પલ પલ દિલ કે પાસ - હેમા માલિની - 19 Prafull Kanabar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પલ પલ દિલ કે પાસ - હેમા માલિની - 19

હેમા માલિની

વાત ૧૯૬૮ની છે.બી.અનંથ સ્વામીની ફિલ્મ “સપનોકા સૌદાગર” માં રાજ કપૂરની સામે હિરોઈન તરીકે નવો ચહેરો લેવાનો હતો. માત્ર બે તમિલ ફિલ્મ “ઈશુ સથીયામ” અને “પાંડવ વનવાસમ” માં સહ અભિનેત્રીનો રોલ કરી ચુકેલી ૧૯ વર્ષની હેમા માલિની પણ સ્ક્રીન ટેસ્ટ આપવામાટે મુંબઈ આવી હતી.અનંથ સ્વામીએ રાજ કપૂરને પણ સાથે રાખ્યા હતા.હેમા માલિનીને પહેલી વાર જોયા બાદ રાજકપૂરે સ્ક્રીન ટેસ્ટ વખતે “સંગમ” માં “ઓ મેરે સનમ” ગીતમાં વૈજ્ન્તી માલાએ જે સાડી અને ઘરેણા પહેર્યા હતા તેનો આગ્રહ રાખ્યો હતો.હેમાએ રાજકપૂરનાં સૂચનનું અક્ષરશ: પાલન કર્યું હતું.આમ આ રીતે હેમા માલિનીનો હિન્દી સીનેજગતમાં પ્રવેશ થયો હતો.

માતા જયાલક્ષ્મી ચક્રવર્તી અને પિતા વી.એસ.ચક્રવર્તીનું ત્રીજું સંતાન એટલે હેમા માલિની. તા.૧૬/૧૦/૧૯૪૮ ના રોજ મદ્રાસના તિરુચિરાપલ્લીમાં જન્મેલી હેમા માલિનીને બાળપણથીજ કુચીપુડી નૃત્યમાં ગજબની રૂચી હતી.સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને તેણે કોલેજમાં જવાનું માંડી વાળ્યું હતું. નૃત્યમાં નિપુણ હોવાને કારણે તેને નાની ઉમરે તમિલ ફિલ્મ “ઈશુ સથીયામ” માં નર્તકીની જ ભૂમિકા મળી હતી.

૧૯૭૦માં “શરાફ્ત” માં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે પ્રથમ વાર કામ કર્યું હતું. ૧૯૭૨માં રીલીઝ થયેલી ફિલ્મ “સીતા ઔર ગીતા” એ હેમામાલીનીને ટોચની હિરોઈન બનાવી દીધી હતી.તે ફિલ્મ માટે હેમા માલિનીને ફિલ્મફેરનો બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો. તે દિવસોમાં જ સંજીવ કુમારે હેમામાલીની સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો જેનો હેમાએ અસ્વીકાર કર્યો હતો. જીતેન્દ્રએ પણ હેમા સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી પણ છેલી ઘડીએ વાત ફસકી ગઈ હતી.

ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીએ ત્રીસ કરતા પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમાં શરાફત , નયા ઝમાના, તુમ હસીન મૈ જવાન, જુગનૂ, ચરસ, આસપાસ મા, આઝાદ, દોસ્ત, રાજાજાની, શોલે, દિલ્લગી, ડ્રીમગર્લ, રઝીયા સુલતાન, અલી બાબા ઔર ચાલીસ ચોર તથા બગાવત જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.”રઝીયા સુલતાન” ના શૂટિંગ સમયે હેમામાલીની પ્રેગ્નન્ટ હતી. એષાનો જન્મ થવાને થોડા મહિનાની વાર હતી. કામને સમર્પિત હેમાએ ઊંટ પર બેસવાના દ્રશ્યોમાં ડુપ્લીકેટની મદદ લેવાનો ઇનકાર કરીને જાતે જ તે જોખમી દ્રશ્યો આપ્યા હતા.

“શોલે” ફિલ્મની સ્ટાર કાસ્ટ નક્કી થઇ ત્યારે તેમાં સંજીવ કુમારનું નામ જોઇને હેમા માલિનીએ સંજીવ કુમાર સાથે એક પણ સીન ન કરવાની શરતે જ તે ફિલ્મ સ્વીકારી હતી. જોકે હોળીના ગીત પછીના એક દ્રશ્યમાં બંને અન્ય કલાકારો સાથે સ્ક્રીન પર દેખાયા હતા ખરા પરંતુ તે બે વચે કોઈ જ સંવાદ નહતો. “શોલે’ બાદ “ચરસ” ના શૂટિંગ સમયે ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીનો રોમાન્સ વિદેશમાં પુર બહારમાં ખીલ્યો હતો. રજત શર્માના એક સવાલના જવાબમાં તે દિવસો યાદ કરીને હેમા કહે છે “ધરમજી કે સાથ મેરા ઉઠના બૈઠના પિતાજી કો બિલકુલ પસંદ નહિ થા ક્યોકી ધરમજી શાદીસુદા થે.” જોકે ૧૯૭૯ માં ધર્મેન્દ્રએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરીને હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા.લગ્ન વખતે હેમાની ઉમર ૩૧ વર્ષની હતી જયારે ધર્મેન્દ્રની ઉમર ૪૪ વર્ષ હતી.

બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે હેમા માલિની કૃષ્ણ ભક્ત છે.૧૯૭૯ માં જયારે પ્રેમજીએ “મીરાં” બનાવવાનું નક્કી કર્યું ત્યારે હેમા માલિનીએ તેમાં અભિનય કરવાનો અનેરો ઉત્સાહ બતાવ્યો હતો.”મીરાં” નું દિગ્દર્શન ગુલઝારને સોંપવામાં આવ્યું હતું.રાણા ભોજરાજની ભૂમિકા વિનોદ ખન્નાએ ભજવી હતી.ફિલ્મ બનાવતી વખતે ઓવર બજેટ થઇ ગઈ હતી.ફિલ્મ પૂરી કરવા માટે આર્થિક સમસ્યાઓ ઉભી થઈ હતી. આ વાત ૧૯૭૯ ની છે (એટલેકે “શોલે” ના પણ ચાર વર્ષ બાદ) જયારે હેમા માલિનીની ખુબ જ ડીમાન્ડ હતી.મીરાં પર ફિલ્મ બની રહી હતી તેથી હેમા માલિનીએ ભાવુક થઈને પોતાની માર્કેટ વેલ્યુને બદલે ફિલ્મના બજેટ મુજબ જે રકમ આપી શકાય હોય તે જ લેવાનો આગ્રહ રાખ્યો હતો.નવાઈ લાગે તેવી વાત તો એ છે કે જેટલા દિવસ હેમા માલિનીએ શૂટિંગ કર્યું તેટલા જ દીવસના દૈનિક ધોરણે પૈસા કવરમાં નાખીને પ્રેમજી તેને દરરોજ આપતા હતા. એક વાર ગુલઝારે હેમા માલિનીને પૂછ્યું હતું “હેમા, તુમ કવર મેં કિતને પૈસે હૈ વોહ દેખતી હો ક્યા? હેમાએ નકારમાં જવાબ આપ્યો હતો. કારણકે હેમા માટે મીરાંની ભૂમિકા જ મહત્વની હતી. હેમા માલિની એક ઈન્ટરવ્યું માં કહે છે “ યે બાત અલગ હૈ કી ફિલ્મ રીલીઝ હોનેકે બાદ ચલી નહિ થી લેકિન મૈ હરરોજ વોહ કવર કિશન ભગવાન કા પ્રસાદ સમજ કે લેતી થી ઔર આજ ભી વોહ બંધ કવર મેરે પાસ પડે હૈ”. આ પ્રસંગ હેમા માલિનીની કૃષ્ણ ભગવાન પ્રત્યેની આસ્થા દર્શાવે છે.

ખુશ્બૂ , કિનારા , એક ચદ્દર મૈલીસી જેવી ફિલ્મોએ હેમા માલિનીને એક નવી જ ઉંચાઈ બક્ષી હતી.લગભગ એકસો પચાસ જેટલી ફિલ્મોમાં અભિનય કરનાર હેમા માલિનીએ ૧૯૯૨માં શાહરૂખ ખાન અને દિવ્યા ભારતીને લઈને “દિલ આશના હૈ” તથા ૨૦૧૧માં દીકરી એષાને લઈને “ટેલ મી ઓ ખુદા” નું નિર્માણ પણ કર્યું હતું.

એષા દેઓલ અને આહના દેઓલની માતા હેમા માલિનીએ બને પુત્રીઓને સાથે લઈને ઘણા સ્ટેજ શો કર્યા છે. અનેક એવોર્ડ્સ મેળવનાર ડ્રીમગર્લ હેમા માલિનીને સન ૨૦૦૦ માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરેલ છે. સમાજ સેવા અને રાજકારણમાં પણ સક્રિય હેમા માલિની મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે.

***