પુસ્તક પરિચય
અવઢવ
લેખક: નીવારોઝીન મહેતા
અવઢવમાં છું....
૧૯૮૨નું વર્ષ હતું ,જ્યારે મારો પહેલો પરિચય થયેલો -નીવારોઝીન ક્લેમેંટ્ભાઈ મહેતા સાથે ! પરિચયતો ક્યાં? ખાલી ‘મળ્યાં દ્રષ્ટો- દ્ર્ષ્ટ’ ! પછીના દિવસોમાં એને વક્તા, નાટ્યકર્મી, ગાયક, વિધ્યાર્થી નેતા- પછી થી મિત્રની સખી, વાગ્દત્તા અને પત્ની- એવાં કેટકેટલાં રૂપે જોયેલી..પણ એનાં લેખિકા સ્વરૂપનો પરિચય હજુ તાજો છે.
ફેસબૂક પર રસપ્રદ પોસ્ટ લખે કે બ્લોગ પર બે- ચાર હ્રદયસ્પર્શી પ્રસંગો લખે તો હું વખાણ કરૂં પણ એને કાંઈ લેખક ન માનું. નીવાની મંજુ વાર્તા વાંચીને આંખમાંથી અશ્રુઓ સરી પડ્યાં અને એ જ વાર્તા એમારી પાસે એનો લેખક તરીકે સ્વીકાર પણ કરાવ્યો !
000
અવઢવ વિશે લખવા માટે હુ જ હજુ અવઢવમાં છું, પણ બાર એપીસોડની આ વાર્તાએ સામાન્ય વાચક તરીકે મને જે અસર કરી છે એ વાત વહેંચવાની ઈચ્છા છે.
શાળાજીવનથી માંડીને આજ દિન સુધી વક્ત્રુત્વ કે નિબંધ સ્પર્ધાઓમાં જ્યારે સુવાક્યો કે ચિંતનત્મક વાક્યો (ક્વોટેશન્સ) ની જરૂર પડે ત્યારે ગુજરાતીમા ગાંધી, વિનોબા સુધીના જ કામ લાગ્યા છે, મેં ક્યારેક ગુણવંત શાહને પણ ટાંક્યા છે. એ પછીના લેખકો-સાહિત્યકારો- ચિંતકો- પૈકી માત્ર એકાદને બાદ કરતાં કોઇની ક્રુતિમાં એક્દમ ‘ચોટડુક’ કહી શકાય એવાં ટૂંકાં અને અર્થસભર વાક્યો ભાગ્યેજ જોવા મળે છે ત્યારે નીવારોઝીનનાં બીજાં સર્જનોની જેમ અવઢવ પણ એવાં સંખ્યાબંધ વાક્યો ધરાવે છે જેને કોઈ આગળ પાછળના સંદર્ભ વગર એક સ્થાપિત સત્ય તરીકે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એવાં વિણેલાં મોતીમાંનાં કેટલાંક એટલે-
પરિવાર એક એવું બંધન છે એનાથી છૂટવાની ઈચ્છા કોઈ કદી ન કરે ….!!!મોટેભાગે કેટલીક યાદો લગોલગ ચાલતી હોય છે ..તો કેટલાક અફસોસો કાળક્રમે સળવળી લેતા હોય છે….ક્યારેક કેટલીક ઝંખનાઓ જાગૃત થતી હોય છે …તો વળી ક્યારેક કેટલીક કચડાઈ ગયેલી વસંતો પાછી ઉગી નીકળતી હોય છેજીવનમાં આગળ વધી જઈને પાછળ વળી બે વાર જોવાતું હોય છે … એક વાર પોતે કેટલે દુર આવી પહોચ્યા છે એ જોવા અને બીજી વાર પાછળ કોણ કોણ છૂટી ગયું છે …શું શું છૂટી ગયું છે એ જોવાશાંતિથી સાંભળનાર જલ્દી શીખે-સમજે છે.સ્મરણોની એક ખાસિયત છે …વણઝારની જેમ એક પછી એક આવ્યા જ કરે .છાના ખૂણે ત્રાટક્યા જ કરે .કહેવાય છે કે સંબંધો ચાર પ્રકારના હોય છે …સુખના સંબંધો , સુખદુઃખના સંબંધો , જીવતાના સંબંધો અને મરણ પછીના સંબંધો ….પણ કેટલાક વણકહ્યા સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે .લાગણીને બુરખો પહેરાવતા આવડી જાય પછી વ્યવહાર શરુ થાય છેતક ક્યારેય ખાલી નથી જતી એક જણ ચૂકે તો બીજો ઝડપી લે છે
આખી વાત સતત વર્તમાન અને ભૂતકાળ વચ્ચે લોલક્ની જેમ ઝુલતી રહે છે, પણ મઝાની વાત એ છે કે લેખકે એ લોલક્નો લય એટલો સુંદર રીતે જાળવ્યો છે કે, ક્યાંય વાચક્નો રસભંગ નથી થતો. હું લેખિકાને જે રીતે ઓળખું છું એ રીતે ,એ સંઘર્ષમાં ઉતર્યા વગર, વાદ-વિવાદમાં પડ્યા વગર ,પોતાની વાત સ્પષ્ટપણે જાહેર કરનાર અને અમલમાં મૂકનાર છે, કદાચ એટલે જ નૈતિક અને ત્વરાના પરિચય અને પુન: મુલાકાતની વાતને સમાંતર કેટલીક વાસ્તવિકતાઓ ગંભીરતાપૂર્વક બખૂબી મૂકી આપવામાં એ સફળ થયાં છે.
અમુક પ્રતિકોનો પણ એમણે ખૂબ સુંદર ઉપયોગ કર્યો છે. માથાના વાળ ઓળતી માતા-પુત્રીના સંવાદ્થી મનની મૂંઝવણને વાળની ગૂંચ સાથે સરખાવીને એમણે સચોટ નિશાન તાક્યું છે.
લોંગડ્રાઈવ પર નીકળીને નદી કિનારે ફરતાં પ્રેરક-ત્વરાનો સંવાદ કે ટીવીના ટોક શો ના એંકરનો મોનોલોગ –આ પરિસ્થિતિમાં મૂકાયેલાં પાત્રો માટે માનસશાસ્ત્રિય માર્ગદર્શનથી કમ નથી છતાં એ વાત એટલી કાબેલિયતથી મૂકાઈ છે કે ,કંટાળાજનક થવાની તમામ શક્યતાઓ વાળા પેરેગ્રાફ ઉલટાના નોંધપાત્ર બની રહ્યા છે.
આખી વાર્તા દરમિયાન પોતાનો સ્વભાવ, પ્રભાવ, માન્યતાઓ ,માનસિકતા – આ બધું ધીમેધીમે વાચક્ને ગળે ઉતરાવી દઈને લેખિકાએ એવી તો કમાલ રીતે અંત અધૂરો મૂકી દીધો છે કે ગમે તેવા વરણાગી વાચકને પણ અનૈતિક કશું વિચારવાની તક જ ન મળે . લેખક તરીકે તમે લખો છો એ તો તમારા અંકુશમાં છે જ, પણ જે નથી લખ્યું એના પર પણ તમારો કાબુ હોય એ મારી નજરે લેખક તરીકેની સૌથી મોટી સફળતા છે,.
0000