Pain of kite books and stories free download online pdf in Gujarati

પતંગનો વલોપાત.....



પતંગ નો વલોપાત...દિનેશ પરમાર ‘ નજર ‘
_________________________________________________

પંખી નહીં આભ જ ખરેખર પાળવું હતું

ફરતે રહેલું પિંજરું ઓગાળવું હતું.

મેઘધનુષ્ય થઈ ગયું બાકી અમારે તો –

તારી હથેળીમાં જ જળને વાળવું હતું.

- ધૂની માંડલિયા
________________________________________________

છેલ્લા ત્રણ વર્ષથી, મુખ્ય શહેરની ફરતે બનેલા બસો ફૂટના રીંગરોડ ની આજુબાજુ માં નવી પડેલી ટાઉન પ્લાનીંગ સ્કીમમાં, સ્વતંત્ર બંગલા, રો-હાઉસ, હાઈ-રાઇઝ, લો-રાઈઝ ની યોજનાઓનો જાણે કે રાફડો ફાટયો હતો.

હજુ ગઈસાલ શહેરની પૂર્વના છેવાડે , શહેર તરફથી ગામડા તરફ જતા રસ્તાને ક્રોસકરતા , રીંગરોડ પરના ફ્લાય-ઓવર બ્રિજ ને અડીને , રૂરલ એરીયા તરફ જતા રસ્તાની પડખે બન્ને તરફ હારબંધ બનેલી, લો-રાઈઝ ફ્લેટની યોજના માં ડાબી બાજુ, ત્રીજી સ્કીમ ‘ગગન વિહાર એપાર્ટમેન્ટસ’માં મોટાભાગનાં લોકો, ગઈ સાલ સમર વેકેશનમાં રહેવા આવી ગયા હતા.

ઉતરાયણની આગલી રાત્રે,નાનપણથી પતંગનો ગાંડો શોખ ધરાવતો, પૃથ્વીરાજ શહેરની મધ્યમાં, કોટ વિસ્તારમાં કિલ્લાની પડખે, રાંગની સમાંતર દર વર્ષની જેમ ભરાતા પતંગ બઝારમાં દાખલ થયો. ચારે તરફ રંગીન પતંગોના, ફિરકીઓના, તુક્કલોના ઢગલાની ચારે તરફ ઉમટી પડેલી ભીડના કોલાહલથી રોજ આરામથી સૂઈ જતી રાત્રીએ જાણે જાગરણ કર્યું હોય તેમ જાગતી બેઠી હતી.

પૃથ્વીરાજ ભીડ ચીરતો એક ઢગલા પાસે જઈ જોવા લાગ્યો. જુદાજુદા,મથ્થે દાર, ગેસિયા, ચિલ, ફૂદ્દી વગેરેનું નિરીક્ષણ કરતા, એક જાયન્ટ પતંગ, કે જેનો માથાનો લાલ ભાગ ક્રાઉન જેવો ને બાકી નો ભાગ પેરૉટ ગ્રીન, ને તેમાં બંને તરફ બ્લેક આંખો..જેવી તેની નજર ત્યાં ગઈ કે તેણે તે ઝડપથી પકડ્યો ને ઉઠાવી લીધો. એજ વખતે તેની જ ઉંમરની સ્વરૂપવાન છોકરી નું ધ્યાન પણ તે પતંગ પર ગયેલું પણ તે મોડી પડી. આ એક અલગ જ પતંગ હતો.

જેવું પૃથ્વીરાજે તેની તરફ જોયું, તો તે નિષ્ફળ જતાં પૃથ્વીરાજ તરફ કતરાતી નજરે જોઈ, હોઠ મચકૉડી ભીડને ચિરતી આગળ વધી ગઈ. પૃથ્વીરાજે પછી તો ઘણા પતંગ, ઘર વાળા માટે પણ લીધા. પણ કૉલેજમાં આવ્યા પછી, આજે પહેલીવાર, છોકરીને છોકરાની દ્રષ્ટિએ જોઈ, , દિલમાં ઉઠેલી મીઠી મીઠી, ના સમજાય પણ ગમતીલી લાગણીના આવેશમાં તેની ચકળવકળ થતી આંખો, આખા ભીડ ભરેલા બઝારમાં આકુળવ્યાકુળ થઈ ને શોધતી રહી. પણ તે ના દેખાતા, રંગીન પતંગો, દોરા સાથેના આવતીકાલના ઉમંગ ને ઊંચકી, તે નિરાશ ચહેરે ઘર તરફ ચાલી નીકળ્યો.

***********

આજે મકરસંક્રાંતિ ના દિવસે, દર વર્ષની જેમ હવાફૂલ-બહારમાં હતી. ‘ગગન વિહાર એપાર્ટમેન્ટસ’ માં પાછળ ના ભાગે બ્લૉક’ એમ ‘માં રહેતો પૃથ્વીરાજ ધાબા પર ગયો, ત્યારે આજુ બાજુ ના બ્લૉક અને સ્કીમો ના ધાબા લોકોથી ઉભરાતા જોયા. હવા હોવાથી આકાશ રંગીન પતંગો થી જાણે લેહરાતું હતું. લોકો બૂમો પાડતા હતા, કોઈ પીપુંડા વગાડતા હતા તો કોઈ ધાબા પર મૂકેલી મ્યૂઝિક-સિસ્ટમ પર ડોલતાં હતાં.

આજુબાજુ નજર નાખતા અચાનક તેનું ધ્યાન આ કોલોની ના સૌથી આગળ આવેલા બ્લૉક ‘બી’ ના ધાબાપર જતા તે ચમકયો ને મનમાંજ બોલ્યો, “અરે! આ તો ગઇકાલ પતંગ બજારમાં હતી તે છોકરી? તેને ક્યારેય કોલોનીમાં કેમ જોઈ નથી?”

મનમાં ફરી વળેલી મીઠી લાગણી સાથે એકીટસે જોઈ રહેલા પૃથ્વીરાજ ને તે છોકરીનું ધ્યાન પોતાની તરફ ખેંચવા એક વિચાર આવ્યો ને તેણે તરત કિન્ના બાંધેલી મોટી ધાજ પતંગને ચગાવ્યો. પછી પતંગ ચગાવતી તે છોકરીના માથા પર બે થી ત્રણ વાર લઈ જઈ ઉપર હવામાં જવા દીધો.

તે છોકરી કે જેનું નામ વિહંગી હતું તેનું ધ્યાન સ્પેશિયલ પતંગ ના કારણે, પાછળની તરફ જતા ને પૃથ્વીરાજને જોતા, તેની સામે ગઈકાલની હાર યાદ આવતા, આંખો કાઢી જોયું ને મોં માંચકોડી

ફરી પોતાના પતંગને ઠુમકા મારવા લાગી.

મસ્તીએ ચઢેલા પૃથ્વીરાજને હવે તેનો પતંગ કાપી ચિડવવાની ઇચ્છા થઈ. તેણે પતંગને ડાઇ મરાવી ને તેનો પતંગ ખેંચીને કાપવા ગયો, તેજ સમયે અચાનક એક છોકરાએ વિહંગીના હાથમાંથી દોરી લઈ લીધી ને ઢીલ છોડી.

અચાનક આ પરિવર્તનથી પૃથ્વીરાજ કંઈ વિચારે તે પહેલા ખચાક કરતી તેની મોટી ધાજ દોરીના ટુકડા સાથે કપાઈ ગઈ..

તે સાથેજ, ગઇકાલની હારથી નારાજ વિહંગી, પોતાને ગમતો પતંગ પૃથ્વીરાજ પાસેથી છીનવાઈ જતા, આનંદમાં આવી વિજયના જશ્ન રૂપે, મોટે મોટેથી પીપુંડું વગાડવા મંડી પડી.

લાલ મુકુટ વાળો, આકર્ષક પતંગ, યુધ્ધમાં ધડ કપાયેલ સૈનિક જેમ ધરા પર ઢળી પડે તેમ, ઝોલા ખાતો ખાતો, આકાશમાંથી નીચેની તરફ આવતો ગયો.

પૃથ્વીરાજ નો મૂડ, પડી ગયેલી હવાની જેમ પડી ગયો. તે પીઠ ફેરવી ખુરશી માં બેસી ગયો. બપોરે, ધરેથી આવેલ સિંગચીકી, તલપાપડી, કે ઊંધિયા જલેબી માં પણ મઝા ના આવી.

સાંજે પશ્ચિમમાં ઢળી ગયેલા સુરજ ની પથરાતી જતી કાલિમા માં શાંત પાડતા જતા કોલાહલ સાથે ઉદાસ મૂડથી પૃથ્વીરાજ ધાબાના પગથિયા ઉતરી ગયો.

**********

ઉતારાયણના બે દિવસ પછી, રોજના ક્રમ મુજબ,સવારે સાત વાગે કૉલેજ જતાં પહેલાં, પોતાના ફ્લેટની બાલ્કનીમાં, લગાડેલા વોશ-બેસિન પાસે બ્રશ, શેવ કરવા આવ્યો. વોશ-બેસિન ઉપર લાગેલા મિરર માં તેનું ધ્યાન જતા તેણે જોયું કે, તેનો કપાયેલો પતંગ, કોલોનીમાં દાખલ થતા મેઇન-ગેટ ની બાજુના લીમડાનાં ઝાડમાં ઝોલા ખાઈ રહ્યો છે. ડાળ સાથે વીંટળાઈ આંટી ખાઈ ગયેલો પતંગ ગૂંચવાઈ ગયો હતો.
તેને પેલી સ્વરૂપવાન છોકરી નો ચહેરો યાદ આવી ગયો.
તે બાઇક લઇ કૉલેજ જવા નીકળ્યો, ત્યારે પણ મેઇન-ગેટે પહોંચતા ઝાડ પર એક નજર, ને પેલી છોકરી જે બ્લૉકના ધાબા પર હતી તે બ્લૉક’ બી ‘ પર નાખી કૉલેજ જવા કોલોનીની બહાર નીકળી ગયો.

કૉલેજથી આવ્યા પછી તેણે તપાસ કરતા જાણવા મળ્યું કે, તેનું નામ વિહંગી છે. તે સીટીવિસ્તારમાં રહે છે. ઉતરાયણની મઝા લેવા તેના મામાના ઘરે આવી હતી. પેલો છોકરો તેના મામાનો દીકરો આદિત્ય હતો.

પૃથ્વીરાજ એકતરફી તેના પ્રેમમાં પડી ગયો હતો. તે રોજ સવારે મિરર માંથી, લાલ મુકુટ વાળો ને કાળી આંખો વાળો, પોપટી પતંગ જોતો ને વિહંગી ને યાદ કરી નિસાસો નાખતો. તેના દર્શન થઈ જાય તે આશયથી આવતા ને જતા, રોજ મેઇન-ગેટ થી એક નજર તરફડીયા મારતા પતંગ પર ને એક નજર વિહંગીના મામાના ફ્લેટ પર અચૂક નાખતો.

આ તેનો ક્રમ બની ગયો હતો....

પાનખરમાં ગૂંચવાયેલો પતંગ, સુક્કા પવન ના મારાથી, પર્ણ વગરની ડાળીના પ્રહાર ઝીલી કાણે-કાણા વાળો થવા લાગ્યો હતો. આ બાજુ પૃથ્વીરાજ પણ વિહંગીના દર્શનના થતા દિવસે દિવસે ઉદાસ થતો જતો હતો.

વરસાદમાં તો પલળીને સાવ નંખાઈ ગયેલા ને લીરેલીરામાં પરિવર્તિત થયેલા પતંગે પોતાનું રૂપ સાવ ગુમાવી દીધું હતું.

આ બાજુ રોજ મિરર માં જોતા પૃથ્વીરાજ ની પણ તબિયત, ખાવા-પીવામાં ધ્યાન ના આપવાને કારણે, તથા સતત વિચારો માં ગુંચવાયેલા રહેવાને કારણે બગડતી ચાલી. સ્વભાવ ચીડિયો થઈ ગયો હોઈ ઘરમાં કોઈ તેને છંછેડતું નહતું.

દિવાળી પછી તેને સતત રહેતા ઇન્ફેક્શન અને અસાધારણ વેઇટ-લોસ તેમજ શ્યામ થતા જતા ચહેરા પર પથરાતી જતી સુષ્કતા જોઈ તેના માબાપ ચિંતામાં પડી ગયા. શહેરની પ્રખ્યાત હોસ્પિટલમાં તેના જરૂરી ટેસ્ટ કરાવ્યા.

પૃથ્વીરાજને લ્યુકેમિયા (બ્લડ-કેન્સર) ડિટેક્ટ થતાજ ઘર વાળા પર આભ તૂટી પડયું. પરંતુ જીવનની ગૂઢ રહસ્ય-માયાજાળને કોણ સમજી શક્યું છે?

લગભગ બે અઢી મહિના સુધી દવા ચાલી, પણ બ્લડ-કેન્સર છેલ્લા તબક્કામાં હોઈ દિવસે દિવસે, ફાટતા જતા પતંગ ની જેમ પૃથ્વીરાજ, વિહંગીના વિરહના વલોપાતમાં લેવાતો ગયો.

છેવટે...
જાન્યુઆરીમાં, ઉતરાયણની આગળની રાતે સાવ હાડપિંજર બની ગયેલા પૃથ્વીરાજે પ્રાણ છોડ્યો.

બીજે દિવસે ઉતરાયણ જેવો તહેવાર હોઈ, સવારે વહેલા સાત વાગે, ખુબ ઓછા ને સાવ નજીકના સગાઓના સાથે તેની અંતિમ-યાત્રા નીકળી.......
તે વખતે –
નવી ઉતારાયણના નવા રંગીન પતંગોથી આકાશ ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી....
ને.......
લીમડામાં ગૂંચવાઈ ગયેલો ઓલો....... ???

છેલ્લા એક વર્ષથી ઝાડની પકડ માંથી છૂટવા માટે વલોપાત કરતા કરતા,પોતાના જાજરમાન અસ્તિત્વને ગુમાવી ચૂકેલો, ને કમાન અને ઢઢ્ઢા જેવી વાંસની સળીઓના કંકાલ સ્વરુપમાં સાવ નિર્જીવ લાશ બની ગયેલો પતંગ , કિન્ના ને તાંતણે,જીવનથી નિરાશ થઈ ફાંસો ખાધેલા જણની જેમ લટકી રહ્યો...........

***************************************************

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED