આથમણે સુરજ ઉગ્યા... Parmar Bhavesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આથમણે સુરજ ઉગ્યા...

પ્રિયતમ ની બાંહોમાંથી નીકળેલી સુંદરીના રતુંબળા ગાલ જેવો ભાનુ ગિરિમાળા વચ્ચે થી ડોકું કાઢી પોતાની હાજરી પુરાવતો ક્ષિતિજ પર લાલિમાં પાથરી રહ્યો હોઈ,
નૃત્ય કરતી અપ્સરાઓની પાયલ ના ઝણકાર સમા કલરવ સાથે પક્ષીઓ પોતાના માળા છોડીને લાંબી સફરો ખેડવા આતુર બન્યા હોઈ,
ચારે બાજુ કુમળાં બાળકો ના સ્મિત જેવાં પુસ્પો ખીલ્યાં હોઈ,
તમરાં ના ટર... ટર... કરતા માથું પકવતા અવાજ નું સ્થાન કોયલ ના  કુ..હૂ.....કુ..હૂ...વાળા કર્ણપ્રિય અવાજો લઈ રહ્યા હોઈ.

આવીજ રોજ જેવી જ એક સવારે કજરી આયના સામે ઉભીને
પોતાનો બે વાંભ લાંમ્બો ચોટલો બાંધતી હતી,
ઘીના દિવામાંથી નીકળતી ધૂમ્રસેર જેવી પોતાની લટો ને કાન પાછળ ભરાવતી,
પોતાના છલકતાં યૌવન ને સાડી ના પાલવ વડે ઢાંકતી,
સેંથો પુરતાં પડેલું કંકુ નાક પરથી લૂછતી, વળી તે પોતાના જ પ્રતિબિંબને જોઈ ને શરમ થી આંખો બંધ કરી લગ્નની પહેલી રાત યાદ કરતી,

હું ઢોલિયા પર એની જ વાટ જોતી બેઠી'તી, કેવો હશે એય કોણ જાણે!
કેટલાય દી થી તો એને દીઠો જ નો'તો,
ઘણા વરહો પેલાં જોયો તો, મેળે જ્યાતા ન્યા ભાઈબંધું ભેગો મોયદાંડિયે રમતો'તો,
કેવો મજાનો રાજકુમાર જેવો લાગતો'તો ભીમો.!

'ખટ' કરતો દરવાજો ખુયલો, હું જરાક શરમાણી!
મારા બેય પગ વચ્ચે માથું છપાવી બેહી ગય.
ઈ આયવો મારી પાંહે ને અડીને બેહી જ્યો.
મને થોડીક ઝાઝી સરમ આયવી, મેં લાજ નો છેળો જોરથી પકળી રાયખો,
એના હલેસાં જેવા હાથ પાંહે મારૂં જોર હું કામ આવે.
મારો ઘૂમટો ઉઠાવી મારી હામેં જોઈ રયો,

"કોઈ'દી તારા જેવી રૂપારી બાય નથી જોય હો, મને તો ખબરેય નો'તી કે મારી બાયળી આવી રૂપારી હશે,
એની પરછંદ કાયા જેવો જ એનો જાડો અવાજ,
પણ મને ગયમો. મનને થીયું વખાણ કયરા જ કરે ને હું હાંભળે જ રાખું,
પણ એનેતો ઉતાવળ હતી!
એક ફૂંક માં દીવો હોલવી નાઇખો.
પછે હું થિયું એની સાખી તો આ ઢોલિયો જ પુરે હો.
પાસે જ ઢાળેલા ખાટલા પર એની નજર ફરી રહી.
દૂર થી આવેલ કોયલ ના અવાજે એને ઢંઢોળી,

રોજ ની જેમ ઘરની બહાર નીકળી,
મોં પર પિયુ મિલન ની આશ લઈને તે રોજ કિનારા પર જતી.
દૂ...ર... થી આવતા વહાણો જોઈ રહેતી.
તે કલાકો સુધી બેસી રહેતી.

પણ આજે,
થોડે દૂર ચાર આંખો એને જોઈ રહી હતી,
તેના વિશે જ વાતો કરતા બે ખારવા બેઠા છે.
જો લખા ઓલી ભીમા ની બૈરી!
રોજ બિચારી આમજ દરિયે મીટ માંડી ને બેહી રિયે છે,
કોણ હમજાવે ઇ ગાંડી ને કે તારો ઘરવારો તો હવે આવી રયો!
દોઢ મયનાથી ઈ ગિયો પણ કાંઈ વાવળ જ નથી.
હવે નો આવે ભાઈ,
દરિયો ભરખી ગ્યો હશે ભા....ઈ...ભીમાને તો!
કાંઠે પલાણ કરી ને બેસેલો ખારવો ઠરી ગયેલી બીડી નું ઠુઠું રેતીમાં ભરાવતા નિઃશાસો નાખતાં બોલ્યો.

હા ભાઈ પણ હૂં થાય હવે!
મજાનો માંણાહ હતો.
એ...ને...હાત ફૂટ લાંબી કાયા ને સિંહ ને હરમાવે એવી મુછું.
એક જ જારી નાખીને મણ બે મણ માછલિયું નો કાળ કરી નાખે એવો જોરુકો જુવાન.
પૈણા ને બે મયના નય થ્યા હોય, બાય બિચારી અભાગણી,
એવી રૂપારી બૈરી લાયવો કે એની હામે ઈંદરની અપસરાયું ય પાણી ભરે.
એની બિચાળી ની મેંદી નો રંગેય નય જ્યો હોય હાથે પગેથી.
હવે તો કોય હમાચાર આવે તો ખબર પડે.
કપાળે એક હાથ નું છાપરું કરી દુર બેઠેલી કજરીને તાકતાં લખો બોલ્યો.

મા'રાણી ઈંયા બેઠી છે લ્યો!
ઘરે હંધુય કારજ એવું ને એવું પયડું છે, કોણ તારી માં આવશે કરવા.
પાછળ થી આવેલ જવીડોસી ના અવાજથી કજરી જરા ચમકી,

થિયા રાખશે બાળી, તમતમારે ભજન ગાવ ને,
હું બેઠી છું ને, ઈતો મને એમ કે જો આજે ભીમો આવતો દેખાય જાય તો.!
ડોસી નો હાથ પકડી ને ઘર તરફ હાલતી થઈ.
જવીડોસી ની જીભ કડવી પણ પોતે માયાળુ, કજરી ને દીકરી ની જેમ રાખતાં. ભીમો ગયો ત્યારથી તો કજરીની થોડી વધારે કાળજી લેતા.

રોજ આવી જ રીતે ભીમા ની રાહ જોઈ ને પાછી વળે.
પણ, ના તો ભીમો આવતો કે ના તેના કોઈ સમાચાર.

પાછો આજે નાથીયો આવ્યો,
નાથીયો આમ તો ભીમા નો નાનો ભાઈ પણ જ્યારથી કજરી ને જોઈ ત્યારથી તેના મનમાં લાળ ટપકે. એમાંય જ્યારથી ભીમો ગયો એને તો છૂટો દોર મળી ગયો.
કજરી વાસણ માંજતી ત્યાં જઈ ને કહેવા લાગ્યો.
'કજરી હજી એકવાર કંવ છું, હવે તો આશ મુઈક એની, એ નો આવે હવે, હાલ ભાગી જાંય મારી રાણી બનાવી રાખીહ, દુનિયા ની બધીએય ધનદોલત તારા કદમોમાં નાખી દઈહ.
આતો તારી મરજી થી તારો દેહ મલી જાય એવાં હારું કંવ બાકી જે'દી જબરજસ્તી કરીશ તું મારા હાથ માંથી છટકીન ચ્યાં જાઈસ.'

મારા રોયા, હાથ તો લગાડ આ ચાકું જોયી છ, એવી જયગા એ મારીસ કે કોય ને બતાડવા જેવો નય રે,
ઇ તો ભીમા નો ભઈ છો તી અંયા બેઠો છ, નકર આ ડેલી ની માલિપા ટાટીઓ મુઇક ને તો વઢાય જાય.
કજરી એ ચાકુ બતાવતાં દીધેલી ધમકી ની આમ તો કઈ અસર ના થઇ પણ નાથીયો વિલા મોં એ જતો રહ્યો.

કજરી ની આંખ માં આંસુ આવી ગયાં
ભીમા તું નથી ને મારે આ હંધુય સેહવું પડે ચ ને.
મને નથી ખબર હું કેટલા દિ આવા કુતરાવ થી મારો દેહ બચાવીસ, એક વાર આવી ને જોઈ તો જા,
હું ચ્યાં જાંવ!
અંયા તો તારા ઘરનાં કૂતરાંય મને ચુથવા તિયાર બેઠા છ.

રોજ સૂરજ ઉગેને આથમે,
કજરી દરિયા કિનારે જઈ બેસે..
રોજ રાહ જુએ ભીમાની.
નથીયા જેવા કેટલાય ડાઘીયાઓ ની નજર થી બચી બચીને.
ઘરમાં જાય તો ખાટલાની ઈંસો હસતી હોય અને સિંધરાં ગળે ટૂંપો દેવા સામે આવતા હોય એવું લાગે,

એમાંય એક દિવસ ઉબકો આવ્યો.
બાળી મને કાંઈક થાય છ, જો તો ખરી....કજરી ઉલટી કરતાં કરતાં બોલી.
કાંઈક હું થાય , ખાય લીધું હશે જી ને તી
ઉલટી કરતી કજરી ના વાંસે હાથ ઘસતી ડોસી ના કરચલીઓ પડી ગયેલા બોખાં મો પર હરખ ની સાથે ચિંતા ની કરચલી ઓ પડી.
જા ઘર માં જૈ ને હુંય જ હારું થય જાસે. હું રંભી ને બરકી લાવું.
બાજુમાં જ રહેતી રંભી હતી તો અંગૂઠાછાપ પણ નાડ જોઈ ને રોગ પારખી લેતી. ગામ ની એકમાત્ર દેશી દાક્તર હતી.
રંભી એ કજરી ની નાડ તપાસી, પેટે હાથ ફેરવ્યો ને કહ્યું.
લિયો, જવીમાં શીરા ના આંધણ મુકો, કજરી ને હારા હમાચાર છ.

કજરી ની આંખો માં આંસુ છલકાણા.
આયના સામે ઉભી રહી પોતાના પેટ પર હાથ ફેરવતાં બોલી.
હવે તો આવ ભીમા,
જો તારું બી મારા પેટે ઉઇગું છે.
તારે મન નૈ થાતું કે એકવાર હાથ ફેરવે મારા પેટે.
તારા વિના કોણ ઉછેર સે ઈને.

આજે મન નથી એનું દરિયે જવાનું,
હવે તો આશા છૂટી ગઈ,
ચાર મહિના થવા આવ્યા
ના તો ભીમો આવ્યો ન તો કોઈ સમાચાર.

કજરીને ચક્કર આવ્યાં ને ખાટલા પર ઢળી પડી.
આંખો ખુલી ત્યારે કોઈક નો એક હાથ તેના માથે ફરતો તો ને બીજો પેટ ઉપર.

ભીમા ચ્યાં જ્યો તો આટલા દિ',
વાઇટ જોતી હું રોજ દરિયે આવતી કોઈ દિ' નો દેખાણો તું.
તારા કાંઈ સગળ જ ન્હોતા...... બોલતાં બોલતાં રડી પડી.

બસ કર મુઈ, હવે તો હું આવી જ્યો છું ન.
ઝાઝા માછલાં ની લાઇલચે બીજા દેશ ની સિમ માં વયો જ્યો તો ને પોલીસે પકડી લિધોતો.
પણ એક ભલા માણહે છોડાયવો ને ઈંયા પુગાઈડો.
હવે તને મૂકી ને ચ્યાય નય જાવ તારા હમ બસ....

કજરી ભીમા તરફ એકીટશે જોઈ રહી,
તેને લાગ્યું કે આજે ઘણા દિવસો પછી તેનો સૂરજ ઉગ્યો ને એ પણ આથમણી બાજુ થી.

........સમાપ્ત.......