મહેકતા થોર.. - ૧૭ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૧૭

ભાગ - ૧૭

( આગળના ભાગમાં આપણે જોયું કે બધાની રતીમા હકીકતમાં તો વ્રતી નામધારી એક સ્ત્રી છે, વ્યોમ આના વિશે જાણવા પ્રયત્ન કરે છે હવે આગળ.....)

સવારે ઉઠી વ્યોમ પોતાના મનમાં ચાલતા પ્રશ્નો સાથે જ દવાખાને પહોંચ્યો. દર્દીઓને તપાસતો હતો ત્યાં કાલે સાપ કરડ્યો હતો એ છોકરીના પિતાજી મગનભાઈ દાખલ થયા. આવીને બોલ્યા,

"સાયબ, કાઈલ હારુ તમારા પગી પડું સુ, હવી કોઈદી આવું ની થાય...." ને એ હાથ જોડતા વ્યોમને પગે લાગવા જતા હતા. વ્યોમ બોલ્યો,

"અરે ભાઈ એ રેવા દો ચાલશે... ને હવે છોકરીને કેમ છે...."

મગનભાઈએ જવાબ આપ્યો,

"હજી તો સેરના મોટા દવાખાનામાં દાખલ સે, પણ બસી જાહે સોરી. રતીમા ન આયવા હોત તો સોરી ન્યાની ન્યા જ પતી જાત. હું અભાગીયો હમજી ન હયકો, રતીમાએ મારી સોરી હારુ થઈને પોતાના માથે ઘા ખયમો, અમી તો બધા ઓયલા ભુવાની વાંહે ગાંડા થ્યાતા, રતીમાએ આવીને હમજાયવું તઈ હમજાણુ ને સોરીને સેર ભેગી કયરી...."

મગનભાઈની આંખમાં પસ્તાવાના આંસુ હતા. વ્યોમે કહ્યું,
"કઈ વાંધો નહિ મોડું પણ તમને સમજાયુ એટલું ઘણું છે...."

મગનભાઈ વિદાય થયા એટલે ફરી વ્યોમ દર્દીઓમાં પરોવાઈ ગયો. બપોરે વ્યોમ થોડો ફ્રી થયો, છગન એની પાસે જ બેઠો હતો. વ્યોમને થયું વ્રતી વિશે છગન કઈક જાણતો હશે એને પૂછું જોઈએ. એ બોલ્યો,

"છગન આ વ્રતી ને તું ઓળખે ? એ અહીં કેમ રહે છે ?"

છગન બોલ્યો,
"અરે સાહેબ દેવીમા કહો એમને તો પણ ચાલશે. બાકી પોતાના પતિના મૃત્યુ બાદ કઈ સ્ત્રી આમ એકલી અજાણ્યા ગામમાં જઈ એકલી રહે."

વ્યોમની તો આંખ ફાટી ગઈ એ બોલ્યો,
"શું વ્રતી વિધવા છે ?"
હવે છેક વ્યોમનું ધ્યાન ગયું કે એના શરીર પર કાલે એટલે જ કોઈ શણગાર ન હતા. એકદમ સાદા લાગતા હતા. પણ તોય અહીં આ ગામમાં......

છગન બોલ્યો,

"હા, રતીમાના પતિ અહીં જ બેસતા તમારી જગ્યાએ. ડૉ. વિરલ..

એ ડૉકટર હતા. ઘણા વર્ષ પહેલા અહીં આવેલા. રતીમા ને બેય અહીં ગામમાં જ રહેતા. ગામના લોકો માટે તો ભગવાન જ જોઈ લો. બેય દંપતિએ ગામનું સારું કરવા ભેખ ધરી હતી. વિરલભાઈની એક વર્ષની ઇન્ટરશિપ પૂરી થઈ પછી સારા સારા ડૉકટર એમને પોતાની સાથે લઈ જવા બોલાવતા હતા. પણ એ માણસે ના પાડી દીધી. એણે અહીં જ રહી ગામલોકોની સેવા કરવાનું નક્કી કર્યું. ને રતીમા પણ એનો સાથ આપવા ગામમાં જ રહ્યા. પણ ભગવાનને આ સારસ બેલડીની ઇર્ષા આવી ગઈ. વિરલભાઈ એક વખત શહેરમાં કઈક કામ માટે જતા હતા ત્યાં એમનો અકસ્માત થયો ને રતીમા એકલા જીવતા રહી ગયા ને વિરલભાઈ અમને નોંધારાં કરી જતા રહ્યા. રતીમાને લેવા એમનો પરિવાર આવ્યો તો એમણે ના પાડી દીધી કે વિરલનું સપનું હું પૂરું કરીશ. એને આ ગામની સેવા કરવી હતી તો હવે હું કરીશ ને બસ ત્યારથી એ અહીં જ રહે છે આખા ગામના મા બનીને......"

છગન જે રીતે ગળગળો થઈને આ બધું કહેતો હતો, લાગતું હતું કે વ્રતી માટે એના મનમાં કેટલો આદર, અહોભાવ હશે...

વ્યોમને વ્રતી બહુ વિચિત્ર લાગી. વ્યોમ બીજા માટે ક્યારેય જીવ્યો જ નહતો. એ તો પોતાની મસ્તીમાં જ જીવતો હતો. એણે કોઈની પરવા કરી જ નહતી પોતાના વિશે જ હંમેશા વિચાર્યું હતું. બીજા માટે દુઃખી થનાર એને વેદિયા જ લાગતા. એ કહેતો પણ ખરો કે આ વળી શું પોતે હેરાન થઈ બીજાને સુખી કરવા, એક જ તો લાઈફ મળી છે તો પોતાના માટે જીવોને સેવા કરીને એને શું વેડફવી.....

વ્યોમના થોર જેવા વ્યક્તિત્વ માટે આવી વાતો ગળે ઉતરવી ખૂબ મુશ્કેલ હતી. વ્યોમને થયું ફરી ક્યારેક વ્રતી મળશે તો એને આ રીતે જિંદગી ન વેડફવા સમજાવીશ.

વ્રતી બે દિવસ પછી સાપ કરડ્યો હતો એ છોકરી સાથે આવી. પોતાને પણ માથાનો ઘા હવે ઠીક થઈ ગયો હતો તો રમાની તબિયત ચેક કરાવવા દવાખાને આવી હતી. વ્યોમે ધબકારા ચેક કર્યા તો બધું નોર્મલ હતું. એટલે હવે ડરવા જેવું હતું નહીં.. વ્રતી સામે જોઇને વ્યોમ બોલ્યો,

"તમને હવે કેમ છે ? ઘા રૂઝાઈ ગયો લાગે છે. તમે પણ હદ કરો છો બીજા માટે જીવનું જોખમ ખેડો છો."

વ્રતી બોલી,
"આ બધા મારો પરિવાર જ છે કોઈ બીજા નથી ને મને આ જ ગમે છે, હું કઈ તમારી જેમ સજા પામીને અહીં થોડી આવી છું......"

વ્રતી ખડખડાટ હસવા લાગી. વ્યોમને તો કાપો તો લોહી ન નીકળે.

"આને કેમ ખબર પડી કે મને અહીં સજારૂપે મોકલવામાં આવ્યો છે ?"

(વ્રતી ને કેમ ખબર પડી હશે વ્યોમ વિશે... વધુ વાત આવતા ભાગમાં.....)

© હિના દાસા