અર્ધ અસત્ય. - 64 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 64

અર્ધ અસત્ય.

પ્રકરણ-૬૪

પ્રવીણ પીઠડીયા

સમયનો માર ખાઇ-ખાઇને પૃથ્વીસિંહજીની હવેલી ખંડેરમાં તબદિલ થઇ ચૂકી હતી. જ્યારે હવેલીની આ હાલત હોય તો તેની પાછળ બનેલાં ઘોડારનું તો પૂછવું જ શું? હવેલી જીવંત હતી અને પૃથ્વીસિંહજી કારભાર સંભાળતાં હતા એ સમયે જ આ જગ્યાને સાવ નધણિયાત છોડી દેવાઇ હતી. તેને કારણે એ એકલા અટૂલા અને જર્જરીત બનેલાં ઘોડરમાં મનહૂસિયત પ્રસરી ચૂકી હતી. રાજગઢનાં લોકોએ તો આ તરફ આવવાનું લગભગ બંધ જ કરી દીધું હતું કારણ કે હવે આ સંપૂર્ણ વિસ્તાર ઉપર જંગલે પોતાનો કબ્જો જમાવી દીધો હતો. ચારેકોર આડેધડ ઉગી નીકળેલાં ઝાડી ઝાંખરાઓ અને વૃક્ષોએ હવેલી અને તેની પાછળ અડધો કિલોમિટર દૂર આવેલાં ઘોડારને જાણે રીતસરનાં બાનમાં લીધા હોય એમ બધું ઘેઘૂર વનમાં તબદિલ થઇ ચૂકયું હતું. પરંતુ આજે એકાએક આ એકાંત વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. કોઇની દખલથી આ વિસ્તાર અચાનક આળસ મરડીને જાગ્રત થઇ ઉઠયો હતો.

@@@

અનંતનું માથું ચકરાતું હતું. ભયંકર આશ્વર્યનાં મહાસાગરમાં તે ગોથા ખાતો હતો. તેને પોતાની આંખો ઉપર જ વિશ્વાસ નહોતો આવ્યો કે તેણે વિષ્ણુંબાપુને અહીં જોયા હતા. ફક્ત જોયા હોત તો કોઇ વાંધો નહોતો પરંતુ વિષ્ણુંબાપુએ જ તેને અહીં કેદ કર્યો છે એ જાણીને તે ચકરાઇ ઉઠયો હતો. તેને સમજમાં નહોતું આવતું કે બાપુ આવું શું કામ કરી રહ્યાં છે! આટલું ઓછું હોય એમ તેઓ એક અજાણી યુવતીને પણ ક્યાંકથી ઉઠાવી લાવ્યાં હતા અને તેને પણ ખુરશી સાથે બાંધી દીધી હતી. આ બધું કરવા પાછળનો ઉદ્દેશ તેની સમજમાં આવતો નહોતો. અરે, તે અહીં કેવી રીતે પહોંચ્યો હતો એ પણ જાણતો નહોતો. બે દિવસ પહેલાંની સવારે તેણે બાપુનાં ઘરે કોફી અને બ્રેડનો નાસ્તો કર્યો હતો અને પછી તેની આંખો સીધી આ ખુરશી ઉપર બંધાયેલી હાલતમાં જ ખૂલી હતી. મતલબ સાફ હતો કે એ કાવતરું બાપુએ જ ઘડયું હતું. પરંતુ શું કામ? બાપુને પોતાનાં જ સગ્ગા ભત્રિજાનું અપહરણ કરવાની જરૂર શું કામ પડી?

તેના મગજમાં ચાહકા ઉઠતાં હતા. સતત અપાયેલાં ઈન્જેકશનોનાં કારણે તે કોઇ અલગ વિશ્વમાં વિહરતો હોય એવું લાગતું હતું. ક્યારેક તેનું શરીર અત્યંત હલકું બની જતું હતું તો ક્યારેક લાગતું કે તેનામાં દુનીયાભરનો વજન સમાયેલો છે. અત્યારે પણ તેની આંખો ભારે લાગતી હતી.

અચાનક કોઇકનાં આવવાની આહટ કાને અથડાઇ અને તેનાં હદયમાં ફડક પેસી. તેની નજરો અનાયાસે સામે દેખાતાં બંધ બારણાં તરફ ખેંચાઈ. અત્યંત ભૂખ અને તરસથી તેની હાલત બેહાલ બની ગઇ હતી. તેની સામે બંધાયેલી છોકરી એક વખત થોડી સળવળી હતી અને વળી પાછી બેહોશીભરી નિન્દ્રામાં ખોવાઇ ગઇ હતી. અનંત સમજી નહોતો શકતો કે આખરે તેમને અહીં શું કામ રખાયાં છે? આખરે વિષ્ણુંબાપુનો ઈરાદો શું હતો?

“ધડામ” ભયંકર અવાજ સાથે બંધ કમરાનો દરવાજો ખૂલ્યો અને હવામાં વિંઝોળાઇને પાછો બંધ થયો. અનંત ફફડી ઉઠયો. ક્ષણભર માટે તેણે વિષ્ણુંબાપુને કમરાનાં દરવાજે ઉભેલા જોયા હતા અને પછી દરવાજો બંધ થઇ ગયો હતો. પરંતુ કેટલી વાર? ફરી એક જોરદાર ધક્કા સાથે દરવાજો ખૂલી ગયો અને આ વખતે બાપુ અંદર પ્રવેશીને અનંતની સામે આવીને ઉભા રહ્યાં. અનંતે આતંકિત નજરે બાપુને જોયા. બાપુનાં દેદાર વિચિત્ર હતાં. તેમની આંખોમાંથી અંગારા વરસતાં હતા. તેમનું શરીર થર-થર ધ્રૂજતું હતું. તેમણે પહેરેલા સિલ્કનાં નાઇટ ગાઉન ઉપર લાલચટક લોહીનાં છાંટાં ઉડેલાં હતા. એવું લાગતું હતું કે તેઓ હાલમાં જ કોઇને વધેરીને આવ્યાં છે. તેમના છ ફૂટનાં ઉંચા દેહમાં અચાનક જાણે કોઇ શેતાની શક્તિનો સંચાર થયો હોય એમ તેમનું શરીર ખેંચાઈને તંગ બન્યું હતું. તેમની નજરોમાં હિંસક રાની પશું જેવા ભાવ છવાયેલાં હતા અને જાણે તેઓ અનંતને કાચો ને કાચો ખાઇ જવા માંગતાં હોય એમ ખૂન્નસભરી નજરે તેને તાકી રહ્યાં હતા. બાપુનાં ખતરનાક તેવર અને તેમનાં હાથમાં તોળાતી રિવોલ્વર જોઇને અનંતની રુહ કાંપી ઉઠી. તેને પોતાનું મોત બે ફૂટ છેટે જ ઉભેલું દેખાયું. ભયાનક ડરથી તેનું ગળું સૂકાઇ ગયું હતું. મહા-મહેનતે તે પોતાની જાતને સંભાળી રહ્યો હતો.

“ત…ત…તમે, કરવાં શું માંગો છો? મને અહીં કેમ બાંધ્યો છે?” સૂકાઇ ગયેલા ગળામાં જબરજસ્તીથી થૂંક હેઠે ઉતારતાં તેણે બાપુને પૂછયું. એ સાંભળીને બાપુ એકાએક તેની તરફ ધસ્યાં હતા અને અનંતનાં ચહેરાની એકદમ લગોલગ આવીને પોતાનો ચહેરો ગોઠવ્યો હતો. તેમની આંખોમાં લાવા ધગધગતો હતો જેની ઝાળ અનંત મહેસૂસ કરી શકતો હતો. તેમણે અનંતનાં સવાલોનો કોઇ જવાબ આપ્યો નહી. થોડીવાર તેમણે અનંતને તાક્યાં કર્યું અને પછી પાછળ હટીને પેલી યુવતીની દિશામાં જોયું. યુવતીને ઘેનનાં ઈન્જેક્શનની ભારે અસર થઇ હતી. તેનું નાજૂક શરીર બાપુએ આપેલાં હેવી ડોઝનાં ઈન્જેક્શનને સહન કરવાં અસમર્થ હતું. ઘેનની અસરમાં જ તેની આંખો ઘડીક ખૂલતી હતી અને ઘડીક બંધ થતી હતી. આ કમરામાં શું ચાલી રહ્યું છે એની કોઇ જાણ તેને નહોતી. અરે તે તો સાવ અચાનક જ બાપુની અડફેટે ચડી ગઇ હતી. એ બંસરી હતી.

@@@

તે અભયની પાછળ, તેને શોધતી રાજગઢ આવી હતી. રમણ જોષીએ તેને વારી હતી પણ તે માની નહોતી કારણ કે એક નજરમાં જ અભય તેને પસંદ આવ્યો હતો. એ ઉપરાંત પણ એક વાત હતી જેણે તેને રાજગઢ આવવાં મજબૂર કરી હતી. પોતે બેગુનાહ છે એ જાણવાં છતાં અભયે કોઇ ખુશી દર્શાવી નહોતી એ તેને કઠયું હતું. સામાન્યતહઃ કોઇપણ માણસ પોતે મુસીબતમાંથી ઉગરે ત્યારે આનંદ વ્યક્ત કરતો હોય છે. જ્યારે આ તો તેની પોલીસ કેરીયરનો પ્રશ્ન હોવા છતાં અભય સાવ ઠંડી રીતે વર્તયો હતો. એ કેમ એવું કરે છે એ જાણવાની ઉત્કંષ્ઠાએ તેને રાજગઢ આવવાં મજબૂર કરી હતી. અને તે આવી પણ હતી. રાજગઢ પહોંચીને તેણે ગામનાં ચોરે બેઠેલાં લોકોને અભય વિશે પૂછયું હતું. અભય મોટેભાગે અનંતસિંહની હવેલીએ જ રહેતો હતો એટલે તેને હવેલીનો રસ્તો બતાવવામાં આવ્યો. તે એ દિશામાં આગળ વધી હતી અને થોડીવારમાં જ ગામનાં છેવાડે એક લાઇનમાં નિર્માણ પામેલી પાંચ હવેલીઓનાં ચૌરાહે આવીને ઉભી રહી હતી. તેણે સૌથી પહેલી હવેલીનાં પગથીયાં ચડયાં ત્યારે નહોતી જાણતી કે તે કેવી ભયંકર મુસીબતમાં સામે ચાલીને ફસાવાં જઇ રહી છે. પહેલી હવેલી વિષ્ણુંબાપુની હતી એ વાતથી બેખબર તેણે હવેલીમાં પગ મૂકયો હતો અને અભય વિશે ત્યાંનાં નોકરને પૂછયું હતું. નોકરે તેને બેસવાં કહ્યું અને બાપુને ખબર આપી હતી કે અભયને શોધતું કોઇ આવ્યું છે. એ પછી બંસરીને કોફી અપાઈ હતી અને તે બેહોશીની ગર્તામાં ધકેલાઇ ગઇ હતી. બાપુ તેને ઉઠાવીને આ કમરામાં લઇ આવ્યાં હતા.

બહું જ આસાનીથી બંસરી બાપુનો શિકાર બની ગઇ હતી. તેને ખતરાનો સહેજે અણસાર સુધ્ધા નહોતો આવ્યો અને તે ફસાઇ ગઇ હતી. એ ઘડી અને અત્યારનો સમય, હજું પણ તે બેહોશીમાં જ હતી.

@@@

અભયનો શ્વાસ ફૂલતો હતો. ધોધમાર વરસાદમાં પણ તેને પરસેવો ઉભરાઇ આવ્યો હતો. પાણીમાં તેના પગ જાણે આપમેળે દોડતાં હોય એમ તે આગળ વધ્યે જતો હતો. તેનો ખભો ભયાનક દર્દ કરતો હતો. એકધારું દોડવાથી ગોળીનાં ઝખમમાં ભયાનક ચાહકાં ઉઠવાં લાગ્યાં હતા. પૃથ્વીસિંહજીની હવેલીથી ઘોડાર વચ્ચેનું અંતર હતું તો માત્ર અડધો કિલોમિટર, પરંતુ એ પાર કરતાં પણ જાણે જન્મારો વીતી ગયો હોય એવું તેને લાગતું હતું. આખરે તે એક ખખડધજ ઈમારત જેવી દેખાતી જગ્યાએ આવીને અટકયો. એ જ ઘોડા બાંધવાનો તબેલો હતો. અત્યારે તેની હાલત ખસ્તા હતી. તે સાવધાનીથી ઘોડારમાં પ્રવેશ્યો. અંદર શાંત અંધકાર વ્યાપેલો હતો. ઘોડારની પતરાની છત જર્જરીત બની ગઇ હતી અને તેમાં ઠેકઠેકાણે પડેલાં કાણામાંથી વરસાદનું પાણી અંદર ટપકતું હતું. અંદરનાં વાતાવરણમાં બંધિયાર અને કોહવાટ ભરેલી વાસ ભળેલી હતી. અભયે ચારેકોર નજર ઘૂમાવી. એક તરફ ઘોડા બાંધવાનાં ચોગઠાં હતા જેની દિવાલો અત્યારે પડવાનાં વાંકે ઉભી હોય એવું સ્પષ્ટ જણાઇ આવતું હતું તો તેની સામેની બાજું ખૂલ્લી જગ્યાં હતી. સામે જ ઘાસ ભરવાનો મેડો દેખાતો હતો. અભય એ તરફ ચાલ્યો. આ મેડા ઉપર જ પેલાં કબીલાનાં મૂખિયાને બંધક બનાવીને રખાયો હતો એ વાતનું તેને સ્મરણ થઇ ઉઠયું. તેણે મેડાની વચ્ચોવચ્ચ દેખાતાં થાંભલાને જોયો. એ થાંભલા સાથે જ મૂખિયાને બાંધવામાં આવ્યો હતો. પણ ખેર, અત્યારે અગત્યનું અનંતને શોધવો એ હતું. તેણે સમગ્ર ઘોડારની તસુએતસું જગ્યાં ખંગાળવાની શરૂઆત કરી.

અંધકાર એટલો ભયાનક હતો કે એક હાથને બીજો હાથ ન દેખાય. તેમાં અવાવરૂં જગ્યામાં ઉડતી જીવાતો અને મચ્છરોનો ત્રાસ ભળ્યો હતો. ઉપરાંત અહીં વસતાં સરીસૃપોથી પણ તેણે સાવધાન રહેવાનું હતું. અભય એ તમામ બાધાઓમાંથી પોતાનો રસ્તો શોધીને આગળ વધતો જતો હતો. તેને ખબર હતી કે બાપુ હમણાં જ અહીં પહોંચ્યા હશે એટલે તેમને શોધવા બહું અઘરાં નહી પડે. કશેક તો તેમનાં હોવાની સાબિતિ મળી જ રહેશે. તેણે એ શું હોઇ શકે એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું.

અને… પ્રકાશનું એક કિરણ તેને દેખાયું. ઘોડરમાં સૌથી છેવાડે કશોક પ્રકાશ ઝગતો હોય એવું તેને લાગ્યું. ઝડપથી તે એ દિશામાં આગળ વધ્યો અને પછી એકાએક જ સાવધ બનીને ઉભો રહી ગયો. ત્યાં એક રૂમ જેવું હતું. કદાચ કોઇ કાળે ઘોડારમાં કામ કરતાં માણસોને રહેવાની એ જગ્યાં હશે. પરંતુ નહી, આખા ઘોડારમાં એ એટલો ભાગ સાવ અલગ તરી આવતો હતો. જાણે કોઇ નવું બાંધકામ થયું હોય અથવા જૂના બાંધકામને રંગો-રોગાન કરીને નવું બનાવાયું હોય એવું જણાતું હતું. ઘોડારની પાછલી દિવાલને અડીને જમણાં ખૂણામાં ઓરસ-ચોરસ આકારનો એક કમરો નજરે ચડતો હતો. એ કમરાનાં દરવાજાની ફાંટમાંથી અંદર સળગતી ટયૂબલાઇટનો આછેરો પ્રકાશ બહાર ફેંકાતો હતો. મતલબ કે એ કમરાની અંદર કોઇક હતું. અભયનાં હદયની ધડકનોમાં એકાએક તેજી ભળી હતી અને તે એ કમરાની દિશામાં ચાલ્યો. સાવધાનીથી કમરાનાં દરવાજે પહોંચીને તેણે દરવાજે કાન માંડયાં. અંદર નીરવ શાંતી પથરાયેલી હતી.

એ તોફાન આવતાં પહેલાની શાંતી હતી. અંદર બાપુ હાથમાં રિવોલ્વર લઇને અનંતની સામે ઉભા હતા. બસ તેમનાં ટ્રિગર દબાવવા જેટલી જ દેરી હતી અને અનંતની ખોપરીનાં ફૂરચા ઉડી જવાનાં હતા. એ પછી બંસરીનાં પણ એવા જ હાલ થવાનાં હતા.

(ક્રમશઃ)