Jivlani parnetar books and stories free download online pdf in Gujarati

જીવલાની પરણેતર

ગામડાં ગામમાં  જ્યારે પંખીડાંવ ઉઠી ને આળસું મરડતા હોઈ, સુરજ હજિ તો મોઢું ધોઈ નીકળવા ની તૈયારીયું કરતો હોઇ, પનિહારીઓ ઘરેથી નીકળી ચોકમાં એકબીજાંની રાંહુ જોતી ઉભી હોઈ, દૂર ક્યાંક આંબે બેઠી કોયલ ટહુકા કરતી હોય એવી વહેલી સવારે  જીવલો જાણે કે એને આ દુનિયા હારે કોઈ નિસ્બત જ નથી, પોતાનું ગાડું જોડી નીકળી પડે

'એ મારા બાપલીયાવ મારા વાલાવ હાલો હાયલા રાખો.' બળદ ને કહેતો જાય, પૂછડું મરોડતો જાય ને ગાડું હંકારતો જાય.
વળી મનમાં આવે તો ભજન કે પ્રભાતિયા પણ લલકારે,
'એ... જા...ગને તું જા.. દ...વા.... લલકારતો જાય, એના કંઠે સરસ્વતી માં બિરાજમાન.

જીવલો નીકળે ને ગામવાળા ઘડિયારું માં સમય મેળવી લ્યે.
સવારે પાંચ વાગે  એનું ગાડું ઘરેથી અચૂક નીકળી જ જાય.
એનો દી વરસ માં બે ત્રણ તહેવાર સિવાય તો ખેતરે જ ઉગે.

ખેતરે જઈ ને સીધો કામે વળગી પડે, તેની માં રામી આઠ વાગે શિરામણ લઈ ને આવે ત્યારે બાજરાના ત્રણેક રોટલા અને વાટકો ઘી ગોળ સાથે કરસીયો દહીં નો ઉલાળી જાય,  ચા તો ક્યારેય એની નાળેય નોતી ગઈ. રોજ નો આ જ નિત્યક્રમ

સાડા છ ફૂટ ની ઉંચાઈ ને ભીમ જેવો જાડો બાંધો, જેવા તેવા ચાર પાંચ ને તો એકલો જ પુરા કરી નાખે એવો જણ.

પાંચ વર્ષ નો હશે ત્યારે જ બાજુના ગામની કંકુ સાથે લગ્ન થઈ ગયેલાં, પણ મોટો થ્યા પછી  જીવલાને તો સંસાર જ નહોતો માંડવો. એટલે આણું વાળવા જ નહોતો જતો.

'જીવલા, તારી વવ ને કેદી તેડવા જાવું છે?' રામી  કેટલીક વખત પૂછે પણ જીવલો તો કોઈક ને કોઈક બહાનું કાઢી વાત વાળી લેતો. 'મારે તો હું ભલો મારા ગોરીયા-ગમાંણિયા અને મારી વાળી ભલી' કહેતો નીકળી પડે ખેતરે.

એને ક્યાં ખબર હતી, કંકુ બીચારી એની રાહ જોઈ રહી છે.
માં-બાપે સમજાવ્યું એને ભૂલી જા બીજું લગ્ન કરાવી આપીએ. પણ એ નહોતી માનતી, કહેતી 'મારે એક ભવમાં બે ભવ નથી કરવા, હમજણી થઈ ત્યારથી એને ધણી માઈનો છે, હવે તો ઇ લેવા આવે તો ભલે નકર આમનમ મરી જાઈસ એની વાટ જોઈ ને. પણ બીજાના નામનો ચુડલો તો નય પેરું'
એનાં માં-બાપ પણ દીકરી ને કોઈ જાતનું દબાણ ન કરતાં

એમજ દિવસો વિત્યે જાય છે, જીવલાને તો ક્યારેય સંસાર માંડવાનો વિચારેય નથી આવતો.

એક દિવસ જીવલાને દૂર થી કોઈ ભાત લઇ ને આવતું દેખાયું, તે સમજી ગયો કે તેની માં તો નથી જ.
તો પછી કોણ છે?...  આંખોપર હાથથી છજું કરી જોઈ રહ્યો.
માથે ભાત અને કાંખમાં પાણીનું બેડું, હરણી જેવી મટકતી ચાલ, મો પર જુવાની નું તેજ, દોઢ વામ્ભ લમ્બો ચોટલો, નવાં નકોર કપડાં માં કોઈની નવી વહુ હોઈ એવું લાગી રહ્યું છે, ઓળખાણ નહોતી પડતી, પણ આવતી તો પોતાની જ પાસે રહી હતી.
એકદમ નજીક આવીને ઉભી રહી, જીવલા પર પડતો તડકો હવે તેના પડછાયાના કારણે ઠંડો છાંયો બની ગયો.

'બાય તું મારગ ભુયલી લાગ છો! ઓળખાણ નથી પડતી.' જીવલો એની સામે જોતાં બોલ્યો.

'હું કાંઈ મારગ નથી ભુયલી, મારે તો અયાં જ આવવાનું હતું પણ તમે ક્યારેય મારા ગામને મારગે  નો આયવા મને તેડવા.'
જીવલો થોડી વાર વિચારમાં પડી ગયો.

'અરે તું તો કંકુ નથી ને!' આશ્ચર્ય સાથે બોલતો બોલતો ઉભો થઇ ગયો.
'હા, હું જ છું, હવે વાતું જ કરશો કે ભાત ઉતરાવસો?' તે બોલી.
જીવલા એ તેના પરથી પોટલું ઉતારી નીચે મૂક્યું અને પાણીનું બેડું લેતા બોલ્યો, 'પણ તું આયવી કેમ? મેં તો કોઈ કહેણ નોતું મોઇકલું.'
'તમારા કેણ ની વાટ જોય હોત તો તો જન્મારો નિકરી જાત,
આટલાં વરહ માં એકેય વાર એમ નો થિયું કે મારી પેઈણેતર સું કરે જોયાવું!'
તે પોટલું ખોલતાં ખોલતાં બોલતી રહી.
જીવલો તો ચૂપ જ થઈ ગયો, બિચારો સું બોલે!

'લ્યો હવે ખાઈ લ્યો, મને બધીયેય ખબર છે, તમે તો મને તેડવા જ ન્હોતા આવવાના ને, મારા બા બાપુએ તો મને બીજું ઘર કરવાનું પણ કઇ દીધેલું, પણ હું થોડી એમ માનું,  મેંતો હમજણી થય તેદી'થી આજ હુધીમાં તમારા નામના કેટલાય વરત કરી નાયખાં છે, પણ તમને તો હું ભુલાય જ ગઈ ને.' એકીશ્વાસે તે બોલતી રહી  પણ કંકુ ના સવાલો ના જીવલા પાસે કોઈ જવાબ નોહતા. એ તો ચુપચાપ ખાવા લાગ્યો. કંકુ બાજુ માં બેસી વીંઝણા થી હવા નાખતી રહી.
આજે સ્વાદ પણ કંઈક અલગ જ લાગી રહ્યો હતો એ સમજી ગયો કે જમવાનું પણ કંકુ એ બનાવ્યું હશે, તેને કંઈ પણ બોલ્યા વગર જમી લીધું. જમીને ઉભો થયો ત્યારે કંકુ તેનો ખાટલો વ્યવસ્થિત કરતી હતી. તે ખાટલા પર બેસી થોડીવાર કંકુ ને જમતાં જોઈ રહ્યો અને સુઈ ગયો.

જ્યારે એની આંખ ખુલી તેને જોયું તો કંકુ નીચે પાથરણા પર સુઈ રહી હતી.
ગળાં સુધીતો પાતળી સાલ ઓઢેલી હતી પણ એકદમ નાના બાળક જેવો માસૂમ ચહેરો તે જોઈ શકતો હતો.

તેને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો કે એક બાઈ બિચારી તેની રાહ જોતી રહી પણ પોતે ક્યારેય તેની દરકાર પણ ન કરી.
ઉભો થઇ કંકુ પર પડતા તડકા આડે ખાટલો ઉભો કરી દીધો.

....સમાપ્ત...

(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો.
સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મને કહેજો.)

© ભાવેશ પરમાર


*** આભાર ***


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED