Hole (puncher) books and stories free download online pdf in Gujarati

છિદ્ર.....

છિદ્ર……………………………… દિનેશ પરમાર 'નજર'
__________________________________________________


ફિરત કો ક્યું ફિક્ર હૈ મેરે ચાકે-દામાંકી

ગરિબાં મેરા હૈ મેને સિયા , સિયા ન સિયા
-સાહિદ(અગ્નાત)
(અકલમંદને મારા ફાટેલાકપડાની આટ્લી ચિંતા કેમ છે ? પેહરણ મારું છે મેં સિવ્યું, સિવ્યું ના સિવ્યું.)
-----------------------------------------------------------------------------------
નરોડા જી. આઇ. ડી. સી. નોટિફાઇડ એરીયા માં આવેલી, "સુપ્રિમો હોઝીયરી એન્ડ ગારમેંટ્સ લિમિટેડ " ફેક્ટરીના મેઇન ગેટમાં જેવી તેના માલિક માણેકલાલ ઓધવજી ઠક્કરની ગાડી દાખલ થઈ, રીશેષનો ટાઈમ હોઈ સામેના ભાગે આવેલ ફેક્ટરીના શેડને અડીને આવેલા પ્લોટમાં ડેવલોપ કરેલા ગાર્ડનની લોન ત્થા લીમડાનાં ઝાડ નીચે, પોરો ખાતાં કારીગર-મજૂરો પર ગયું.
ગાડી મેઇન ગેટથી ડાબે હાથે વળી કમ્પાઉન્ડમાં અડીને આવેલી ઓફિસ પાસે ઉભી રહી.
દોડતા આવેલા ઓફીસ-બોયે શેઠની ગાડીનો દરવાજો ખોલતા, શેઠે ફરી ગાર્ડન તરફ ઝીણી નજર નાંખી લોખંડની સીડી ચઢી ઑફિસ માં દાખલ થયા.
ટેબલ પર મુકેલા ગ્લાસમાંથી પાણી પીતાં પીતાં, કેબીનમાં દાખલ થયેલા મેનેજર રસિકલાલ જૈન સામે જોયું. અને બેસવાનો ઈસારો કર્યો.
પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકી, શેઠે બેઠાબેઠા જ રીવોલવિંગ ચેર શેડના બગીચા તરફ ફેરવી, કેબિનની વિંન્ડોના ફૂલગ્લાસ વિઝનમાંથી ઇસારો કરી પૂછ્યું, " પેલો ઝાડ નીચેના બાંકડા પર બેઠેલો કારીગર કે મજૂર જેની પીઠ દેખાય છે એ જે હો તે કોણ છે?"
મેનેજરે ખુરશીને તે તરફ ફેરવીને જોયુ , પછી શેઠ તરફ ફરી બોલ્યા, " શેઠજી, તે આપણા ત્યાં હેડ મિકેનિકસ છે, નિજાનંદ વ્યાસ તેનું નામ છે."
"ધ્યાનથી જોયો તેને ?, તેણે લીનનનો શર્ટ પહેર્યો છે, પણ તે પારદર્શક હોઈ તેની અન્ડરવેર દેખાય છે, તેનો પણ વાંધો નથી,પરંતુ તે ઘસાઈ ગઈ છે તેની પીઠમાં પાછળના ભાગે કેટલા બધા (કાણા) છિદ્રો દેખાય છે? "જાણે મેનેજરે આ જોવું જોઈએ તે રીતે રસિકલાલ સામે જોઈ રહ્યા.
મેનેજર રસિકલાલ આગળ બોલે ત્યાં શેઠ આગળ બોલ્યા" ફેક્ટરીના દરેક સભ્યોને દિવાળીમાં બોનસ સાથે આપણી ફેક્ટરીમાં બનેલા, બે બે જોડી અન્ડર ગારમેન્ટસ આપીએ જ છીએ તે પછી પણ આ રીતે રહે તો, ફેક્ટરીએ આવતા વેપારીઓ, અન્ય મુલાકાતીઓમાં કેવી છાપ પડે?"
મેનેજર એટલું બોલ્યા, "સારું શેઠજી હું તેને સમજાવી દઉં છું."
બીજે દિવસે સવારે મેનેજરે ઓફિસબોયને સૂચના આપી નિજાનંદને બોલાવ્યો. ને ગઈકાલે શેઠ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણ બાદ, શેઠ અને તેમની વચ્ચે જે ચર્ચા થઈ તેની વિગતે વાત કરી.
નિજાનંદ આ સાંભળીને જાણે ઊંડા વિચારમાં સરી પડ્યો." સર મારે આ બાબતે કઇંક કેહવું છે, આપને સમય છે"
"હા હા કેમ નૈ, તું બેસીને વાત કર" તેમ બોલી મેનેજરે ખુરશી તરફ ઈશારો કર્યો.
"સર, હું ખાડિયા રમણિકનાઇની પોળમાં આવેલ, રઘુમાળીના ખાંચામાં ભાડાના મકાનમાં જન્મ્યો ને મોટો થયો, હાલ પણ ત્યાંજ રહેવાનું, અમે બે ભાઈ બેન છીએ, મમ્મી છે જે મારીસાથે છે. બેનના લગ્ન થઈ ગયા છે. પપ્પા ગઈસાલ ગુજરી ગયા. હું લગભગ સાતમા ધોરણમાં હતો ત્યારે મારી પોળના મારી ઉંમરના મારી સાથે ભણતા ને રમતા મિત્રો રિલિફરોડ પર આવેલી" ક્રિષ્ના ટોકીઝ" માં પિક્ચર જોવા જતા હતા. મને પણ તેઓએ આગ્રહ કર્યો. મેં મારા પપ્પા પાસે પાંચ રૂપિયા માંગ્યા તે વખતે અપર ક્લાસની ટિકિટનો ભાવ ત્રણ રુપિયા ને પચીસ પૈસા સરકારી કર જુદો . પપ્પા રતનપોળમાં સાડીની દુકાનમાં નોકરી કરતા હતા, ઘર ચાલે તેટલો સામાન્ય પગાર. તેમણે પેહલા ના પાડી દીધી. હું રીસાયોને હઠ પકડી ત્યારે, મને યાદ છે ઘરમાં છાજલી પરથી પિત્તળનો મોટો લોટો ઉતારી પૈસા આપ્યા હતા."
સહેજ અટકી, ઓફીસબોય ટેબલપર મૂકી ગયેલ પાણીનો ગ્લાસ ગટગટાવી નિજાનંદ આગળ બોલ્યો." એના થોડા દિવસ પછી એકવાર સવારે મારા મિત્રો સાથે રમીને ઘરે પરત આવતો હતો ત્યારે મેં જોયું ઘરના બહારના ભાગે આગળ રોડપર પડતી નાહવાની ચોકડીમાં મારા બાપુજી નાહવા બેઠા હતા. તેઓ બહાર હમેશાં બન્ડી પેહરીનેજ સ્નાન કરતા.
સહજ મારું ધ્યાન તેમની પીઠ તરફ જતા હું, ત્યાં ને ત્યાંજ ખોડાય ગયો. તેમની બન્ડીમાં કાંણા પડી ગયા હતા. મને શરમ આવી ગઈ, મારા મિત્રો આ જોસે તો મારી મશ્કરી કરશે તે વિચારે હું મનમાંજ ક્ષોભ અનુભવી રહયો. ને ઘરમાં દોડી ગયો.
મારી બાને મેં અણગમા સાથે બાપુજીની ફરિયાદ કરી. બા સાવ નિર્માલ્ય હસી, પણ.... મને પણ ખબર પડે એટલે મારા બાપુજી એ ના પાડી હોવા છતાં બાએ જે કારણનો પ્રકાશ પાડયો તેણે મને અંદરથી હલાવી નાખ્યો. મારા બાપુજી નો પગાર ઓછો હોઈ તે ખૂબ કરક્સરથી જીવતા, તેમની બંડી ફાટું ફાટું થતી હોઈ થોડા દિવસ પહેલાં બાએ મીઠો ઠપકો આપી નવી બંડી ખરીદવા આગ્રહ કર્યો હતો. જે ખરીદવા જવાના હતાજ પણ તે પેહલા મેં પિક્ચર જોવા પકડેલી હઠને કારણે તેમણે બચાવેલા પૈસા મને આપી દીધા હતા.
આ ઘટનાથી મારું હદય હલબલિ ઉઠયું મને મારા બાપુજી પર ખુબજ લાગણી થઈ આવી. મેં મક્કમ નિર્ધાર કર્યો કે હવે હું બાપુજી પાસે ક્યારે પણ કોઇપણ બાબતની હઠ નહીં કરું. અને સારું ભણીસ. મને પહેલેથી જ મિકેનિક્સ માં રસ હોઈ મેં બાપુજીને મદદ કરવાના આશયથી એસ. એસ. સી. પછી આઇ. ટી. આઈ. માં એડમિશન લીધું. ખુબ મહેનત કરી સારા માર્ક્સથી પાસ થયો. ને તેજ અરસામાં આ ફેક્ટરી શરૂ થતાં ને મિકેનિક્સની જરૂરિયાત હોઈ અહીં નોકરી લાગ્યો. મારા બાપુજીને આરામ કરવાનું કહ્યું પણ તેમણે નોકરી ચાલુ રાખી, મારાથી તેમને ખૂબ સંતોષ મળ્યા નો આનંદ હતો, મેં તેમના જીવનમાંથી સાદગી અપનાવી છે ને કરકસરથી જીવું છું. ગઈ સાલ બાપુજી સાઇકલ લઇ નોકરી જતા હતા ને રસ્તામાં ચક્કર આવતા પડી ગયા ને હોસ્પિટલ પહોંચતા પેહલા જ ગુજરી ગયા. તે દિવસથી હું રોજ સવારે તેમની જૂની બંડી જે ઘરમાં હેંગરમાં લટકાવી છે તેને પગે લાગી ને ફેક્ટરી આવું છું. "
ફરી સ્હેજ અટકી ઊંડો શ્વાસ લઇ નિજાનંદ આગળ બોલ્યો," ગઈકાલે મારા બાપુજીની વરસી હતી એટલે તેમને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા મેં મારી સાચવી રાખેલી છિદ્રો વાળી બંડી પેહરી હતી. "
મેનેજર તો આંખો ફાડી જોતો જ રહ્યો.....તે કઇંક વિચારે અને બોલે તે પેહલા નિજાનંદ કેબિન છોડી ચાલ્યો ગયો.....

*********************************

શેઠ છેલ્લા બે દિવસથી ટેન્શનમાં હતા. ફેક્ટરીની મસિનરીમાં ખામી સર્જાતા પ્રોડક્શન બે દિવસ થી બંધ હતું. નિજાનંદની બા હોસ્પિટલમાં દાખલ હોઈ તે ત્રણ દિવસ થી રજા પર હતો. તેના હાથ નીચેના બે આસીસ્ટન્ટ્‌સ દિવસ - રાત ફોલ્ટ શોધવા મહેનત કરી રહ્યા હતા પણ ફોલ્ટ પકડાતો નહતો.
આગળ દિવાળી આવી રહી હતી. ને લેવામાં આવેલા ઓર્ડર પૂરા કરવા જરૂરી હતા નહીંતર ફેક્ટરીની છાપ અને વેચાણ પર વિપરીત અસર પડે તેમ હતી.
શેઠ ખુબ વિચારીને જ્યાંથી મશીનરી ખરીદવામાં આવી હતી ત્યાં નોઈડા ફોન કરવા જતાં હતા,ત્યાંજ કેબિન ખોલી મેનેજર રસિક જૈન અંદર પ્રવેશ્યા ને શેઠ ને જણાવ્યું કે, "સર.. આપણા મુખ્ય મિકેનિક્સ નિજાનંદ વ્યાસના બા માંદા હોઈ તે રજા પર છે, પણ એક માણસ મોકલી સમાચાર મોકલતા તે તાત્કાલીક આવી રહ્યો છે."
બે દિવસ થી મહેનત કરવા છતાં કોઈ પરિણામ પ્રાપ્ત ના થવાથી નિરાશ થયેલા શેઠ બોલ્યા, "તમને લાગે છે મશીન રીપેર થાય?"
મેનેજર કોન્ફિડસથી બોલ્યા, "શેઠ... નિજાનંદ માસ્ટર સ્ટ્રોક છે. તેની હાજરી થી જ મશીન ચાલુ થઈ જસે. "
આ વાત ચાલતી હતી ત્યાંજ ઓફીસ - બોય અંદર આવી નિજાનંદ આવી ગયાના સમાચાર આપી ગયો.
શેઠ ફોન કરું ના કરું ની દ્વિધામાં હતા ત્યાં થોડીવારમાં, નિજાનંદ આવી ગયાના સમાચારથી બહાર દોડી ગયેલા મેનેજર શેઠની કેબિનમાં દાખલ થયા ને હરખભેર બોલી ઉઠ્યા," શેઠજી મશિન ચાલુ થઈ ગયા."
આનંદના અતિરેકમાં ખુરશીમાં અડધા ઉભા થઈ ગયેલા શેઠ બોલી ઉઠ્યા, "શું વાત કરો છો, કઈ રીતે ચાલુ થયું?"
શેઠે તાત્કાલીક નિજાનંદને કેબીન માં બોલાવ્યો ને પૂછ્યું, "શું થયેલું મશીનને?"
નિજાનંદે ખુબજ સહજતાથી કહ્યું, " મશીનમાં કોઈ ખામી નથી, પણ મશીન ચાલુ કરવા જતાં તે ચાલુ ના થતા તેના લક્ષણ પરથી મને ખયાલ આવી ગયો કે જેમ નાક ના હોયતો કોઈ જીવી ના શકે તેમ આ મશીનને સ્મુંથલી ફરવા માટે નો એર - વાલ્વ લોક થઈ ગયો હતો. મેં તેના છિદ્રો ખોલી નાંખતા જ તે ચાલુ થઈ ગયું.
છિદ્ર શબ્દ કાને પડતાં અને છિદ્રની મહત્તા વિશે સાંભળતા જ શેઠ અને મેનેજર એકમેક ને તાકતા રહ્યા...
ને... નિજાનંદ...
હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ તેના બા જેના છેલ્લા શ્વાસ થંભી જાય ને નાકના છિદ્રો બંધ થઈ જાય તે પહેલા તેને મળવા દોડી ગયો..............

***************************


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED