સૈનિકના નામની અગરબત્તી Alpesh Karena દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

શ્રેણી
શેયર કરો

સૈનિકના નામની અગરબત્તી

એક વાત સૌ પ્રથમ તમને જણાવવી રહી કે, હું એવું બિલકુલ નથી માનતો કે અગરબત્તી એ ભક્તિ કે શ્રદ્ધાનું પ્રમાણ છે. કારણ કે, ૨૪ કલાક ભગવાનને અગરબત્તી કરતો અને ભગવાનની સમીપે રેહતો પૂજારી એક દેહ વ્યાપાર કરતી મહિલા કરતા હલકા અંતરાત્માનો માણસ હોય શકે ( શૈલેષ સગપરીયા ). બાકી કોઈ મહાપુરુષે ખૂબ સાચું કહ્યું છે કે, ભગવાન"ને" માનનારા અહીં કરોડો લોકોના ધણ મળી જશે પણ ભગવાન"નું" માનનારા આંગળીના વેઢે ગણી શકાય એટલે મુંડા પણ મળવા મુશ્કેલ છે. ખેર, આજે વાત કરવી છે એક એવા દાદાની કે, જેઓ વર્ષોથી પોતાના ઘરે રોજ સૈનિકના નામની અલગથી એક અગરબત્તી કરે છે.

સાંજના ૧૦ વાગ્યા આજુબાજુ એક મિત્રનો કોલ આવ્યો. સ્વાભાવિક છે શિયાળો છે એટલે હું ગોદડામાં ઘૂસીને ફોનમાં ઘૂકા મારતો હતો. તેણીએ કહ્યું કે, અલ્પેશ મારો ઓર્ડર પતી ગયો અને ખૂબ ભૂખ લાગી તો આપણે સબ-વેમાં જઈએ, તમે હોસ્ટેલ નીચે આવીને ઊભા રહો હું ૧૦ મિનિટમાં લેવા આવું છું. હું રૂમમાંથી બહાર નીકળીને ઠુઠવાતો ઠુઠવાતો હોસ્ટેલ ગેટ પાસે જતો રહ્યો. એ પણ સમયસર આવી ગઈ અને પોહચી ગયા સબ-વે...

હું ટેબલ પર બેઠો અને એ જમવાનું ઓર્ડર કરી રાહ જોતી હતી. એવામાં એક દાદા ટેબલ સાફ કરવા આવ્યા. મારી આદત પ્રમાણે હું બે ઘડી ચૂપ ન બેસી શકું.
હળવેથી દાદાને પૂછ્યું- ગુજરાતના જ કે બહારના.
દાદા:- ના બેટા, હું તો રાજસ્થાનનો છું.
હું:- કેટલા વર્ષથી અહીં છો?
દાદા:- ૮ વર્ષથી, પેહલા રાજકોટ એક હોટેલમાં સાફ સફાઈનું કામ કરતો અને હવે છેલ્લા બે વર્ષથી અહીં અમદાવાદ છું.
હું:- પરિવાર સાથે કે પછી મારી જેમ એકલા અઠુલા?
દાદા: પરિવાર છે પણ બધા રાજસ્થાન. હું તો અહીં સબ-વેમાં જ સૂઈ જાવ અને ઊઠીને કામ ચાલું.
હું:- પરિવારમાં કોણ કોણ છે?
દાદા:- બે દીકરા છે. એક માર્બલની કંપનીમાં નોકરી કરે છે અને બીજો બીજાને ત્યાં કામ કરવા જાય છે.

હું હજુ એના જવાબ સાંભળીને માથું ધુણાવતો હતો બરાબર ત્યારે જ મારા ફોનની રીંગ વાગી. મારામાં અક્ષય કુમારની ફિલ્મ કેસરીનું 'તેરી મિટ્ટી' સોંગ છે. ફોન પર મારી વાત પતી ગઈ એટલે દાદાએ મને કહ્યું:- આ ફોનમાં રીંગટોન સાંભળીને એવું લાગ્યું કે આર્મીના જવાનો પ્રત્યે માન સન્માન લાગે.

હું:- ના રે ના દાદા, એક ગીત રાખવાથી કઈ દેશભક્તિ થોડી સાબિત થઈ જવાની છે.
દાદા:- કોઈ વસ્તુથી સાબિત થાય કે થાય એ બે નંબરની વાત છે, પણ આપણે એમના માન માટે કંઇક કરવું એ આપણી ફરજ બને.
હું:- એ વાત સાચી દાદા, પણ સવારે ઊઠીને નોકરી અને નોકરીથી ઘરે. એ વચ્ચે દેશભક્તિનો સમય ક્યાંથી કાઢવો?
દાદા:- તારી વાત માનું છું હું, પરિવારની જવાબદારી અને બીજું પણ ઘણું બધું નડે. પરંતુ આપણે એ જવાનોના કામની કદર તો કરી શકીએ ને?
હું:- હા દાદા હું પણ શક્ય થાય એટલી રિસ્પેકટ રાખું છું.
દાદા:- મારા ભાઈનો છોકરો ભત્રીજો આર્મીમાં છે.
હું:- વાહ વાહ, તો તમે કેમ તમારા છોકરાને ના મોકલ્યા?
દાદા:- મે ખૂબ કીધુ. પણ એ બેમાંથી એકેય ના ગયા. આજના છોકરા બાપના કહ્યામાં ક્યા રહ્યા છે હવે.
હું:- હા દાદા વાત તો સાચી. મને પણ ક્યારેક પપ્પાની વાત માનવામાં ઈગો આડે આવે છે.
દાદા:- પણ દીકરા હું સૈનિકની ખૂબ કદર કરુ છું. મને એ લોકો પ્રત્યે ખૂબ માન.
હું મનમાં વિચાર કરું કે એવું તો દાદા શું કરતા હશે એટલે રેહવાયું નહીં અને દાદાને ખોટું નહીં લાગે એવું મનોમન ધારીને સવાલ પૂછી જ નાખ્યો.
હું:- દાદા તમે ખોટું ના લગાડતા પણ હું જાણી શકું કે તમે કંઈ રીતે કદર કરો છો.
દાદા:- હું વર્ષોથી સૈનિકના નામની એક અલગથી અગરબત્તી કરું છું.
હું:- કઈ ખાસ કારણ?
દાદા:- ભગવાનમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે, આપણું જ્યારે કોઈ નઈ હોય ત્યારે ભગવાન ભલું કરશે. તો એ જ રીતે આર્મીના જવાનો પણ આપણી રક્ષા કરે છે અને રોજ કરે છે. તો ભગવાનની સાથે સાથે રોજ હું એને પણ આ રીતે યાદ કરી લવ છું.

ત્યારે મને અગરબત્તી કોઈ પ્રમાણ છે કે નહીં એ વિચાર ન આવ્યો. બસ એટલું જ મનમાં થયું કે, રોજ આ રીતે સૈનિકને યાદ કરીને માન સન્માન આપવું એ જ મોટી વાત છે. આવો વિચાર જ કાકાને મહાન બનાવે છે...

જય હિન્દ
જય ભારત

-અલ્પેશ કારેણા.