Pal Pal Dil Ke Paas - Jacky Shroff - 20 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - જેકી શ્રોફ - 20

જેકી શ્રોફ

“અગર સપને મેં સચ્ચાઈ હો તો મુશ્કિલ સે મુશ્કિલ લક્ષ્ય કો ભી હાંસિલ કિયા જા શકતા હૈ. મેરે પાસ મેરી મા કા દિલ હૈ ઔર પિતા કા ચહેરા. આજ ભી મૈ વોહ દિન નહિ ભૂલા જબ હમ સબ તીન બત્તી કી ચાલ મેં દસ બાય દસ કી ખોલી મેં રહેતે થે જહાં બાથરૂમ ઔર ટોઇલેટ કોમન હુઆ કરતા થા”.

જેકી શ્રોફનો જન્મ તા. ૧/૨/૧૯૫૭ ના રોજ મહારાષ્ટ્રના લાતુર જીલ્લાના ઉદ્ગીર ગામમાં થયો હતો. જેકીનું સાચું નામ જયકિશન કાકુભાઈ શ્રોફ. પિતા ગુજરાતી હતા અને માતા તુર્કી. જેકીનું બાળપણ તીનબત્તી એરિયાની એક ચાલમાં વીત્યું હતું. માતા પિતા અને તેનાથી સાત વર્ષ મોટાભાઈ સાથે દસ બાય દસ ના રૂમમાં રહેવાનું અને કોમન સંડાસ બાથરૂમનો ઉપયોગ કરવાના એ દિવસો આજે પણ જેકી તેના એક ઈન્ટરવ્યુમાં યાદ કરીને ગળગળો થઇ જાય છે. જેકીના પિતા સારું જ્યોતિષ જાણતા હતા. પિતાની અસ્થાયી આવકને કારણે જેકીએ સ્કૂલ લાઈફથી જ ભારે ગરીબીનો સામનો કરવો પડયો હતો. તે દિવસોમાં એક એક પૈસાની કિમત હતી. આર્થિક તંગીને કારણેજ જેકીએ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા થયા બાદ કોલેજમાં એડમીશન લેવાનું માંડી વાળ્યું હતું. મુંબઈમાં નવી ફિલ્મો આવવાની હોય ત્યારે કિશોર વયનો જેકી તેના દોસ્તો સાથે ફિલ્મના પોસ્ટર્સ લગાવવાનું કામ કરતો. પંદરમી ઓગસ્ટ કે છવીસમી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોએ જ્યાં ભીડ થતી હોય તેવા વિસ્તારમાં ફૂટપાથ પર ઉભા રહીને જેકીએ મગફળી પણ વેચી છે. જેકીને સૌથી વધારે લગાવ તેના મોટા ભાઈ સાથે હતો. એક વાર તે તેના મોટા ભાઈ સાથે દરિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો. પાણીમાં કોઈક ડૂબી રહ્યું હતું. તદ્દન અજાણી વ્યક્તિને ડૂબતી બચાવવા માટે જેકીનો ભાઈ તરવાનું ન આવડતું હોવા છતાં તેના સાહસિક સ્વભાવને કારણે કૂદી પડયો હતો. પરોપકાર કરવા જતાં સત્તર વર્ષના ભાઈએ જીવ ગુમાવ્યો હતો. પોતાની નજર સામે મોટા ભાઈને ગુમાવનાર દસ વર્ષના જેકીને આઘાતમાંથી બહાર આવતા ખાસ્સો સમય લાગ્યો હતો.

અઢાર વર્ષ પુરા થતાં જેકીએ એર ઇન્ડિયામાં ફ્લાઈટ એટેન્ડન્ટની નોકરી માટે અરજી કરી હતી પણ ત્યાં તેના ઓછા અભ્યાસને કારણે પનો ટૂંકો પડયો હતો. પિતાએ ભવિષ્ય ભાખ્યું હતું કે જેકીને માસ મીડિયા સાથે લેણું છે. જેકી કહે છે “ઉન દિનો માસ મીડિયા કા ક્યા મતલબ હોતા હૈ વોહ મુઝે પતા નહિ થા”. આખરે જેકીને એક ટ્રાવેલ એજન્ટને ત્યાં નોકરી મળી હતી જોકે જેકીને તે નોકરીથી બિલકુલ સંતોષ નહોતો. વીસ વર્ષનો જેકી એકવાર બસ સ્ટેન્ડ પર ઉભો હતો ત્યારે એક અજાણ્યા માણસે તેને પૂછ્યું હતું “મોડેલીંગ કરોગે?”

જેકીએ પૂછ્યું હતું “પૈસા મીલેગા?” પેલાએ હા પાડતાં જેકી તેની સાથે દોરવાયો હતો. તે માણસ જેકીને એક એડ કંપનીમાં લઈ ગયો હતો જ્યાં તે એકાઉન્ટન્ટ હતો. જેકીનું ફોટોસેશન કરવામાં આવ્યું હતું અને તેને સાત હજારનો ચેક આપવામાં આવ્યો હતો. તે જ દિવસે જેકીએ નક્કી કરી લીધું હતું કે હવે તો આ જ લાઈનમાં આગળ વધવું છે. તે દિવસોમાં જ બસ સ્ટેન્ડ પર જ જેકીનો પરિચય આયેશા સાથે થયો હતો. આયેશાની ઉમર ત્યારે ચૌદ વર્ષની હતી. સ્કૂલ ડ્રેસમાં તે સ્કૂલે જઈ રહી હતી. બંનેનો પરિચય ધીમે ધીમે પરિણયમાં પરિણમ્યો હતો. આયેશાના પિતા એરફોર્સમાં હતા. બંને પરિવાર વચ્ચે આર્થિક અસમાનતાની મોટી ખાઈ હતી. જેકી જે ખોલીમાં પરિવાર સાથે રહેતો હતો તે જોયા બાદ પણ જેકી સાથે લગ્ન કરવા માટે આયેશા મક્કમ હતી કારણકે તેણે જેકીની આંખમાં આગળ વધવાનું સ્વપ્ન જોયું હતું. તે દિવસોમાં જ જેકીનો પરિચય આશા ચન્દ્રન સાથે થયો હતો જે એક્ટિંગ સ્કૂલ ચલાવતી હતી. જેકીએ તે સ્કૂલમાં જવાનું ચાલુ કર્યું જ્યાં દેવસાબનો દીકરો સુનીલ આનંદ પણ આવતો હતો. સુનીલ સાથેની મૈત્રીને કારણે જેકીને એકવાર દેવ આનંદને મળવાનો મોકો મળી ગયો. જોગાનુજોગ દેવ આનંદે તે જ દિવસે સવારે જેકીનું મોટું પોસ્ટર ચાર રસ્તા પર જોયું હતું. ”અચ્છા તો તુમ મોડેલીંગ ભી કરતે હો ?” દેવ આનંદે તેમની આગવી અદામાં પૂછયું હતું. ”જી સર મૈ આપકા બહોત બડા ફેન હું” જેકીએ જવાબ આપ્યો હતો. તે દિવસોમાં દેવ સાબ “સ્વામી દાદા” બનાવી રહ્યા હતા. તેમણે જેકીને તે ફિલ્મમાં તદ્દન નાનો રોલ (શક્તીકપૂરના સાથીનો) આપ્યો. આમ જેકીની બોલીવુડમાં એન્ટ્રી થઇ હતી. એક પાર્ટીમાં સુભાષ ઘાઈએ જેકીને તેમની આગામી ફિલ્મ “હીરો” માટે ઓફર આપી હતી. ફિલ્મમાં નાયકનું નામ પણ જયકિશન જ રાખવામાં આવ્યું હતું. ”હીરો’ માં મીનાક્ષી શેષાદ્રી ઉપરાંત શમ્મી કપૂર, સંજીવ કુમાર અમરીશપુરી,મદનપૂરી, રણજિત અને શક્તિકપુર જેવા કલાકારોનો મોટો કાફલો હતો. “હીરો” સુપરહિટ નીવડી હતી અને જેકી શ્રોફે બાંદ્રામાં શીફટીંગ કર્યું હતું.

૧૯૮૩ માં રીલીઝ થયેલી “હીરો” બાદ આજ સુધીમાં જેકી શ્રોફે હિન્દી ઉપરાંત મરાઠી,બંગાળી ,કન્નડ, મલયાલમ,ઓરિયા ,પંજાબી. તામિલ અને તેલુગુ ફિલ્મો માં અભિનય કર્યો છે. તમામ ભાષાઓની ફિલ્મોની ગણના કરવામાં આવે તો તેણે ૨૦૦ કરતા પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેની નોંધપાત્ર હિન્દી ફિલ્મોમાં અંદર બહાર, યુધ્ધ, તેરી મહેરબાનીયા, કાશ, કર્મા, પરિંદા, રામ લખન, ત્રિદેવ, ગર્દિશ, રંગીલા, ખલનાયક, ૧૯૪૨ એ લવસ્ટોરી, બોર્ડર, રેફ્યુજી, ૧૦૦ ડેય્સ ,દેવદાસ તથા હેપ્પી ન્યુ યર જેવી ફીલ્મોનો સમાવેશ થાય છે.

૨૦૧૮ માં આવેલી જેકી શ્રોફ ની ફિલ્મ “લાઈફ ઈઝ ગુડ” ને તાજેતરમાં જ બિમલ રોય એવોર્ડ એનાયત થયો છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED