વન્સ અપોન અ ટાઈમ - 142 Aashu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વન્સ અપોન અ ટાઈમ - 142

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 142

છોટા શકીલને દાઉદ ગેંગના શૂટર મિરઝા આરીફ બેગની ઈર્ષા થતી હતી એનું કારણ બેગની રુપાળી પત્ની શમીમ હતી! છ હત્યાના આરોપી અને શાર્પ શૂટર ફિરોઝ કોંકણીને ભગાવી જવાના આરોપ જેની સામે હતા એ બેગ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો અને તેને કોલ્હાપુરની જેલમાં ધકેલી દેવાયો. એ પછી શકીલની શમીમ સાથે ‘દોસ્તી’ થઈ ગઈ. છોટા શકીલ સમીમ તરફ આકર્ષાયો હતો એ જ રીતે શમીમ પણ તેની તરફ આકર્ષાઈ હતી. શકીલની મીઠી નજરને કારણે દાઉદ ગેંગમાં શમીમ બેગનું મહત્વ અચાનક વધી ગયું. શકીલે તેને બહુ મહત્વની જવાબદારી સોંપવા માંડી. ગેંગ મેમ્બર્સને પૅમેન્ટ કરવાથી માંડીને ગેંગના ગુંડાઓ માટે વકીલો રોકવાની, ખંડણી ઊઘરાણીની જે રકમ જમા થાય એ હવાલાથી છોટા શકીલને મોકલવાની અને જુદી-જુદી જેલમાં પુરાયેલા ગુંડાઓને સુવિધા પૂરી પાડવાની જવાબદારી શમીમે સંભાળી લીધી.

દાઉદ ગૅન્ગમાં બહુ ટૂંકા ગાળામાં શમીમનું મહત્વ કલ્પનાતીત રીતે વધી ગયું. એ મુંબઈમાં છોટા શકીલના માણસોની ‘બોસ’ બની ગઈ. શકીલ 23 વર્ષીય શમીમને જે રીતે મહત્વ આપી રહ્યો હતો એનાથી તેના માણસો આશ્વર્યમાં મૂકાઈ ગયા. શમીમ બેગ હવે ‘મિસિસ પોલ’ તરીકે ઓળખવા માંડી હતી. છોટા શકીલના માણસોને ઓર્ડર કરનારી શમીમનો રુઆબ જોઈને દાઉદ ગેંગમાં બધાને આશ્વર્ય થતું હતું. આ દરમિયાન શકીલ સાથે સંકળાયેલા, મુંબઈ મહાનગરપાલિકાના, એક સફાઈ કામદારના ઘરમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી જેટલી રોકડ મળી એ જોઈને પોલીસ અધિકારીઓ અચંબો પામી ગયા.

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના યુનિટ પાંચની ટીમે 22 મે, 2001ના દિવસે મુંબઈના ઉપનગર કુર્લાના પશ્વિમ વિસ્તારના જયશંકર ચોક પાસે માંકડવાલા કમ્પાઉન્ડમાં રહેતા, મુંબઈ મહાનગરપાલિકાના, 40 વર્ષીય સફાઈ કામદાર નાગુરાવ મલકુ ઘાડગેના ઘરમાં દરોડો પાડ્યો ત્યારે ઘાડગેના ઘરમાંથી જેટલા રૂપિયા મળ્યા એની ગણતરી કરવા પોલીસ કર્મચારીઓએ કલાકો સુધી બેસી રહેવું પડ્યું. મુંબઈ પાલિકાના ચોથા વર્ગના કર્મચારી એટલે કે સફાઈ કામદારના ઘરમાંથી ક્રાઈમ બ્રાન્ચની ટીમને 500, 100 અને 50 રૂપિયાની નોટોના ઢગલાબંધ બંડલ્સ મળી આવ્યાં. એનો ટોટલ 80,57,680 (એંસી લાખ સત્તાવન હજાર છસો એંસી) રૂપિયા થયો! ઘાડગેએ આટલી રોકડ રકમ ફ્રિજની પાછળ દીવાલમાં છુપાવી રાખી હતી. એના ઘરમાંથી કિલોબંધ સોનું પણ મળી આવ્યું હતું!

મુંબઈ પાલિકાના ‘એલ’ વોર્ડમાં 20 વર્ષથી સફાઈ કામદાર તરીકે ‘ફરજ બજાવતો’ નાગુરાવ મલકુ ઘાડગે ડુપ્લેક્સમાં રહેતો હતો અને એના ઘરમાં દરેક રૂમમાં એસી તથા હોમ થિયેટર સહિતની તમામ લક્ઝરીની ચીજો પોલીસને મળી આવી. પોલીસને માહિતી તો એવી મળી હતી કે સફાઈ કામદાર ઘાડગેના ઘરમાં નકલી ચલણી નોટોનો જથ્થો છુપાવાયો છે, પણ પોલીસની રેડ દરમિયાન મળી આવી એ બધી નોટો અસલી હતી!

પોલીસે ઘાડગેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો એ પછી એમાંથી ડાયલ થયેલા અને રિસિવ થયેલા નંબરોની યાદીના આધારે પોલીસને ખબર પડી કે એ સફાઈ કામદાર મહારાષ્ટ્રના ઘણા આઈએએસ અધિકારીઓ અને પ્રધાનો સાથે ગાઢ સંબંધ ધરાવે છે! ઘાડગેને છોટા શકીલના સાથીદાર નારાયણ પવાર સાથે ગાઢ સંબંધ હતો એના કારણે પોલીસે ઘાડગેનો શકીલ સાથે કેવો સંબંધ છે એની તપાસ શરૂ કરી. જોકે ઘાડગેએ પોલીસને એવું કહ્યું કે “હું ચિટ ફંડ ચલાવું છું અને મારી પત્ની અનસૂયાના નામે પૈસા વ્યાજે આપું છું.”

મુંબઈ પોલીસને આવી આશ્વર્યપ્રેરક માહિતી મળી રહી હતી ત્યારે બીજી બાજુ મુંબઈમાં ફરી એક વાર દાઉદ અને છોટા રાજનની ગેંગ વચ્ચે જામી પડી હતી. રાજન આક્રમક બની ગયો હતો અને તેના શૂટર્સ કાળની જેમ દાઉદ ગેંગ સાથે સંકળાયેલા મહત્વના માણસોની પાછળ પડી ગયા હતા. રાજન ગેંગ ખાસ તો મુંબઈના શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટના આરોપીઓને નિશાન બનાવી રહી હતી.

દાઉદ ઈબ્રાહિમ અને છોટા રાજન વચ્ચેની ગેંગવોરમાં ફરી એક વાર આક્રમક વળાંક આવ્યો હતો. બેંગકોકમાં દાઉદ ગેંગના હુમલામાંથી બચી ગયેલા રાજને મુંબઈમાં દાઉદના ખાસ માણસોને અને એમાંય ખાસ તો સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓને નિશાન બનાવવાનો આદેશ પોતાના શૂટર્સને આપી દીધો હતો.

2 ફેબ્રુઆરી, 2001ના દિવસે રાજનના શૂટર્સે એક મોટો શિકાર કર્યો. રાજનના શૂટર્સે બૉમ્બ બ્લાસ્ટ્સ કેસના મહત્વના આરોપી એવા હોટેલિયર ક્મ ફિલ્મ પ્રોડ્યુસર હનીફ કડાવાલાને ભરબપોરે તેની ઑફિસમાં જ મારી નાખ્યો. હનીફ કડાવાલા મુંબઈમાં બાંદરા વિસ્તારમાં ‘વાઝ’ બિલ્ડીંગના ત્રીજા માળે બપોરના 12.30 કલાકે તેની ઑફિસમાં બેઠો હતો ત્યારે રાજન ગેંગના શૂટર્સ ત્યાં ધસી ગયા અને તેમણે તેના શરીરમાં અડધો ડઝન ગોળી ધરબી દીધી.

હનીફ કડાવાલાની હત્યાના સમાચાર ગણતરીની મિનિટોમાં દાઉદ અને છોટા શકીલને મળી ગયા. અને દાઉદ-શકીલ ઉશ્કેરાઈ ગયા હતા.

હનીફ કડાવાલા મુંબઈના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસમાં 10 એપ્રિલ, 1996થી 14 ઓકટોબર, 1998 દરમિયાન અઢી વર્ષ સુધી જેલમાં ગાળ્યા પછી જામીન પર છૂટ્યો હતો. તેની પાસેથી પોલીસને ત્રણ એકે ફિફ્ટી સિક્સ ગન મળી હતી અને મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે તે રિવોલ્વરથી માંડીને હેન્ડગ્રેનેડ અને બૉમ્બ સહિતના ઘાતક શસ્ત્રો સપ્લાય કરતો હતો. મુંબઈમાં બૉમ્બ ધડાકાઓ અગાઉ ટાઈગર મેમણના કહેવાથી તેણે ખાસ તાલીમ માટે દાઉદ ગેંગના જાવેદ ચીકના સહિતા સાત ગુંડાઓને હવાઈમાર્ગે કરાચી મોકલવાની વ્યવસ્થા કરી હતી એવો આરોપ પોલીસે કડાવાલા પર મૂક્યો હતો. એ સિવાય તેના ઉપર એવો આરોપ પણ મુકાયો હતો કે તેણે તેની ‘મૅગ્નમ’ કંપનીના પાર્ટનર સમીર હિંગોરા સાથે મળીને તેણે ફિલ્મ સ્ટાર સંજય દત્તને એકે ફોર્ટીસેવન ગન પહોંચાડી હતી. આવા ખેપાની માણસની હત્યા કરાવીને રાજને દાઉદ અને શકીલને ફટકો માર્યો હતો.

દાઉદ ગેંગ હનીફ કડાવાલાની હત્યાનો જવાબ આપે એ અગાઉ છોટા દાઉદ અને છોટા શકીલને વધુ એક આંચકો સહન કરવો પડ્યો!’

(ક્રમશ:)