Night@Highway Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Night@Highway

એ રાત તેની જિંદગી ની લાંબામાં લાંબી રાત હતી..!

હિમાંશુ એક મોડી રાત્રે હાઇવે પરથી જઇ રહ્યો હતો.
પપ્પા એ કોલેજ વખતે ગિફ્ટ કરેલી જૂની ખખડધજ કાર જેમાં એકદમ મોટા અવાજે સોનુ નિગમનું "અબ મુઝે રાત દિન..."ગીત ફુલ બેઝપર વાગી રહ્યું હતું, સાથે સાથે તે પણ લીપસિંક કરી રહયો હતો, વળી ક્યારેક પોતાનો હાથ બારીની બહાર કાઢી હવામાં હલાવતો રહેતો, એ તેનું ફેવરિટ ગીત હતું, હંમેશા એ જ વાગતું ગાડીમાં, કદાચ તેના ફોનમાં એ એક જ ગીત હોઈ શકે.
તે પોતાની મસ્તીમાં જઇ રહ્યો હતો અને આજે બહુ ખુશ પણ દેખાતો હતો, અને હોઈ પણ કેમ નહીં..! આજે તેના લગ્નની પહેલી વર્ષગાંઠ હતી, ખૂબ ખુશ હતો, ફોન પર નીલમને "કાલે સાંજે આવીશ." એવું કહીને રાત્રેજ નીકળી પડ્યો સરપ્રાઈઝ આપવા માટે.

પણ એ બિચારા ને ખબર ન હતી કે આજે પોતે જ સરપ્રાઈઝ થઈ જશે.
અમાસ એકદમ નજીક જ હોઈ એવી કાળી અને અષાઢની એ મેઘલી રાત હતી, નીકળ્યો ત્યારે તો વરસાદ જેવું નહોતું લાગતું પણ જેમ પોતાના શહેર તરફ જતો હતો તેમ તેમ અંધારું વધી રહ્યું હતું અને દૂર દૂર થતા વીજળી ના ચમકારા તે જોઈ શકતો હતો
પોતાની જુની થઈ ગયેલી ગાડી ની આછી પડેલી હેડલાઇટ ના પ્રકાશ માં રસ્તો કંઈ ખાસ નહોતો સૂઝતો. પણ, બાજુમાંથી નીકળતી અને સામે આવતી બીજી ગાડીઓના પ્રકાશ ને લીધે તે આસાની થી કાર ચલાવી શકતો હતો, અને હાઇવે પણ એકદમ પહોળો ફોર-ટ્રેક હતો તો સ્પીડની પણ કોઈ ચિંતા નહીં, ગાડી સો પર ની ઝડપે ચાલતી હતી.
હવે લગભગ પહોંચવામાં જ હતો પોતાના શહેર, દૂર દૂર શહેરી લાઈટોની ઓજસ અકાસમાં દેખાઈ રહી હતી, તે જોઈ તેની ગાડીની ઝડપ ઓર વધી ગઈ, મનમાં એકજ ખ્યાલ રમ્યા કરતો હતો કે જેટલું બને એટલું જલ્દી પહોંચીને નીલમને સરપ્રાઈઝ આપે.
પણ, અચાનક કારની આગળથી તેને ધૂમાડો નીકળી રહ્યો હોય એવું લાગ્યું, થોડીવાર તો નજરઅંદાજ કરી ગાડી ચલાવ્યે રાખી પણ પછી તેને લાગ્યું કે ધૂમાડો વધી રહ્યો છે, કદાચ રેડીએટરનુ પાણી ઓછું થઈ ગયું હશે એમ વિચારી ગાડી બાજુ પર કરી ઉભી રાખી આમતેમ જોયું પણ પાણી ની બોતલ ન દેખાઈ, "અરે યાર ઉતાવળે નીકળવામાં પાણીની બોતલ જ લેવાનું ભુલાઈ ગયું." મનમાં ને મનમાં બોલતાં મહામહેનતે પાણીની એક બોતલ શોધી, બોતલ ને કારની લાઈટના પ્રકાશ સામે રાખી જોયું, પાણી પીળું પડી ગયેલું હોઈ એવું લાગ્યું, પણ બીજો કોઈ વિકલ્પ જ ન હોઈ તે ઉતર્યો અને બોનેટ ખોલી, બોનેટ ખુલતાં જ અંદર દબાઈ રહેલો ધૂમાડો અલ્લાદીન ના જિનની જેમ નીકળી પડ્યો, તે ખાંસતો ખાંસતો થોડો દૂર ખસી ગયો, થોડીવારે એન્જીન ના દર્શન થયાં અને તે રેડીએટરનું ઢાંકણું ખોલવા મથ્યો પણ કાટ ખાઈ ગયેલ ઢાંકણું ખુલવાનું નામ જ નહોતું લેતું, જેમતેમ કરી ખુલ્યું અને મોબાઈલ ની ફ્લેશ વડે રેડીએટરમાં નજર કરી તો, ખાલીખમ.!
"ઓ, બાપા રે, હવે શું કરવું, આમાંતો બિલકુલ પાણી નથી, બોતલમાં પણ થોડું જ છે, હવે અહીં રસ્તા વચ્ચે મારે પાણી ક્યાં શોધવું..!" આમતેમ નજર ઘુમાવતો તે બબડયો.

ત્યારે જ દૂરથી એક કાર તેની બાજુ આવતી દેખાઇ..! અનાયાસે જ હિમાંશુ નો હાથ લિફ્ટ માંગવાનો નિર્દેશ આપતો ઊંચો થઈ ગયો, ગાડી તેની પાસે આવી ઉભી રહી, ઓટોમેટિક સાઈડ ગ્લાસ ખુલ્યો અને અવાજ આવ્યો, "જો હું તમારી કોઈ મદદ કરી શકું તો મને ગમશે..!"

અવાજ તો જાણીતો જ લાગ્યો, હિમાંશુએ તેને ઓળખવા પ્રયત્ન પણ કર્યો..!

હિમાંશુ એ તેને ઓળખવા પ્રયત્ન કર્યો પણ અંધારા ને કારણે તેને મુશ્કેલી પડી હતી.
દરવાજો ખોલી તેમાંથી જે વ્યક્તિ બહાર નીકળે છે તેને જોઈ હિમાંશુ ખુશીથી ઊછળી પડ્યો, "અરે રોહિત તું..?" કહેતાં તે રોહિતને વળગી પડ્યો.
"અરે આ શું..!" રોહિતના શરીર નો સ્પર્શ તેને થોડો વિચિત્ર લાગ્યો. તેના શરીર માંથી એક અલગ જ પ્રકારની વાસ આવી રહી હતી સાથેસાથે રોહિત તેને થોડો ઠંડો ઠંડો પણ લાગ્યો પણ હિમાંશુ એ વિચાર્યું, કદાચ ગાડી ના એ.સી. ને લીધે હશે..!
"હા યાર રોહિત જોને, આ ગાડી ને આજે જ ખરાબ થવું હતું, રેડીએટર માં પાણી ખલાસ છે, તારી પાસે હશે થોડું પાણી તો એમાં નાખીએ." હિમાંશુ આશાભરી દ્રષ્ટિએ તેની સામે જોઈ એકીશ્વાસે બોલી ગયો, રોહિતની આંખો કંઇક અલગ લાગી રહી હતી એકદમ પીળાશ પડતી સફેદ જેવી આંખો જોઈ તે થોડો ડર્યો પણ ખરો, પણ અત્યારે એની પાસે કશું વિચારવા માટે ક્યાં સમય જ હતો..!

"મારી પાસે પાણી તો નથી પણ મારા એક ફ્રેન્ડ નું ફાર્મ હાઉસ અહીં નજીક જ છે તો આપણને ત્યાંથી મદદ મળી જશે, ચાલ મારી કારમાં, આપણે ત્યાં જઈએ." રોહિત અટકતા અટકતા સાદે બોલ્યો અને ડ્રાઇવર સીટ પર ગોઠવાયો.
હિમાંશુ પણ કશું વિચાર્યા વગર જ તેની પાસે ફ્રન્ટસીટ પર બેસી ગયો.
કાર થોડી આગળ ચાલી ડાબી બાજુ એક રફ રસ્તા પર વળી, બંને બાજુ મોટાંમોટાં વૃક્ષો હોવાથી રસ્તા પર ખૂબ અંધારું હતું, રસ્તો પણ ખડાખબડા વાળો અને એકદમ સુમસામ હતો, બે ત્રણ કિલોમીટર ચાલ્યા બાદ થોડે દુર એક બંગલો જેવું દેખાયું, જેમાં આછી લાલ-ગુલાબી લાઈટો ઝળહળી રહી હતી.

લોખંડના તોતિંગ અને જુનવાણી જેવા દરવાજા પાસે કાર ઉભી રાખી રોહિતે હોર્ન વગાડ્યું, એક બુઢ્ઢો અને કાળો-કદરૂપો ચોકીદાર સામો દોડતો આવ્યો તેના હાથમાં ટીમટીમિયાં જેવી ટોર્ચ લાઈટ હતી, રોહિત બાજુ જઇ કારના કાચ પર જાણે હથોડા ઠોકતો હોઈ એમ હાથ પછાડ્યો, અને પોતાના બોખાં મોં એ હસ્યો, તેના હાસ્યનો એવો અવાજ આવ્યો કે જાણે કળસીયામાં પથ્થરા ખખડી રહ્યા હોઇ..! રોહિતને ઓળખી ગયો હોય એમ સલામ કરી, દોડતો ગયો અને દરવાજો ખોલવા પોતાનું હોય એટલું જોર વાપર્યું, ધીમે ધીમે પણ ભૂતબંગલો જેવી ચિચિયારી કરતો દરવાજો ખુલ્યો.
કાર થોડી અંદર લઇ પાર્ક કરી બંન્ને ઉતર્યા, અને બંગલા ના દરવાજા પાસે ઉભા રહ્યા, હજુ તો રોહિત ડોરબેલ તરફ હાથ કરતો હતો ત્યાંતો 'ચરરરરર' એવા ડરામણા અવાજ સાથે દરવાજો ખુલ્યો, હિમાંશુએ જોયું અને વિચાર્યું દરવાજે તો કોઈ ન હતું, તો દરવાજો કોણે ખોલ્યો..! હિમાંશુ કશું વિચારે એ પહેલાં જ રોહિત આગળ ચાલ્યો, "ડર નહીં, મારા જીગરી નું જ ફાર્મ હાઉસ છે, ચાલ અંદર." કહી તે ચાલવા લાગ્યો અને હિમાંશુ પણ તેની પાછળ પાછળ ગયો.
અંદર નો નજારો જોઈ હિમાંશુ આભો બની ગયો, વર્ષોથી અહીં કોઈ ન આવ્યું હોઇ એવું લાગતું હતું, મોંઘુ મોંઘુ ઈમ્પોર્ટેડ ફર્નિચર જેના પર ધૂળ ના થર લાગેલા હતા, ઉપર કાચનું મોટું ઝૂમર જેમાં ડીમ પ્રકાશ વહેતો હતો અને આખા મકાનમાં ધીમું ધીમું અને મનમોહક સંગીત વાગી રહ્યું હતું.
હિમાંશું બધી વસ્તુઓ ને જોઈ નીરખી રહ્યો હતો ત્યાંજ અચાનક 'ધડામ' કરતો દરવાજો બંધ થઈ ગયો, હિમાંશું એ અચાનક થયેલા અવાજ ને કારણે થોડો ડરી ગયો.
"ચાલ મારા દોસ્તને મળાવું." કહી રોહિત આગળ ચાલ્યો, એક રુમમાંથી મોટેથી સંગીત વગવાનો અવાજ આવી રહ્યો હતો, તેના દરવાજા ને ધક્કો આપી તે અંદર પ્રવેસ્યો રોહિત પણ તેની પાછળ પાછળ અંદર ગયો, ફરી એવાજ 'ધડામ..!" અવાજ સાથે દરવાજો બંધ થઈ ગયો, આ વખતે હિમાંશુ થોડો વધુ ડર્યો.
મોટા બધા રુમ માં માત્ર સંગીત નો અવાજ..!
"અહીં તો કોઈ નથી." હિમાંશુ એ રોહિત ને કહ્યું.
અચાનક ઘોઘરો અને કાળજું કંપાવીદે એવો અવાજ આવ્યો, " કોણે કહ્યું કોઈ નથી, હું નથી દેખાતો..!?" હિમાંશુંએ અવાજ કઇ બાજુથી આવે છે તે જાણવા પ્રયત્ન કર્યો પણ આખા ઓરડામાં તેને કોઈ નજરમાં ન આવ્યું, હવે હિમાંશુ નો ડર વધી રહ્યો હતો.
"યાર રોહિત અહીં તો કોઈ નથી દેખાતું, તો આ અવાજ કોનો છે..! બોલતાં બોલતાં તે રોહિત બાજુ થોડું ચાલ્યો, અચાનક રોહિત તેની તરફ ફર્યો અને બોલ્યો, "એ મારો અવાજ છે..!"
રોહીત સામે જોતાં જ હિમાંશુંના ધબકારા વધી ગયા અને તેના દિલમાં ફાળ પડી, તેના રૂંવાડાં ઉભા થઈ ગયાં, ઠંડીનું લખલખું તેના માથાથી પગ સુધી પસાર થઈ ગયું.
રોહિતની બંને આંખોના ડોળા તેના ચહેરા પર લટકી રહયા હતા, તેની જગ્યાએથી લોહી ની ધારો નીકળી રહી હતી, તેના આખા ચહેરા પર તિરાડો અને તેમાંથી પીળુંપીળું ગંદુ પ્રવાહી બહાર નીકળી રહ્યું હતું, તેની જીભ તેના મોં માંથી વેંત જેટલી નીકળી ગઈ હતી અને તેના પરથી તાજું લોહી ટપકતું હતું.
તેના પેટની આરપાર તલવાર ઘુસેલી હતી અને તેના માથાપર નાની કુહાડી જેવું કશું ઘુસેલું હતું.

પોતે શું જોઈ રહ્યો હતો એ હિમાંશુને સમજમાં નહોતું આવતું. "અરે રોહિત, આ તને શું થયું છે..! મને બહુ ડર લાગે છે યાર, તું આમ ડરાવ નહીં." કહેતો તે ધીમેધીમે પાછાપગે હટ્યો, રોહિત પણ બે હાથ લાંબા કરી મોટેથી અટ્ટહાસ્ય કરતો તેની સામે આવી રહ્યો હતો, હિમાંશુએ દરવાજો ખોલવા પ્રયત્નો કર્યા પણ તેને સફળતા ન મળી, બધી કોશિષ કરી લીધી.
રોહિત એકદમ બાજુમાં આવી ગયો તેની દુર્ગંધ ને લીધે હિમાંશુ ને ઊલટીઓ આવવા લાગી. "હિ...માં...શુ.. હું..રો..હી...ત...જ.છું." એકદમ ડરામણો અવાજ અને સાથે સાથે તેના મોં માંથી આવતી તીવ્ર વાસને લીધે હિમાંશુ ની સુધબુધ લગભગ જતી રહેલી.
એ જ સમયે તેની પાછળનો દરવાજો ખુલ્યો..!

હિમાંશુ ત્યાંથી ભાગવા ની કોશિશ કરવા લાગ્યો પણ રોહિતે તેને પકડી પાડ્યો..!

રોહિત ના હાથમાંથી છૂટવા માટે માટે ધમપછાડા કરી રહેલો હિમાંશુ બચવા માટે ચીસો પાડે છે જે સાંભળી બુઢ્ઢો ચોકીદાર ત્યાં આવી પહોંચે છે અને રોહિતના હાથમાંથી તેને છોડવવા પ્રયત્નો કરે છે પરંતુ તે અસફળ રહે છે.
તે પોતાની લાકડી વડે રોહિતના હાથ પર પ્રહાર કરે છે જેના કારણે રોહિતનો હાથ કોણી પાસેથી તૂટી નીચે પડી ગયો અને તેમાંથી છૂટેલા લોહી ના ફુવારામાં હિમાંશુ આખેઆખો નાહી રહ્યો. એ દ્રશ્ય જોઈ ચોકીદાર ના પણ હોશ ઉડી ગયા.
પણ રોહિતના હાથમાંથી બચી નીકવામાં હિમાંશુ સફળ થાય છે અને ભાગવા લાગે છે, ચોકીદાર પણ તેની પાછળ ભાગવા લાગેછે ત્યારે જ અચાનક તે બુઢ્ઢો ચોકીદાર ચીસ પાડી ઉઠ્યો, હિમાંશુએ પાછળ ફરી જોયું તો ચોકીદાર ની પીઠ માંથી પેટ સોંસરવી તલવાર ગુસેલી હતી, અને તલવારની અણી પરથી તાજાં લોહીની ધાર વહી રહી હતી.
ઉપરથી રોહિત નું અટ્ટહાસ્ય આખા મકાનમાં પડઘા પાડી રહ્યું હતું..! આ બધું જોઈ હીમાંશુને ચક્કર આવી ગયાં.

ચોકીદાર ત્યાંજ ફસડાઈ પડ્યો અને તો પણ કશું બાકી રહેતું હોઇ તેમ રોહિત તલવાર વડે તેની લાશ પર પ્રહાર કર્યે જ રાખે છે જેના કારણે તેના શરીર ના ટુકડે ટુકડા થઈ જાય છે અને ફર્સ પર લોહીનું તળાવ ભરાઈ જાય છે.
હિમાંશુ ડરનો માર્યો ભાગવા લાગ્યો. પણ મેઈન ગેટ પાસે પહોંચે ત્યાં જ તેને પાછળથી સ્ત્રીનો અવાજ સંભળાય છે, "હિમાંશુભાઈ પ્લીઝ હેલ્પ મી." અને તે અવાજ પણ તેને જાણીતો લાગ્યો. આશ્ચર્ય સાથે તે પાછળ ફરી જુવે તો ખરેખર રોહિતની પત્ની દીપાલી ત્યાં હોય છે અને તેની જ તરફ દોડતી આવી રહી દેખાય છે, "અરે દીપાલીભાભી તમેં અહીં ક્યાંથી? આ રોહિતને શું થઈ ગયું.!!" હિમાંશુ એ બેબાકળો થતાં પૂછ્યું, પણ દીપાલી કશું બોલ્યા વગર તેને ચીપકી જાય છે, તેના શરીરમાંથી પણ એવીજ વાસ તેને મહેસુસ થઈ જેવી રોહિતના શરીરમાંથી આવી રહી હતી, હિમાંશુંને સમજાય ગયું કે આ પણ ભૂત જ છે.

"તમેં દીપાલીભાભી ન હોઈ શકો." કહી હિમાંશુએ દીપાલીને ને ધક્કો માર્યો અને ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ દરવાજો ખુલે તો ને..!!
એ જ સમયે દીપાલી પણ મોટેથી હસવા લાગી, હિમાંશુ એ તેની સામે જોયું તો તેના હોશ ઉડી ગયા, તેના આખા શરીર પર તલવાર ના કારણે પડેલા ચિરાઓ હતા અને તેમાંથી નીકળી રહેલ ગંદુ પ્રવાહી ફર્સપર રેલાઈ રહ્યું હતું અને તેનો રેલો પોતાની તરફ આવી રહ્યો હતો જેમાંથી આવતી તીવ્ર વાસને કારણે હીમાંશુને લાગ્યું કે તેનું માથું ફાટી જશે.

એ જ સમયે રોહિત અને દીપાલી ના હાસ્યને કારણે આખો હોલ ગુંજી ઉઠ્યો, હિમાંશુ કશું વિચાર્યા વગર જ દરવાજા ને ખોલવા માટે પ્રયત્નો ચાલુ રાખે છે પણ તેને સફળતા નથી મળતી, તેઓ પોતાની પાસે જ આવી રહ્યા હોવાથી તે ત્યાંથી ભાગી નીકળો અને ગોથાં ખાતો પડતો આખડતો બીજા રુમ તરફ ભાગ્યો, તે રુમને ખોલી અંદર જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો અને હવે શું કરવું એ વિચારવા લાગ્યો.

દરવાજા બહારથી તે બંને ના અવાજો સાંભળી તે ખૂબ ડરી રહ્યો હતો, તેઓ દરવાજા પર લાતોપાટો મારી દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યા હતાં અને જોરજોર થી અટ્ટહાસ્ય રહ્યાં હતાં.
થોડી વારમાં તલવારને દરવાજાની આરપાર થતી જોઈ અને હિમાંશુ એ માની લીધું કે હવે તેને કોઇ બચાવી નહીં શકે.
ત્યાંજ તેની નજર દીવાલ પર લગાવેલી તલવાર પર પડી, હિમાંશુ એ તે કટાઈ ગયેલી તલવાર ખેંચી અને તૂટેલા દરવાજાની તિરાડમાંથી અંદર હાથ નાંખી દરવાજો ખોલવાનો પ્રયત્ન કરી રહેલા હાથ પર તેના વડે પ્રહાર કર્યો, તે હાથ કપાઈને નીચે પડી ગયો પણ તે હાથમાં જીવ બાકી રહી ગયો હોય એમ તે હિમાંશુ તરફ આગળ વધ્યો અને હીમાંશુનો પગ પકડી લીધો, હીમાંશુએ તેનાથી છૂટવા ઘણી કોશિશ કરી પણ ત્યાર સુધીમાં ફરવાજો ખોલી તેઓ અંદર આવી ગયાં.

હિમાંશુને તેનું મોત સામે દેખાઈ રહ્યું હતું..!

પણ તે હિંમત કરી ઉભો થયો અને પોતાના હાથમાં જે તલવાર હતી તે આસપાસ જોયા વગર જ હવામાં વીંઝવા લાગ્યો જેના કારણે તેની સામે આવી રહેલી રોહિત અને દીપાલી નાં શરીર પર જ્યાંત્યાં કાંપાઓ પડ્યા અને તેના શરીરના ઘણા ભાગ તેના શરીરથી અલગ થઈ ગયા અને તે બંન્ને ત્યાં જ ફર્સ પર ફસડાઈ પડ્યાં.
પોતાના ખાસ મિત્ર અને તેની પત્ની ની આ હાલત જોઈ તેને ખૂબજ દુઃખ થયું, તે ત્યાં જ બેસી ગયો અને ચીસો પાડી રડવા લાગ્યો અને રડતો રડતો બેભાન થઈ ગયો.

જ્યારે તેની આંખો ખુલી તે પોતાની કારમાં હતો..!
આશ્ચર્ય સાથે તે કારમાંથી ઉતર્યો અને આસપાસ જોવા લાગ્યો, શું થયું રાત્રે તેને કંઈ સમજમાં નહોતું આવતું, ના તો તેના કપડાં પર કોઈ ડાઘ હતા કે ના તો શરીર પર કોઇ નિશાન, રેડીએટર ખોલી ચેક કર્યું તો તેમાં પાણી પણ પૂરેપૂરું ભરેલું હતું.

તરત પોતાના ખિસ્સામાંથી ફોન કાઢી રોહિતને કોલ કર્યો અને
રોહિતે કોલ ઉપાડ્યો પણ ખરો અને ફોનપર પાછળથી આવી રહેલા દીપાલીના અવાજ ને સાંભળી હિમાંશુ ના દિલ ને ઠંડક મળી.
જે થયું તે એક દુઃસ્વપ્ન હતું તેમ વિચારી તે ઘેર જતો રહ્યો.

ત્યારબાદ તો ધોળા દિવસે પણ ત્યાંથી નીકળે ત્યારે હિમાંશુ ના ધબકારા વધી જતા.


**** પૂર્ણ ****


ભાવેશ પરમાર "આર્યમ્"