અર્ધ અસત્ય. - 47 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 47

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૭

પ્રવીણ પીઠડીયા

રઘુભા ખરેખર ધરબાઇ ગયો હતો. કાળીયો જે દિવસે અકસ્માત કરીને તેની પાસે આવ્યો ત્યારથી જ તેના જીગરમાં એક ફડક પેસી ગઇ હતી કે હવે તેના વળતાં પાણી શરૂ થઇ ગયા છે. તેની એ બીક સાચી પડી હતી અને આજે તે પકડાયો હતો. હંમેશા કોઇ રાજાની જેમ રહેતો રઘુભા પોલીસના ડંડા પડતાં એકાએક જ મિયાની મિંદડી બની ગયો હતો અને તે જે જાણતો હતો એ બધું એકસાથે ઓકી નાંખ્યું હતું, કારણ કે વધું માર સહન કરવા તે અસમર્થ હતો. તેના બયાનથી આખો કેસ ઉંધેમાથે થયો હતો. અભય ભારદ્વાજ બાકાયદા નિર્દોષ સાબિત થતો હતો અને તેને સસ્પેન્ડ કરનાર કમલ દિક્ષિત ટૂંક સમયમાં જેલનાં સળિયા ગણતો નજર આવવાનો હતો. દેવેન્દ્ર દેસાઇ અને રાજસંગની જોડીએ ફરી એકવાર બહું કાર્ય ઉમદા કર્યું હતું અને એ હતું રઘુભાનું બયાન રેકોર્ડ કરવાનું. તેઓએ બા-કાયદા એક કેમેરાની સામે રઘુભાને બેસાડીને પૂછપરછ કરી હતી જેથી અદાલતમાં તે પોતાની ગવાહી બદલી ન શકે.

પરંતુ હજું તેઓ આ કેસને એકદમ પૂખ્તાં બનાવવાનાં મૂડમાં જણાતાં હતા કારણ કે દેસાઇના મનમાં હજુંપણ એક સંદેહ હતો કે જો તે પોતાના જ ડિપાર્ટમેન્ટનાં એક ઉચ્ચ અફસર ઉપર કેસ ફાઇલ કરશે તો હાથે કરીને તે સમગ્ર પોલીસ બેડામાં અળખામણો બની જશે. આ બાબતની તેણે રાજસંગ સાથે મસલત કરી અને રાજસંગે ફરીથી તેને એ જ સૂઝાવ આપ્યો જે પહેલા એક વખત પણ આપ્યો હતો. એ સૂઝાવ હતો રમણ જોષીને ઈન્વોલ્વ કરવાનો. દેસાઇએ કંઇક વિચાર્યું અને હામી ભરી હતી એટલે રાજસંગે જોષીને ફોન ઘૂમડયો હતો.

@@@

કાળઝાળ નજરે અભયની પીઠને વૈદેહીસિંહ તાકી રહ્યાં હતા. તેમના જીગરમાં દાવાનળ સળગ્યો હતો. જે કહાનીએ વર્ષો પહેલા તેમના ખાનદાનને તહેસ-નહેસ કરી નાંખ્યું હતું એ જ કહાની ફરી વખત દોહરાવવાનાં એંધાણ અત્યારથી જ તેમને વર્તાવા લાગ્યાં હતા. નહી, નહી… તેઓ એ નહી થવા દે. તેમણે એટલાં જોરથી દાંત ભિંસ્યા કે મોઢામાં રીતસરની કડકડાટી બોલી ગઇ. તેઓ કોઇ વિફરેલી વાઘણની જેમ પહેલા મઝલાનાં ઝરુખેથી નીચે ઉતરીને દિવાનખંડમાં આવ્યાં હતા અને દેવાને ફોન લગાવ્યો હતો.

@@@

એક ખેંચાણ, જે અભયે આજ પહેલા ક્યારેય નહોતું અનુભવ્યું એવા અગમ્ય ખેંચાણને વશ થઇને જ તે જાંબુંઘોડાના જંગલ ભણી ચાલ્યો આવ્યો હતો. કોઇક હતું જે તેને જંગલમાંથી સાદ પાડીને બોલાવી રહ્યું હતું. કોણ હતું એ? તેણે પૃથ્વીસિંહજીની હવેલી વટાવી હતી અને ગઇકાલ વાળા રસ્તે જ તે આગળ વધ્યો હતો. થોડે અંદર સુધી તેનું બુલેટ જઇ શકે તેમ હતું અને પછી બુલેટ મૂકીને પગપાળાં જ આગળ વધવાનું હતું. રસ્તો ખતમ થયો ત્યાં એક ઘેઘૂર વૃક્ષની નીચે તેણે બુલેટને પાર્ક કર્યું અને પછી તે જંગલની હરીયાળી ભૂમીમાં પ્રવેશ્યો હતો. તેની મંઝિલ પેલા ઝરણાઓનું અદભૂત દ્રશ્ય હતુ જે ગઇરાત્રે ચાંદની શિતળ રોશનીમાં તેણે જોયું હતું. એ દ્રશ્યનો આહલાદક નશો હજું પણ તેના મન ઉપર સવાર હતો.

રાત્રે ફરી પાછો વરસાદ આવ્યો હતો. વરસાદી પાણીમાં ધોવાઇને લીલાછમ અને તરોતાજા થયેલાં જંગલમાંથી ભીની માટીની જબરજસ્ત ખુશબું ઉઠતી હતી. અભય એ ખુશબુંથી તરબતર થઇ ઉઠયો. તે એકધારો ચાલતો ગયો હતો. આટલો વરસાદ પડવા છતાં જંગલમાં ઘામ વર્તાતો હતો જેનાથી તેના શરીરે પરસેવો ફૂટી નિકળ્યો હતો અને તેના શ્વાસોશ્વાસ પણ ઝડપથી ચાલતા હતા. તે એક જગ્યાએ થોડો પોરો ખાવા રોકાયો હતો. અને… તેના કાને કશોક ધીમો સળવળાટ સંભળાયો. જાણે કોઇ દબાતાં પગે તેની પાછળ આવ્યું હોય એવો એ સળવળાટ હતો.

@@@

રમણ જોષી સખત વ્યગ્રતાં અનૂભવતો હતો. પહેલા તેણે બંસરીનો ફોન ટ્રાય કર્યો હતો અને પછી અભયનો. બન્નેનાં ફોન એકસાથે ’નોટ રિચેબલ’ આવતાં હતા. તે મૂંઝાયો કે હવે શું કરવું? તેણે મગજ કસ્યું અને એકાએક રાજસંગ રાઠોડનો ચહેરો તેની નજરો સમક્ષ ઉભર્યો. યસ, તેને કહીને બંસરીની ભાળ મેળવી શકાય તેમ હતી. તે હજું વિચારતો જ હતો કે બરાબર એ સમયે જ તેનો ફોન રણક્યો. તેણે નંબર જોયો અને ઉછળી પડયો. જે રાજસંગને તે યાદ કરતો હતો એ જ રાજસંગ રાઠોડ અત્યારે સામેથી તેને ફોન કરી રહ્યો હતો. તેણે ભારે બેસબ્રીથી ફોન ઉપાડયો.

“હેલ્લો રાઠોડ, હું હમણાં તને જ ફોન કરવાનું વિચારતો હતો. ત્યાં જ તારો ફોન આવ્યો. બંસરી રાજગઢ ગઈ છે અને તેનો ફોન નથી લાગતો. તું કંઇક વ્યવસ્થા કરાવી શકે? કોઇને રાજગઢ મોકલી શકે જે બંસરીની ખબર લાવી શકે?” જોષીનો અવાજ ઘ્રૂજીતો હતો અને તેમાં સખત ચિંતા ભળેલી હતી. સામેનાં છેડે રાજસંગ તેની વાત સાંભળીને સન્નાટામાં આવી ગયો હતો.

“જોષી સાહેબ, આખરે તમે બન્ને ભાઈ-બહેને ધાર્યું છે શું? હજું તો એક મામલો સૂલઝયો ન હોય ત્યાં તમે બીજા કોઇ લફડામાં પગ ફસાવી દો છો. બસ કરો હવે યાર.” તે રીતસરનો ઉકળી ઉઠયો. પણ તે જાણતો હતો કે જો જોષી ન હોત તો રઘુભાવાળો મામલો ક્યારેય સૂલઝયો જ ન હોત. તે થોડો શાંત પડયો. “ઓકે. નાઉં લિસન, બંસરીનું તો હું જોઇ લઇશ પરંતુ તમને એક અગત્યની વાત કહેવાની છે. ધ્યાનથી સંભળજો.”

“ફરમાવો.”

“રઘુભા અમારાં હાથે લાગ્યો છે અને તેણે લગભગ બધું જ કબૂલી લીધું છે.” રાજસંગે વિસ્તારથી જોષીને તમામ વિગતોથી માહિતગાર કર્યો હતો. “હવે વાત ફરી પાછી તમારી પાસે આવે છે. રઘુભાનાં કન્ફેશનનું રેકોર્ડિંગ તમારે તમારી ચેનલમાં લાઇવ કરવાનું છે. અકસ્માત વખતે જેમ તમે લાઇવ કર્યું હતું અને એક લોક-જૂવાળ ઉભો કર્યો હતો એમ જ આ વખતે પણ કમલ દિક્ષિતનાં વિરુધ્ધમાં અને અભય ભારદ્વાજનાં સમર્થનમાં લોક-જૂવાળ ઉભો થવો જોઇએ. એવું થયું તો જ આપણે આપણાં મકસદમાં કામીયાબ થઇશું. બોલો છે તૈયારી?” રાજસંગે વિગતે જણાવ્યું.

“હવે આટલે સુધી આવ્યાં પછી પાછી પાની થોડી કરીશું! એ કામ થઈ જશે. તમે ટેપ મોકલો એટલે તેને કેમ ઓન-એર કરવી એનો મુસદ્દો વિચારીએ. પરંતુ બંસરીનું શું?”

“હું હમણાં જ એક માણસને રાજગઢ દોડાવું છું. ઉપરાંત ત્યાંનાં મારાં કોન્ટેક્ટ્સને પણ કામે લગાવું છું. તમે એ બાબતે બેફિકર થઇ જાઓ. બંસરી જ્યાં પણ હશે ત્યાંથી તેને શોધીને તમને ફોન કરાવડાવીશ.” રાજસંગે જોષીને ધરપત આપી અને થોડી બીજી વાતો કરીને ફોન મૂકયો. જોષી ઉચાટ જીવે ફોનને તાકતો રહ્યો. ત્યારે તેને ખબર નહોતી કે બંસરી ઓલરેડી એક ભયાનક મુસીબતમાં ફસાઇ ચૂકી છે.

@@@

અભય ચોંકયો હતો. તે જ્યાં ઉભો હતો એની પાછળ ગીચ ઝાડી હતી જેની ઉપર અસંખ્ય વેલાઓ છવાયેલાં હતા. એ ઝાડી પાછળથી જ સળવળાહટ ભર્યો અવાજ આવતો હતો. તેણે તરત પોતાની ગન સંભાળી હતી અને સાવધાનીથી તે એ ઝાડીઓ તરફ ચાલ્યો. એ તરફ કદાચ કોઇ જંગલી જનાવર આવીને ભરાયું હોય એવું જણાતું હતું. ભીની માટીમાં તેના પગલાની આહટ પણ ઉદભવતી નહોતી. સાવ ચૂપકીદીથી તે ઝાડીઓની પાછળ પહોંચ્યો જ હતો કે ભયાનક આશ્વર્યથી તેની આંખો પહોળી થઇ ગઇ. તેની ધડકનામાં એકાએક તેજી ભળી અને શરીરની રગોમાં દોડતું લોહી થીજી ગયું. ઘડીક તો તેને પોતાની આંખો ઉપર જ વિશ્વાસ આવ્યો નહી. અને પછી એકાએક જ તે હસી પડયો. તેણે ગન નીચી કરી અને આગળ વધતો તે તેની નજીક પહોંચ્યો.

“તું મરવાનો થયો લાગે છે. એક વખત ઠમઠોર્યો છતાં તને ભાન થયું નથી લાગતું. બોલ શું કામ આવ્યો મારી પાછળ?” અભયે સાવ બેફિકરાઇથી પૂછયું. પકડાઇ જવાથી એ વ્યક્તિનો ચહેરો ઓઝપાઇ ગયો હતો. એ દેવો હતો. તેને અહી જોવાની અભયને ઉમ્મિદ નહોતી તેમ છતાં હકીકત એ હતી કે તે અત્યારે તેની જ સામે ઉભો હતો. તેના હાથમાં તેનો કાયમી સાથીદાર જેવો તેલ પાયેલો ભારેખમ લઠ્ઠ હતો. દેવો ખરેખર ધરબાઇ ગયો હતો. તેને આટલી જલ્દી પકડાઇ જશે એવો ખ્યાલ નહોતો એટલે તે થોડો ગભરાયો હતો. વળી જે ઉપહાસ ભર્યા લહેકામાં અભયે તેની સાથે વાત શરૂ કરી હતી એ તેને હવેલીના કંમ્પાઉન્ડમાં થયેલી પોતાની ફજેતીની યાદ અપાવતી હતી. તેનું લોહી ઉકળી ઉઠયું અને અચાનક, કંઇપણ વિચાર્યા વગર જ તેણે ભયાનક વેગથી હાથમાં પકડેલો લઠ્ઠ હવામાં ઘૂમાવ્યો હતો અને સીધો જ અભય ઉપર પ્રહાર કરી દીધો હતો. હવેલીવાળી ઘટના યાદ આવતાં જ તેનો પિત્તો ઉછળ્યો હતો અને અભય જેવું મગતરું તેની ઉપર ભારે પડયું હતું એ નાલોશીને ઢાંકવા તેણે હુમલો કરવાનું શસ્ત્ર અજમાવ્યું હતું. ’ધફ્ફ્ફ…’ કરતો ભારેખમ લઠ્ઠ અભયની ડાબી બાંહ ઉપર વાગ્યો અને તેના ધક્કાથી તેની ગન હાથમાંથી છટકીને ઝાડીમાં ક્યાંક ખોવાઇ ગઇ. અભયને ખ્યાલ નહોતો કે દેવો આટલી જલદી રિએક્ટ કરશે. તે અસાવધ હતો જેની કિંમત તેણે ગન ખોઇને ચૂકવવી પડી. હવે તે નિશસ્ત્ર હતો અને સામે દેવો ભયાનક ઇરાદાઓ સાથે તેની ઉપર ત્રાટકવાની તૈયારીમાં હતો. જાંબુઘોડાનાં અઘોર જંગલ વચાળે બે બડમથ્થા બળિયાઓ વચ્ચે ખૂંખાર જંગનાં એંધાણ વર્તાતા હતા.

(ક્રમશઃ)