અર્ધ અસત્ય. - 53 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 53

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫૩

પ્રવીણ પીઠડીયા

અનંતસિંહ બે દિવસથી ભૂખ્યો અને તરસ્યો એક ભંડકિયા જેવા કમરામાં બંધાયેલી હાલતમાં પડયો હતો. તેને અહી કોણ લાવ્યું અને શું કામ લાવ્યું એ પણ ખબર નહોતી. તેને ફક્ત એટલું જ યાદ હતું કે એકાએક એક અંધકાર તેને ઘેરી વળ્યો હતો અને જ્યારે આંખો ખૂલી ત્યારે આ ભંડકિયામાં તે એક ખુરશી સાથે બંધાયેલો હતો.

તેણે હમણાં જ એક યુવતીને અર્ધ બેહોશીભરી હાલતમાં ભંડાકિયામાં લાવવામાં આવી અને ખુરશી સાથે બાંધવામાં આવી હતી એ જોયું હતું. પણ… અનંત એ યુવતીને ઉંચકીને લાવવાં વાળા શખ્સને જોઇને ચોંકી ગયો હતો. ભયંકર ઉત્તેજનાથી અને આશ્વર્યથી તેનું લોહી એ ક્ષણે જ ઠંડુ પડી ગયું. દુનિયાનું સૌથી ભયાનક રહસ્ય તે ભાળી ગયો હોય એમ સ્તબ્ધતાની ગર્તામાં ધકેલાઇ ગયો.

“ત…તમે… તમે છો આ કાવતરાં પાછળ?” તેનો અવાજ રીતસરનો ધ્રૂજતો હતો. તેણે સાત જન્મારે બેસીને વિચાર્યું હોત તો પણ જે જોઇ રહ્યો હતો એની ઉપર તે વિશ્વાસ ન કરી શક્યો હોત. તેના મનમાં ભયાનક વંટોળ ઉઠયો હતો અને હદયમાં બેતહાશા ઉથલ-પાથલ મચી ગઇ હતી. “પણ… શું કામ?” તેણે પૂછયું.

પેલો વ્યક્તિ કંઈ બોલ્યો નહી. તેના હોઠ ફક્ત હલ્યાં અને પછી એકાએક કાતિલ હાસ્ય ઉભર્યું. એક એવું હાસ્ય જે ભલભલાનાં હાજા ગગડાવી નાંખવાં પૂરતું હતું. યુવતીને ત્યાં જ રહેવા દઇને તે અનંતની નજીક આવ્યો. અનંતની ખુરશીની બરાબર પાછળ જ એક ટેબલ પડયું હતું. એ ટેબલ ઉપર ડોકટરોને કામમાં આવે એવો થોડોક સામાન અને ઢગલો ઈન્જેકશનો પડયાં હતા. તેમાથી તેણે એક ઈન્જેકશન ઉઠાવ્યું અને તેની સિરિંજમાં પ્રવાહી ભર્યું. પછી અનંતની હાથની નસમાં એ ઈન્જેકશન ખોસી દીધું અને માથું ઉંચું કરીને અનંત સામું જોઇને ફરીથી હસ્યો. છટપટાઇ ઉઠયો અનંત. તેની લાચાર આંખોમાં હજ્જારો સવાલો ઝબકતાં હતા. અનાયાસે તેના દાંત ભિસાયાં, તેની આંખોમાં પારાવાર ક્રોધ ઉપજવાથી લોહી ધસી આવ્યું હતું. ફાડી ખાતી નજરોથી જ તેણે એ શખ્સને નીરખ્યો. પરંતુ તેની એ છટપટાહટ નિરર્થક નિવડી. થોડીવારમાં જ તે ફરીથી બેહોશ થઇને ઢળી પડયો હતો. એ શખ્સનું કાતિલ હાસ્ય વધું ગહેરાયું અને તેને ત્યાં જ છોડીને કમરાની બહાર નિકળી ગયો.

@@@

આકાશમાં કાળા ડિબાંગ વાદળોનાં ધાડેધાડાં ઉમટવા લાગ્યાં હતા અને થોડીજ વારમાં ભયંકર કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો. ખબર નહી અભય કેટલો સમય બુલેટની સીટ ઉપર એમ જ ઢળીને પડયો રહ્યો હતો. અચાનક તેની ઉપર વરસાદનું પાણી વરસવા લાગ્યું એટલે ઝબકીને તે જાગ્યો હતો. “ઓહ ગોડ” તે થડકી ઉઠયો. સખત થાકને કારણે તે ક્યારે સૂઇ ગયો હતો એની પણ ખબર રહી નહોતી. તેણે સમય જોયો. સવારનાં સાડા ત્રણ થયાં હતા. મતલબ કે તે વધુ સમય સૂતો નહોતો. ખરેખર તો આ સમયે તેણે રાજગઢમાં હોવું જોઇતું હતું. તેની જગ્યાએ તે હજું જંગલમાં જ પડયો હતો એની શરમ ઉપજી તેને. દેવો તેના પગ નજીક જ પડયો હતો. વરસતાં પાણીનું ખાબોચીયું તેની આસપાસ ભરાવા લાગ્યું હતું અને પાણીનો સ્પર્શ થતા તે થોડો સળવળ્યો હોય એવું લાગ્યું. તરત તેણે બુલેટ શરૂ કર્યું અને તેની હેડલાઈટનો પ્રકાશ દેવા ઉપર આવે એમ ગોઠવીને તે તેની પાસે ગોઠણભેર બેઠો અને તેનો ચહેરો થપથપાવીને ભાનમાં લાવવાની કોશિશ કરી. જો એ ભાનમાં આવે તો તેને રાજગઢ પહોંચાડવો આસાન થઇ પડે એવો એક ખ્યાલ અભયના મનમાં ઉદભવ્યો હતો.

“દેવા… ઓ.. દેવા…” લગભગ હડબડાવતો જ હોય એમ તેના ખભા પકડીને તેને ઝકઝોર્યો અને પછી ચહેરો થપથપાવ્યો. દેવાની બંધ આંખો હેઠળ થોડોક સળવળાટ ઉદભવ્યો. ઉપરથી વરસતું પાણી સીધું જ તેના નાકમાં, મોઢામાં જતું હતું. એનાથી તેની બેહોશી તૂટી અને તેણે આંખો ખોલી હતી. પછી અચાનક કોઇ ભૂતની જેમ તે બેઠો થઇ ગયો હતો. બુલેટની હેડલાઇટનો પ્રકાશ સીધો જ તેના મોઢા ઉપર પથરાતો હતો. એનાથી તેની આંખોમાં ખલેલ પહોંચતી હતી. તેણે પ્રકાશ આડો હાથ ધર્યો અને સમજવાની કોશિશ કરી કે તે ક્યાં છે! પણ તે ભાનમાં આવ્યો એ જ મોટી વાત હતી.

અભય હવે અહી વધું રોકાવા માંગતો નહોતો. તેણે લગભગ તંન્દ્રામાં જ વિહરતાં દેવાને ઉભો કર્યો હતો અને બુલેટ શરૂ કરીને તેને પોતાની પાછળ બેસાડયો હતો. પછી તેના બન્ને હાથ પકડીને પોતાના શરીર ફરતાં વિંટયા હતા. એ હાલતમાં જ તેણે બુલેટને રાજગઢ ભણી ભગાવી મૂકયું.

ઘોર અંધકાર અને બેતહાશા ખાબકતાં ધોધમાર વરસાદના પાણીને ચીરતો બુલેટની હેડલાઈટનો તિખો પ્રકાશ જંગલની ઉબડ-ખાબડ ધરતી ઉપર પથરાઇને આગળ વધતો ગયો. તેઓ પૃથ્વીસિંહજીની હવેલી નજીક પહોંચ્યાં ત્યારે અભયે બુલેટને ઘડીભર માટે હવેલીના જર્જરિત દરવાજા આગળ થોભાવ્યું. ભેંકાર અંધકાર ઓઢીને ઉભેલી હવેલી તરફ અભયે એક નજર નાંખી. વારેવારે ચમકતી વિજળીના પ્રકાશમાં નહાઇ ઉઠતી હવેલી જાણે પોતાના અંતની પ્રતિક્ષામાં ઉભી હોય એવું જણાતું હતું. દસકાઓથી આ તરફ કોઇ આવ્યું જ નહી હોય. તદ્દન તરછોડાયેલી હાલતમાં ઉભેલી હવેલીને હવે જાતે જ અસ્ત થવાનો અભરખો જાગ્યો હોય એમ તેના ઉંચા કાંગરાઓ એક પછી એક ધ્વસ્ત થઇ ચૂકયાં હતા. પરંતુ હજું તેની દિવાલો અને ગુંબજો સલામત હતા કારણ કે કશુંક એવું હતું જેનો તેને ઈંતજાર હતો.

અભય અપલક નજરે હવેલીને જોઇ રહ્યો. કોની રાહ જોતા હશે આ ગુંબજો? કેમ હવેલીની દિવાલો ઢગલો થઇને પડી નથી ગઇ? શું કામ હવેલી જમીનદોસ્ત થઇને રાજગઢની ધૂળમાં નથી મળી જતી? એવું કયું પરીબળ છે જે આટલાં વર્ષોનાં અંતરાળ બાદ પણ હવેલીને અડીખમ ઉભી રાખી રહ્યું હતું? કદાચ… તેને પણ સત્ય જાણવું હતું. કદાચ તેને પણ પૃથ્વીસિંહજીનું શું થયું હતું એ રહસ્ય ઉજાગર થવાની ઈંતેજારી હતી. પોતાનો માલિક, રાજગઢનો રાજવી, એકાએક ક્યાં ગાયબ થઇ ગયો હતો એ ગુત્થી ઉકેલવી હતી. અભયથી અનાયાસે એક નિસાસો નંખાઇ ગયો. એ રહસ્ય તે જાણતો હતો, છતાં… તે નહોતો જાણતો. જે ઘટતું હતું એ જાણવાં જ તે જઇ રહ્યો હતો. આજે આ મામલાને તેના અંજામ સુધી તે પહોંચાડીને જ જંપવાનો હતો.

@@@

“ઠક..ઠક..ઠક..” વૈદેહીસિંહની હવેલીનો વિશાળ અને ભારેખમ દરવાજો અભયે ખખડાવ્યો. દેવો તેની સાથે જ હતો. હમણાં જ તેઓ આવ્યાં હતા. તે બન્ને સંપૂર્ણપણે ભિંજાયેલા હતા અને તેમના કપડા પાણીથી લથપથ હતા. હવેલીની અંદર દૂર સુધી એ ઠક-ઠક નો અવાજ પડધાયો હતો અને થોડીવારમાં કોઇકનાં પગલાં દરવાજા નજીક આવતાં સંભળાયા હતા. જાણે તેમની જ રાહ જોવાઇ રહી હોય એવી ઉતાવળ એ પગલાઓમાં હતી. એ ખુદ વૈદેહીસિંહ જ હતા. તેમને આ ક્ષણની જ રાહ હતી. સવારે તેમણે અભયને જંગલ તરફ જતાં જોયો ત્યારનો આ ક્ષણનો જ તેઓ ઈંતજાર કરતાં હતા. તેમની આંખોમાં ક્રોધનો જ્વાળામૂખી ધધકતો હતો. કોઇ ઘાયલ નાગણની જેમ તેઓ ભયંકર કોપાયમાન થયા હતા અને જાણે આજે જ તેઓ સમસ્ત રાજગઢને વિધ્વંશ કરી નાંખવાનાં હોય એમ તેમનું શરીર થરથર ધ્રૂજતું હતું. એક ઝટકા સાથે તેમણે હવેલીનો દરવાજો ખોલી નાંખ્યો અને આગ ઝરતી નજરોથી અભયની સામું જોયું. બરાબર એ સમયે જ બહાર આકાશમાં વિજળી કડકી હતી જેનો તેજ પ્રકાશ વૈદેહીસિંહનાં ચહેરા ઉપર પડયો. અભય વૈદેહીસિંહનું વિકરાળ સ્વરૂપ જોઇને સહમી ગયો.

“શું કામ આવ્યો છે અહી?” તેમણે ત્રાડ નાંખી અને અભય તરફ બે ડગલાં આગળ વધ્યાં. અચાનક તેમની નજર અભયની બાજુમાં ઉભેલા દેવા ઉપર પડી. દેવાને તેની સાથે આવેલો જોઇને જાણે જબરજસ્ત કરંટનો ઝટકો લાગ્યો હોય એમ એકાએક તેઓ ઠરી ગયા અને આગળ વધેલાં તેમના કદમ આપોઆપ પાછળ ધકેલાયા.

“કેમ, શું થયું? તમારાં માણસને મારી સાથે જોઇને ઝટકો લોગ્યો? કે પછી તેને અહી જોવાની આશા નહોતી તમને?” અભયે હવેલીની અંદર પગ મૂકતાં ધારદાર અવાજે પૂછયું.

“એ..એ… મારો માણસ….” વૈદેહીસિંહ પાછાં પગલે ચાલતાં દિવાનખંડ સુધી આવ્યાં. તેમનો ક્રોધ એકાએક બાષ્પિભવન થઇ ગયો હતો.

“થોથવાઓ છો કેમ બા સાહેબ, આ દેવાને તો તમે ઓળખતાં જ હશો ને? અરે તમે જ તો તેને મારી પાછળ મોકલ્યો હતો. યાદ આવે છે કંઇ?” અભયનાં અવાજમાં ધાર હતી. તે વૈદેહીસિંહનો ઉપહાસ કરતો હોય એવા શ્વરમાં બોલ્યો હતો.

“હાં, યાદ છે મને કે મેં શું કર્યું હતું! પણ તું કોણ છો મને પૂછવાં વાળો? તને ખબર નથી કે અત્યારે તું કોની સાથે વાત કરી રહ્યો છે? મારાં એક ઈશારે તારું નામો-નિશાન આ દુનિયામાંથી ગાયબ થઇ જશે.” ફરી પાછા વૈદેહીસિંહ ગર્જી ઉઠયાં. અભયને એ જ તો જોઇતું હતું. સત્ય જાણવા માટે સામેવાળા વ્યક્તિને ઉશ્કેરવો એ બહું જૂની ટ્રિક હતી.

“અચ્છાં!” અભયના અવાજમાં ભારોભાર વ્યંગ છૂપાયેલો હતો. “કેટલાં લોકોને ગાયબ કરશો તમે બા! અને તમને શું લાગે છે, ઈશ્વરનાં દરબારમાં આ કરતૂતોની નોંધ નહી લેવાતી હોય? ચોક્કસ લેવાતી હશે અને તેનો ઈન્સાફ પણ થશે જ. તમારી પાસે અત્યારે સમય છે. તમે ચાહો તો દુનિયા સમક્ષ સત્ય સ્વિકારી શકો છો.”

“હાહાહા…” એકાએક વૈદેહીસિંહ ઠહાકાભેર હસી પડયાં. “સત્ય, કેવું સત્ય? તું જાણે છે એ સત્ય કે હું જાણું છું એ સત્ય? તને ખબર જ શું છે છોકરાં કે તું મને જાણવાં નિકળી પડયો છે! જા, પહેલાં રાજગઢની હવાઓમાં ફફડતી હકીકતોનું સરનામું જાણી આવ. એ પછી આવજે મારી પાસે. હું જણાવીશ તને કે સત્ય શું છે.” વૈદેહીસિંહ એકાએક કોઇ અજબ ટ્રાન્સમાં આવીને ગયાં હતા.

“રાજગઢની હવાઓમાં ઘૂમરાતાં રહસ્યે જ તો મને તમારી પાસે આવવા મજબૂર કર્યો છે બા. મને વિશ્વાસ છે કે એ હકીકતોનું સરનામું તમે ચોક્કસ જાણો છો. મારે એ જ તો જાણવું છે.” અભય એકાએક નરમ પડી ગયો. તેના અવાજમાં પોતાની સગ્ગી માં ને જોઇને એક દિકરાનાં હદયમાં જેવી લાગણીઓ ઉમટે એવી જ લાગણીઓ છવાઇ હતી. તેણે દેવાને એક સોફામાં નાંખ્યો અને પછી વૈદેહીસિંહ તરફ હળવા પગલે આગળ વધ્યો. તેમની સાવ નજીક પહોંચીને તેણે પહેલાં તેમની આંખોમાં ઝાંકયું અને પછી પોતાના હાથ લંબાવીને તેમના હાથ પોતાના હાથમાં લીધા. વૈદેહીસિંહ સન્નાટામાં આવી ગયા. આજ પહેલાં ક્યારેય કોઇ પુરુષનો સ્પર્શ તેમને થયો નહોતો. તેમનું શરીર આપોઆપ થોડું સંકોરાયું અને પોતાની નજરો ઉઠાવીને તેમણે અભયનાં ચહેરા સામું જોયું. નહીં, એ નજરોમાં હવસનાં બદલે સ્નેહ છલકાતો હતો અને હાથોનાં સ્પર્શમાં અપાર હેત ઉભરાતું હતું.

“ક્યાં સુધી આ ભાર વેંઢાર્યે રાખશો બા? હવે બસ, બહું દુઃખ ભોગવી લીધું તમે. અત્યારે સમય આવ્યો છે જ્યારે તમે સચ્ચાઇ જણાવી શકો છો. અને એમાં જ બધાની ભલાઇ છે. રાજગઢને તમારાં મૌને તબાહ કરી નાંખ્યું છે, શું એ તમને નથી દેખાતું? શું આ રાજગઢ સાથે અન્યાય નથી?” અભયની નાભીમાંથી એ શબ્દો સર્યા હતા.

વૈદેહીસિંહ અવાક બનીને ક્યાંય સુધી અભયને તાકતાં રહ્યાં.

(ક્રમશઃ)