ભાગ-૧૬
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમને રતીમાને જોવાની તાલાવેલી જાગી કે કોણ છે આ રતીમા... હવે આગળ....)
વ્યોમ ચાવી લઈ દવાખાના તરફ ચાલ્યો, દવાખાનાના ઓટલા પર કાળુનો હાથ પકડી એક સ્ત્રી બેઠી હતી. બધા જેને રતીમા કહે છે તે આ જ. માથા પરથી લોહી નીકળતું હતું છતાં ચહેરા પર જરાય વર્તાતું ન હતું. વ્યોમે તેના ચહેરા તરફ જોયું. રતીમા કહી શકાય એટલી એની ઉંમર ન હતી. હજુ ચાલીસ પણ પુરા નહિ થયા હોય. આવડી આ સ્ત્રીને બધા મા કહીને કેમ સંબોધતા હશે ? બંગાળી ઢબની ખાદીની સાડી પહેરી હતી, ચહેરા પરથી બહુ સમૃદ્ધ ઘરની હશે એવું લાગતું હતું. ચહેરો થોડો રક્તિમ હતો તો પણ એની સુંદરતા છુપાઈ શકતી ન હતી. આટલું લાગવા છતાં હોઠ પર હાસ્ય એમ જ હતું. વ્યોમ તાળું ખોલી અંદર ગયો ને એમને પણ અંદર લઈ આવવા કહ્યું. ઘણા બધા માણસોનું ટોળું સાથે અંદર જવા ગયું. ત્યાં તો એ સ્ત્રી બોલી,
"સૃજનકાકા આ બધાને કહો મને કંઈ નથી થયું આટલી ચિંતા ન કરે ચિંતા કરવી હોય તો રમાની કરે ને તપાસ કરે કે એ શહેરની હોસ્પિટલમાં પહોંચી કે નહીં."
વ્યોમે અવાજ સાંભળ્યો એકદમ શહેરી લઢણ ને મધુર અવાજ. વ્યોમને એટલું તો સમજાયું કે આ વ્યક્તિ આ ગામની તો નથી જ. તો પછી અહીં શા માટે રહે છે ને બહારના વ્યક્તિ માટે આ ગામડાના લોકોમાં આટલું માન ? વ્યોમની વિચારધારા તૂટી જ્યારે આખું ટોળું અંદર આવ્યું. વ્યોમ સ્વભાવ મુજબ અકળાયો, છગન સમજી ગયો પણ અત્યારે આ લોકો બહાર જાય એવું લાગતું ન હતું. વ્યોમે છગનને ઈશારો કર્યો પણ છગને પણ ઇશારાથી પોતાની મજબૂરી સમજાવી. બધા જેને રતીમા કહેતા હતા એ વાત પામી ગઈ એટલે એણે જ કહ્યું,
"તમે બધા બહાર બેસો તો સાહેબ મારો ઈલાજ કરી શકે ને !"
ને એક પળમાં તો બધા બહાર જઈ ઉભા રહી ગયા. વ્યોમે સારવાર ચાલુ કરી. એણે પાસે ઉભેલા સૃજનભાઈને પૂછ્યું કે આ કઈ રીતે બન્યું, સૃજનભાઈ કઈ બોલે એ પહેલા છગને વાર્તા ચાલુ કરી.
"અરે! સાહેબ વાત પુછોમાં હું તમને નતો લઈ ગયો સાપ કરડ્યો હતો એ દર્દી પાસે, બસ ત્યાં જ આ બબાલ થઈ. હવે તો મને પણ અફસોસ થાય છે કે રતીમાને ખોટા એમાં નાખ્યા."
ત્યાં તો ચાલુ ઇલાજે એ બોલી,
"છગનભાઈ એમ શા માટે કહો છો. સારું થયું તમેં મને બોલાવી બાકી રમાની હાલત વધુ ગંભીર હોત. હજુ પણ સમયસર દવાખાને પહોંચી જાય એટલે બસ.."
છગન બોલ્યો, "હું સાહેબને લઈને ગયો હતો પણ એ લોકો માને એમ કયા હતા એટલે જ સાહેબ નીકળી ગયા હશે."
ફરી એ બોલી, "હા, પણ બધાથી પોતાની જવાબદારીમાંથી છટકી થોડુ શકાય છે."
વ્યોમને આ કટાક્ષ બહુ ઊંડે ઘા કરી ગયો, એણે એક નજર બોલનારના મોઢા પર કરી, એ ખાલી માર્મિક હસી. વ્યોમ કઈ બોલ્યો નહિ. માથા પર પાટો બાંધી એ બોલ્યો.
"લો હવે લોહી નહિ નીકળે તમારા રતીમાને"
એ સ્ત્રી બોલી,
"તમે તો મારું નામ બોલી શકશો તો મને વ્રતી કહેશો તો ચાલશે, હું ફક્ત આ ગામલોકોની જ રતીમા છું...."
વ્યોમને લાગ્યું કે આ તેના પર બીજો ઘા થયો છે, એને એનું સ્થાન બતાવવા માટે. એ બોલ્યો,
"અચ્છા, તો આપનું નામ આ ગામલોકોએ બગાડી નાખ્યું છે એવું જ ને! બાકી અસલ નામ તો વ્રતી છે.."
વ્રતી નો હાથ પકડીને અત્યાર સુધી ચૂપ ઉભો રહેલો કાળું હવે બોલ્યો,
"અમી કઈ નામ નથ બગાયડુ, અમની તો અમારી મા જેવા લાગે તો મા કયી, તમની કા કોઈ બાપ ન કયે, નથ લાગતા અટલે ઝ ને ! રતીમાને હવી ઘેર લઈ જાવ ને ?"
વ્યોમ બોલ્યો, "હા હવે એમને સારું છે, બસ થોડી દવા આપી દઉં છું તો કોઈ ચિંતાની વાત નથી. ને મારે કોઈના મા-બાપ નથી થવું..."
વ્રતી કાળુનો હાથ પકડી ઉભી થઈ, બહાર જઈને ઉભેલા ગામલોકોને શાંતિથી ઘરે જવા કહ્યું. સૃજનભાઈ ને કાળુ એને ઘરે મુકવા ગયા. વ્યોમ પણ દવાખાનું બંધ કરી ઘર તરફ જવા નીકળ્યો. કરમદાસ સાથે હતા. વ્યોમને કેટલા પ્રશ્નો પૂછવા હતા વ્રતી વિશે. વ્યોમે વાત ચાલુ કરી.
"કરમદાસ આ વ્રતી કોણ છે ? આ ગામના તો નથી લાગતા..."
કરમદાસે કહ્યું, "ના સાહેબ એ તો આ ગામના કઈક પુઈન હયસે કે આ રતીમા જેવા આ ગામમાં આવીને રહે..."
વ્યોમ ફરી પોતાની ઉત્સુકતા છુપાવીને બોલ્યો,
"અચ્છા, આમ તો સારા ઘરના હોય એવું લાગે છે. અહીં તો એમનો પરિવાર આવીને કેમ રહ્યા, શહેર મૂકી અહીં એમને કેમ ફાવ્યું ?"
કરમદાસે જવાબ આપ્યો,
"કેવો પરિવાર સાહેબ !! અહીં તો એ એકલા રહે છે, કોઈના પણ સહારા વગર, બસ આ ગામનો ઉદ્ધાર કરવાની ભેખ ધરી છે.."
આટલી વાત થઈ ત્યાં તો રુમ સુધી પહોંચી ગયા. કરમદાસ બોલ્યા,
"સાહેબ તમે આરામ કરો થાકી ગયા હશો, આજે તો તમારી ઊંઘ બગડી...."
વ્યોમ બોલ્યો, "ના કરમદાસ આવી ઇમરજન્સીમા તો વાંધો નહિ.. "
વ્યોમ પોતાના ઓરડામાં ગયો. આજે એને વ્રતી વિશે જ વિચારો આવતા હતા. દેખાવમાં સાદગી હતી પણ આટલું ભણેલી છોકરી અહીં શા માટે આવીને રહે છે ? ને એનો પરિવાર અહીં નથી તો ક્યાં છે ? અનેક સવાલો વ્યોમના મનમાં ઘુમરાયા કર્યા. અંતે આ બધા સવાલોનો જવાબ કાલે કરમદાસ પાસેથી જ મેળવી લઈશ એમ વિચારી વ્યોમ નિંદ્રાધીન થઈ ગયો......
(વ્યોમના સવાલોનો જવાબ એને મળશે ? વધુ વાત આવતા ભાગમાં.....)
© હિના દાસા