મહેકતા થોર.. - ૧૮ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૧૮

(ભાગ- ૧૮)

(આગળના ભાગમાં આપણે જોયું કે વ્રતી વિધવા હોવા છતાં ગામની સેવા કરવા અહીં રોકાઈ જાય છે, એ જાણી વ્યોમને ખૂબ આશ્ચર્ય થયું, ને વ્યોમ અહીં સજારૂપે આવ્યો છે એ વાત વ્રતીને કેમ ખબર પડી એ જોઈએ.....)

દર્દીઓની લાઈન હતી એટલે વ્યોમ કઈ ચોખવટ ન કરી શક્યો ને વ્રતીને પૂછી પણ ન શક્યોં કે એને આ સજાવાળી વાત કેમ ખબર પડી. પછી નિરાંતે પૂછી લઈશ એમ વિચારી બીજા દર્દીઓને જોવા લાગ્યો.

હજી તો દર્દીઓમાંથી વ્યોમ ફ્રી થયો જ હતો ત્યાં એક દંપતિ અંદર દાખલ થયુ. સ્ત્રીના હાથમાં છએક મહિનાનું બાળક હતું. ચામડી સુકાઈને સાવ કાગળ જેવી થઈ ગઈ હતી. શ્વાસ બહુ ધીમા ચાલતા હતા. ભાઈએ આવીને કહ્યું,

"સાયબ, જોવો તો ખરા આ સોકરાને, બે દી'થી ઉહકારોય કયરો નથ. હુ થયું સે જોઈ દયો'તો"

વ્યોમે બાળકને તપાસ્યું. શરીરમાં પાણી સાવ જ ખતમ થઈ ગયું હતું. અહીં એની સારવાર શક્ય ન હતી. શહેરની હોસ્પિટલમાં જવું પડે એમ જ હતું. વ્યોમે કહ્યું,

"જુઓ ભાઈ તમારે તાત્કાલિક શહેર જવું પડશે. અહીં સારવાર માટે પૂરતી સુવિધા નથી."

હવે પેલા ભાઈ બરાબર મૂંઝાયા. ખિસ્સામાં એક રૂપિયો ન હતો, ગામની બહાર પગ કેમ મૂકે. છગન પાસે ઉભો ઉભો જોતો હતો. એ પામી ગયો કે ભાઈ શુ મુંઝાયા છે. છગને પોતાના ખિસ્સામાં જોયું ચારસો રૂપિયા હતા. જેમાંથી એને પોતાનો આખો મહિનો ગુજારવાનો હતો. છગનની માની દવા, ઘરવખરી બધું આમાંથી જ લેવાનું હતું. છગને કઈ પણ વિચાર્યા વગર ભાઈના હાથમાં બધા પૈસા મૂકી દીધા. પેલા ભાઈ તો કઈ બોલી જ ન શક્યા. એમની વહેતી આંખોએ જ બધુ કહી દીધું. એ દંપતિ બાળકને લઈ શહેર તરફ નીકળ્યું.

વ્યોમે છગનને પૂછ્યું
"ઓ દાનવીર કર્ણ, હવે આખો મહિનો શું કરીશ. શું ખાઈશ?"

છગન બોલ્યો,

"સાહેબ, એક ટાઈમ નહિ ખાઈએ તો મરી નહિ જઈએ, પણ એ બાળકને કઈ થઈ જશે તો આ બંને જીવતા લાશ થઈ જશે. ને તમને ખબર હું આ બધું કોની પાસેથી શીખ્યો. વિરલભાઈ પાસેથી... એ ખિસ્સામાં હોય એ બધું આપી દેતા. અને એક વખત નહિ દર મહિને એ આવું જ કરતા, રતીમા પણ એમનો સાથ આપતા. એ બંનેએ કેટલાય લોકોને સારા રસ્તે વાર્યા હશે."

વ્યોમ વિચારોમાં ગરકાવ થઈ ગયો. એણે દેશ દુનિયાની અનેકો સફર કરી હતી પણ આવા નોખી માટીના માણસો એકસાથ આટલા બધા અહીં જોયા એવા ક્યાંય જોયા ન હતા. સ્વાર્થ ને મતલબી દુનિયા સામે આ માણસો ક્યાં યુગમાં જીવે છે. પોતાનું જીવન ખર્ચી નાખનાર વ્રતી, ને પોતાના આખા મહિનાની આજીવિકા ખર્ચી નાખનાર આ છગન ને હજુ તો આવા કેટલાય માણસો નીકળશે અહીં. વ્યોમ પોતાના વિચારો હવામાં ઉડાવી ફરી કામમાં લાગ્યો.
*

"અરે, પણ ભાઈ મેં કઈ ફરી લેવાની આશાએ તમને રૂપિયા નતા આપ્યા. ને આટલી ઉતાવળ શું કરો છો ?"

છગન દવાખાના બહાર કોઈ સાથે આવી કઈક વાતચીત કરતો હતો. વ્યોમે કાન માંડ્યા અવાજ કઈક પરિચિત લાગ્યો એટલે બહાર આવ્યો. અઠવાડિયા પહેલા પોતાના છોકરાને લઈને આવેલા એ જ ભાઈ હતા, કે જેમને છગને પૈસા આપ્યા હતા. એ ફરી પૈસા આપવા આવ્યા હોય એવું લાગ્યું. વ્યોમે પૂછ્યું..

"શું છે છગન ? આ તો પેલા દર્દીને લઈને આવેલા એ જ ભાઈ છે ને ! હવે કેમ છે તમારા બાબાને ?"

ભાઈ નિઃસાસો નાખતા બોલ્યા,

"સોકરો તો આયપો"તો એનીયે પાસો બોલાવી લીધો. અમારા ભાયગમાં નઈ હોય બીઝુ હુ, ઈની મા ઈસ્ટાનમાં બેઠી સે હવી બસ સમસાણ હુધી પોગાળી દઈએ એટલે આપણી ફરઝ પુરી. પણ ઈ પેલા આ ભાઈના રૂપિયા તો પોગાડવા પડે ને, નકર મારો નાથ રૂઠે...."

વ્યોમ ને છગન એકબીજાની સામે જોતા જ રહી ગયા. વ્યોમ બોલ્યો,
"પણ, ભાઈ એવી શું ઉતાવળ છે, ને તમે આ પૈસા લાવ્યા ક્યાંથી ??"

એ ખુમારીથી ભરપૂર એક લાચાર બાપ બોલ્યો,

"સોકરાને દવાખાને દાખલ કયરો ન્યા અરધો, અરધો ટક બેય માણા મજૂરીએ વયા જાતા"તા તો આટલા રૂપિયા મયળા, કેટલા સે ઈ તો ખબર્ય નથ પણ હતા એટલા આપી દીધા, હવે કટલા ઘટે ઈ બોલો એટલે ઈ પસી પોગાળી દઈશ...."

છગન પૈસા લેતો નહતો એટલે એ ભાઈ એના પગ પાસે મૂકી ચાલતો થયો. વ્યોમ ન કળી શકાય એવું કંઈક ભીતર અનુભવી રહ્યો.

રાત્રે જમીને વ્યોમ સુવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ખબર નહી કેમ પણ આજે વ્યોમને ઊંઘ એટલી સહેલાઈથી ન આવી. એ પડખા બદલતો જાગતો હતો. મન ચકરાવે ચડ્યું હતું. કોઈ ચોક્કસ વિચાર તો ન હતા આવતા બસ, રહીરહીને પેલા ભાઈની વાત યાદ આવતી હતી. વ્યોમ અંતે થાકીને બહાર ટહેલવા નીકળ્યો. ભૂત બંગલા જેવું લાગતું મકાન આજે એને ખરેખર વિરાન લાગ્યું ને પાસે ઉભેલી થોરની વાડ પણ એમાં કઈક વધારો કરતી હતી.

એકદમ શાંત વાતાવરણ હતું એટલે દૂરથી આવતો અવાજ વ્યોમના કાને અથડાયો. વ્યોમ અવાજની દિશા તરફ જવા લાગ્યો. અવાજ કાળુનો હોય એવું લાગ્યું. વ્યોમ તેની પાસે ગયો. કાળું ને વ્રતી બંને બેઠા હતા. વ્રતી કાળુંને ભણાવતી હતી. વ્યોમને જોઈ વ્રતીએ આવકાર આપ્યો. વ્રતી બોલી,

"કેમ ડૉકટર સાહેબ ઊંઘ નથી આવતી કે શું ? તમારી ઊંઘમાં ખલેલ થઈ તો તો કોઈ મોટું કારણ હોય બાકી તમે ઇમરજન્સીમાં પણ ઊંઘને વધુ પ્રાધાન્ય આપો છો..."

વ્યોમ અંતર્યામી જેવી વ્રતીને જોઈ રહ્યો. એને થયું આને મારી દરેક વાત કેમ ખબર પડી જાય છે.......

(વ્રતી ને વ્યોમ વચ્ચે શું સંવાદ થાય છે, ને વ્યોમને હજુ કેવા અનુભવ થાય છે.... વધુ વાત આવતા ભાગમાં....)

© હિના દાસા