લાલ સનેડો... Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાલ સનેડો...

'ડોક્ટર કેમ છે મારી નેહા ને?'
ભારે હૃદયે રડતાં રડતાં એક યુવાન ઓપરેશન થિયેટર ના દરવાજે રોકીને ડોક્ટર ને પૂછી રહ્યો હતો.

'જુઓ ભાઈ હજુ કંઈજ ન કહી શકાય, માથાંમાં વાગ્યું છે, બ્લડલોસ પણ બહુ થઈ ગયેલ છે. ઓપરેશન પછીજ ખબર પડે. ભગવાન પર ભરોસો રાખો' એટલું કહી ડોક્ટર ઓપરેશન થિયેટર માં જતા રહ્યા.
અને ઓપરેશન થિયેટર નો લાલ લેમ્પ ચાલુ થઈ ગયો.

લેમ્પ નો કલર જોઈને એ યુવાન વિચારોમાં ડૂબી ગયો.

એ સમયે  'લાલ લાલ સનેડો' વાળું ગીત બહુ ચાલતું, દુકાનોમા, ઓટો રીક્ષામાં જ્યાં જોઈએ સનેડો જ સનેડો વાગતું હોઈ, ઘણા એ તો ફોનની રિંગટોન પણ એ જ રાખેલ, યુવાનો ના મગજ માં ઘુસી ગયેલું.
ઘણી વખત તો લાલ કપડાં માં છોકરી જોઈ ને અનાયાસે બોલાઈ જતું સનેડો સનેડો લાલ લાલ સનેડો..

સમીર સાથે પણ એવું જ બન્યું.
એક દિવસ કોલેજમાં નેહા તેની બે ત્રણ બહેનપણીઓ સાથે સમીરની  બાજુમાંથી પસાર થઈ રહી હતી ને ખબર નહીં કેમ સમીર ના મોં માંથી નીકળી ગયું  'લાલ લાલ સનેડો'.....,
હા નેહાએ લાલ રંગના કપડાં પહેરેલાં પણ તેને જોઈને ગાવાનો કોઈ આશય નહતો સમીરનો , એ તો એમજ  નીકળી ગયું મોં માંથી.

'સટાક' કરતી પડી ગાલ પર, સમીરને તો જાણે અંધારાં આવી ગયાં. દિવસે તારા દેખાવા લાગ્યા.

માત્ર એટલું જ બોલાયું, 'કેમ?'

'કેમ સું! શરમ નથી આવતી, છોકરીઓ ની છેડતી કરવામાં?'
ગુસ્સાથી તેની આંખો અને ચહેરો તેના ડ્રેસ સાથે મેચિંગ થઈ ગયેલો. મતલબ કે લાલ થઈ રહેલો.

'સોરી, પણ મારો એવો કોઈ ઈરાદો નહતો. એ તો એમજ મોં માંથી નીકળી પડ્યું.'  ગાલ પર હાથ ફેરવવાતાં સમીર બોલ્યો, પણ સાંભળે છે કોણ!

તે કશુજ સાંભળ્યા વગર જ જતી રહી, સમીરના  મિત્રોએ બહુ મજાક ઉડાવી.

બે ત્રણ દિવસો થઈ ગયા સમીર તો ભૂલી પણ ગયેલો એ ઘટના.

એક દિવસ તે લાઈબ્રેરીમાં વાંચતો હતો ત્યારે નેહા ઓચિંતા જ તેની પાસે આવી બેસી ગઈ. તેને જોઈ સમીર શરમનો માર્યો નીચું જોઈ ગયો.

'સોરી હાં સમીર!  તે દિવસે મેં તને બધા વચ્ચે ઝાપટ મારી દીધી, પણ ત્યાંથી નીકળી ગયા બાદ રૂપાલી એ કહ્યું કે તું એવો છોકરો નથી. તારા થી ભૂલ જ થઈ ગઈ હશે.'
'મને બહુ અફસોસ થયો. બધા વચ્ચે તારું અપમાન થઈ ગયું. મારે એવું ન કરવું જોઈએ કમસેકમ તને બોલવાનો મોકો તો આપવો જોઈતો હતો.'
સમીરે તેની સામે જોયું તે ખરેખર દિલગીર હતી એવું લાગ્યું તેના ચહેરાના હાવભાવ પરથી.
'ઇટ્સ ઓકે, કોઈ વાંધો નહીં.' કહી સમીરે પાછું ચોપડી માં ઘ્યાન પોરવ્યું.

આ પછી ધીમે ધીમે તેઓની મુલાકાતો વધતી ગઈ, પહેલાં તો સામે મળતાં હાઈ હેલો થઈ જતું અને ઘણી વખત લાઈબ્રેરી માં મળી જતાં થોડી વાતો થઈ જતી.
પણ ક્યારે એ બધું દોસ્તીમાં પરિવર્તિત થઇ ગયું એ બંન્ને ને પણ ખબર ન પડી. ત્યારબાદ તો  મોટાભાગે બંને સાથે જ જોવા મળતા, કેન્ટીનમાં, ગાર્ડનમાં, લાઈબ્રેરીમાં જ્યારે જુઓ ત્યારે એકબીજાની સાથે જ હોઈ.
હવે આ પ્રકારની દોસ્તી ને પ્રેમ માં બદલતાં કોણ રોકી શકે!
બસ પછી સું હોય, પ્રેમ થયો પ્રેમ નો એકરાર થયો.

બધું બરાબર ચાલતું હતું પણ સુખને બહુ જલ્દી નજર લાગતી હોઈ છે.

એકદિવસ નેહાનો ભાઈ વિરલ તે બન્ને ને બાઇક પર સાથે જતાં જોઈ ગયો, નેહા સમીરને પાછળ થી વળગીને બેસેલી, આ બધું જોઈ તેને બહુ ગુસ્સો આવ્યો,  ગુસ્સે ભરાઈ તે સમીર સાથે રસ્તા પર જ ઝગડી પડ્યો. ઝગડો શબ્દો અને ગાળાગાળી થી વધી મોટા સ્વરૂપે પહોંચ્યો.
નેહા કરગરતી રહી પણ તે સમીર ને મનફાવે એમ પિટવા લાગ્યો.
ઓછું હોઈ ને બાજુ પર રહેલ લારી માંથી કાચની બોતલ હાથમાં આવી ગઈ, તેને પ્રહાર તો સમીર પર કરેલો પણ નેહા વચ્ચે આવી અને તેના માથા પર  મરણતોલ ઘા વાગ્યો.
પોતાના થી બહુ મોટી ભૂલ થઈ ગઈ એ સમજતા વિરલને બહુ વાર લાગી ગઈ.
નેહા લોહીલુહાણ હાલતમાં રોડ પર જ ફસડાઈ પડી. સમીર પણ નેહાની હાલત જોઈ ત્યાં જ બેહોશ થઈ ઢળી પડ્યો.

સમીર જ્યારે હોશ માં આવ્યો તે હોસ્પિટલમાં હતો, તેના મમ્મી પપ્પા તેની નજર સામે જ હતા. પોતાના પુત્ર ને હોંશ આવી ગયો એ જોઈને તેઓ ખુબજ ખુશ થયાં.
પણ, સમીર તો હોશમાં અવતાનીવેંત નેહા ના નામ ની બૂમો પાડવા લાગ્યો.
તેના પપ્પા પાસેથી જાણવા મળ્યું કે  તેને માથાંમાં બહુ વાગેલું, તેને સર્જરી માટે  ઓપરેશન થિયેટરમા લઇ ગયા છે.
તે દોડ્યો એ તરફ અને તેના મમ્મી-પપ્પા તેની પાછળ, નબળાઇ ને કારણે પડતો આખડતો તે ઓપરેશન થિયેટર પાસે પહોંચ્યો પણ નેહાને જોઈ ન શક્યો.
ડોક્ટર પણ ભગવાન પર ભરોસો રાખો કહી અંદર જતા રહ્યા.

ઓપરેશન થિયેટર ની બહાર એક ખુરસી પર બેસી તે રડી રહ્યો હતો એવામાં વિરલ ત્યાં આવ્યો, તેના હાથમાં દવાઓ ની થેલી હતી.
તે સમીર ની હાલત જોઈ ગળગળો થઈ ગયો અને  હાથ જોડી કહેવા લાગ્યો, 'પ્લીઝ, મને માફ કરીદે સમીર, તને નેહા સાથે જોઈને મારો મારાપર જ કાબુ ના રહ્યો, હું મારી બહેન ને ખૂબ ચાહું છું. પણ હવે મને સમજાઈ ગયું કે તમે એકબીજાને કેટલો પ્રેમ કરો છો. તમને બંન્ને ને હું તો સું ભગવાન પણ અલગ ન કરી શકે.'વિરલ ની આંખમાં આંસુ આવી ગયા.

પણ સમીર નું ધ્યાન તો લાલ લેમ્પ તરફ જ હતું,

સારી વારે લેમ્પ બંધ થયો, સમીર તરત જ ઉભો થઇ દરવાજા પાસે પહોંચી ગયો.

'ચિંતા ન કરો તેને સારું છે, જલ્દી ભાનમાં પણ આવી જશે, પણ હાલ એમને આરામની જરૂર છે, તો મહેરબાની કરી ડિસ્ટર્બ ન કરતા.'
બોલતાં બોલતાં ડોક્ટર ચાલ્યા ગયા.

થોડી વારમાં નેહા હોશમાં આવી, તેના મમ્મી-પપ્પા, વિરલ બધાં ત્યાં જ હતા. પણ એની આંખો તો સમીર ને શોધી રહી છે.
સમીર દીવાલ ના ટેકે ઉભો છે, તેની આંખો આંસુ થી છલકાઈ રહી છે.


****** પૂર્ણ *******

(કાલ્પનિક વાર્તા, જેનો કોઈ વાસ્તવિક ઘટના સાથે સંબંધ નથી.)

(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો.
સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મને કહેજો.)

© ભાવેશ પરમાર

*** આભાર ***