અર્ધ અસત્ય. - 54 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 54

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫૪

પ્રવીણ પીઠડીયા

“શું આ રાજગઢ સાથે અન્યાય નથી?” આ શબ્દોએ વૈદેહીસિંહને ખળભળાવી નાખ્યાં. એક યુવાન અચાનક ક્યાંકથી આવી ચડયો હતો અને તેમને મમતાનાં વહાલમાં ભિંજવી રહ્યો હતો. તેમણે આજીવન ભોગવેલી ગ્લાનીમાંથી બહાર નીકળવાનો રસ્તો ચીંધી રહ્યો હતો. વૈદેહીસિંહ એકાએક ભાવુક બની ગયા. ગર્વથી ઉંચું રહેનારું તેમનું મસ્તક એકાએક નીચે ઝૂકયું હતું અને આંખોમાંથી આશ્રૂઓની ધારા વહેવા લાગી. આજે વર્ષોનાં અંતરાળ બાદ તેમની આંખો છલકાઇ હતી. આજ સુધી તેમણે પોતાની લાગણીઓ, પોતાની ઇચ્છાઓ, પોતાનું જીવન… બધું એક સંકુચીત કોચલામાં બંધ કરી રાખ્યું હતું. સંયમનો એ બાંધ એકાએક તૂટયો હતો અને ચોધાર આંસુઓ તેમના જાજરમાન ચહેરાને પખાળી રહ્યાં હતા. અભયે તેમને અટકાવ્યાં નહી. તે જાણતો હતો કે વર્ષોથી વૈદેહીસિંહના હદય ઉપર જે ડર, ખૌફ, આત્મગ્લાનીનું આવરણ ચઢેલું હતું એ આંસુઓની સાથે ધીરે-ધીરે પીઘળી રહ્યું છે. તે ઘણીવાર સુધી ખામોશ બેઠો રહ્યો. વૈદેહીસિંહના ડૂસકાઓ ઓછાં થયા ત્યારે ઉભા થઇને ત્યાં ટિપોઈ ઉપર પડેલા જગમાંથી પાણી ભરીને તેમને આપ્યું. વૈદેહીસિંહે અભયનાં હાથમાંથી ગ્લાસ લીધો અને એક જ ઘૂંટડે ખાલી કરી નાખ્યો. પછી કંઇપણ બોલ્યાં વગર તેઓ અંદર ચાલ્યાં ગયા હતા. થોડીવાર બાદ પાછાં ફર્યા ત્યારે મોઢું ધોઇને વ્યવસ્થિત થઇને આવ્યાં હતા. હવે તેઓ સ્વસ્થ લાગતાં હતા. તેઓ અભયની સામે બેઠા. તેમના ચહેરા ઉપર મક્કમતા નજરે ચડતી હતી.

“અભય… તેં પહેલીવાર આ હવેલીમાં કદમ મૂકયો ત્યારે જ મને આવનારાં સમયનાં એંધાણ વર્તાઇ ચૂકયાં હતા. એ સમયે હું ખરેખર નહોતી ઈચ્છતી કે કોઈ વ્યક્તિ રાજગઢના ભૂતકાળને ખોતરે. અનંતે મને પૂછયાં વગર જ તેને મારાં બાપું, એટલે કે પૃથ્વીસિંહને શોધવાનું કામ સોંપ્યું હતું. મને એ ખબર આ દેવાએ પહોંચાડી હતી અને હું થડકી ઉઠી હતી. એક રહસ્ય, જે વર્ષોથી રાજગઢની જમીનમાં દફન છે એ રહસ્યને ઉજાગર કરવાનાં તાર તેં છેડવાની ગુસ્તાખી કરી હતી. મને ડર હતો કે એ રહસ્ય ઉકેલવા જતાં ક્યાંક તું ખુદ એક રહસ્ય બનીને ન રહી જાય. કારણ કે રાજગઢ અને રહસ્યને બહું જૂનો સંબંધ છે. તું આ કેસ છોડીને અહીથી જતો રહે એ માટે મેં તને ડરાવવાનાં… વારવાનાં ઘણાં પ્રયત્નો કર્યાં હતા.પણ તું જબરો હઠિલો માણસ નીકળ્યો. મારાં લાખ પ્રયત્નો છતાં તું અટકયો નહી એટલે મારે દેવાને તારી પાછળ લગાવવો પડયો. આ દેવાની પણ અજીબ કહાની છે. એ પણ હું તને કહીશ.” વૈદેહીસિંહ એકધારું બોલતા રહ્યાં. “આ દુનિયા પણ અજીબ છે અભય. અહી કોણ, ક્યારે, શું કરે એ કહેવું, સમજવું અઘરૂં છે. સારા અને અંગત લાગતાં લોકો જ જ્યારે તમારી ઉપર વ્રજ્રાઘાત કરે ત્યારે તમે ધરબાઇ જાઓ છો. મારી સાથે પણ એવું જ બન્યું હતું અભય.”

“મારે એ જ જાણવું છે બા, કે એક સમયે જે રાજગઢનો સૂર્ય ધોમ-ધખતો હતો એ જ રાજગઢમાં કેમ આજે આટલી બધી મનહૂસિયત છવાયેલી છે?” અભયે પૂછયું. પરંતુ પછી તેના ખુદનાં મનમાં સવાલ ઉદભવ્યો કે શું તે આ પ્રશ્નનો જવાબ નથી જાણતો? કબિલાના મૂખિયાએ કહેલી કહાનીમાં આ પ્રશ્નનો જવાબ ઓલરેડી તેને મળી જ ચૂકયો હતો. સાત-સાત કોડિલી કન્યાઓનો શ્રાપ રાજગઢની ધરતી ઉપર ઉતર્યો હતો. અચાનક તેને મૂખિયાએ કહેલી વાતો યાદ આવી ગઇ અને તેનું શરીર ધ્રૂજી ઉઠયું.

“તું ઘણું બધું જાણે છે અભય તો પછી આ સવાલનો કોઇ અર્થ ખરો?”

“હું જાણું છું એમાં હજું ઘણી કડીઓ ખૂટે છે. આ બધું કોણે કર્યું છે એ તો મને ખ્યાલ આવી ગયો છે પરંતુ શું કામ કર્યું એ જાણવું જરૂરી છે. કોઇપણ ગુનાહમાં તેનો મોટિવ બહું મહત્વનો હોય છે મોટિવ વગર પરિણામને સમજી શકાતું નથી. મારે આ ઘટના પાછળનો મોટિવ… ઉદ્દેશ્ય જાણવો છે. અને એ તમે મને જણાવશો.” અભય બોલ્યો. વૈદેહીસિંહે એક નિસાસો નાંખ્યો.

“મને લાગે છે કે હવે ઠાકોર પરિવારનો અસ્તાચળનો સમય આવી પહોંચ્યો છે. પણ ખેર, સત્ય ક્યારેક તો બહાર આવવાનું જ હતું. એ સમય કદાચ આજે આવ્યો હશે.”

“બા, માફ કરશો પરંતુ તમારાં ઠાકોર પરિવારનાં લોકોએ જે હેવાનિયત આચરી છે એ જોતા તો ઘણાં વર્ષો પહેલા તમારા બધાનું ધનોત-પનોત નીકળી જવું જોઇતું હતું. પણ છોડો એ બધી વાતો… અત્યારે એવો અફસોસ જતાવાનો સમય નથી મારી પાસે. તમે મૂળ મુદ્દાની વાત ઉપર આવો. આ કહાની ક્યાંથી શરૂ થઇ હતી એ જણાવો.” સવાર પડવાને મુશ્કેલીથી બે કલાકની વાર હતી. તે સવાર પહેલા જ આ કેસને ખતમ કરી નાંખવા માંગતો હતો. અનંત ક્યાં હોઇ શકે એનો અંદાજ તેને આવી ગયો હતો પરંતુ એમ સીધો જ ત્યાં જઇ શકે તેમ નહોતો. એનાથી વાત બગડી જવાની બીક હતી. તમામ સત્ય જાણી લીધા બાદ જ તે હલ્લો કરવા માંગતો હતો. દેવાને તેની સાથે જોઇને જેમ વૈદેહીસિંહ ઢીલા પડી ગયા હતા એવી જ રીતે હવે તે વૈદેહીસિંહનો ઉપયોગ કરવા માંગતો હતો જેથી એ વ્યક્તિને બચવાનો કોઇ મોકો ન મળે. તેણે ધ્યાનથી વૈદેહીસિંહના ચહેરા ઉપર નજરો ખૂપાવી.

“હું જે કહીશ એમાની ધણી હકીકતો તો તું જાણી આવ્યો છે. છતાં સાંભળ…” વૈદેહીસિંહ એકાએક ગંભીર બની ગયા. અભયે તેના કાન સરવા કર્યા. હવેલીનાં દિવાનખંડમાં એકદમ ઘટ્ટ શાંતીનો માહોલ છવાયો. વૈદેહીસિંહ શૂન્યાવકાશમાં પહોંચી ગયા હતા અને તેમની નજરો દિવાનખંડની દિવાલે ઝગતી ટ્યૂબલાઇટ ઉપર સ્થિર થઇ.

“વિષ્ણુંસિંહ, મારો ભાઇ. જો એ અમારાં ખાનદાનમાં પેદા થયો ન હોત તો આજે રાજગઢ રિયાસતની આવી દશા ન હોત. એ એક વ્યક્તિએ અમારાં સમગ્ર પરિવારનું ધનોત-પનોત કાઢી નાખ્યું છે. મને તો પૂરો શક છે કે મારાં પિતા પૃથ્વીસિંહને પણ તેણે જ ગાયબ કર્યાં હશે.”

“ગાયબ કર્યાં હશે મતલબ? તમને નથી ખબર કે પૃથ્વીસિંહજીનું શું થયું? આઇ કાન્ટ બિલિવ. અત્યાર સુધી હું એમ જ માનતો આવ્યો હતો કે એ બાબતે તમે જરૂર કંઇક જાણતાં જ હશો.” અભય ભયંકર આઘાત સાથે બોલ્યો. મતલબ કે એ રહસ્ય હજું વણ-ઉકેલ્યું જ રહેવાનું હતું. વૈદેહીસિંહનાં ચહેરા ઉપર અભયની હેરાનગીથી કોઇ ફરક પડયો નહોતો. તેમની નજરો સામે ભૂતકાળ તરવરવા લાગ્યો હતો.

@@@

“ડેમ ઈટ.” રમણ જોષીએ કારનાં બોનેટ ઉપર ગુસ્સાથી મુક્કો માર્યો. તેની નજરોની સામે રાજગઢ તરફ જતો પુલ પાણીમાં ડૂબેલો હતો. તે રાત્રે જ રાજગઢ જવા નીકળી ચૂકયો હતો પરંતુ ધોધમાર વરસતા વરસાદે વિલન બનીને તેના રસ્તામાં અંતરાય ઉભો કર્યો હતો. નેશનલ હાઇવેથી રાજગઢ તરફ ફંટાતા માર્ગે એક સાંકડી નહેર આવતી હતી. એ નહેર ઉપર પૂલ બંધાયેલો હતો અને અત્યારે એ પૂલ ઉપરથી વરસાદી પાણી વહેતું હતું. પૂલ આખો પાણીમાં ડૂબી ચૂકયો હતો એટલે હવે તેને પાર કરવો લગભગ અસંભવ સમાન હતું. પાણી ઉતરે નહી ત્યાં સુધી રાહ જોવા સીવાય તેનો છૂટકો નહોતો. તેની સાથે રાજસંગ પણ હતો. તે ભરૂચથી તેની જીપ લઇને આવ્યો હતો અને બન્ને અહી ભેગા થઇ ગયા હતા. રમણ જોષી એકદમ બેબાકળો બનીને આમથી તેમ આટાં મારતો હતો અને વારંવાર તેના મોઢામાંથી મોબાઇલ કંપનીની સર્વિસ વિશે બેફામ ગાળો નીકળતી હતી. બંસરીનો કે અભયનો.. બે માંથી એકેયનાં ફોનનું નેટવર્ક મળતું નહોતું.

જો તેઓ વહેલાં રાજગઢ પહોંચી ગયા હોત તો કહાનીમાં એક અલગ જ વળાંક આવ્યો હોત. પરંતુ એવું થયું નહોતું કારણ કે નિયતીએ રાજગઢ માટે કંઇક અલગ જ લખી રાખ્યું હતું.

@@@

“તું નામર્દ છે નામર્દ. એક ઓરતને ખુશ કરવાની તારામાં ત્રેવડ નથી અને હાલી નીકળ્યો છે બાપ બનવા.” કુસુમદેવીએ ત્રાડ નાંખી અને વિષ્ણુંસિંહને પોતાની ઉપરથી હેઠે ધકેલ્યો. વિષ્ણુંસિંહને એ અપમાન હાડોહાડ લાગી આવ્યું. જ્યારથી તેના લગ્ન થયા હતા ત્યારથી આ અપમાન તે દરરોજ રાત્રે સહન કરતો આવ્યો હતો. તેનું માથું ભમી જતું હતું પરંતુ તે લાચાર હતો. કેટલીય કોશિશો છતાં તેને બાળકો પેદા થતા નહોતાં. એ ફિકરમાં જ તેનું ઓજસ હણાતું ગયું હતું અને હવે હાલત એવી થઇ હતી કે તે પોતાની પત્ની, એટલે કે કુસુમદેવીને પણ તે ખુશ કરી શકતો નહોતો. તે પોતાની નાલોશી ચૂપચાપ સહન કરી લેતો હતો કારણ કે જો કમરાની બહાર આ વાત જાય તો તેની જાહેરમાં ફજેતી થયા વગર ન રહે. રાજગઢના લોકોમાં તેનો જે માન-મરતબો હતો એ પળવારમાં નષ્ટ પામે. પણ મનોમન તે જોરદાર ધૂંધવાતો હતો. તેને ખુદ ઉપર જ ભયંકર ગુસ્સો આવતો હતો. ભયંકર ગુસ્સામાં જ ધમધમતો તે ઘરની બહાર નીકળી ગયો અને જીપ લઇને જંગલ તરફ ટહેલવા નીકળી પડયો.

એ સમયે પૃથ્વીસિંહજીની હવેલી પાછળથી તરત ગાઢ જંગલ શરૂ થતું. વિષ્ણુંસિંહે એ જંગલની અંદર જીપ લીધી હતી.

એક ક્ષણ, એક પળ… રાજગઢનું ભવિષ્ય બદલી નાંખવાની હતી. એ સમયે જો વિષ્ણુંસિંહ થોડીવાર માટે રાજગઢમાં જ થોભી ગયા હોત તો એક ભયાનક કિસ્સાની શરૂઆત ન થઇ હોત.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Kamlesh Bar

Kamlesh Bar 1 દિવસ પહેલા

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

Abhilasha

Abhilasha 9 માસ પહેલા

Kiran Vaghasiya

Kiran Vaghasiya 3 વર્ષ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા