જંતર-મંતર - 3 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જંતર-મંતર - 3

જંતર-મંતર

( પ્રકરણ : ત્રણ )

બીજા દિવસની સવારે વાસંતીએ જ્યારે એને જગાડી ત્યારે રીમા ખૂબ ફિક્કી અને નબળી લાગતી હતી. એના ચહેરા ઉપર પીળાશ દેખાતી હતી.

રીમાના કમરામાં જઈને પલંગ ઉપર બેઠક જમાવતાં વાસંતીએ કહ્યું, ‘રીમા, હું આજે ઘરે કાગળ લખું છું. તેમાં તારા વિશે બધી જ વિગત લખવાની છું.’

‘શું લખવાની તું ?’ સહેજ ચોંકીને, સહેજ ગભરાઈને રીમાએ પૂછયું ત્યારે વાસંતીએ ખૂબ ગંભીરતાથી જવાબ વાળ્યો, ‘રીમા, હું લખવાની છું કે તારી તબિયત સારી રહેતી નથી. કોઈક ભૂત-પ્રેતની ઝપટમાં આવી ગઈ છો એવી પણ શંકા...!’ વાસંતી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો વાસંતી એકાએક પલંગ ઉપરથી ઊંચકાઈ-કોઈક મજબૂત હાથોએ એને ઊંચકી હોય, એવો અનુભવ એને થયો. એ કંઈ સમજે કે બોલે એ પહેલાં તો એ જમીન ઉપર પટકાઈ પડી. એને રીતસર જમીન ઉપર પટકવામાં-પછાડવામાં આવી હતી.

વાસંતીની સાથોસાથ રીમા પણ ભયથી ધ્રૂજી ઊઠી.

રીમાના રૂમમાં પલંગ ઉપર બેઠેલી વાસંતી અચાનક જમીન ઉપર પટકાઈ એથી વાસંતી તો ખૂબ જ ડરી ગઈ. પરંતુ રીમાને પણ બીક લાગી.

બીક લાગતાં પહેલાં એને નવાઈ લાગી. એણે જમીન ઉપર પડેલી વાસંતીને ગભરાટથી પૂછયું, ‘અરે વાસંતી, આમ અચાનક તું કેવી રીતે પડી ગઈ ?’ અને પછી તેનો હાથ પકડીને ઊભી કરી.

બેઠો માર લાગ્યો હોવાથી વાસંતી રીમાનો હાથ પકડીને મહાપરાણે ઊભી થઈ શકી.

ફરી પલંગ ઉપર બેસવા જતાં એ ખચકાઈને બોલી, ‘રીમા, જરા ખુરશી અહીં ખેંચી જો ને...મારે પલંગ ઉપર બેસવું નથી.’

વાસંતી પલંગનો ટેકો લઈને ઊભી રહી ત્યારે રીમાએ ખુરશી ખેંચતાં પૂછયું, ‘પણ વાસંતી, ખરેખર થયું શું, એ તો કહે ?’

ખુરશી ઉપર બેસતાં, રૂમમાં ગભરાટભરી નજર ફેરવી લેતાં વાસંતી બોલી, ‘રીમા, મને જાણે કોઈએ ઉપડીને નીચે પછાડી...!’

‘અહીં તો કોઈ નથી...!’ કહેતાં રીમાએ પણ રૂમમાં નજર ફેરવી. રૂમમાં કોઈ દેખાયું નહીં પણ પલંગ ઉપર પડેલા પીળા ફૂલ ઉપર એની નજર પડતાં જ, એને ખ્યાલ આવી ગયો કે, એ બધી જ કરામત રાતવાળા પેલા સાથીદારની જ છે.

‘મને તો જાણે કોઈક પુરુષે, કોઈક મજબૂત પુરુષે ઉઠાવીને ફેંકી હોય એવું લાગે છે...!’ વાસંતીએ રીમાના વિચારમાં ખલેલ પાડતાં ગભરાટભર્યા અવાજે કહ્યું, ‘રીમા, કદાચ આ પેલો રાતવાળો ભૂત જ આ બધી રમત રમી રહ્યો છે...!’

રીમાને લાગ્યું કે વાસંતી ખરું કહી રહી છે. એણે વાસંતી સામે ડોકું ધુણાવ્યું. એની આંખોમાં કોઈક અજાણ્યું દર્દ છલકાઈ આવ્યું. ભલે એ ભૂત કે પ્રેત જે હોય તે એને પરેશાન નહોતો કરતો. દુઃખને બદલે આનંદ આપતો હતો. તેમ છતાંય ગમે તેમ તોય એ અદૃશ્ય આદમી હતો, ભૂત-પિશાચ, ખવીસ, જિન્નાત કે પછી...એવો જ કોઈ ભયંકર શેતાની રાક્ષસ હતો અને એવા ભયંકર શેતાની રાક્ષસના પંજામાં સપડાયેલી કુમળી કળી જેવી યુવાન છોકરી એની યાદ આવતાં જ ધ્રૂજી ઊઠે કે રડી પડે એ સ્વાભાવિક હતું. રીમાની આંખોમાં પણ દર્દ ઊભરાઈ આવ્યું હતું અને આંસુથી આંખો છલકાઈ ઊઠી હતી.

રીમાની આંખોમાં દર્દ સાથે આંસુઓ જોઈને વાસંતીની આંખો પણ છલકાઈ ગઈ. એણે પોતાની આંગળીથી રીમાની ભીની પાંપણો સાફ કરતાં રીમાને સલાહ આપી, ‘રીમા, તું હવે આ રૂમ છોડી દે અને મારા રૂમમાં ચાલી આવ. તારા રૂમમાં ભરાયેલો શેતાન હવે તારો પીછો છોડશે નહીં. એટલે તું રૂમ બદલી નાખે એમાં જ તારી ભલાઈ છે.’

રીમાએ વાસંતીની વાતનો કોઈ જવાબ આપ્યો નહિ. એ વાસંતી સાથે ઘણી બધી વાતો કરીને પોતાનું દુઃખ રડીને, મન હળવું કરવા માગતી હતી. પરંતુ રીમાના ગળે જાણે ડૂમો બાઝી ગયો હતો. કંઈ બોલવાને બદલે એ માત્ર માથું હલાવીને રહી ગઈ.

એ સાંજે રીમા અને વાસંતી પાછી ફરી ત્યારે વાસંતીએ પોતાના રૂમનું તાળું ઉઘાડયું. રીમા આજે વાસંતીના કમરામાં જ સૂઈ રહેવાની હતી. એટલે એ ચૂપચાપ પોતાના રૂમના બારણાને જોતી રહી.

તાળું ખોલીને વાસંતી પોતાના રૂમમાં ઘૂસી ત્યારે રીમા પણ પોતાના રૂમના બારણા ઉપરથી નજર ખેંચીને વાસંતીના રૂમમાં સરકી.

પણ વાસંતીના રૂમમાં પગ મૂકતાં જ અચાનક રીમા ચોંકી. એકાદ પળ માટે એના પગ બારણામાં જ ચોંટી ગયા. આ વાસંતીના રૂમમાં પણ પેલા પીળા-તાજા ખિલેલા ફૂલની ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ પથરાયેલી હતી.

એકાદ પળ માટે રીમાએ મનમાં મૂંઝવણ અનુભવી. શરીરમાંથી ભયની એક હળવી ધ્રુજારી પણ પસાર થઈ ગઈ. પછી મન મજબૂત કરીને રીમા આગળ વધી ગઈ.

ત્યારપછી જાણે કંઈ બન્યું જ નહિ. તેમ છતાંય કયારેક પેલા પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ વાતાવરણમાં પથરાઈ જતી અને પેલી અજાણી શક્તિની યાદ અપાવી જતી.

રાતના લગભગ અગિયાર વાગ્યા સુધી તો બન્ને બહેનપણીઓ વાતો કરતી પથારીમાં પડી રહી. પણ પછી કયારે ઊંઘે પોતાની પકડમાં બેયને જકડી લીધી, એની તો એ બેમાંથી એકેયને ખબર ન પડી.

રાતના બાર ને પાંત્રીસ મિનિટે હંમેશ મુજબ પેલી ગાડી ધમધમાટ કરતી પસાર થઈ ત્યારે વાસંતીની આંખો આદત મુજબ એકાદ પળ માટે ખૂલી ગઈ.

ઊંઘભરી આંખો સહેજ ઊંચી થતાં વાસંતીની નજર આરામથી ઊંઘી રહેલી રીમા ઉપર પડી. એણે મનમાં સંતોષનો દમ લીધો અને પછી ફરીવાર એની આંખો આપોઆપ મીંચાઈ ગઈ.

વાસંતીની આંખો મીંચાયાને હજુ બે પળ માંડ વીતી હશે ત્યારે રીમાની આંખો ઊઘડી. હળવેકથી રીમા પથારીમાં બેઠી થઈ. એની આંખો બારણા તરફ મંડાયેલી હતી. અત્યારે એની પાંપણો પણ ફરકતી નહોતી અને કીકીઓ પણ બિલકુલ સ્થિર હતી. એની આંખો ચમકારા મારી રહી હતી.

રીમા ઊભી થઈ અને કોઈક ચાવી દીધેલા પૂતળાની જેમ ચાલવા લાગી. બારણા પાસે પહોંચીને એણે બારણું ઉઘાડયું અને પછી બારણું ખુલ્લું મૂકીને જ એ હવામાં સરકતી હોય એમ સરકવા લાગી. એ ડગલાં તો ભરતી જ હતી. એના બન્ને પગ આગળ પાછળ થતા હતા, છતાંય અત્યારે એની ચાલ એવી હતી કે જોનારને તો એ સરકતી હોય એમ જ લાગે.

બારણા બહાર નીકળીને, લાંબી પરસાળ ઓળંગીને રીમા પગથિયાં ઊતરી ગઈ.

રાત અંધારી હતી. પેલો ખાંસી ખાંસીને થાકેલો બુઢ્ઢો ચોકીદાર પણ અત્યારે જંપી ગયો હતો.

બહારની લાઈટનું અજવાળું પણ અત્યારે સાવ ફિક્કું લાગતું હતું. અંધકારની સાથે સાથે સન્નાટો પણ છવાયેલો હતો.

અને એવો સન્નાટો ચીરીને રીમા આગળ સરકી રહી હતી. સરકતી-સરકતી રીમા પેલા કાંટા અને ઝાંખરાની વાડ પાસે પહોંચી.

આ એ જ જગ્યા હતી જ્યાંથી એણે પેલું પીળું ફૂલ તોડયું હતું. એ વાડની વચ્ચે પોલાણ હતું અને એ પોલાણમાં થઈને પેલી તરફ જવાતું હતું. રીમા પણ એ પોલાણમાં થઈને પેલી તરફ સરકી ગઈ.

એ જગ્યાએ જમીનમાં નકામું ઘાસ પથરાયેલું હતું. પાછળના ભાગમાં સુકાયેલા અને કાંટાવાળા ઝાડી-ઝાંખરાં હતાં. અહીંયા બિલકુલ અંધારું હતું. બહારથી કોઈ અજવાશ આવતો નહોતો.

રીમા એ ભયંકર જગ્યાએ પહોંચી ત્યારે પેલો અજાણ્યો અને અદૃશ્ય પુરુષ એની વાટ જ જોઈ રહ્યો હતો. રીમા અંદર પહોંચી કે તરત જ એણે રીમાને બાહુપાશમાં જકડીને રીમાના નરમ, મુલાયમ અને ગુલાબી હોઠ ઉપર પોતાના ગરમાગરમ ધગધગતા હોઠ મૂકી દીધા.

રીમાના આખાય શરીરે એક મીઠા આનંદ અને મીઠા રોમાંચનો અનુભવ કર્યો. એ આવેગથી એ પુરુષના શરીર સાથે જકડાઈ ગઈ, એણે પોતાના બેય હાથ એના ગળામાં પરોવી દીધા.

પેલા અદૃશ્ય પુરુષે રીમાના કાન પાસે હળવેકથી પોતાના ગરમ હોઠ મૂકતાં કહ્યું, ‘તું મારાથી શું કામ દૂર ભાગે છે ?’

રીમાએ મદભર્યા અવાજે કહ્યું, ‘હું કયાં તમારાથી દૂર ભાગું છું, હું તમારી પાસે જ છું.’

પેલો અદૃશ્ય પુરુષ હસી પડયો. એના હાસ્યમાં લુચ્ચાઈ વર્તાતી હતી. એ રીમાને પોતાના શરીર સાથે વધુ જકડતાં બોલ્યો, ‘હવે તું મારાથી દૂર નહીં જઈ શકે. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે, તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે સાથે જ આવીશ. આપણને બન્નેને હવે કોઈ અલગ નહીં કરી શકે. જો કોઈ આપણી વચ્ચે આવશે તો હું એને જીવતો નહીં રહેવા દઉં. હું એને સાવ ખતમ કરી નાખીશ.’ એ અજાણ્યો પુરુષ ત્યારપછી બીજું પણ ઘણું બધું બબડયો, પરંતુ રીમાના કાને કંઈ પડયું નહિ. રીમાએ સાંભળવાનો પણ કંઈ પ્રયત્ન કર્યો નહિ. આનંદ, મસ્તી અને રોમાંચથી એની આંખો મીંચાઈ ગઈ હતી. એ કોઈક બીજી દુનિયામાં ખેંચાઈ ચૂકી હતી, જ્યાં ફકત આનંદ જ આનંદ વર્તાતો હતો.

આનંદ અને મસ્તીમાં તણાયેલી રીમા કયારનીય ઘાસ ઉપર લેટી ગઈ હતી. અને એની ઉપર પેલો મજબૂત અદૃશ્ય પુરુષ પથરાઈ ગયો હતો. સમય ઝડપથી સરકી રહ્યો હતો.

રીમા જ્યારે પાછી ફરી ત્યારે એ ખૂબ થાકી ગઈ હતી. એની ચાલમાં હવે ઝડપ નહોતી. એના ચહેરા ઉપર તેજ નહોતું. એની આંખોમાં કોઈ ચમક નહોતી.

પાછી ફરેલી રીમાએ બારણાં બંધ કર્યાં અને ચુપચાપ લેટી ગઈ. સવારે વાસંતીએ એને જગાડતાં જગાડતાં જ પૂછયું, ‘અરે રીમા, જાગ...આ તારાં કપડાં તો જો, કેવાં ચોળાઈને મેલાં થઈ ગયાં છે.’

રીમા આંખો ચોળતી બેઠી થઈ. બેઠા થતાં જ એણે પોતાના કપડાં જોયાં. વાસંતીના કહેવા મુજબ એ કપડાં ખરેખર ચોળાઈ ગયાં હતાં.

રીમાને પણ પોતાનાં કપડાં જોઈને નવાઈ લાગી. પણ પછી તરત જ એને રાતના બનેલી બધી જ વાત યાદ આવી ગઈ. એ વાસંતી સાથે કંઈ વાતચીત કરવાને બદલે ઊભી થઈને નહાવા-ધોવા અને કપડાં બદલવા પોતાના રૂમમાં ચાલી ગઈ.

વાસંતીને લાગ્યું કે હવે બહુ વિચારવા કે મોડું કરવા જેવું નથી. આજે જ કાગળ લખીને રીમાના ઘરે બધી જ ખબર કરી દેવા જેવી છે. પણ વાસંતીને થયું કે આ રીતે ઘરે કાગળ લખવાથી ઘરવાળા ગભરાઈ જશે. કાગળ લખવા કરતાં તો નજીકમાં કોઈક રજા આવે ત્યારે ઘરે જઈને જ રૂબરૂ બધી વાત કરવા જેવી છે. જેથી ચોખવટથી બધું સમજાવી શકાય અને કયાંય ગોટાળો ન થાય.

પણ એવું વિચારી રહેલી વાસંતીને ખબર નહોતી કે, જો પોતે કાગળ નહિ લખે તો જ મોટો ગોટાળો થઈ જશે.

ત્યારબાદ રીમા દરરોજ રાતે ચુપચાપ વાસંતીના રૂમમાં જ સૂઈ જતી. એણે વાસંતીને રાતના બનતી ઘટનાની કોઈ જ વાત કરી નહોતી. કોણ જાણે પણ કેમ એવી કોઈ વાત કહેતાં એની જીભ જ ઊપડતી નહોતી.

દરરોજ રાતના બાર ને પાંત્રીસ મિનિટે પેલી ગાડી ધમધમાટ કરતી પસાર થતી ત્યારે એ ગાડીના અવાજથી પળવાર માટે જાગીને, આરામથી ઊંઘતી રીમા ઉપર નજર નાખીને સંતોષનો દમ ભરતી વાસંતી ઊંઘી જતી અને તરત જ એ રૂમમાં પેલા પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ભરાઈ જતી. એ સુગંધ જ જાણે રીમાને જગાડીને પોતાની સાથે લઈ જતી. રીમા પણ હવામાં સરકતી હોય એમ સરકીને પેલી કાંટાની ઝાડીઓની પાછળ જઈને, પેલા અજાણ્યા અદૃશ્ય, મજબૂત પુરુષના શરીર સાથે જકડાઈ જતી પણ આ વાતની કોઈને બિલકુલ ગંધ આવી નહોતી. વાસંતીને પણ કદી ગંધ આવી નહોતી. એ તો એમ જ માનતી કે, રીમાએ પોતાની રૂમ છોડી દીધી છે અને અહીં રહેવા ચાલી આવી છે એટલે પેલા ભૂત-પ્રેતે પણ એને પરેશાન કરવાનું છોડી દીધું છે. જોકે, હજુય રીમાના ચહેરા ઉપર એને તાજગી કે ચમક લાગતી નહોતી.

રીમા દેખાવે સાવ ફિક્કી અને સ્વભાવે પણ સાવ ઉદાસ લાગતી હતી. એટલે વાસંતી હજુ એમ માનતી હતી કે રીમાના શરીરમાં હજુ એની અસર બાકી છે. તેમ છતાંય એને હવે ખાતરી થઈ ચૂકી હતી કે, એ ભૂત-પ્રેતે એને છોડી દીધી છે. થોડી ઘણી દવા કરવાથી રીમા એની મેળે સારી થઈ જશે.

હવે ઉનાળાના દિવસો પૂરા થયા હતા. વાતાવરણમાં થોડોક ઉકળાટ ઘૂંટાયા પછી એકાદ બે ઝાપટાં વરસી જતાં હતાં અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતી હતી.

એ રાતે પણ સારો એવો વરસાદ પડી ગયો હતો. વરસાદ રોકાયો ત્યાર પછી વાતાવરણમાં ઠંડક જામી ગઈ હતી. અને આખા દિવસના થાકેલા-પાકેલા લોકો નિરાંતે ઊંઘી રહ્યા હતા. વાસંતી પણ ઘસઘસાટ ઊંઘી રહી હતી.

બરાબર બાર ને પાંત્રીસ મિનિટે ધમધમાટ કરતી ગાડી પસાર થઈ. હંમેશની આદત મુજબ વાસંતીની આંખ એક પળ માટે ખૂલી. રીમા ઉપર નજર નાખી સંતોષનો દમ લઈને એની આંખો ફરી બંધ થઈ ગઈ.

વાસંતીની આંખ માંડ મીંચાઈ હશે ત્યાં આખાય રૂમમાં પેલા પીળા ફૂલની સુગંધ પથરાઈ ગઈ. રીમા આંખ ઉઘાડીને બેઠી થઈ. ચાવી દીધેલી પૂતળીની જેમ એ પથારીમાંથી ઊભી થઈ અને બારણા તરફ આગળ વધી.

રીમા હજુ માંડ બારણા પાસે પહોંચી હશે ત્યાં વાસંતીની આંખ અચાનક ખૂલી ગઈ. રીમાને બારણું ખોલતી જોઈને વાસંતીએ ગભરાટથી પૂછયું, ‘અરે, રીમા કયાં જાય છે ?’

રીમાએ વાસંતીની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને બારણાની સાંકળ ખોલી નાખી.

રીમાએ કોઈ જવાબ ન આપ્યો એટલે વાસંતી ઝડપથી ઊભી થઈ. ‘રીમા, રીમા કયાં જાય છે ?’

પણ રીમાએ જાણે વાસંતીની કોઈ વાત સાંભળી ન હોય એમ કમાડ ઉઘાડી નાખ્યા.

હવે વાસંતીને મનમાં વહેમ પડયો, ‘નક્કી રીમા ઉપર પેલા ભૂતની છાયા સવાર થઈ ગઈ.’ ઝડપથી પગલાં ભરતી વાસંતી દોડી ગઈ...‘અરે, રીમા-રીમા, કયાં જાય છે...? કયાં જાય છે ?’ કહેતાં એણે રીમાને પકડવા પ્રયત્ન કર્યો.

રીમાની પીઠ ઉપર વાસંતીનો હાથ પડતાં જ જાણે ચમત્કાર થયો. રીમા ચાવી દીધેલી પૂતળીની જેમ પાછી ફરી.

પણ રીમા જેવી પાછી ફરી કે એનો ચહેરો જોતાં જ વાસંતી ડરીને દૂર ખસી ગઈ.

રીમાના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. એની આંખો બિલાડીની આંખોની જેમ ચમકતી હતી. એની આંખોના ડોળા મોટા થઈ ગયા હતા. ચહેરાના આકારમાં પણ ફરક થઈ ગયો હતો.

વાસંતી તો રીમાનો ચહેરો જોતાં જ ડરથી ધ્રુજી ઊઠી. એ પાછી ખસવા જતી હતી પણ પાછળ ખસતાં-ખસતાં જ નીચે ધસી ગઈ.

પછી....? પછી શું થયું....? નીચે ધસી ગયેલી વાસંતીનું શું થયું....? શું રીમા એ અજાણ્યા-અદીઠા પુરુષના ચુંગાલમાંથી છૂટી શકી...? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે આપે ‘જંતર મંતર’નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.

***