ભાગ-2
(આગળના ભાગમાં આપણે જોયું કે વ્યોમ ભવિષ્યનો ડૉક્ટર બનવા તૈયારી કરી રહ્યો છે, એની આગળની સફર જોઈએ....)
ઘરે પહોંચતા જ વ્યોમ બરાડી ઉઠ્યો,
"મમ્મી, દાન ધરમ થઈ ગયું હોય તો આ મારા પેટના જીવડાને પણ કંઈક જમાડ."
કુમુદ બપોરની થાળી સજાવીને આવી. ડાઇનિંગ ટેબલ પર બંને મા દીકરો જમવા બેઠા. કુમુદનો આગ્રહ રહેતો કે જમવા બધાને સાથે જ બેસવું, પ્રમોદભાઈ વ્યસ્તતાને કારણે બપોરે તો નહીં સાંજે હાજર રહેતા.
કુમુદ સ્વભાવવશ વ્યોમને જમવા બેસે ત્યારે સલાહોનો મારો ચલાવતી, ને એ સ્ત્રીની ખાસિયત એવી હતી કે કોઈને પણ લાગે નહિ કે સલાહ આપે છે, વાતચીત જ લાગે.
આજે તો સમયસર જ પહોંચી ગયો હશે કોલેજમાં નહિ! કેટલાકને હેરાન કરે છે ત્યાં ? આજે ખબર મેં શુ વાંચ્યું એક છોકરો નશો કરીને ગાડી ચલાવતો હતો બોલ! વ્યોમ બખૂબી સમજતો હતો, એ કહેતો..
"મારી નિરૂપા રોય હું કોઈ વ્યસન નથી કરતો, કોઈ છોકરી સાથે અફેર નથી કરતો હા થોડું ફ્લર્ટ કરું છું. તું ચિંતા ન કર."
ને કુમુદ હસતા હસતા જમવાનું પીરસતી જતી.
સાંજે વ્યોમ ને નિશાંત કમાટીબાગ એની રોજની જગ્યાએ બેઠા હતા.
નિશાંત બોલ્યો, " યાર, આજે ત્રિપાઠી સર તારું પૂછતા હતા. કે વ્યોમ આજે કેમ ન આવ્યો. હું તો એમનો ચહેરો જોઈ કશું બોલી જ ન શક્યો. એમના ચહેરાને જોઈ લાગતું હતું કાલે કઈક એક્શન તો જરૂર લેશે."
વ્યોમ તો કઈ સાંભળ્યો કે ન સાંભળ્યો ખબર ન પડી દોડતો દોડતો ગયો ને બહાર રમકડાં વેચતી એક છોકરી પાસેથી બધા રમકડાં ખરીદી એને પૈસા આપી રવાના કરી દીધી. ને રમકડાં બધા નિશાંતને આપી કહે..
" લે મોજ કર તુંય, રમ આનાથી."
નિશાંત તો જોતો જ રહી ગયો. આ વ્યક્તિને ઓળખવો કોઈના હાથની વાત ન હતી. એણે પણ કઈ બોલ્યા વગર રમકડાં લઈ લીધા. વ્યોમ સામે એની કોઈ દલીલ ચાલે એમ નહતી. નિશાંત વિચારતો.
' આ વ્યોમ ક્યારેક કેટલો ઉદ્ધત બની જાય તો ક્યારેક કેટલો દયાળુ. એ જીવનમાં ગંભીરતા લાવે તો નામી ડૉક્ટર થઈ શકે એમ છે.'
પણ નિશાંત વ્યોમને આ વાત કહી શકતો નહિ. નહિ તો વ્યોમ એનો વારો પાડી દે. સલાહોથી એને સખત ચીડ હતી.
બંને છુટ્ટા પડ્યા ત્યારે નિશાંતે કહ્યું,
' યાર પ્લીઝ, કાલે ત્રિપાઠી સરનું પ્રેક્ટિકલ ભરી લેજે, મારે પછી બધાને જવાબ આપવા પડે છે.'
વ્યોમ ખડખડાટ હસતો બાઇકને ફૂલ લીવર મારી પોતાની ધૂનમાં ચાલતો થયો.
સંસ્કાર નગરી વડોદરાની ગલીએ ગલી વ્યોમના પગલાં ઓળખતી હતી. અરવિંદ આશ્રમથી માંડી કમાટીબાગ, રેસકોર્સ, લાલબાગ બધી જ જગ્યાએ વ્યોમ બાઇકના ચક્કર લગાવીને જ મોટો થયો હતો.
વિશ્વામિત્રીના મગરો જોવા પણ વ્યોમ એક વખત ગયો હતો.
કુમુદનો આ વાત ખબર પડી ગઈ ને એણે ઉપવાસ આદર્યો, કહે કે,
" જો તું નદી પાસે જા તો હું ઉપવાસ કરીને મરી જઈશ. "
વ્યોમ ખરો ફસાયો, એણે વચન આપ્યું કે ક્યારેય પાણી પાસે નહિ જાય ત્યારે છેક કુમુદે ઉપવાસ તોડ્યો હતો. આવો જ હતો વ્યોમ કોઈની સમજમાં ન આવે એવો..
સવારે ઉઠી વ્યોમ તૈયાર થઈ કોલેજે જવા નીકળ્યો. આજે તો ત્રિપાઠી સર વારો પાડવાના હતા, જો કે વ્યોમને કઈ ફરક ન હતો પડવાનો પણ નિશાંતનો આગ્રહ હતો એટલે એ ટાઈમે પહોંચી ગયો.
પ્રેક્ટિકલ ચાલુ થાય એ પહેલાં જ વ્યોમ પહોંચી ગયો. આખો કલાસ ભરાયો પછી ત્રિપાઠી સર આવ્યા. એમની તીક્ષ્ણ નજર વ્યોમને જ શોધતી હતી. વ્યોમ સામે જ દેખાયો એટલે એમણે પ્રેક્ટિકલ ચાલુ કરી દીધું. એક વ્યોમ સિવાય બધા ધ્યાન આપતા હતા. બધાને થયું આટલો બેજવાબદાર વ્યક્તિ ડોક્ટર કઈ રીતે બની શકે. પણ ટ્રસ્ટીના છોકરાને કોઈ કઈ કહી શકે એમ હતું નહીં, તો બસ બધા એનાથી દૂર રહેવાનું પસંદ કરતાં. ઉદ્ધત વર્તનને કારણે વ્યોમ છોકરીઓમાં પણ અપ્રિય હતો. દેખાવમાં તો એના જેવું આખી કોલેજમાં કોઈ નહિ હોય પણ છતાં વ્યોમનું વર્તન, બધાની હાંસી ઉડાવવાની આદતથી એ બહુ કોઈને ગમતો નહિ.
એના કોલેજની એક માત્ર છોકરી ધૃતી વ્યોમની ખાસ મિત્ર હતી. ધૃતી વ્યોમને સુધારવા, બચાવવા હંમેશા પ્રયત્ન કરતી. હા પણ વ્યોમ તરફથી એને એટલો સાથ ન મળતો. વ્યોમ લાગણીમાં વહી જાય એવો છોકરો ન હતો. એને મજા આવે તો માનતો બાકી અલડતા બતાવી છટકી જતો.
બધાને આશ્ચર્ય થતું આ ધૃતી જેવી છોકરી વ્યોમને સુધારવા શુ નીકળી પડી હશે! પથ્થર પર પાણી રેડવા જેવું છે. વ્યોમ ક્યારેય નહીં સુધરે....
( વધુ વાત આવતા અંકે, વ્યોમ સાથે આગળ શું થાય છે ? આપનો કિંમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ)
© હિના દાસા