વન્સ અપોન અ ટાઈમ - 146 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 146

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 146

અમેરિકા પર અલ કાયદાના આંતકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ધામા નાખીને અફઘાનિસ્તાન પર હુમલાની તૈયારી કરી એટલે દાઉદ પર વધુ નિયંત્રણ લદાઈ ગયાં. એ સાથે જ આઈએસઆઈએ દાઉદને આર્થિક રીતે વધુ નીચોવવા માંડ્યો. દાઉદ અને આઈએસઆઈ એકબીજા માટે સાપના ભારા સમા બની ગયા હતા. પણ બંનેએ એકબીજા સાથે બાંધછોડ કર્યા વિના છૂટકો નહોતો. અને આ બાંધછોડમાં ય સ્વભાવિક રીતે આઈએસઆઈનો હાથ ઉપર હતો. અમેરિકા પર આંતકવાદી હુમલા પછી એવી વાત જાહેર થઈ કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે તો પાકિસ્તાન સરકાર કફોડી હાલતમાં મૂકાઈ જાય. અને બીજી બાજુ વર્ષોથી ભારતનો એવો દાવો સાચો ઠરે કે, દાઉદ પાકિસ્તાનમાં જ છે. એ સ્થિતિમાં પાકિસ્તાનમાં દાઉદની હાજરીની વાત છુપાવવાનું આઈએસઆઈ માટે બહુ જરૂરી હતું. પણ પાકિસ્તાનમાં દાઉદની હાજરીરૂપી આફતને અવસરમાં પલટીને તેની પાસેથી વાર તહેવારે પૈસા પડાવવાનું આઈએસઆઈને ફાવી ગયું હતું.

આઈએસઆઈ માટે ખંડિયા રાજા જેવો બની ગયેલો દાઉદ અકળાઈને ભારત ભેગો થઈ જવા માગતો હતો. પણ જે એજન્સી તેને પાકિસ્તાનથી ભાગીને ગલ્ફના દેશમાં કે બીજા કોઈ મુસ્લિમ રાષ્ટ્રમાં પણ જવા દેવા ન માગતી હોય એ તેને ભારત સુધી પહોંચવા દે એ વાતમાં માલ નહોતો. દાઉદ ભૂલેચૂકે પણ ભારતના હાથમાં પડે એના કરતાં તો આઈએસઆઈના અધિકારીઓ તેને મારી નાખવાનું પસંદ કરે એમ હતા. જોકે આઈએસઆઈના શિયાળ જેવા ખંધા અધિકારીઓ સોનાના ઈંડા આપતી મરઘી સમાન દાઉદને મારી નાખવાને બદલે તેને નજરકેદમાં રાખીને તેનો મહત્તમ ઉપયોગ કરવા માગતા હતા.

દાઉદ માટે બહુ વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. ભૂતકાળમાં તેણે ભારત પાછા ફરવાની તૈયારી દર્શાવી હતી અને એ માટે તેણે વિખ્યાત એડવોકેટ રામ જેઠમલાણીની મદદ પણ માગી હતી. પરંતુ એ વખતે ભારતની તત્કાલીન સરકારે દાઉદને પાછો લાવવામાં બિલકુલ રસ દાખવ્યો નહોતો. અને 2001માં ભારત સરકાર દાઉદના પ્રત્યાર્પણ માટે પાકિસ્તાન પર દબાણ કરતી અને દાઉદ પણ અકળાઈને ભારતભેગો થઈ જવા માગતો હતો, ત્યારે પાકિસ્તાન સરકાર આડે આવતી હતી!

***

એક બાજુ ભારતમાં ધાક જમાવીને કમાયેલા દાઉદ ઈબ્રાહિમ પાસેથી આઈએસઆઈ અબજો રૂપિયા ઓકાવી રહી હતી ત્યારે બીજી બાજુ ભારત સરકાર દાઉદ પાસેથી આવકવેરાની કરોડો રૂપિયાની બાકી રકમ વસૂલવામાં મુશ્કેલી અનુભવી રહી હતી. દાઉદ પાસેથી આવકવેરા પેટે બાકી નીકળતી રૂપિયા 45 કરોડ જેટલી રકમ વસૂલવા માર્ચ, 2001માં મુંબઈમાં દાઉદની મિલકત લિલામી કરવા માટે મૂકાઈ હતી. પણ પહેલીવાર 11 જાન્યુઆરી, 2001ના દિવસે દાઉદની મિલકતની હરાજીની પ્રક્રિયા હાથ ધરાઈ તો દાઉદના ડરથી કોઈ માઈનો લાલ દાઉદની મિલકત ખરીદવા આગળ આવ્યો જ નહીં અને આવકવેરા ખાતા દ્વારા બીજી વાર મુંબઈમાં દાઉદની મિલકતની હરાજીની પ્રક્રિયા કરાઈ એ વખતે સમ ખાવા પૂરતી, બે લાખ રૂપરડીની કિંમતની એક દુકાન શિવસેનાના દિલ્હી એકમની વિદ્યાર્થી પાંખના વડા અજય શ્રીવાસ્તવે ખરીદી હતી. પરંતુ પછી તેને ધમકી મળી એટલે તેણે દાઉદની દુકાનનો કબજો લેવાનું માંડી વાળ્યું હતું.

એ પછી ફરી 20 સપ્ટેમ્બર, 2001ના દિવસે આવકવેરા ખાતા દ્વારા દાઉદની રૂપિયા 125 કરોડની મિલકતો લિલામ કરવા કાઢી ત્યારે પણ ફિયાસ્કો થયો. 20 સપ્ટેમ્બર, 2001ના દિવસે પણ સમ ખાવા પૂરતી દાઉદની એક જ દુકાન વેચાઈ. મુંબઈના તારદેવ વિસ્તારમાં જયરાજભાઈ લેનની ઉમેશ એન્જિનિયરીંગ વર્કસની 144ની ફૂટની જગ્યા દિલ્હી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો વેપાર કરતા બે ભાઈ પિયુષ જૈન અને હરીશ જૈને ખરીદી. દાઉદની જેટલી પ્રોપર્ટી હરાજી માટે મુકાઈ એમાં સોથી ઓછી કિંમતની એ દુકાન હતી અને એના માટે આવકવેરા ખાતાએ રૂપિયા 2 લાખથી રૂપિયા 10 લાખ, 50 હજારની અંદાજિત રિઝર્વ કિંમત જાહેર કરી હતી. પણ એ દુકાનની લિલામી દ્વારા વેચાણમાંથી માત્ર રૂપિયા બે લાખ મળ્યા! 20 સપ્ટેમ્બર, 2001ના દિવસે દક્ષિણ મુંબઈની ‘ડિપ્લોમેટ’ હોટેલમાં દાઉદની પ્રોપર્ટીની હરાજી અગાઉ જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પણ બપોરના ત્રણ વાગ્યાથી સાડા ચાર વાગ્યા દરમિયાન એ લિલામ પ્રક્રિયાને અંતે ‘ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર’ જેવી સ્થિતિ સર્જાઈ. કેટલાક માણસો કુતૂહલથી આ ઑક્શનનો ‘ખેલ’ જોવા પહોંચી ગયા હતા, પણ જેઓ રૂપિયા 25 હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને આવ્યા હોય એમને જ ઑક્શનની જગ્યામાં પ્રવેશ અપાયો હતો. એટલે દાઉદની પ્રોપર્ટીના ઑક્શનમાં ખરેખર બોલી બોલનારા માત્ર છ જ આવ્યા હતા!

આ ઑક્શન દરમિયાન દાઉદની બીજી એક પ્રોપર્ટી વેચાઈ શકી હોત, પણ દક્ષિણ મુંબઈની પાકમોડિયા સ્ટ્રીટ સ્થિત “રૌનક આફરોઝ” હોટેલની એ જગ્યા માટે સવા છ લાખની કિંમતની બોલી કરનારા એડવોકેટ આર.પી. સિંઘ પાસે નિયમ પ્રમાણે તાત્કાલિક ભરવા માટે રૂપિયા એક લાખ નહોતા એટલે તેણે ખાલી હાથે પાછા જવું પડ્યું. એ એડવોકેટે છેક ઉત્તરપ્રદેશના મુઝફ્ફરપુરથી મુંબઈનો ધક્કો ખાધો હતો. તેમણે પત્રકારોને કહ્યું કે આ દેશમાં જેમની પાસે પૈસો છે એમની પાસે હિંમત નથી એટલે હું આગળ આવ્યો હતો.

દાઉદની પ્રોપર્ટીના ઑક્શનમાં ફરી એક વાર નિષ્ફળતા મળી એ છતાં આવકવેરા ખાતાના એડિશનલ કમિશનર સંજય પાત્રાએ કહ્યું કે, “કોઈના પણ ડરથી બોલી લગાવવા માણસો આગળ આવતા નથી એવું લાગતું નથી. કોઈએ મારી પાસે આવીને એવી ફરિયાદ કરી નથી કે તેમને દાઉદનો ડર સતાવે છે એટલે દાઉદની પ્રોપર્ટીના ઑક્શનમાં ભાગ લેવા માગતા નથી!”

***

આવકવેરા ખાતાને દાઉદ ઈબ્રાહિમની પ્રોપર્ટીના ઑક્શનમાં વધુ એક વાર નિષ્ફળતા મળી એથી દાઉદ ગેંગ આનંદમાં હતી. પરંતુ દાઉદ ગેંગ એ આનંદ વધુ દિવસો સુધી માણી શકી નહીં. કારણ કે મુંબઈ પોલીસે દાઉદ ગેંગને એક જબરો ફટકો માર્યો અને એ સાથે દાઉદ ગેંગના એક ખતરનાક ષડ્યંત્ર પર પાણી ફેરવી દીધું!

(ક્રમશ:)