(સ્વગત... પ્રેક્ષકોને.. )
મહાભારત પૂર્ણ થયું છે..મારી ધારણા મુજબ કૌરવકુળનું નામનિશાન નથી રહ્યું..ભીષણ યુદ્ધમાં માત્ર અગિયાર લોકો જીવતા બચ્યા છે...તમારી સામે ઉભેલો યુયુત્સુ એમાંનો એક છે... મારા આ હાથે જ મારા એકસો બાંધવોના અગ્નિસંસ્કાર થયા છે...એક વ્યક્તિ... માત્ર એક- દુર્યોધનના ઘમંડ, ઈર્ષ્યા અને દ્વેષ એ આખા કુરુવંશનો ભોગ લીધો છે.
બસ હવે તો કળિયુગનો પ્રારંભ ડોકાઈ રહ્યો છે, યાદવાસ્થળીમાં શ્રીકૃષ્ણએ દેહોત્સર્ગ કર્યો છે, કહે છે કે વ્યથિત પાંડવો- દ્રૌપદી સમેત હિમાલયગમન કરવાના છે.
૦૦૦
(દુર્યોધનને...)
હું આપને પુન: પુન: વિનવું છું ,ભ્રાતા દુર્યોધન ! આ વિસંવાદને રોકો, કુરુક્ષેત્રના મેદાનમાં થનાર ભયાવહ સંગ્રામ અને સમગ્ર કુરુવંશનુ નિકંદન હું સ્પષ્ટપણે નિહાળી રહ્યો છું.
આ વિભિષિકાને રોકો વડીલબંધુ, કુટુંબપ્રેમ અને ભ્રાતૃભાવના સામે આપના અહંકારને પડતો મુકો એવી મારી એક કૌરવ તરીકે- એક હિતેચ્છુ તરીકે આપ સમક્ષ નતમસ્તક યાચના છે.
હું જાણું છું કે,મારી આ યાચના આપના કર્ણપટ્ટ પર અથડાઈને વાંઝણી પૂરવાર થવાની છે પણ મારી શિરાઓમાં વહેતું પિતા ધૃતરાષ્ટ્રનું રક્ત મને પોકારી-પોકારીને આ વિનાશ રોકવા પ્રેરી રહ્યું છે.
૦૦૦
(સ્વગત... પ્રેક્ષકોને.. )
હું યુયુત્સુ! નિ:સંતાનપણાનાં અભિશાપથી બચવા અને માતા ગાંધારીની એકસો પુત્રોને જન્મ આપવાની એષણાને મહર્ષિ વ્યાસના આશિષ હોવા છતાં,જ્યારે સંતાનપ્રાપ્તિમાં વિલંબ થયો ત્યારે પિતા ધૃતરાષ્ટ્રના સંસર્ગમાં આવેલી વૈશ્ય દાસી- સુગધાનો હું પુત્ર ! એક તરફ માતા ગાંધારીએ રાજમહેલમાં દુર્યોધનને જન્મ આપ્યો ત્યાર પછીની ક્ષણે દાસી સુગધાની કુખે જન્મેલો હું યુયુત્સુ –કૌરવો પૈકી દુર્યોધનનો અનુજ અને અન્ય તમામ નવ્વાણું કૌરવોનો વરિષ્ઠ બંધુ- બહેન દુ:શલા સહિત એકસો બે કુરુ સંતાનો પૈકીનું હું બીજા ક્રમનું સંતાન !
જાણું છું -હું જાણું છું કે દુર્યોધન એટલે જ અજીત –જેને જીતવો દુષ્કર છે એવો યોદ્ધો –પરંતુ તમે એટલું યાદ રાખજો બંધુ કે વિજય હંમેશાં સત્યના પક્ષે હોય છે-... सत्यमेव जयते...
૦૦૦
(દુર્યોધનને...)
યાદ છે વડીલબંધુ... નાનપણથીજ આપ પાંડવોનો દ્વેષ કરતા રહ્યા છો, એમની સફળતાઓ, એમની સિદ્ધિઓ,એમની કિર્તિથી એક ભાઈ તરીકે ખુશ થવાને બદલે હંમેશા એમને હરાવવા મથતા રહ્યા છો. ગુરૂકુળમાંથી સ્નાન અર્થે ગયેલા ત્યારે ભીમસેનને વિષ આપીને નદીમાં ડુબાડવાનો આપનો કારસો દૈવયોગે નિષ્ફળ નિવડેલો, લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા અગ્નિદાહ આપવાનું આપનું ષડયંત્ર પણ અફળ રહ્યું . સ્વયંવરમાં પાંડવો એ દ્રૌપદીને પ્રાપ્ત કરી એનાથી તો આપના કાળજે જાણે કે શારડી ફરી ચૂકી હતી, દ્યુતસભામાં કપટી મામા શકુનીનો સાથ લઈને દ્રૌપદી સહિતની તમામ સંપત્તિ છીનવી લીધી, કુળવધુને ભરી સભામાં નિર્વસ્ત્ર કરવાની કુચેષ્ટા કરી, બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષનો અગ્નાતવાસ આપ્યાનો પાશવી આનંદ લીધા પછી પણ તમને સંતોષ ના થયો એટલે ગુપ્તવાસમાં રહેલા પાંડવોને પરેશાન કરવામાં તમે કોઈ કમી નથી રાખી ભ્રાતા દુર્યોધન ! હવે તો વિરામ આપો તમારી આ ઇર્ષાવૃત્તિને !
૦૦૦
(સ્વગત... પ્રેક્ષકોને.. )
એકી સાથે ૬૦ હજાર યોદ્ધાઓ સાથે લડવાની ક્ષમતા ધરાવતો ’અતિરથી’ હું યુયુત્સુ ! ઈતિહાસને મારી નોંધ જે રીતે લેવી હોય તે રીતે ભલે લે - મને એની કોઈ પરવા નથી,પણ હું જાણું છું કે મેં ભ્રાતૃદ્રોહ નથી કર્યો, કૌરવકુળનો હોવા છતાં કુરુક્ષેત્રમાં પાંડવપક્ષે યુદ્ધ કરી ને મેં કોઈ અપરાધ નથી કર્યો કારણકે, આ તો ધર્મયુદ્ધ હતું. યુદ્ધ રોકવાના તમામ પ્રયાસો વિફળ ગયા, વિષ્ટિકાર તરીકે આવેલા ખુદ શ્રી કૃષ્ણની માત્ર પાંચ ગામ આપવાની વાતને પણ ઘમંડભેર જ્યારે “પાંચગામ તો શું ? સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું!” એમ કહીને ઠુકરાવી દેવામાં આવી ત્યારે જ શતમુખ વિનિપાતનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.
ભર સભા માં જ્યારે એવી ઘોષણા થઈ કે, હવે યુદ્ધનો કોઈ વિકલ્પ નથી અને આ ધર્મયુદ્ધમાં જે કોઈ ને જે પક્ષે જોડાવું હોય તે જોડાઈ શકે છે, ત્યારે એક માત્ર કૌરવ-આ યુયુત્સુએ - સભા સમક્ષ પાંડવોના પક્ષે રહેવાનું જાહેર કર્યું હતું.
૦૦૦
(યુધિષ્ઠીરને.. )
આપની આગ્ના શિરોમાન્ય ભ્રાતા ! આપ સુખેથી સિધાવો. હસ્તિનાપુરનું આ રાજ્ય અર્જુનસૂત પરિક્ષિતને સોંપીને આપ નિષ્ફિકર મોક્ષના માર્ગે સંચરો, કિશોર પરિક્ષિત ઉચિત ક્ષમતા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી હસ્તિનાપુરની ધુરા સંભાળવાનું હું સ્વિકારૂં છું બંધુ...આપનો માર્ગ શુભ બની રહો............ शिवास्ते सन्तु पंथान:
૦૦૦