વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 143
‘મૅગ્નમ’ના માલિક હનીફ કડાવલાની હત્યા કરાવીને છોટા રાજને દાઉદ અને શકીલને ફટકો માર્યો હતો એથી દાઉદ અને શકીલ ઉશ્કેરાઈ ગયા હતા, પણ દાઉદ ગેંગ હનીફ કડાવાલાની હત્યાનો જવાબ આપે એ અગાઉ છોટા દાઉદ અને છોટા શકીલને વધુ એક આંચકો સહન કરવો પડ્યો!
3 એપ્રિલ, 2001ના દિવસે રાજન ગેંગના શૂટર્સ ફરી ત્રાટક્યા. આ વખતે તેમણે મુબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસના આરોપી અકબર સમતુલા ખાન ઉર્ફે અકબરલાલને ડોંગરી વિસ્તારમાં મારી નાખ્યો. એ જ દિવસે દાઉદ ગેંગ સાથે સંકળાયેલો હોટેલિયર શફીક અહમદ ખાન પણ રાજનના શૂટર્સનું નિશાન બન્યો.
રાજનના શૂટર્સે શફીક ખાનને ધોળા દહાડે મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં આંતર્યો હતો. શફીક ખાનની કાર આંતરવામાં આવી ત્યારે તેણે રાજન ગેંગના શૂટર્સને જોઈને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. શફીક ખાને ડિવાઈડર પરથી કાર કુદાવીને યુ ટર્ન લીધો, પણ રાજનના શૂટર્સે તેનો પીછો કર્યો. આ ધમાલમાં ખાનની કાર સાંતાક્રુઝમા મિલન સબ-વે પાસે દીવાલ સાથે અથડાઈ પડી. શફીક ખાને કારમાંથી બહાર નીકળીને નાસી છૂટવાની કોશિશ કરી પણ રાજન ગેંગના શાર્પ શૂટર અજય શ્રેષ્ઠ અને બીજા શૂટરોએ તેને ગોળીઓથી વીંધી નાખ્યો.
રાજન ગેંગના શૂટર અજય શ્રેષ્ઠે દાઉદ ગેંગના ગુંડાઓને ખતમ કરવાનું લાંબુચોડું લિસ્ટ બનાવ્યું હતું. પણ 4 મે, 2001ના દિવસે મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશન પાસે ‘ગોલ્ડન ક્રાઉન’ હોટેલના માલિકને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી શૂટ કર્યા પછી એક શૂટર સાથે ભાગી છૂટવાની તેની કોશિશ નિષ્ફળ રહી અને તે પબ્લિકના હાથમાં ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત 3 એપ્રિલ, 2001ના દિવસે રાજન ગેંગનો અત્યંત મહત્વનો શૂટર અવધૂત બોડે મુલુંડ ઉપનગરમાં પોલીસ સાથે અથડામણમાં માર્યો ગયો એટલે દાઉદ ગેંગના શૂટર્સને અને મહત્વના માણસોને મારવાના રાજન ગેંગના અભિયાનને બ્રેક લાગી ગઈ.
આ દરમિયાન મુંબઈના રસ્તાઓ ઉપર ગેંગવોરને અટકાવવા માટે મુંબઈ પોલીસે એન્કાઉન્ટરનો સહારો લીધો હતો એટલે દાઉદ અને રાજન ગેંગના શૂટર્સ જાહેરમાં આવતા ડરવા લાગ્યા. મુંબઈ પોલીસે 1 જાન્યુઆરી, 2001થી 30 એપ્રિલ, 2001 દરમિયાન અંડરવર્લ્ડના 32 શૂટર્સને એન્કાઉન્ટરમાં ખતમ કરી દીધા હતા. એના કારણે અંડરવર્લ્ડની પ્રવૃત્તિ ધીમી પડી ગઈ હતી.
***
મુંબઈ પોલીસના એન્કાઉન્ટર અભિયાનની મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર થોડા સમય માટે અટકી ગઈ હતી ત્યારે બીજી બાજુ પાકિસ્તાનમાં દાઉદ પર વધુ પ્રતિબંધ મુકાઈ ગયા હતા. દાઉદ અગાઉ પાકિસ્તાનમાં મોકળાશથી હરીફરી શકતો હતો એને બદલે તેના પર આઈએસઆઈએ ઘણા નિયંત્રણો લાદી દીધાં હતાં. આ સ્થિતિથી અકળાયેલા દાઉદે ફરી એક વાર દુબઈમાં આશ્રય લેવાની વેતરણ શરૂ કરી હતી.
દાઉદ ફરીવાર દુબઈ ભેગા થઈ જવાનું વિચારી રહ્યો હતો ત્યારે ભારત દ્વારા દુબઈ અને અબુધાબીના સત્તાધીશો સમક્ષ દાઉદ અને તેની ગેંગના મહત્વના માણસો વિશે રજૂઆત કરવાની તૈયારીઓ થઈ રહી હતી. દાઉદ અને તેના મહત્વના સાથીદારો દુબઈ છોડીને પાકિસ્તાનભેગા થઈ ગયા હોવા છતાં તેઓ દુબઈ સહિત યુ.એ.ઈ.ના દેશોમાં આવતા જતા રહે છે, એવી માહિતીના આધારે આવા મોસ્ટ વોન્ટેડ ગુનેગારોના પ્રત્યર્પણ માટે યુનાઈટેડ આરબ અમીરાતના સત્તાધીશોને સમજાવવા માટે એક પ્રતિનિધિ મંડળ મોકલવાની તૈયારી ભારતમાં થઈ રહી હતી.
પાકિસ્તાન સાથે તો આવી કોઈ પણ ચર્ચાનો અર્થ સરવાનો નહોતો એમ છતાં ભારત દ્વારા પાકિસ્તાનને પણ એવા પુરાવા અપાયા હતા કે દાઉદ કરાચીમાં ક્લિફ્ટન વિસ્તારમાં આલીશાન બંગલોમાં રહે છે. અને એ સાથે ભારતીય વિદેશ ખાતા દ્વારા કરાચીના ફ્લિફ્ટન વિસ્તારમાં દાઉદના વિશાળ બંગલોના તથા એ બંગલોની ટેનિસ કોર્ટ અને સ્વિમિંગ પૂલના ફોટોગ્રાફ્સ પણ પાકિસ્તાન સરકારને અપાયા હતા. એમ છતાં પાકિસ્તાન સરકારે એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે દાઉદ અમારે ત્યાં નથી. આમાં રસપ્રદ વાત તો એ હતી કે ભારત સરકારે આપેલા પુરાવા પછી ભોંઠા પડીને દાઉદનું પ્રત્યર્પણ કરવાને બદલે એ પુરાવાથી દાઉદ પર દબાણ લાવીને એનો દૂઝણી ગાયની જેમ ઉપયોગ કરવાનો નુસખો પાકિસ્તાની સત્તાધીશોએ અજમાવ્યો હતો!
દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે અને એ કરાચીના ક્લિફ્ટન એરિયામાં રહે છે તથા ખયાબાન-એ-શમશેર વિસ્તારમાં ડિફેન્સ કોલોનીમાં પણ તેનો બંગલો છે એવી માહિતી સાથે ભારત સરકારે દાઉદને પાકિસ્તાનમાં અપાયેલા પાસપોર્ટના નંબરની માહિતી પણ પૂરી પાડી એમ છતાં પાકિસ્તાને એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે દાઉદ પાકિસ્તાનમાં નથી.
એક બાજુ પાકિસ્તાન દાઉદ વિશે સતત જૂઠાણું ચલાવી રહ્યું હતું ત્યારે બીજી બાજુ ભારતે પૂરા પાડેલા પુરાવાનો ઉપયોગ કરીને દાઉદ પાસેથી ચિક્કાર પૈસા પડાવવાની વેતરણ પાકિસ્તાની સત્તાધીશો દ્વારા થઈ રહી હતી. દાઉદે ભૂતકાળમાં સેન્ટ્રલ બેન્ક ઓફ પાકિસ્તાનને રૂપિયા 2500 કરોડ જેટલી ‘મદદ’ કરી હતી. એ રકમ દાઉદને પાછી મળવાની નહોતી. ત્યાં વળી જુલાઈ, 2001ના પહેલા સપ્તાહમાં પાકિસ્તાન સરકારે દાઉદને એક મોટો આંચકો આપ્યો!’
(ક્રમશ:)