આપી ક્યારેય ના ઊઠી શકાય એવી ઊંઘમાં સુઈ ગયા.....

લે.

નીરવ પટેલ "શ્યામ"