મહેકતા થોર.. - ૧ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહેકતા થોર.. - ૧

ભાગ-1

" બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો,

વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાંથી નહિ ખસવાનો રઘલાનો નિયમ હતો. ને વ્યોમે પણ રઘલાને નિરાશ ન કર્યો, દશ રૂપિયાની નોટ એના માથે મારી. ને બાઇકની ચાવી આપતા કહ્યું,

"રઘલા, આજે બાઇક ધોઈ આપજે તો જરા, ધૂળ ચડી ગઈ છે. "

ને રઘલો પણ કોઈને પણ જવાબ ન આપે એવો વ્યોમ પાસે તો પૂંછડી પટપટાવતો આવી જાય. ને કહેવાય છે ને કે પૈસા બોલતા હૈ, અહીં પણ એવું જ હતું. વ્યોમને કામ કઢાવતા ભલીભાતી આવડતું હતું.

ચા પીને વ્યોમ કોલેજ બહાર જતો હતો, એને અટકાવતા નિશાંત બોલ્યો,

" યાર આજે તો ત્રિપાઠી સરનું imp પ્રેક્ટિકલ છે, તારે નથી ભરવો."

વ્યોમે ખાલી નજર નાખી ને નિશાંત ચૂપ થઈ ગયો. વ્યોમને પ્રશ્ન પૂછનાર હજી સુધી કોઈ જન્મ્યું નથી, ને રોકનાર તો કોઈ જ નહીં. એ કોલેજના ગેટની બહાર નીકળી ગયો. રઘલાએ બાઇક ચકચકિત કરી દીધી હતી.

ઘૂઘરાળા વાળ, મોટું આકર્ષક કપાળ, ફૂલ સ્લીવ ટીશર્ટ, ગોગલ્સ, ને એકદમ ગોરો વાન કોઈ પણ જોવે તો એક વખત તો ફરી જોવાનું મન થઇ આવે એવો હતો વ્યોમ.

ફૂલ સ્પીડમાં બાઈક ચલાવતા વ્યોમે સટાક કરતી બ્રેક મારી, પાછળ આવતો બાઇકવાળો માંડ બચ્યો, જો એણે સતર્કતા ન વાપરી હોત તો accident થઈ જ ગયું હતું. બાઈકવાળો બરાડી ઉઠ્યો,
" ચલાવતા આવડે છે કે નહીં ?"
વ્યોમે પણ ઉદ્ધતાઈથી જવાબ આપ્યો,
"ના, તમે શીખવશો ! અત્યારે જ શીખવશો કે ઘરે આવું.."

ને જાણે કઈ થયું જ નથી એમ વ્યોમ આગળ નીકળી ગયો, પછી સ્વગત બોલ્યો,

' આના ચક્કરમાં છોકરીનું મોઢું જોવાનું રહી ગયું, બાકી ડ્રેસિંગ સેન્સ પરથી લાગ્યું કે સુપર છોકરી હશે.'

પોતાની મહેચ્છાને આગળ ધપાવતો વ્યોમ ફરી એ જ સ્પીડે આગળ વધતો રહ્યો. એકદમ બેજવાબદારીપૂર્ણ ડ્રાઈવિંગ એ વ્યોમની ખાસિયત હતી. એને કોઈની પડી જ ન હતી. એને મન જીવન જીવી લેવા માટે હતું. ને એ માણી રહ્યો હતો. કોઈને ઉદ્ધતાઈભર્યું વર્તન લાગે તો પણ વ્યોમને એમાં કઈ ખોટું નહતું લાગતું. જો તમને મારાથી ફરિયાદ છે તો મારાથી દૂર રહો. બાકી કોઈએ મને ન તો સલાહ આપવી કે નતો મને અટકાવવો. બસ આવો જ હતો વ્યોમ. દૂરથી આકર્ષક પણ આમ સીધા ને સરળ માણસોને એ બહુ ગમતો નહિ. હા, પણ એ સામેથી કોઈને નડતો નહિ, પણ કોઈને હેલ્પફુલ થવું એ પણ એના સ્વભાવમાં ન હતું. ખાલી ખોટી લાગણી બતાવવી, ને પોતે હેરાન થઈ બીજાને મદદ કરવી એવો આદર્શવાદ વ્યોમમાં ન હતો.

ભવિષ્યનો ડૉક્ટર બનવાનો હતો વ્યોમ. જો કે એનામાં ડૉક્ટર જેવા કોઈ ગુણ હતા નહિ. ફક્ત મહેચ્છા ખાતર એણે મનમાં ગાંઠ વાળી લીધી હતી બનવું તો ડોકટર જ બનવું, બાકી કોઈ વ્યવસાય પોતે નહિ કરે.

પોતાની જીદ પૂર્ણ કરવા વ્યોમે મહેનત પણ એવી કરી હતી. ને M.D. medical college માં એડમિશન પણ મેળવી લીધું.

"પ્રમોદ શાહ માટે થોડું કઈ અશક્ય છે. પોતાના દીકરાને તો કોલેજમાં એડમિશન આપે જ ને, આખરે પોતે ટ્રસ્ટી જો છે."

આવી અટકળો લોકો કહેતા. પ્રમોદ શાહનો એકનો એક દીકરો હતો વ્યોમ. શહેરના નામી લોકોમાં પ્રમોદ શાહ વખણાતાં. ને કુમુદ શાહ તો અન્નપૂર્ણા જોઈ લો. સાધારણ પરિવારની દીકરી હતી એટલે સમૃદ્ધિ બખૂબી પચાવી હતી એણે. રોજ અનેક લોકો એના ઘર પાસે જમવાના સમયે આવતા ને રોજ બે ટાઈમ આ ભૂખ્યા લોકોને કુમુદ પોતાની દેખરેખ નીચે જમાડતી.

સમૃદ્ધિની છોળો વચ્ચે વ્યોમ મોટો થયો હતો. આધુનિકતાએ એને થોડો ઉદ્ધત બનાવી દીધો હતો બસ, પણ કુમુદની પરિવરીશ ઠગારી નીવડી એવું તો ન જ કહી શકાય. એમ તો વ્યોમને હૃદયે પણ રામ જ વસતો બસ એ બહુ જતાવતો નહિ. હનુમાનને જેમ રામ મળ્યા પછી પોતાની શક્તિઓ જાગ્રત થઈ એમ વ્યોમના પણ લોહીમાં પડેલા સંસ્કારો કોઈ રામની રાહ જોઈ બેઠા હતા....

(વ્યોમનું જીવન કેવા વળાંકો લે છે આગળના ભાગમાં જોઈશું, આપનો પ્રતિભાવ મારો ઉત્સાહ અનેક ગણો વધારશે........)

© હિના દાસા

(આ રચના સંપૂર્ણ મૌલિક અને કાલ્પનિક છે, સ્થળ, કાળ, નામ બધું કાલ્પનિક છે..)