Pal Pal Dil Ke Paas - Hasrat Jaipuri - 18 books and stories free download online pdf in Gujarati

પલ પલ દિલ કે પાસ - હસરત જયપુરી - 18

હસરત જયપુરી

વિદેશમાં એક શો જોતી વખતે હસરત જયપુરીનું ધ્યાન એક સુંદર યુવતી પર પડયું. તેણે અતિશય ચમકતા અને ભડકીલાં કપડાં પહેર્યા હતા. હસરત જયપુરીએ બાજુમાં બેઠેલા જયકિશનના કાનમાં કહ્યું હતું. ”બદન પે સિતારે લપેટે હુએ .. ઓ જાને તમન્ના કિધર જા રહી હો”. ભારત પરત આવ્યા બાદ જયકિશને શંકરને સાથે લઈને એક જોરદાર ધૂન બનાવી નાખી અને તે જ શબ્દો પરથી હસરત જયપુરી પાસે ગીત લખાવ્યું. રફી સાહેબે ગાયેલું “પ્રિન્સ”નું તે ગીત આજે પણ તેટલું જ લોકપ્રિય છે.

હસરત જયપુરી તેમના તાજાં જ જન્મેલા પુત્રને જોઇને બોલી ઉઠયા હતા “તેરી પ્યારી પ્યારી સુરત કો કિસીકી નઝર ના લગે.. ચશ્મેબદ્દૂર”. “સસુરાલ” માં પ્રેમિકાને જોઇને આ જ ગીત ગાતા રાજેન્દ્રકુમારને કોણ ભૂલી શકશે ?

એ વાત તો ખુબ જાણીતી છે કે કિશોરાવસ્થામાં જયપુરમાં રહેતા યુવાન હસરતને પડોશમાં રહેતી હિંદુ છોકરી રાધા સાથે પ્રેમ થઇ ગયો હતો. જેની સાથે તેના લગ્ન થઇ શક્યા નહોતા. ટીનએજ માં જ પ્રેમિકાને સંબોધીને એક પ્રેમપત્ર લખ્યો હતો જે તેને આપી શકાયો નહોતો. વર્ષો બાદ રાજકપૂરે આગ્રહ કરીને હસરત જયપુરીના પટારામાંથી તે પ્રેમપત્ર કઢાવ્યો હતો. અને “સંગમ” માં લેવડાવ્યો હતો. તે જમાનામાં તે પ્રેમપત્ર સમગ્ર દેશના યુવાનોનો પ્રેમપત્ર થઇ ગયો હતો. તે કર્ણપ્રિય ગીત એટલે “યે મેરા પ્રેમપત્ર પઢકર કી તુમ નારાઝ ના હોના”

મોસાળમાં મોટા થયેલા હસરત જયપુરીનું સાચું નામ ઇકબાલ હુસૈન હતું. તા. ૧૫/૪/૧૯૨૨ ના રોજ જયપુરમાં જન્મ. સ્કૂલમાં અંગ્રેજીમાં ભણનાર બાળક ઇકબાલે ઉર્દુ તથા પર્શિયન ભાષાની જાણકારી તેના નાનાજી પાસેથી લીધી હતી.

મુંબઈ આવ્યા બાદ ફૂટપાથ પર આશરો લેનાર આ શાયરે પુરા આઠ વર્ષ સુધી “બેસ્ટ” માં કંડકટર તરીકે નોકરી કરી હતી. માસિક પગાર હતો અગિયાર રૂપિયા. રોમેન્ટિક મિજાજના આ શાયરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું “બસ મેં જબ ભી કોઈ ખુબસુરત લડકી આતી થી તો મૈ ઉનકી ટીકીટ નહિ કાટતા થા. અગર વોહ મુજસે પૂછતી તો જવાબમેં કહ દેતા થા કી ખુબસુરતી પર શાયરી કરને કે લિયે આપ ઔર આપ જૈસી કઈ લડકિયા મેરી પ્રેરણા હો”. જયપુરથી મુંબઈ આવ્યા બાદ દારુણ ગરીબીના એ દિવસોમાં અઢાર વર્ષના હસરતને ખાસ્સા સમય સુધી ફૂટપાથ પર રહેવું પડયું હતું. એક વાર તેની બાજુમાં જ દરરોજ ફૂટપાથ પર સુતા બિહારી મજુરનું અવસાન થયું ત્યારે આ સંવેદનશીલ યુવાને કવિતા લખી હતી “મઝદૂર કી લાશ”. તે જ કવિતા જયારે યુવાન હસરતે મુશાયરામાં વાંચી ત્યારે ત્યાં પૃથ્વીરાજકપૂર હાજર હતા. કવિતાથી અતિશય પ્રભાવિત થયેલા પૃથ્વીરાજ કપૂરે બીજે જ દિવસે હસરતનો પરિચય રાજકપૂર સાથે કરાવ્યો હતો. જોગાનુજોગ તે સમયે “બરસાત” નું નિર્માણ થઇ રહ્યું હતું. શંકર જયકિશને સ્વતંત્ર રીતે તેમની કારકિર્દીનું પહેલું ગીત કમ્પોઝ કર્યું હતું જે લખવાનું સદ્ભાગ્ય યુવાન હસરતને મળ્યું હતું. તે ગીત એટલે “જીયા બેકરાર હૈ. ”બસ અહીંથી જ હસરત જયપુરીની ફિલ્મી ગીતકાર તરીકેની સફરની શરૂઆત થઇ હતી. શૈલેન્દ્રની જેમ જ રાજ કપૂરની ફિલ્મોમાં હસરત જયપુરીના ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર છે.

“સંગમ’ ની જ વાત કરીએ તો હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર યુરોપના નયન રમ્ય સ્થળોએ રાજ અને વૈજંતીમાલાના પ્રણય દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. ફિલ્મમાં બેકગ્રાઉન્ડમાં એક અંગ્રેજી ગીત મુકવામાં આવ્યું હતું. ”ઈશ લીવેડીશ આઈ લવ યુ”. વર્ષો બાદ તે જ ધૂન પર થી રાજ કપૂરે હસરત જયપુરીને “રામ તેરી ગંગા મૈલી” માટે ગીત લખી આપવાની ફરમાઈશ કરી હતી. રવીન્દ્ર જૈનના સંગીતમાં લતાજીએ ગાયેલું તે ગીત એટલે “સુન સાહેબા સુન.. . પ્યાર કી ધૂન”.

આજે પણ ક્યા વરઘોડા માં “બહારોં ફૂલ બરસાઓ” નથી વાગતું? તે ગીત માટે તો હસરત જયપુરીને ૧૯૬૬નો ફિલ્મફેરનો એવોર્ડ પણ મળ્યો હતો

ટાયટલ ગીત લખવામાં હસરત જયપૂરીની માસ્ટરી હતી. દિલ એક મંદિર હૈ, તેરે ઘરકે સામને અને એન ઇવનિંગ ઇન પેરીસ ના ટાયટલ ગીત તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે.

લગભગ બે હજાર જેટલા ગીતો લખનાર હસરત જયપુરીના બંગલાનું નામ “ગઝલ” હતું. ૧૯૮૮ માં હસરત જયપુરીને વર્લ્ડ યુની. રાઉન્ડ ટેબલ એરીઝન તરફથી ડોકટરેટની ડીગ્રી એનાયત કરવામાં આવી હતી.

રફીસાહેબના દર્દીલા ગીતોમાં ટોપ ટેનમાં મૂકી શકાય તેવું ગીત એટલે “મેરે હુઝૂર” નું “ગમ ઉઠાને કે લિયે મૈ તો જીયે જાઉંગા”. તે ગીતમાં હસરત જયપુરીની કલમમાં થી એક એક શબ્દ જાણેકે આંસુથી લખાયો હતો. યાદ કરો એ અલ્ફાઝ... ”તું ખયાલો મેં મેરે અબ ભી ચલી આતી હૈ અપની પલકોં પે ઉન અશ્કો કા જનાજા લેકર .. તુને નિંદે કરી કુરબાન મેરી રાહોં પે, મૈ નશેમેં રહા ગૈરો કા સહારા લેકર”

૧૯૬૧ માં બિનાકા ગીતમાલાની વાર્ષિક દોડ માં “તેરી પ્યારી પ્યારી સુરત કો કિસી કી નઝર ના લગે” સર્વોચ્ચ સ્થાને હતું. ત્યાર પછીના વર્ષો માં “એહસાન તેરા હોગા મુઝ પર” તથા ૧૯૬૪ માં “બહારો ફૂલ બરસાઓ” અને ૧૯૭૧ માં “અંદાઝ” નું “ઝિંદગી એક સફર હૈ સુહાના” ટોપ પર હતું. ” અંદાઝ” ના તે ગીત માટે પણ તેમને ફિલ્મ ફેરનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ પણ મળ્યો હતો

તા. ૧૭/૯/૧૯૯૯ ના રોજ આ ફાની દુનિયાને કાયમ માટે અલવિદા કહેનાર હસરત સાહેબના “દિલ કે ઝરોખે મેં તુઝકો બિઠાકર” “તુમ મુઝે યું ભૂલા ના પાઓગે” તથા “હમ છોડ ચલે હૈ મેહફીલ કો યાદ આયે કભી તો મત રોના” જેવા અનેક ગીતો આજે પણ સંગીત પ્રેમીઓના હ્રદયના તાર ઝણઝણાવી જાય છે.

સમાપ્ત

બીજા રસપ્રદ વિકલ્પો