Ardh Asatya - 48 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 48

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૮

પ્રવીણ પીઠડીયા

અભયને બળતરાં ઉપડી. દેવાનો લઠ્ઠ જ્યાં વાગ્યો હતો એ ઠેકાણે સ્નાયુંઓનો કચ્ચરઘાણ નિકળી ગયો હોય એવી પીડા થતી હતી. તેનો બીજો હાથ આપોઆપ બાંહ ઉપર ચંપાયો હતો અને તે થોડો પાછળ હટયો હતો. એક જ ઘા માં દેવાએ અભય ઉપર સરસાઇ મેળવી લીધી હતી. અભયની હાલત જોઇને તે ગેલમાં આવી ગયો હતો. તેણે સમય ગુમાવ્યાં વગર તરત પાછો લઠ્ઠ ઘુમાવ્યો. તે હવે અભયને કોઇ મોકો આપવા માંગતો નહોતો. હવામાં સૂસવાટા કરતો લઠ્ઠ સીધો જ અભયના બરડામાં વાગ્યો અને તે કરાહી ઉઠયો. તેને લાગ્યું કે જાણે તેનો બરડો ભાંગી ગયો છે. કરોડરજ્જૂમાં કોઇક જગ્યાએ કડાકો બોલ્યો અને મણકા તેની જગ્યાએથી ખસી ગયા હોય એવું દર્દનું ઘોડાપૂર ઉમટયું. દેવાનાં વારથી બચવા તેણે ઘણી કોશિશ કરી હતી પરંતુ દેવો તેનાથી પણ વધું સ્ફૂર્તિવાન સાબિત થયો હતો. અને… હજું તે સંભળે, દેવાનો આગલો દાવ શું હશે એ વિશે વિચારે એ પહેલા એક અવિશ્વસનિય પેંતરો દેવાએ અજમાવ્યો હતો. તેને એમ હતું કે દેવો ફરીથી લઠ્ઠનો વાર કરશે. પણ નહિં, દેવાએ લઠ્ઠ હાથમાં લબડાવ્યો અને એકાએક જ તેની તરફ કોઈ માતેલાં સાંઢની જેમ દોડયો હતો. અભય હેરતથી આંખો ફાડીને દેવાને પોતાની તરફ ભારે વેગથી ધસી આવતો જોઇ રહ્યો. બરડામાં થતાં દર્દને ખાળવાની વ્યર્થ કોશિષમાં તે દેવાના રસ્તામાંથી ખસવાનું પણ ભૂલી ગયો હતો અને નજદિક આવતાં જ દેવો થોડોક નીચો નમ્યો, અસ્સલ કોઇ સાંઢ તેના શિંગડા સામેવાળનાં પેટમાં ખૂંપાવી દેવા માંગતો હોય એમ જ તેણે તેનું ભારેખમ મોટું માથું અભયના પેટ સાથે અફાળ્યું હતું અને સાથોસાથ પોતાના બન્ને હાથ વડે તેણે અભયને કમરેથી પકડીને રીતસરનો અધ્ધર ઉંચકી લીધો હતો. અભયનાં પગ જમીન ઉપરથી ઉખડયાં, તે દેવાનાં માથાના બળે થોડી ક્ષણો હવામાં ઝૂલ્યો અને પછી દોડતાં જ દેવાએ તેનો ઘા કરી દીધો. અભય રીતસરનો હવામાં ઉડયો હતો અને ઉડીને દેવાથી લગભગ દસેક ફૂટ દૂર જઇને એક ઝાડનાં થડ સાથે પીઠભેર અથડાયો. તેની પીઠમાં ફરીથી ભયંકર કડાકો થયો અને પછી છાતીભેર તે જમીન ઉપર પથરાઇ ગયો. તેના હૌંસલા પસ્ત થઇ ગયા હતા. દેવો તેની ઉપર ભારે પડયો હતો. બે જ વારમાં અભય ધૂળ ચાંટતો થઇ ગયો હતો. તેને જમીન પરથી ઉઠીને દેવાનો સામનો કરવાનાં પણ હોશ રહ્યાં નહોતો. તેની પીઠ ભાંગી ગઇ હોય એવું લાગતું હતું. તે છાતીભેર જમીન ઉપર પડયો હતો જેના કારણે જમીનમાંથી બહાર ઉપસેલા એક ઝાડનું મૂળિયું બરાબર તેની પાંસળીઓમાં ખૂપ્યું હતું ત્યારે એવું લાગ્યું જાણે છાતીની પાંસળીઓ ભાંગીને ભૂક્કો થઇ ગઇ હોય. બેવડા માર અને આઘાતથી અભયની આંખો આગળ અંધકાર છવાયો હતો. તે પોતાની જગ્યાએથી ઉઠવા કે દેવાનો પ્રતિકાર કરવા પણ અસમર્થ બન્યો હતો.

એ દરમ્યાન દેવો તેની નજીક પહોંચ્યો હતો. તે હવે ભૂરાયો થયો હતો. એક વખત અભય તેની ઉપર ભારે પડયો હતો પરંતુ આજે બાજી તેના હાથમાં આવી હતી. તેણે નીચા નમીને લઠ્ઠ જમીન ઉપર મૂકયો અને ઉંધે કાંધ પડેલા અભયના વાળ મુઠ્ઠીમાં ભર્યાં. એ હાલતમાં જ વાળ ખેંચીને તેને ઉભો કરવાં જોર અજમાવ્યું. અભયને લાગ્યું કે તેના વાળ માથામાંથી ખેંચાઈને દેવાનાં હાથમાં આવી જશે. તેણે બન્ને હાથ ભેગા કર્યાં અને દેવાનું કાંડું પકડયું. દેવાએ વાળ પકડીને અભયને ઉભો કર્યો. હવે તે બન્ને એકબીજાની આમને-સામને હતા. અભયની આંખો લોહી ધસી આવવાથી લાલઘૂમ થઇ હતી. તેની નાખોરી પણ ફૂટી હતી અને તેમાથી લોહી ઝરીને હોઠ ઉપર ફેલાઇ રહ્યું હતું. તેના ગળામાં પણ લોહીની ખારાશ બાઝી હતી. પીઠ અને છાતીમાં ભયાનક સણકાં ઉઠતાં હતા અને પગ સખત રીતે ઘ્રૂજતાં હતા. તેણે મહા-મહેનતે આંખો સ્થિર કરી અને દેવા સામું જોયું હતું. દેવાનાં રૂપમાં અત્યારે તેને સાક્ષાત યમરાજ ઉભા હોય એવું પ્રતિત થતું હતું.

“આ માટે આવ્યો હતો તારી પાછળ.” દેવો દાંત ભિંસીને બોલ્યો. “અને શું કહ્યું હતું તે.. એક વખત ઠમઠોર્યો તોય ભાન થયું નથી એમ! અરે તે દિવસે તારી બંદૂકે મને ખામોશ રાખ્યો હતો. જો તારી પાસે બંદૂક ન હોત ને તો ત્યારે જ તારો ફેંસલો થઇ ગયો હોત. પણ ખેર, આજે જોઉં છું કે તું કેમ બચે છે?” દેવાની આંખોમાં ખતરનાક ભાવ છવાયાં હતા. એવું લાગતું હતું કે આજે તે અભયને ખતમ કરીને જ જંપશે. તેણે એક હાથે અભયના વાળ ખેંચીને ઝકઝોર્યો અને બીજા હાથની મુઠ્ઠી વાળીને તેના ચહેરા ઉપર વાર કરવા હાથ ઉગામ્યો. જો એ મુક્કો અભયના ચહેરા ઉપર પડયો તો પછી ક્યારેય તે ઉઠી શકવાનો નહોતો. દેવો અહીં જ, આ જંગલમાં તેને જીવતો દાટીને ચાલ્યો જાય તો ક્યારેય કોઇને તેની ભાળ મળવાની નહોતી. અદ્દલ પૃથ્વીસિંહની જેમ તે પણ આ દુનીયાનાં પટલ ઉપરથી ગાયબ થઇ જવાનો હતો.

એક સેકન્ડના સો માં ભાગમાં તેના જહેનમાં કેટલાંય વિચારો આવી ગયા. શું તેની નિયતીમાં આ જ લખાયું હશે, શું તે દેવાનો સામનો કર્યાં વગર જ મરી જશે? નહિં, એકાએક તેના લસ્ત શરીરમાં પ્રતિકારની પ્રબળ લાગણી જન્મી અને તેની આંખોમાં એક ચમકારો ઉદભવ્યો. દેવાએ વાર કરવા ઉઠાવેલો મુક્કો તેના ચહેરા સાથે અથડાય એ પહેલા તેણે પોતાનામાં હતી એટલી બધી તાકત એકઠી કરી, દાંત ભિસ્યાં, દેવાનો હાથ છોડીને એક જોરદાર મુક્કો સીધો જ તેના નાક ઉપર દઇ માર્યો. બહું ભયાનક ઝડપે અભયે રિએકશન કર્યું હતું. દેવો ગફલતમાં હતો. તેને એમ જ હતું કે અભય હવે કોઇ પ્રતિકાર કરવાનાં હોશમાં નથી. તેની એ ગફલતનો જ ફાયદો અભયને મળ્યો હતો અને તેણે જોરદાર પ્રહાર કરી દીધો હતો. ચંદ સેકન્ડોની ખોમોશી અને દેવાનાં હાથમાંથી અભયના વાળ છૂટયાં હતા અને તે ભયાનક બરાડા પાડતો પાછળ ખસ્યો હતો. તેના હાથ આપોઆપ તેના ચહેરા ઉપર છવાયા હતા. અભયે એ જોયું. તેની બૂઝાતી જતી આંખોમાં એકાએક આશાની એક રોશની ચમકી. કંઇક હથિયાર તરીકે વાપરી શકાય એવું શોધવા તેણે પોતાની આજૂબાજૂં નજર ઘૂમાવી. અચાનક તે ચમકયો. દેવાએ નીચે મૂકેલો લઠ્ઠ ત્યાં જ પડયો હતો. તેણે એ ઉઠાવ્યો અને કંઇપણ વિચાર્યા વગર દેવાનાં માથે દઇ માર્યો. રાડ ફાટી પડી દેવાનાં મોઢામાંથી. તેનું માથું ફૂટયું અને લોહીની ધાર તેના ચહેરા ઉપર રેળાઇ. પણ પછી અભય એટલેથી જ અટકયો નહી. તે હમણાં જ મોતનાં મુખમાંથી પાછો ફર્યો હતો. દેવાએ તેને મારી નાંખવામાં કોઇ કસર બાકી છોડી નહોતી. હવે તે પણ સમય ગુમાવા માંગતો નહોતો. તેણે બીજો વાર ઠોકયો અને દેવાની કમર ભાંગી નાંખી. પછી તેના પગ, વાંસો, છાતી… જ્યાં લાગ મળે ત્યાં વાર ઉપર વાર કરતો ગયો. ઘડીભરમાં તો દેવો જમીન ઉપર રીતસરનો આળોટવા માંડયો હતો. તેના શરીરનો એકપણ હિસ્સો એવો બચ્યો નહી હોય જ્યાં અભયે લઠ્ઠ ઘૂમાવીને ઠોકયો ન હોય. અને… આટલું ઓછું પડતું હોય એમ તેણે દેવાને પકડયો અને એક ઝાડનાં થડ સાથે બાંધી દીધો. દેવાનું આખું શરીર ઘ્રૂજતું હતું. જે હાલત હમણાં અભયની હતી એથી પણ બદતર હાલતમાં દેવો ઝાડ સાથે બંધાયેલો હતો.

“હું તમારી ગાય છું બાપ, રહેમ કરો બાપલિયા.” દેવો રીતસરનો કરગરી ઉઠયો. તેનો જીવ તાળવે આવીને અટકયો હતો. તેનું નાક છૂંદાઇ ગયું હતું અને તેમાથી નીકળતાં લોહીમાં તેનો ચહેરો ભયાનક લાગતો હતો. તેનો એક હાથ કોણીએથી ભાંગ્યો હતો અને રીતસરનો હેઠે લબડતો હતો. ખાલી સ્નાયુઓનાં સહારે લબડતાં તેના હાથમાંથી ભયાનક સણકાં ઉઠતાં હતા અને વારેવારે તે ઘ્રૂજી જતો હતો.

“એક શરતે છોડી શકું. જો મંજૂર હોય તો બોલ.” અભય હવે સમય બગાડવાં માંગતો નહોતો એટલે સીધો જ પોઇન્ટ ઉપર આવ્યો.

“તારી બધી જ શરત મને મંજૂર છે પણ મને ઝટ દવાખાના ભેગો કરો નહિંતર હું અહીં જ મરી જઇશ.” દેવાએ કરગરવાનું ચાલું રાખ્યું. પણ તે જાણતો હતો કે એમ તેનો છૂટકારો નહી થાય. તેની આંખો ઘેરાતી હતી છતાં મહા-મહેનતે તે પોતાને જાગતો રાખવાની કોશિષ કરતો હતો.

“અનંતસિંહ ક્યાં છે?” અભયે સપાટ સ્વરમાં પૂછયું. તેને સૌથી વધારે ફિકર પોતાના મિત્ર અનંતની જ હતી. અત્યાર સુધી કરગરતો દેવો એ સવાલ સાંભળીને એકાએક જ ખામોશ થઇ ગયો. અભયને લાગ્યું કે દેવાએ તેનું લોહીયાળ મોઢું સખ્તાઇથી ભિંસી લીધું છે.

“તું જવાબ નહી આપે તો અહીં જ રિબાઇને મરવા માટે તને છોડીને ચાલ્યો જઇશ. પછી ભલેને જંગલનાં જનાવરો તારાં શરીરની મીજબાની માણતાં. જીવીત રહેવું હોય તો મોઢું ખોલવું પડશે નહિંતર એક ભયાનક મોતે તું મરીશ.” અભય બોલ્યો. તેના મનમાં ભયંકર ક્રોધ વ્યાપતો જતો હતો. અનંતની ખબર જાણવાં તે ગમે તે કરી ગુજરે એમ હતો. અને, જે રીતે દેવાએ હોઠ ભિંસ્યા હતા એ જોઇને અભયને અમંગળ કલ્પનાઓ ઉદભવવા લાગી હતી. ક્યાંક તે કોઇ મુસીબતમાં તો નથી ને! એ વિચારે તે ખળભળી ઉઠયો. અચાનક તે દેવાની સાવ નજીક પહોંચ્યો અને ખૂંખાર નજરે તેણે દેવાની આંખોમાં ઝાંકયું.

“દેવા, અનંતસિંહ ક્યાં છે? તેં શું કર્યું એની સાથે?” તેણે ફાડી ખાતી નજરોથી દેવાને પૂછયું.

“મેં…મેં… કંઇ નથી કર્યું.” એકાએક જ દેવો બોલ્યો હતો. અનંતનાં ગાયબ થવાનો ઇલ્જામ પોતોના ઉપર આવી રહ્યો છે એ જાણીને તે બોલવા મજબૂર બન્યો હતો.

“તો અનંતસિંહના ગાયબ થવા પાછળ કોનો હાથ છે? અને અત્યારે તે ક્યાં છે?”

“એ…. તમે… એ… વૈદેહી બા ને પૂછો.” દેવો બોલ્યો. અભય સન્નાટમાં પહોંચી ગયો.

“વૈદેહી બા એટલે, વૈદેહીસિંહ ઠાકોર?” અભયનાં પ્રશ્નમાં બ્રહ્માંડભરનું આશ્વર્ય સમાયેલું હતું.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED