અર્ધ અસત્ય. - 63 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 63

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૩

પ્રવીણ પીઠડીયા

જબરજસ્ત આઘાતથી કુસુમદેવીની આંખો ફાટી પડી. તેમનો હાથ અનાયાસે જ તેમના પેટ ઉપર ચંપાયો. હાથની હથેળીઓમાં ગરમા-ગરમ ચીકણાં લોહીનો સ્પર્શ થયો અને તેઓ ઢગલો થઇને ત્યાં જ પડી ગયા. આંખનો પલકારો ઝબકે એટલી ઝડપે એ ઘટના બની હતી. તેઓ ભયંકર ક્રોધથી કાંપતાં બાપુની દિશામાં આગળ વધ્યાં જ હતા કે અચાનક બાપુએ ઝનૂનમાં આવીને ફાયર કરી દીધો હતો. ગોળી સીધી જ તેમના પેટમાં ખૂંપી ગઇ અને ત્યાંથી લોહીનો ફૂવારો વછૂટયો હતો. તેમણે ભયંકર આઘાતથી બાપુ સામું જોયું. એ નજરોમાં દુનિયાભરનું આશ્વર્ય સમાયેલું હતું. બાપુ આવું કંઇક કરશે એ વિશ્વાસ તેમને થયો નહી.

બેડરૂમમાં જબરજસ્ત આતંક ફેલાયો હતો. બે-બે વ્યક્તિઓ લોહી-લૂહાણ હાલતમાં બેડરૂમની ફર્શ ઉપર પડી હતી અને તેમના લોહીથી આખી ફર્શ રંગાઇ ગઇ હતી. બાપુ ક્રોધથી થરથર કાંપતા હતા. તેમની આંખોમાં હિંસક ચમક છવાયેલી હતી. તેમના મસ્તિષ્ક્યમાં વિસ્ફોટોની હારમાળા સર્જાઇ હતી. લોહી જોઇને તેમની પાશવી પ્રકૃતી એકાએક જાગ્રત થઇ ઉઠી હતી. તેઓ હવે કોઇના રોકવાથી રોકાવાનાં નહોતાં કારણ કે તેઓ ખુદ પોતાના જ વશમાં રહ્યાં નહોતાં. વર્ષોથી દબાયેલી તેમની પર-પીડનની વૃત્તિએ આજે ફરી પાછો ઉછાળો માર્યો હતો. લોકોને તડપતાં… પોતાના હાથે કચડાતાં જોવાની ઇચ્છાએ ફરી જોર પકડયું હતું. તેમણે એક નજર ફર્શ પર તડપતાં અભય અને કુસુમદેવી ઉપર ફેંકી અને પછી એ જ હાલતમાં ધસમસતાં તેઓ બેડરૂમની બહાર નીકળી ગયા. તેમણે દરવાજા પાસે ફસડાઇ પડેલી વૈદેહી સામું નજર નાંખવાની તસ્દી સૃધ્ધાં લીધી નહી અને ધમાધમ કરતાં દાદરો ઉતરીને હવેલીમાંથી બહાર નીકળી ગયા હતા. તેમની પાછળ બેડરૂમમાં ભયંકર સન્નાટો છવાયો, એ સન્નાટામાં ઘાયલ અભય અને કુસુમદેવીનાં ઉંહકારા ભળતાં રહ્યાં હતા.

વૈદેહીસિંહ તો સાવ ધરબાઈ જ ગયા હતા. કેટલાં વર્ષો તેમણે ખામોશીથી પસાર કરી નાંખ્યાં હતા, કારણ કે તેમને ખબર હતી કે જ્યારે તેઓ રાજગઢનું રહસ્ય કોઇની સમક્ષ ઉજાગર કરશે ત્યારે એ દિવસે જ રાજગઢનાં રાજ-પરિવારનું પતન થશે. એટલે જ તેમણે પોતાના સગ્ગા ભાઈની કાળી કરતૂતો દુનિયાથી છૂપાવીને રાખી હતી. પરંતુ ખબર નહી કોણ જાણે ક્યાંથી અભય નામનો એક યુવાન અચાનક રાજગઢમાં આવી ચઢયો હતો અને તેણે રાજ-પરિવારનાં જખ્મોને… તેના ભૂતકાળને ખોતરવાનું શરૂ કર્યું હતું. એ સમયે જ તેઓ થડકી ઉઠયા હતા અને તેમને આવનારી તબાહીનાં એંધાણ વર્તાવા લાગ્યાં હતા. એનું પરિણામ અત્યારે તેમની નજરો સમક્ષ તાદઁશ્ય હતું.

તેમણે બેડરૂમમાં નજર નાંખી. અંદરનું દ્રશ્ય હદય વલોવી નાખનારું હતું. તેમના પગથી થોડે જ દૂર કુસુમદેવી ચત્તાપાટ પડયાં હતા. તેમના પેટમાંથી લોહી વહેતું હતું. વારેવારે તેમનું શરીર ઝટકા ખાતું હતું અને તેમની ડોક દરવાજા તરફ ખેંચાતી હતી. એ ચેષ્ઠાથી વૈદેહીને એવું લાગ્યું કે જાણે તેઓ માથું ઉંચું કરીને તેમને પાસે બોલાવે છે. તેઓ ઝડપથી કુસુમદેવીની નજદિક પહોંચ્યાં. કુસુમદેવીનો શ્વાસ તેમનાં જ ગળામાં અટવાઇ પડયો હોય એમ ડચકાં ખાઇ રહ્યો હતો. તેમની આંખો બૂઝાતી જતી હતી. પેટની બરાબર મધ્યમાં, નાભી પાસે તેમને ગોળી વાગી હતી. તેમાથી રહી-રહીને લોહી ઉભરાતું હતું. સ્પષ્ટ જણાઇ આવતું હતું કે તેઓ બચશે નહી. તેમણે વૈદેહીને નજીક આવતાં જોઇને ડોક થોડીક ઉંચી કરી. વૈદેહીની આંખોમાં આસું ઉભરાયાં. તરત નીચે બેસીને તેણે કુસુમદેવીનું માથું પોતાનાં ખોળામાં લીધું.

“બાપુ… બાપુને… રોકો… બાપુ… રોકો. એ શયતાન… છે. રોકો… તેને…” કુસુમદેવીનો સ્વર ફાટતો હતો. તેઓ સરખું બોલી પણ શકતાં નહોતા. તેઓ ઈશારાથી સમજાવવા માંગતાં હતા કે બાપુને અટકાવો. વૈદેહીસિંહ તો એટલા ધરબાઇ ગયાં હતા કે તેમને કંઇ સમજ પડતી નહોતી કે તેઓ શું કરે? કોને સંભાળે અને કોની વાત સાંભળે? અહી ખેલાયેલા લોહિળાય ખેલમાં તેઓ અટવાઇ પડયાં હતા. ઘણી વખત આવું થતું હોય છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ્યારે મગજ બહેર મારી જાય ત્યારે કશું જ સૂઝતું હોતું નથી. વૈદેહીસિંહની હાલત પણ અત્યારે એવી જ હતી.

પરંતુ અભયનું એવું નહોતું. ક્ષણભરનાં આઘાત બાદ તે થોડો સ્વસ્થ થયો હતો. કુસુમદેવીનાં શબ્દો તેના કાને પડયાં હતા અને રીતસરનો તે ચોંકયો હતો. તેના મનમાં એકાએક જ ધમધમાટ વ્યાપ્યો. એ શબ્દોનો મતલબ ન સમજે એટલો તે નાદાન નહોતો જ. વિષ્ણુંબાપુ હમણાં જ કમરાની બહાર નીકળ્યાં હતા. એક રીતે તો એ સારી વાત હતી કારણ કે તેમના માથેથી ખતરો ટળ્યો હતો. તો પછી કુસુમદેવી તેમને અટકાવવાનું શું કામ કહેતાં હતા? તેનું માથું એ વાત ઉપર ઠનકયું હતું અને તે પોતાને થતી બધી પીડાને ભૂલીને તેમની તરફ સરક્યો હતો.

તેનાં મનમાં ભયાનક વિચારો ઉદભવતાં હતા. એકાએક તેને ઘટનાની ગંભીરતાનો અંદાજ આવ્યો હતો. ક્યાંક બાપુ બીજા કોઇને મારવાં તો નહોતા નીકળ્યાં ને? કોણ હોઇ શકે એ બીજું? માયગોડ, ક્યાંક એ અનંત તો નહી હોય ને? તે થડકી ઉઠયો. ચોક્કસ એ અનંત જ હોવો જોઇએ. આ વિચાર તેને પહેલા કેમ ન ઉદભવ્યો, કેમ તેણે એ વિશે વિચાર્યું જ નહોતું? ડેમ ઇટ. વૈદેહીસિંહ જ્યારે બાપુની કરતૂતોનાં વૃતાંત આપતાં હતા ત્યારે જ તેણે સમજી જવાની જરૂર હતી કે ચોક્કસ અનંત વિષ્ણુંબાપુની ગિરફ્તમાં જ હોવો જોઇએ. અભયને પોતાની જ મૂર્ખામી ઉપર ખીજ ચડી. પરંતુ હવે તે મોડું કરવા માંગતો નહોતો. તેને પોતાના જખ્મોની ચિંતા નહોતી. તેને ખ્યાલ આવ્યો હતો કે તેને વાગેલી ગોળીએ તેના શરીરમાં વધું ડેમેજ કર્યું નથી. મરી જાય એટલું તો નહીં જ. ગોળી તેના ખભાનાં માંસલ ભાગમાં વાગી હતી. એનાથી તેના સ્નાયુંઓ ડેમેજ જરૂર થયાં હતા પરંતું ખભાનું હાડકું સલામત બચ્યું હતું. એ તેના માટે ફાયદાકારક બાબત હતી.

તે એક બહાદૂર પોલીસ અફસર હતો. આવાં જખ્મો તો તેની ડ્યૂટીનો એક ભાગ હતા. અરે તેણે પોતાની ફરજ દરમ્યાન હાથ, પગ કે શરીરનું એકા’દ અંગ કપાઇ ગયું હોય તો પણ માત્ર ને માત્ર મજબૂત મનોબળનાં આધારે લડતાં બહાદુર સૈનિકોને જોયા હતા. માથું ખાંડાની ધારે રાખીને દુશ્મનોનાં ભૂક્કા બોલાવતાં મરહટ્ટા જાંબાજોની કહાનીઓ સાંભળી હતી. તેની સામે તો આ ગોળીનો ઝખમ સાવ નગણ્ય હતો. આટલાંથી તે ડરી જાય એવો સામાન્ય વ્યક્તિ નહોતો. તેણે પોતાના ખભા તરફ જોયું. ગોળી ખભાની અંદર જ ક્યાંક સલવાયેલી હતી પરંતુ અત્યારે એ તેને સહેજે કનડતી નહોતી. વળી ઘાવ એટલો ગંભીર પણ જણાતો નહોતો કે તે મરી જાય. હાં, ઘાવમાંથી વહેતું લોહી બંધ કરવાની તાતી જરૂર હતી નહિંતર વધું લોહી વહી જવાથી બેહોશ બની જવાનો ખતરો હતો. તેણે રૂમમાં નજર ઘૂમાવી. બાપુનાં પલંગ ઉપર મુલાયમ રૂ ભરેલી એક ચાદર પડી હતી. ઝડપથી એ ચાદર તેણે ઉઠાવી હતી અને તેમાથી એક નાનકડો ટૂકડો ફાડયો હતો. તે બેડરૂમનાં અટેચ બાથરૂમમાં જઇને તેને પલાળી આવ્યો. એ પલળેલાં ટૂકડાને ઘાવ ઉપર દબાવ્યો અને દાંત ભિંસીને તેને ઘાવની અંદર ઘૂસાડી દીધો. એવું કરવામાં તેની આંખે અંધારા આવી ગયા હતા પરંતુ આખરે તે કામિયાબ નીવડયો હતો. ભીનું રૂં ઘાવની અંદર જવાથી લોહી વહેતું અટકયું હતું. પછી ફરીથી તેણે એક લાંબો ટૂકડો ફાડયો હતો અને તેને પણ ભિનો કરીને ખભા ઉપર ગોળ વિંટી દીધો હતો. તેને ખરેખર જબરી રાહત થઇ. હવે તેણે ઝડપ કરવી પડે એમ હતી. તે કુસુમદેવી પાસે આવ્યો એ સમયે એમનાં શ્વાસ ખૂટવાની તૈયારીમાં હતા.

“બાપુ ક્યાં ગયા છે?” તેણે સપાટ શ્વરમાં પૂછયું.

“ઘોડાર… ભોયરું… મોટા બાપુ… ઘોડાર… હવેલી… જલદી. તું… તું… જા.” કુસુમદેવીનો અવાજ ડચકાં ખાતો હતો. અભયે ગઇરાત્રે જ વૈદેહીબાનાં મુખે ઘોડાર વિશે સાંભળ્યું હતું. એના ઉપરથી તેને અંદાજ આવી ગયો હતો કે કુસુમદેવી શું કહેવા માંગે છે. મોટા બાપુ, એટલે કે પૃથ્વીસિંહજીની હવેલી પાછળ જે ઘોડાર હતું તેમાં કદાચ કોઇ ભોયરું હશે. વિષ્ણુંબાપુ અત્યારે એ ભોંયરા તરફ જ ગયા હોવા જોઇએ. એનો મતલબ સાફ હતો કે એ ભોંયરામાં કોઇક હતું જેને ખતમ કરવાનાં આશયથી બાપુ એ તરફ ગયાં હતા. એ કોણ હોઇ શકે એ હવે અભયને કહેવાની જરૂર નહોતી. તે બેડરૂમની બહાર તરફ દોડયો. દરવાજે પહોંચીને એકાએક અટકયો અને પાછું વળીને તેણે વૈદેહીસિંહ તરફ જોયું.

“તમે આવો છો બા?” તેણે પૂછયું. વૈદેહીબાનું અત્યારે તેની સાથે હોવું જરૂરી હતું. તેઓ વિષ્ણુંસિંહની કમજોર કડી હતાં.

“નહીં અભય, તું જા. હું અહીં જ રહીશ. ભાભીને મારી જરૂર છે.” સાવ નંખાઇ ગયેલા અવાજે તેઓ બોલ્યાં. તેમને બધું રસાતાળ તરફ ધસતું દેખાતું હતું. રાજગઢ ઉપર એકાએક કોઇ કાળો ઓછાયો મંડરાવા લાગ્યો હોય એમ માયૂસીનાં વાદળો મંડરાવા લાગ્યાં હતા.

“તમારું સાથે આવવું જરૂરી છે બા. વિષ્ણુંબાપુને આજે ફક્ત તમે જ રોકી શકશો.” વહેતી જતી એક-એક સેકન્ડ કિંમતી હતી છતાં તે કોઇ અજીબ વાર્તાલાપમાં પરોવાયો હોય એમ થોભ્યો હતો. વૈદેહીબાએ મોટો જબરો નિસાસો નાંખ્યો.

“જાણું છું. પણ ભાભીને આવી હાલતમાં છોડીને હું કેવી રીતે આવી શકું?” સચ્ચાઈ તેમને ખબર હતી કે કુસુમદેવી તેમનાં આખરી શ્વાસોશ્વાસ ગણી રહ્યાં છે છતાં તેમને એક આશ હતી કે તેઓ ગમેતેમ કરીને તેમને બચાવી લેશે. અભય કંઇ બોલ્યો નહી. એક આખરી નજર વૈદેહીબા ઉપર નાંખીને તે હવેલીના દાદર ઉતરી ગયો.

@@@

રાજગઢની શેરીઓ પાણીથી ઉભરાવાં લાગી હતી. ઘોર અંધકાર મઢયાં કાળા ડિબાંગ વાદળો આજે સમગ્ર રાજગઢને પાણીમાં ડૂબાડી દેવા માંગતાં હોય એમ અનરાધાર વરસી રહ્યાં હતા. આ હવેલીઓ થોડા ઉંચાણવાળા વિસ્તારમાં હતી તેમ છતાં અહીં પણ પાણી ભરાવાં લાગ્યું હતું. હવેલીઓની સામે જ બનેલાં બગીચાનું સુંદર તળાવ પણ છલકાવાની તૈયારીમાં જ હતું.

અભય વિષ્ણુંબાપુની હવેલીનાં પોર્ચમાં આવ્યો. પોર્ચમાં તેઓ જેમાં આવ્યાં હતા એ રોલ્સ રોયસ પડી હતી. વૈદેહીબા પાસેથી ચાવી પહેલેથી જ તેણે લઇ લીધી હતી. તે ઝડપથી કારમાં ગોઠવાયો અને કારને પૃથ્વીસિંહજીની હવેલીની દિશામાં ભગાવી મૂકી. કોઇ અનહોની ઘટના બનવાનો સંકેત આપતી હોય એમ આકાશમાં ભયંકર ગર્જનાઓ સાથે વીજળીઓ કડકતી હતી. કાળા ઘનઘોર વાદળો વચ્ચે સફેદ લીસોટારૂપે ચમકતી વીજળીઓ અભયનાં દિલમાં અજીબ સ્પંદનો પેદા કરતી હતી. તેને અનંતની ફિકર હતી. જો તેને કંઇ થયું તો તે પોતાની જાતને ક્યારેય માફ કરી શકવાનો નહોતો.

ગણતરીની ચંદ મિનિટોમાં તે પૃથ્વીસિંહજીની હવેલીના મૂખ્ય ગેટ પાસે આવી પહોંચ્યો. હવેલીનો લોખંડનો મૂખ્ય ગેટ ખૂલ્લો જ હતો અને છેક અંદર એક કાર ઉભેલી તેને દેખાતી હતી. મતલબ કે કુસુમદેવીએ જે કહ્યું હતું એ સત્ય હતું. વિષ્ણુંબાપુ અહીં જ આવ્યાં હોવા જોઇએ. તેણે કંઇ જ વિચાર્યા વગર કારને ગેટની અંદર લીધી હતી અને વિષ્ણુંબાપુની કાર પડી હતી તેની બાજુમાં લાવીને થોભાવી હતી. ભયંકર ઝડપે તે નીચે ઉતર્યો અને હવેલીની પાછળ તરફ જવાનાં રસ્તે દોડયો. પાછળ ઘોડારમાં જવા માટે તેણે હવેલીનો આખો ગોળ ચકરાવો ફરવો પડે તેમ હતો. તે હવેલીની અંદર થઇને પણ ઘોડાર તરફ જઇ શકે તેમ હતો પરંતુ એવું કરવામાં અંદર જ અટવાઇ પડવાનું જોખમ હતું એટલે તેણે ચકરાવો ફરવો જ બહેતર માન્યું.

એ સમયે તેને ખબર નહોતી કે બાપુ હવેલીની અંદર થઇને ક્યારનાં ઘોડારમાં પહોંચી ચૂકયાં હતા.

(ક્રમશઃ)