જંતર-મંતર - 10 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 10

જંતર-મંતર

( પ્રકરણ : દસ )

રીમાને એ અદૃશ્ય પુરુષે એક જોરદાર ઝાપટ મારી ત્યારપછી રીમા જમીન ઉપર ઊથલી પડી હતી અને બેભાન બનીને ચત્તીપાટ જમીન ઉપર પડી હતી. એને ઉઠાવીને પલંગ ઉપર નાખવાના પ્રયત્નો નકામા નીવડયા હતા. એનું વજન એક હાથણી કરતાં પણ વધારે થઈ ગયું હતું. બબ્બે ડૉકટરો પણ રીમાની હરકતોથી ડરીને ભાગી છૂટયા હતા. ત્યારબાદ હંસાએ જ હતું, ‘આ રોગ હવે કોઈ વૈદ્ય કે ડૉકટરથી નહીં મટે. આપણે હવે આનો ઈલાજ કરાવવા માટે કોઈ ભૂવા, સાધુ કે ફકીર પાસે જવું પડશે.’

હંસાની વાત બધાને ઠીક લાગી. પોતાની દીકરીને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે એ જાણીને રીમાના મા-બાપને મનમાં ખૂબ દુઃખ થયું. એમણે પોતાની આટલી જિંદગીમાં કદી કોઈ વળગાડ કે ભૂત-પ્રેતનો કિસ્સો જોયો નહોતો. જોકે, ભૂત-પ્રેત અને ચુડેલ-ડાકણ વિશે એમણે અનેક સાચી-ખોટી વાતો અનેક વખત સાંભળી હતી. એવી વાતો સાંભળીને પણ એમને ડર લાગતો હતો. જ્યારે આજે એમની સામે એમની દીકરી, ભૂત-પ્રેતના પંજામાં ફસાઈને પડી હતી. બન્ને પતિ-પત્નીના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. રીમાની મા તો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. હંસાની આંખો પણ ભરાઈ આવી હતી. મનોજ પણ ગુમસુમ થઈ ગયો હતો. શું કરવું ? કોને બોલાવવો ? કયાં જવું ? અને રીમાનો ઈલાજ કોની પાસે કરાવવો ? એ બધા સવાલો હવે એમને વીંછીના ડંખની જેમ ચટકા ભરી રહ્યા હતા.

એ રાતે કોઈ ઊંઘી શકયું નહીં. બધાં લાચાર બનીને રીમાની આસપાસ બેસી ગયાં હતાં. રીમા હજુ પણ ચત્તીપાટ પડી હતી. એની આંખો ખુલ્લી હતી. પણ એના ડોળા ફાટી ગયા હોય એમ એ ઉપરની છતને એકીટસે તાકી રહી હતી. એની પાંપણો સ્થિર હતી. હાથ, પગ, આખોય ચહેરો અને આખુંય શરીર પથ્થરની જેમ સ્થિર હતું. એ ખૂબ ઝડપથી શ્વાસ લેતી હોય એમ એની છાતી પણ ખૂબ ઝડપથી ઊંચે-નીચે થતી હતી.

સવાર પહેલાં જ હંસાને યાદ આવ્યું કે પોતાની સાસુની સગી બહેન મનોરમાનો નાનો દીકરો ટીનુ દિવસે દિવસે ઓગળતો જતો હતો. ગમે તેટલું સારું ખવડાવવા છતાય છોકરો સારો ન જ થયો. ઊલટાની એને કમજોરી આવી ગઈ અને એ ખાટલે પડી ગયો. ઊભા રહેવાના કે બેસવાના હોશ પણ એનામાં ન રહ્યા. છેવટે કોઈની સલાહથી મનોરમાબહેન એને એક ફકીર પાસે લઈ ગયાં.

ફકીરે છોકરાને જોતાં જ કહી દીધું હતું કે, ‘છોકરાને કોઈની નજર લાગી છે. એણે કોઈક હલકા જીવની બાઈ સામે કોઈ વસ્તુ ખાધી છે, જેની નજર લાગી છે.’ ત્યારબાદ એ ફકીરે એક તાવીજ-માદળિયું બનાવી આપેલું. એ તાવીજ પહેરાવ્યા પછી ફકત સાત જ દિવસમાં એ ટીનું હરતો-ફરતો થઈ ગયો.

હંસાને આ વાત યાદ આવતાં જ એણે પોતાની સાસુને કહ્યું, ‘બા, આપણા મનોરમામાસીના ટીનુને નજર લાગી હતી ત્યારે કોઈક ફકીરે માદળિયું કરી આપેલું. એ ફકીર પાસે આપણે રીમાનો ઈલાજ કરાવીએ તો કેમ ?’

હંસાની સાસુ રંજનાબહેનને પણ એ વાત યાદ આવી. પણ એ ભાંગી પડયાં હોય એમ બોલ્યાં, ‘પણ એ ફકીર આપણને કયાં મળે...?’

‘એ તો મનોરમામાસીને ખબર હશે. આપણે એમને જ પૂછી જોઈએ.’ હંસાએ રસ્તો બતાવ્યો. ત્યારે રંજનાબહેનને બદલે હંસાના સસરા બોલ્યા, ‘તમારી વાત સાચી છે વહુ, કદાચ મનોરમાને ખબર હશે.’ અને પછી મનોજ તરફ ફરીને બોલ્યા, ‘મનોજ, તું જરા અજવાળું થાય ત્યારે રિક્ષા કરીને તારી માસીને ત્યાં જા. અને પેલા ફકીર વિશે પૂછપરછ કરી આવ.’

ત્યારપછી હંસા ઘરમાં ઝાડુ-પાણીના કામને વળગી. જોકે, એનો જીવ પણ ઠેકાણે નહોતો. આમેય ઘરમાં એક જુવાન દીકરી આવી હાલતમાં પડી હોય તો કોઈનોય જીવ ઠેકાણે ન રહે એ સ્વાભાવિક છે. પણ હંસા જાણતી હતી કે આમ હાથ ઉપર હાથ મૂકીને બેસી રહેવાથી રીમા સાજી થવાની નથી.

થોડીકવાર પછી અજવાળું થતા મનોજ પોતાની માસીને ત્યાં જવા ઉપડી ગયો. મનોજ જ્યારે માસીને ત્યાં પહોંચ્યો તો માસી ચા બનાવતાં હતાં. મનોજને સવાર સવારમાં જ આવેલો જોઈને તેઓ ઉછળી પડયાં, ‘અરે મનોજ, કેમ અત્યારમાં....ઘરે બધા મજામાં છે ને ? રંજનાની તબિયત તો સારી છે ને...?’

મનોજ માસી પાસે રસોડામાં બેસી જતાં બોલ્યો, ‘માસી, બા-બાપુજીને તો સારું છે, પણ રીમાની તબિયત સારી નથી.’

‘હેં, શું થયું છે રીમાને ?’

‘રાતની બેહોશની જેમ પડી છે. રાતના બબ્બે ડૉકટરોને બતાવી જોયું તોય કાંઈ સમજાતું નથી. મારી બાનું માનવું છે કે એ કોઈ, શેતાનની ઝપટમાં આવી ગઈ છે. એટલે તમારા ટીનુને તાવીજ બનાવી આપ્યું હતું, એ ફકીર પાસે રીમાનો ઈલાજ કરાવવાનો વિચાર છે.’

‘હા, બેટા એ ફકીરે જ ટીનુને બચાવ્યો છે. એ બહુ જ જાણકાર છે.’

‘પણ એ અત્યારે કયાં મળે માસી ?’

‘એ ફકીરબાબાને બોલવવા તો હું ટીનુને જ મોકલું છું.’ કહેતાં એમણે ટીનુને હાંક મારીને બોલાવ્યો. ટીનુ આવ્યો એટલે એમણે કહ્યું, ‘ટીનુ, તું પીરની દરગાહ પરથી ફકીરબાબાને બોલાવીને માસીને ઘેર આવ. હું પણ આ મનોજ સાથે માસીને જ ઘેર જાઉં છું.’

ટીનુ વધારે કોઈ પૂછપરછ કર્યા વિના ફકીરબાબાને બોલાવવા ઉપડી ગયો અને મનોરમાબહેન પણ ચાનાં ખાલી કપ-રકાબી ભેગાં કરતાં ઊભાં થયાં, ‘ચાલ મનોજ, આપણે હવે નીકળીએ.’

ચંપલ પહેરતાં-પહેરતાં જ મનોરમાબહેને પોતાની મોટી વહુને જરૂરી સૂચન કરી દીધાં અને પોતે મનોજ સાથે નીકળી ગયાં.

મનોરમામાસી અને મનોજ ઘરે પહોંચ્યા એની થોડી જ વાર પછી ટીનુ ફકીરબાબાને લઈને આવ્યો.

ફકીરબાબાએ લીલી કફની પહેરી હતી. માથે લીલો રૂમાલ બાંધ્યો હતો અને હાથમાં એક થેલી પકડી રાખી હતી. કમરામાં પગ મૂકતાં જ ફકીરબાબાએ એક પળ બારણા પાસે જ થંભી જઈને આખાય કમરામાં એક નજર ફેરવી. એમની નજર ફરતી ફરતી જમીન ઉપર ચત્તી પડેલી રીમા ઉપર આવીને અટકી ગઈ.

એકીટસે રીમાને જોતાં ફકીરબાબા હળવે પગલે આગળ વધ્યા. ધીમે-ધીમે તેઓ રીમા પાસે આવીને ઊભા રહી ગયા. રીમાના આખાય શરીર ઉપર પગથી માથા સુધી નજર ફેરવી લીધા પછી એમણે રીમાની આંખોમાં જોયું. કયાંય સુધી રીમાની નજરને જોઈ રહ્યા પછી એમણે નજર ઉઠાવ્યા વિના જ કહ્યું, ‘આ છોકરીને વળગાડ છે.’ પછી એકાએક ગરદન ઊંચી કરીને એમણે રીમાના પિતાજીને પૂછયું, ‘કયારથી તમારી દીકરીને વળગાડ છે ?’

ફકીરના સવાલનો શું જવાબ આપવો એ રીમાના પિતાજીને જલદી કંઈ સૂઝયું નહીં એટલે રીમાની મા રંજનાબહેને જવાબ આપ્યો, ‘બાબા, આજે રાતે એની આવી હાલત થઈ ગઈ પછી અમે તમને બોલાવ્યા.’

‘બીજા કોઈને ઈલાજ માટે બોલાવેલો...?’

‘હા, બે ડૉકટર જોઈ ગયા.’

‘એ સિવાય બીજું કોઈ ?’

‘ના. ડૉકટરોથી કંઈ વળ્યું નહીં એટલે અમે તમને બોલાવ્યા. હવે તમે જ કંઈક ઈલાજ કરો.’ કહેતાં કહેતાં રંજનાબહેનનો અવાજ ગળગળો થઈ ગયો. એમની આંખોમાં આંસુઓ ધસી આવ્યાં. વાતાવરણમાં એક અજીબ ગંભીરતા અને ખામોશી પથરાઈ ગઈ.

ફકીરબાબાએ ફરી એકવાર રીમા તરફ નજર નાખીને કહ્યું, ‘એને સારું થઈ જશે. પણ એના ઈલાજ માટે કેટલીક વિધિ કરવી પડશે.’

રંજનાબહેને જવાબ આપવા એમના પતિ સામે જોયું. પણ ત્યાં તો મનોરમાએ જવાબ આપી દીધો, ‘ફકીરબાબા, તમારે જે વિધિ કરવી હોય તે કરો. અમને કોઈ વાંધો નથી. તમે કહો ત્યાંની અમે બાધા રાખવા પણ તૈયાર છીએ.’ અને પછી આજીજીભર્યા અવાજે એમણે કહ્યું, ‘બાબા, ગમે તેમ કરો, પણ અમારી દીકરીને સાજી કરો.’

ફકીરબાબાએ બેય હાથ ઊંચા કરીને, અદ્ધર જોતાં કહ્યું, ‘જો ઉપરવાળાની ઈચ્છા હશે તો તમારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થાય. હું મારી રીતે મહેનત કરું છું.’ તેમણે પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને નીચે જમીન ઉપર બિછાવ્યું અને પછી પોતે એ કપડાં ઉપર પલાંઠી વાળીને બેસી ગયા. બેઠા પછી ફકીરબાબાએ પોતાના ખભા ઉપરની ઝોળી પાસે મૂકી અને એમાંથી એક ધૂપદાની કાઢીને મનોરમાબહેન તરફ લંબાવી, ‘આમાં કોલસા સળગાવીને ભરી લાવો.’

મનોરમાબહેને ફકીરબાબા પાસેથી ધૂપદાન લીધું એટલે તરત જ હંસાએ એમની પાસેથી ધૂપદાન પોતે લઈ લીધું અને એમાં કોલસા ભરવા રસોડા તરફ દોડી ગઈ.

ફકીરે પોતાની નજર રીમા ઉપર ઠેરવી અને પછી આંખો મીંચી, હોઠ ફફડાવીને પઢવાનું ચાલુ કર્યું.

થોડી જ વારમાં હંસા ધૂપદાન લઈને આવી અને ફકીરબાબાની પાસે મૂકયું. ધૂપદાન મૂકવાનો અવાજ સાંભળીને ફકીરબાબાએ આંખો ખોલી. ધૂપદાન પોતાની નજીક ખેંચ્યું અને પોતાની ઝોળીમાંથી લોબાન અને પૂંઠાનો એક નાનકડો ટુકડો બહાર કાઢયો, જોકે, એ વખતે પણ એમના હોઠ ઝડપથી ફફડાવતા હતા અને પઢવાનું ચાલુ જ હતું.

ફકીરબાબાએ લોબાનનો ભૂકો કાઢીને, સળગતા કોલસા ઉપર ભભરાવ્યો. લાલચોળ કોલસા ઉપર લોબાન પડતાં જ એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. ફકીરબાબાએ પેલા પૂંઠાનો ટુકડો ઉઠાવીને ઝડપથી હલાવવા માંડયો અને બીજા હાથે ધીમે-ધીમે લોબાનનો ભૂકો પણ ભભરાવતા રહ્યા. થોડીકવાર તો આખો કમરો ધુમાડાથી ભરાઈ ગયો. હવે ફકીરબાબાએ મોટા અવાજે-કંઈક ગણગણતા હોય એમ પઢવા માંડયું હતું. અને લોબાનનો ધુમાડો રીમાના શરીર ઉપર પડવા માંડયો હતો.

રીમા કયારનીય છત તરફ એકીટસે જોતી પડી હતી. પરંતુ લોબાનનો ધુમાડો લાગ્યા પછી એ સળવળવા માંડી હતી.

જેમ જેમ લોબાનનો વધુ ને વધુ ધુમાડો રીમાના શરીરને લાગવા માંડયો હતો, તેમ તેમ રીમા વધુ ને વધુ સળવળવા લાગી હતી અને ફકીરબાબાએ પણ પોતાનો અવાજ મોટો કરી નાખ્યો હતો.

અત્યાર સુધી રીમા સહેજ પણ હલી નહોતી. એ જ રીમાને અત્યારે સળવળાટ કરતી જોઈને રીમાનાં, મા-બાપ, માસી, મનોજ અને હંસા બધાંને હવે ફકીરબાબા ઉપર શ્રદ્ધા બેસી ગઈ. એમને મનમાં ખાતરી થઈ ગઈ કે આ ફકીરબાબા જે કંઈ ઈલાજ કરશે એનાથી રીમા જરૂર સારી થઈ જશે.

ફકીરબાબા હવે ઊભા થઈ ગયા હતા. પેલું પોતે પાથરેલું સફેદ કપડું દૂર મૂકી દીધું. એ કપડા ઉપર જ પોતાની ઝોળી પણ મૂકી દીધી હતી અને રીમાની આગળ પાછળ ફરતાં એમણે લોબાનનો ધુમાડો નાખવા માંડયો હતો. હવે રીમાએ આળોટવાની સાથોસાથ ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દીધું હતું. વચ્ચે વચ્ચે એ ઊંહકારા પણ નાખતી હતી. અને એ ઊંહકારા છેક એના પેટમાંથી નીકળતા હોય એમ લાગતું હતું. અચાનક બાબાએ એની નજીક જઈને એની ઉપર ફૂંક મારી.

ફૂંક લાગતાં જ રીમાએ જોરથી જમીન ઉપર હાથ પછાડયો અને એની સાથોસાથ એ ઝડપથી ઊંહકારા નાખતી-ધૂણતી હોય એમ આળોટવા લાગી.

રીમા કયાંય સુધી આળોટતી, ધૂણતી અને ઊંહકારા કરતી રહી પછી ફકીરબાબાએ પોતાના હાથમાંની ધૂપદાની એક તરફ મૂકી દઈને રીમા તરફ જોઈને બૂમ મારી, ‘બોલ કોણ છે તું....?’

રીમાએ કોઈ જવાબ ન આપ્યો. પણ એ ફકીરબાબાની હાંસી ઉડાવતી હોય એમ હળવે હળવે હસી. પણ એના હસવાનો અવાજ અત્યારે બધાને બદલાયેલો લાગ્યો. કોઈ ઘેરા ભારે અવાજવાળો પુરુષ હસતો હોય એવો અવાજ સંભળાયો હતો.

ફકીરની બૂમ અને રીમાની ઘેરા-ભારે હાસ્યથી કમરામાં ઊભેલાં બધા અવાચક બની ગયાં હતાં. બધાનાં દિલ કોઈ અજાણ્યા ડરથી ફફડી રહ્યાં હતાં.

સામેથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે ફકીરબાબા મનમાં ગુસ્સે થયા હોય એમ જોશથી પઢવા લાગ્યા. એમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એમના કપાળ પર પરસેવાનાં ટીપાંઓ જામી ગયાં હતાં. ઝડપથી પઢતા ફકીરબાબાની સફેદ ટૂંકી દાઢી પણ ઝડપથી ફફડતી હતી.

ફકીરબાબાએ પઢતાં પઢતાં જ પેલા સફેદ કપડા ઉપરથી પોતાની ઝોળી ઉઠાવી. એ ઝોળીમાંથી એમણે એક ડાબલી કાઢી. એ ડાબલીમાંથી થોડાક અડદના દાણા કાઢીને એમણે ડાબલી બંધ કરીને પાછી ઝોળીમાં મૂકી દીધી અને પછી એ અડદના દાણા પોતાની બીજી હથેળીમાં મૂકીને એની ઉપર ફૂંક મારીને એમણે એ દાણા રીમા ઉપર ફેંકયા. કોઈએ ઉઘાડા વાંસા ઉપર ચાબુક ફટકારી હોય એમ રીમા તરફડી ઊઠી અને વધુ જોરથી ઊંહકારા ભરવા લાગી.

રીમાને અત્યારે ધુણતી અને તરફડતી જોઈને ગમે તેવો કઠોર છાતીનો માણસ પણ કંપી જાય એવી રીતે રીમા પીડાથી ઊંહકારા નાખતી હતી. ઘરનાં પણ બધાં રીમાને આમ રિબાતી જોઈને પીગળી ગયાં હતાં. રીમાનાં બા-બાપુજી તો કયારનાંય બહાર નીકળી ગયાં હતાં. હંસાથી પણ હવે રીમાની પીડા જોવાતી ન હોય, એમ એની આંખોમાં આંસુઓ ધસી આવ્યાં.

ફકીરબાબા હવે થોડીક થોડીકવારે અડદના બબ્બે દાણા ફૂંકી-ફૂંકીને નાખી રહ્યા હતા. દરેક વખતે જોશથી દાણા રીમા ઉપર ફેંકીને જોશથી પૂછતાં જતા હતા, ‘બતાવ, કોણ છે તું...?’

રીમા હવે મજાકમાં હસતી નહોતી. દાણા ફેંકાતી વખતે ચાબુકના ફટકાઓનો અનુભવ કરતી એ તરફડતી હતી.

ફકીરબાબાએ ફરી એકવાર ધૂપદાન ઉઠાવી લીધું અને પછી મુઠ્ઠી ભરીને એમાં લોબાન નાખ્યું અને ઝડપથી એની ઉપર પૂંઠાથી પંખો હલાવવા લાગ્યા.

રીમાના શરીર ઉપર ખૂબ ધુમાડો નાખ્યા પછી એમણે ધૂપદાન પાછું મૂકી દીધું અને પછી એકસાથે ત્રણ અડદના દાણા ફેંકીને રીમા ઉપર પછાડયા અને એની સાથે જ રીમાએ ‘મર ગયા-મર ગયા’ એવી કારમી પીડાભરી ચીસ નાખી.

પુરુષ જેવા ભારે અવાજે રીમાને પુરુષની જેમ ‘મર મર ગયા’ બોલતી સાંભળીને હંસા કંપી ગઈ. હંસા દોડીને બહાર નીકળી ગઈ.

અંદર કમરામાંથી ફકીરબાબાનો પઢવાનો અવાજ અને રીમાનો ધૂણવાનો-પીડાથી કણસવાનો, ઊંહકારાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો.

પરસેવે રેબઝેબ થઈ ગયેલા ફકીરબાબા પોતાના હાથમાં બચેલા અડદના છેલ્લા પાંચ-છ દાણા સામે એકીટસે જોઈ રહ્યા પછી એક જોરદાર ફૂંક મારીને તેમણે એ દાણા ધૂણતી રીમા ઉપર પછાડીને, જોરથી ત્રાડ નાખી, ‘કોણ છે તું...? બોલ કોણ છે તું...?’

‘હું સિકંદર છું...સિકંદર...!’ રીમાએ જોરદાર ઘોઘરા પુરુષ અવાજે એક પીડાભરી રાડ નાખી...રાડ નાખતાની સાથે એ સહેજ ઊંચી થઈ અને જોશથી જમીન ઉપર પછડાઈ...

પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલો અદૃશ્ય પુરુષ સિકંદર કોણ હતો ? ફકીરબાબાએ સિકંદરથી કેવી રીતે છુટકારો અપાવ્યો ? રીમાના પરિવારનું શું થયું....? એ બધું જાણવા માટે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.

***