વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 137
અમે એક સપ્તાહ પછી ફરી પપ્પુ ટકલાને મળ્યા. પોલીસ ઑફિસર ફ્રેન્ડે પપ્પુ ટકલાને મળવનું ટાળ્યું હતું. પપ્પુ ટકલાએ બ્લૅક લેબલની નવી બોટલ ખોલીને લાર્જ પેગ બનાવ્યો અને ફાઈવફાઈવફાઈવ સિગરેટ સળગાવી. તેણે બ્લેક લેબલનો એક મોટો ઘૂંટ ભર્યો અને પછી સિગરેટનો ઊંડો કશ લઈને મોંમાંથી વર્તુળાકારે ધુમાડો છોડ્યો. એ દરમિયાન જાણે તે અમારી હાજરી ભૂલી ગયો હોય એવું લાગતું હતું. પછી તેણે તેની આદત પ્રમાણે પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ એ પછી અમારા જવાબની રાહ જોયા વિના જ તેણે અંડરવર્લ્ડકથા આગળ ધપાવી દીધી: ‘આઈએસઆઈની છત્રછાયા હેઠળ દાઉદ અને તેના સાથીદારોનો ‘કારોબાર’ દિવસે ન વિકસે એટલો રાતે અને રાતે ન વિકસે એટલો દિવેસ વિકસી રહ્યો હતો. બે નંબરી અને કાળી કમાણીને તેઓ સીધા ધંધામાં રોકવા માંડ્યા હતા. જોકે દાઉદ અને તેના સાથીદારોના ઊંધા ધંધા ચાલુ જ હતા. દાઉદ ગેંગ વિદેશી કરન્સીના કાળાબજારમાં પણ પારંગત થઈ ગઈ હતી.
દાઉદ ગેંગ દ્વારા ભારતમાં ખંડણી ઉઘરાણી, કોન્ટેક્ટ કિલિંગ, પ્રોપર્ટી પડાવી લેવી, શસ્ત્રોનો ગેરકાનુની વેપાર અને નકલી ચલણી નોટો ઘુસાડવા જેવી પ્રવૃત્તિઓ ચાલુ જ હતી. તો બીજી બાજુ દાઉદ ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સની હેરાફેરી કરતી થઈ ગઈ હતી તથા અલ કાયદા, હરકત-ઉલ-અંસાર અને લશ્કર-એ-તોયબા જેવા આતંકવાદી સંગઠનોને સહાય પણ પૂરી પાડતી હતી.
દાઉદે આવા જોખમી ‘ધંધા’ ચાલુ રાખવાની સાથે પાકિસ્તાન અને ભારત ઉપરાંત સિંગાપુર, શ્રીલંકા, દુબઈ, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, નેપાળ અને સાઉથ આફ્રિકામાં અબજો રૂપિયાની પ્રોપર્ટી ઊભી કરી દીધી હતી. કરાચીમાં સ્ટોક એક્સચેન્જ અને એસ્ટેટ માર્કેચ પર વર્ચસ્વ જમાવ્યા પછી દાઉદે મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દાઉદે મુંબઈમાં હજારો કરોડ રૂપિયાની પ્રોપર્ટીઝ ઊભી કરી દીધી હતી. એ માટે તેને મુંબઈ મહાનગરપાલિકાના ઘણા ભ્રષ્ટાચારી અધિકારીઓની મદદ મળી હતી. મુંબઈ મહાનગરપાલિકાના ઘણા દેશદ્રોહી અધિકારીઓ દાઉદને વહાલા થવા માટે અને પોતાના ગજવા ભરવા માટે કાયદાને કોરાણે મૂકીને દાઉદનાં સગાંવહાલાંઓને નામે બહુમાળી ઈમારતો બંધાવવા માટે મદદ કરતા હતા. મુંબઈ પોલીસના ઘણા ભ્રષ્ટાચારી અને લાંચિયા અધિકારીઓએ દાઉદને અંડરવર્લ્ડ ડૉન બનવામાં મદદ કરી હતી એ પછી દાઉદનું રિયલ એસ્ટેટ સામ્રાજ્ય ઊભું કરવામાં મુંબઈ મહાનગરપાલિકાના બદનામ અને ભ્રષ્ટ અધિકારીઓનો સિંહફાળો હતો.
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓની સહાયથી દાઉદના માણસોએ મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય અને મુંબઈ પોલીસના મુખ્યાલયથી થોડે દૂર જ અનધિકૃત બહુમાળી ઈમારતો ઊભી કરી દીધી હતી. દાઉદ ઈબ્રાહિમની એક અનધિકૃત ઈમારત તો મુંબઈ પોલીસ હેડક્વાર્ટરથી એટલી નજીક બંધાઈ હતી કે કમિશનર ઑફ પોલીસ તેમની ઑફિસની બારી ખોલે તો તેઓ એ ઈમારત જોઈ શકે!
દાઉદ 2000 સુધીમાં માત્ર દક્ષિણ મુંબઈમાં જ અને એ પણ ડોંગરી અને ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં જ જેટલી પ્રોપર્ટી હસ્તગત કરી હતી એનો આંકડો જ રૂપિયા પાંચસો કરોડ ઉપર પહોંચતો હતો! મુંબઈ મહાનગરપાલિકાએ જેમને અન્યાય કર્યો હતો એ પ્રામાણિક ડેપ્યુટી કમિશનર કમિશનર ગોવિંદ ખૈરનારે દાઉદની ઈમારત ‘મહેજબીન મેન્શન’ પર હથોડો ચલાવવાની હિંમત કરી હતી. ખૈરનારે 1992થી 2000 દરમિયાન દાઉદની ત્રીસ અનધિકૃત ઈમારતો તોડી પાડી હતી! ખૈરનાર નિવૃત્ત થયા એના પખવાડિયા અગાઉ 7 નવેમ્બર, 2000ના દિવસે તેમણે મુંબઈના પાયધૂની વિસ્તારમાં દાઉદ ઈબ્રાહિમની પાંચ માળની એક ઈમારતના ત્રણ ગેરકાનૂની માળ તોડી પાડવા માટે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર, દસ સબ પોલીસ ઈન્સ્પેક્ટર અને ડઝનબંઘ કોન્ટેબલ્સ તથા સ્ટેટ રિઝર્વ પોલીસની બે ટુકડીઓ સાથે જવું પડ્યું હતું. દાઉદની ઈમારત તોડવાનું જોખમી કામ ઉપાડનારા ખૈરનારને મારી નાખવાની અનેકવાર કોશિશ થઈ હતી. જો કે એથી ડર્યા વિના ખૈરનારે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું.
ખૈરનારે એવો દાવો કર્યો હતો કે માત્ર દક્ષિણ મુંબઈમાં જ દાઉદ ઈબ્રાહિમની એક હજાર જેટલી ઈમારતો છે! ખૈરનાર દાઉદની ગેરકાનૂની ઈમારતો તોડી પાડીને દાઉદના અંડરવર્લ્ડ સામ્રાજ્યને આર્થિક ફટકો મારવા માગતા હતા, પણ એની સામે મુંબઈ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓએ દાઉદ ગૅંગની સંખ્યાબંધ બેનામી ઈમારતો ‘આંખ આડા રૂપિયા’ કરીને બાંધવા દીધી હતી. દાઉદના માણસો મુંબઈમાં મોકાની જગ્યા જોઈને પાણીના ભાવે પડાવી લેતા હતા અને પછી કાનૂનને તોડી-મરોડીને ત્યાં મલ્ટિ સ્ટોરી બિલ્ડિંગ ચણી લેતા હતા. દાઉદના માણસોને કોઈ જગ્યા પસંદ પડી જાય અને ત્યાં ઝૂંપડાવાસીઓ કે ચાલવાસીઓ અથવા તો ફ્લેટવાસીઓ એ જગ્યા ખાલી કરવાનો નનૈયો ભણે તો તેમનું આવી બનતું. દાઉદના ગુંડાઓ જરૂર પડે તો એવા ‘વિધ્નસંતોષીઓ’ના હાથ-પગ ભાંગી નાખવાથી માંડીને તેમની હત્યા કરતા પણ અચકાતા નહોતા.
આ રીતે દાઉદ મુંબઈમાં વધુ ને વધુ પ્રોપર્ટી જમાવી રહ્યો હતો ત્યારે બીજી બાજુ મુંબઈમાં જ તેની અબજો રૂપિયાની પ્રોપર્ટીઝ પર સરકારી આફત આવી હતી.
આવકવેરા ખાતાએ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકર, દાઉદની માતા, દાઉદના ભાઈ નૂરાની પત્ની રેશ્મા તથા દાઉદના બીજા સગાંવહાલાંઓના નામે બોલતી જુદી-જુદી 23 પ્રોપર્ટી જપ્ત કરી હતી. એ તમામ પ્રોપર્ટીઝ લિલામીની પ્રક્રિયા આવકવેરા ખાતાએ શરૂ કરી. આવકવેરા ખાતાએ દાઉદ પાસેથી રૂપિયા 45 કરોડ રૂપિયા વસૂલવાના હતા એની સામે દાઉદની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી હતી. એની કિંમત રૂપિયા 125 કરોડ જેટલી થતી હતી.
દેખીતી રીતે તો આવકવેરા ખાતાના હાથમાં દાઉદ પાસેથી વસૂલવાની હતી એ રકમ કરતા ત્રણ ગણી રકમની દાઉદની પ્રોપર્ટીઝ હતી, પણ એ પ્રોપર્ટીઝની લીલામી કરીને પૈસા ઊભા કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું હતું એનો અંદાજ આવકવેરા ખાતાના અધિકારીઓને નહોતો! દાઉદની કેટલીક પ્રોપર્ટીઝ જપ્ત થઈ એ પછી એવી ઘટના બની જેની કલ્પના પણ કદાચ આવકવેરા ખાતાના અધિકારીઓને નહોતી!’
(ક્રમશ:)