Once Upon a Time - 136 books and stories free download online pdf in Gujarati

વન્સ અપોન અ ટાઈમ - 136

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 136

‘ન્યૂઝલાઈન’ મૅગેઝિને સપ્ટેમ્બર, 2000ના ઈશ્યુમાં એવો ઘટસ્ફોટ કર્યો કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. એ અંક બજારમાં આવ્યો એ સાથે પાકિસ્તાનની પાવરલોબીમાં ખળભળાટ મચી ગયો. આઈએસઆઈના અધિકારીઓ એ સ્ટોરી લખનારા પાકિસ્તાની પત્રકાર ગુલામ હુસેનના ઘરમાં ઘૂસીને તેને ઊંચકી ગયા તેમણે ગુલામ હુસેન પર થર્ડ ડિગ્રી અજમાવી. સતત 48 કલાક સુધી ટોર્ચર કર્યા પછી આઈએસઆઈના અધિકારીઓને લાગ્યું કે ગુલામ હુસેન મરી જશે ત્યારે તેમણે તેની પાસે એવી સુસાઈડ નોટ લખાવી લીધી કે હું જીવનથી ત્રાસીને આપઘાત કરી રહ્યો છું. એ પછી ગુલામ હુસેને પત્રકારત્વ છોડી દીધું અને સતત મોતના ભય હેઠળ રહ્યા પછી થોડા સમય બાદ તે ગુમ થઈ ગયો. એ ઘટના પછી પાકિસ્તાની પત્રકારોમાં દાઉદના નામથી વધુ ધાક બેસી ગઈ.

આઈએસઆઈના અધિકારીઓ ‘ન્યૂઝલાઈન’ મૅગેઝિનના પત્રકાર ગુલામ હુસેન પર તૂટી પડ્યા હતા એની પાછળ સૌથી મોટું કારણ એ હતું કે “દાઉદ પાકિસ્તાનમાં જ છે અને કરાચીમાં જલસા કરે છે” એવી સ્ટોરીથી પાકિસ્તાનના સત્તાધીશો કફોડી હાલતમાં મૂકાઈ ગયા હતા.

એક બાજુ ભારત સરકાર દુનિયાભરમાં એવું કહી રહી હતી કે દાઉદ પાકિસ્તાનમાં રહીને ભારતમાં ભાંગફોડ કરાવી રહ્યો છે અને ભારતનો ગુનેગાર છે છતાં પાકિસ્તાન તેને ભારતને હવાલે કરતું નથી ત્યારે બીજી બાજુ ‘દાઉદ પાકિસ્તાનમાં જ છે’ એવી ‘ન્યૂઝલાઈન’ મૅગેઝિનની સ્ટોરીથી પાકિસ્તાનનું નાક ક્પાયું હતું. એટલે આઈએસઆઈએ પત્રકાર ગુલામ હુસેન પર દાઝ ઉતારી હતી. ‘ન્યુઝલાઈન’ મૅગેઝિનના એ રિપોર્ટથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાન બહાર ભારે પ્રત્યાઘાત આવ્યા. ‘દાઉદ પાકિસ્તાનમાં નથી’ એવું વાજું વગાડતા રહેતા પાકિસ્તાની સત્તાધીશોને બહારની દુનિયા સામે ખુલાસો કરવા પડે એવી નોબત ઊભી થઈ અને એને કારણે દાઉદ પર પણ તવાઈ આવી ગઈ.’

પપ્પુ ટક્લાએ નવી ફાઈવફાઈવફાઈવ સળગાવવા અને બ્લૅક લેબલનો નવો પેગ બનાવવા માટે નાનકડો બ્રેક લીધો અને પછી અમારી સામે જોઈને હસતાં-હસતાં મજાકના ટોનમાં બોલ્યો: “તમે તો પત્રકાર છો એટલે અખબારો વાંચતા હશો, પણ અંડરવર્લ્ડમાં હોય એ બધાને પણ ઘણી વાર ન્યૂઝપેપર્સ કે મેગેઝિન્સ મગાવવા પડે. પોતાના વિશે શું છપાયું છે એ વાંચવા માટે પણ!”

એ કમેન્ટ કરીને તેણે તરત જ અંડરવર્લ્ડકથા આગળ ધપાવી: “ન્યૂઝ લાઈન’ મેગેઝિનના સપ્ટેમ્બર, 2000ના ઈસ્યુમાં દાઉદ ઈબ્રાહિમ વિશે કવર સ્ટોરી છપાઈ અને એમાં કહેવાયું કે દાઉદ પાકિસ્તાનમાં જ છે એ પછી એ મૅગેઝિનના પત્રકાર ગુલામ હુસેન પર આઈએસઆઈના અધિકારીઓએ થર્ડ ડિગ્રી અજમાવીને અન્ય પાકિસ્તાની પત્રકારોને પણ ગર્ભિત ચેતવણી આપી દીધી હતી કે પાકિસ્તાનમાં દાઉદની હાજરી વિશે ઉલ્લેખ કરનારીની આવી જ બૂરી વલે થશે. પરંતુ, બીજી બાજુ આઈએસઆઈએ દાઉદ પર પણ ઘણાં નિયંત્રણો લાદી દીધાં. દાઉદને કેટલાક સમય માટે અજ્ઞાતવાસમાં રહેવાનો આદેશ આપી દેવાયો. ‘ન્યૂઝ લાઈન’ની કવર સ્ટોરીની નોંધ પાકિસ્તાની પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે પણ લીધી હતી.

આઈએસઆઈ દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિ માટે દાઉદ ઈબ્રાહિમનો ઉપયોગ હાથા તરીકે થતો હતો, પણ દાઉદ પાકિસ્તાનમાં નથી એવું પાકિસ્તાન સતત ગાઈ-વગાડીને આખી દુનિયાને કહેતું હતું. આઈએસઆઈ માટે દાઉદ સંઘરેલા સાપ સમાન હતો. દાઉદ પાકિસ્તાનમાં નથી એવું સાબિત કરવું પાકિસ્તાન માટે અત્યંત જરૂરી હતું. કારણ કે દાઉદને ભારતને હવાલે કરી દેવા માટે ભારક સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ થઈ રહ્યું હતું.

પાકિસ્તાન ભલે કહેતું રહ્યું હોય કે દાઉદ પાકિસ્તાનમાં નથી, પણ વાસ્તિવકતા એ હતી કે આઈએસઆઈએ 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના દોઢ વર્ષ અગાઉ દાઉદને પાકિસ્તાન નાગરિક બનાવી દીધો હતો. મુંબઈના બોમ્બ વિસ્ફોટ બાદ તો દાઉદના નજીકના સાથીદાર છોટા શકીલ અને ટાઈગર મેમણને પણ પાકિસ્તાની નાગરિક બનાવી દેવાયા હતા. મુંબઈમાં શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટો બાદ દાઉદ મુંબઈ છોડીને પાકિસ્તાન જતો રહ્યો હતો, અને કરાચી ડિફેન્સ કોલોનીમાં મહેલ જેવું નિવાસસ્થાન બનાવીને તે ઈકબાલ શેઠ ઉર્ફે આમિર સાહિબના નામથી રહેવા માંડ્યો હતો. એ પછી 2000માં તેણે ક્લિફટન વિસ્તારમાં ભવ્ય બંગલો બનાવ્યો હતો, જેમાં સ્વિમિગ પુલ, ટેનિસ કોર્ટ અને વિશાળ જિમ્નેશિયમ સહિત દુનિયાભરની સુવિધા ઉપલબ્ધ હતી.

મુંબઈના શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટ પછી દાઉદના ઘણા વિશ્વાસુ સાથીદારો અને બૉમ્બ વિસ્ફોટ કેસના મહત્વના આરોપીઓ (જેમાં છોટા શકીલ અને ટાઈગર મેમણ મુખ્ય હતા) પણ દુબઈ અને ભારતથી પાકિસ્તાન ભેગા થઈ ગયા હતા. તેમને પણ આઈએસઆઈએ પાકિસ્તાની પાસપોર્ટ બનાવડાવી આપ્યા હતા. છોટા શકીલે પાકિસ્તાનમાં હાજી મોહમ્મદના નામથી અને ટાઈગર મેમણે મહમદ જમિલ નામ ધારણ કરીને કરાચીમાં ધામા નાખ્યા હતા. આઈએસઆઈએ તેમને પણ અનેક દેશોના પાસપોર્ટ બનાવડાવી આપ્યા હતા.

પપ્પુ ટકલા કડકડાટ અંડરવર્લ્ડકથા કહી રહ્યો હતો ત્યાં અચાનક એના સેલફોનની રિંગ વાગી અને તેણે સ્ક્રીન પર ફલૅશ થયેલો નંબર જોઈને કહ્યું કે ‘આપણે અત્યારે છૂટા પડવું પડશે. . મારે કોઈને હમણાં જ મળવા જવું પડે એમ છે.’

હમણાં-હમણાં પપ્પુ ટકલાએ અડધી રાતે કોને મળવા દોડવું પડતું હશે એવો વિચાર અમને આવ્યો એ જ વખતે પોલીસ ઑફિસર ફ્રેન્ડે અમારી સામે જોયું અને ઈશારાથી જ કહ્યું કે આણે ફરી જાકુબીનો ધંધો શરૂ કરી દીધો છે.

અમે પપ્પુ ટકલાની વિદાય લઈને બહાર નીકલ્યા એ પછી પોલીસ ઑફિસર ફ્રેન્ડે કહ્યું કે ‘મેં તમને કહ્યું હતું કે પપ્પુ ટકલાના પર પોલીસની વોચ છે અને તેના બધા ફોન નંબર રેકોર્ડિંગમાં મૂકી દેવાયા છે! એ ફરીવાર અંડરવર્લ્ડનાં કળણમાં ખૂંપી રહ્યો છે!’

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED