જગદીપ
“શોલે” ફિલ્મમાં સૂરમા ભોપાલીનું પાત્ર ભજવવા માટે સતત ઇનકાર કરી રહેલા જગદીપને મનાવવા માટે સલીમ જાવેદને ભારે પ્રયત્નો કરવા પડયા હતા. તે પાત્ર માત્ર જગદીપને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યું હતું. વાસ્તવમાં આખી ફિલ્મ શૂટ થઇ ગયા બાદ ધર્મેન્દ્ર અને અમિતાભ સાથેના જગદીપના દ્રશ્યોનું શૂટિંગ જ બાકી હતું. જગદીપને “શોલે” ના અન્ય પાત્રોની સરખામણીમાં સુરમા ભોપાલી ની ભૂમિકામાં કોઈ દમ લાગ્યો નહોતો. પણ સલીમ જાવેદની સમજાવટને કારણે જ આખરે તે દ્રશ્યો શૂટ થઇ શક્યા હતા. જોકે “શોલે” ના અન્ય પાત્રોની જેમજ સૂરમા ભોપાલીનું પાત્ર પણ અમર બની ગયું હતું. વર્ષો બાદ જગદીપે “સૂરમા ભોપાલી” નામની કોમેડી ફિલ્મ પણ બનાવી હતી.
જગદીપનો જન્મ તા.૨૯/૩/૧૯૩૯ ના રોજ દાતિયા માં થયો હતો. જગદીપનું સાચું નામ સૈયદ ઇસ્તીયાક એહમદ જાફરી છે. બાળપણમાં જ તેના પિતાનું અવસાન થયું હતું. દેશના વિભાજન પછી આઠ વર્ષના જગદીપને લઈને તેની મા મુંબઈ આવી હતી.અતિશય ગરીબીના તે દિવસોમાં જગદીપની મા અનાથઆશ્રમમાં રસોઈ બનાવવા જતી. મા નો કારમો સંઘર્ષ જોઇને બાળક જગદીપે સ્કુલમાં જવાનું બંધ કરીને સાબુ વેચવાનું તથા પતંગો બનાવવાનું કામ ચાલુ કરી દીધું હતું. જગદીપને અભ્યાસ ચાલુ રાખવા માટે મા એ ખુબ સમજાવ્યો હતો પણ તે કોઈ પણ ભોગે મા ને મદદ કરવા માંગતો હતો.
એક વાર જે ફૂટપાથ પર બાળક જગદીપ કામ કરતો હતો ત્યાં એક અજાણ્યો માણસ આવ્યો હતો.તેણે પૂછયું હતું “ફિલ્મ કે શૂટિંગમેં બચ્ચે કી જરૂરત હૈ. તું કામ કરેગા ?” જગદીપને ફિલ્મ એટલે શું તે જ ખબર નહોતી.ગરીબ જગદીપે ફિલ્મ ક્યાંથી જોઈ હોય? જગદીપે હિમતપૂર્વક પેલા અજાણ્યા માણસને પૂછ્યું હતું “પૈસા મિલેગા ?” “હાં તીન રૂપિયા મિલેગા” પેલાએ જવાબ આપ્યો હતો. ”મુઝે ક્યા કરના હોગા?” “તુમ્હે ચૂપચાપ બૈઠના હોગા”. જગદીપને નવાઈ લાગી કે માત્ર બેસી રહેવાના પૈસા કઈ રીતે મળે? બીજે દિવસે પેલા માણસે આપેલા સ્ટુડિયોના સરનામે બાળક જગદીપ તેની મા સાથે પહોંચી ગયો હતો. બાળકોના નાટકનું દ્રશ્ય હતું જેમાં અન્ય બાળકો સાથે જગદીપે પ્રેક્ષક તરીકે બેસવાનું હતું. કેમેરો ચાલુ થયો અને સ્ટેજ પર સંવાદ બોલતો એક નવો જ બાળ કલાકાર લોચા મારવા લાગ્યો.જગદીપને થયું આના કરતા તો હું વધારે સારી રીતે બોલી શકું. તેણે તે જ ડાયલોગ વધારે સારી રીતે બોલી બતાવવાની તૈયારી દર્શાવતાં કહ્યું હતું. “મૈ બોલકે બતાઉં?”
ડાયરેકટરે સંમતિ આપી કે તરત જ જગદીપને દાઢી મુછનો મેક અપ કરવામાં આવ્યો.જગદીપે તે જ ડાયલોગ હાવભાવ સાથે સુંદર રીતે બોલી બતાવ્યો.આખરે પેલા છોકરાની જગ્યાએ જગદીપને લેવાનું નક્કી થયું. જેના ખિસ્સામાં એક આનો પણ નહોતો તેવા જગદીપે પૂછયું “અબ કિતના પૈસા મિલેગા?” જવાબ મળ્યો “ છે રૂપિયા”. હા તે ફિલ્મ હતી બી આર ચોપરાની “અફસાના” અને ફિલ્મના સહાયક નિર્દેશક હતા યશ ચોપરા. માત્ર છ રૂપિયાથી શરૂઆત કરનાર બાળક જગદીપે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મો કરી. ત્યાર બાદ ફણી મજમુદારની ફિલ્મ “ધોબી ડોક્ટર” માં જગદીપે કિશોર કુમારના બાળપણની ભૂમિકા ભજવી હતી તે જ ફિલ્મમાં જગદીપની સાથે અન્ય બાળ કલાકાર તરીકે આશા પારેખ હતી. તે ફિલ્મ જોઇને બિમલરોયે કહ્યું કે “મેરી ફિલ્મમેં યહી લડકા ચાહિયે.” બિમલ રોયે જગદીપને “દો બીઘા જમીન” માટે ૩૦૦ રૂપિયામાં સાઈન કર્યો. ગુરુદત્તની “આરપાર” માં પણ જગદીપને અભિનય કરવાનો મોકો મળી ગયો હતો.
મુંબઈની જે.જે.હોસ્પિટલની બાજુમાં ઝુપડીમાં રહેતાં જગદીપે આવક વધતાં માહીમની ખોલીમાં શીફટીંગ કર્યું હતું..”અબ દિલ્હી દુર નહિ” અને “હમ પંછી એક ડાલ કે” જેવી ફિલ્મો આવતી ગઈ અને જગદીપનો સિક્કો ચાલવા લાગ્યો. “હમ પંછી એક ડાલ કે” જોઇને જવાહરલાલ નહેરુ પણ જગદીપના અભિનયથી પ્રભાવિત થયા હતા. જગદીપની હીરો તરીકેની પ્રથમ ફિલ્મ એટલે “ભાભી”. નંદા તેની હિરોઈન હતી. “ભાભી” ના “ચલી ચલી રે પતંગ મેરી ચલી રે “અને “ચલ ઉડ જા રે પંછી” જેવા ગીતો આજે પણ લોકપ્રિય છે.ત્યાર બાદ જગદીપની હીરો તરીકે “બરખા” અને “બિંદીયા” જેવી ચારેક ફિલ્મો આવી. મદ્રાસના એવીએમ સાથે કરાર થયા બાદ જગદીપે એક બંગલો મદ્રાસમાં અને થોડા વર્ષો બાદ એક બંગલો મુંબઈમાં લીધો હતો.
જગદીપની કોમેડિયન તરીકેની ઈમેજ “બ્રહ્મચારી” ના તેના અભિનયથી ઉભી થઇ હતી.જોકે રામસે બ્રધર્સની “પુરાના મંદિર” જેવી કેટલીક હોરર ફિલ્મોમાં જગદીપે તેની અભિનય ક્ષમતાનો વધારે પરિચય કરાવ્યો હતો.
પાંચ દાયકા કરતાં પણ વધારે લાંબી ફિલ્મી કરિયરમાં લગભગ ચારસો જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર જગદીપના ભાગે કોમેડી કરવાનું વધારે આવ્યું છે. જીને કી રાહ, જીગરી દોસ્ત, ખીલોના, તીન બહુરાનીયા, ગોરા ઔર કાલા, રોટી, શોલે, વિધાતા, જેવી અસંખ્ય સફળ ફિલ્મોમાં દર્શકોએ જગદીપના અભિનયને માણ્યો છે.
કિશોરકુમાર અને દિલીપકુમારના બાળપણની ભૂમિકા બખૂબી ભજવનાર જગદીપે “અંદાઝ અપના અપના” માં સલમાનખાનના પિતાની ભૂમિકામાં દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. જગદીપની અંગત ઝિંદગીમાં ડોકિયું કરીએ તો તેણે કુલ ત્રણ લગ્ન કર્યા હતા. પ્રથમ પત્ની નસીમ બેગમથી ત્રણ સંતાનો છે.એક પુત્ર અને બે દીકરી. બીજી પત્ની સુઘરા બેગમથી બે દીકરા એટલે જાવેદ જાફરી અને નાવેદ જાફરી. ત્રીજી પત્ની નાઝીમા બેગમથી એક દીકરી મુશ્કાન છે જે સારી ગાયિકા પણ છે અને ફિલ્મોમાં આવવાની તૈયારી કરી રહી છે.
સમાપ્ત