Camel books and stories free download online pdf in Gujarati

ઊંટ...

ઊંટ...........(વાર્તા).... દિનેશ પરમાર 'નજર' 99244 46502
------------------------------------------------------------------------------
અશ્રુ આપી અને સાંત્વન લઈ ગયો
મારા ઘરમાંથી મારું વતન લઈ ગયો
સુરમો આંજવાની કલા તો જુઓ,
આંખમાંથી એ સઘળા સ્વપન લઈ ગયો
-ગુલામ અબ્બાસ "નાશાદ '
-------------------------------------------------------------------------------

એસ. જી. હાઈવે ઉપર પકવાન ચાર રસ્તા થી ઈસ્કોન મંદિર તરફ આગળ જતાંજ જમણી તરફ નવી જ બનેલી થ્રી સ્ટાર હોટલનો રાત્રિમાં ચમક્તો "અંબર મહેલ" નો રંગીન લોગો, તેની આજુબાજુ ની રંગીન લાઈટો ના લબક-ઝબક થતાં ઝબકારા થી ધ્યાન ખેંચતો હતો.
શહેરની પ્રખ્યાત આઇ. ટી. કંપની "ગ્રીન ડેઝર્ટ" ના મનીષ બક્ષી ને આસિસ્ટન્ટ મેનેજર માંથી ડેપ્યુટી મેનેજર તરીકે પ્રમોશન મળતાં હોટલ "અંબર મહેલ "માં સેકન્ડ ફ્લોર પર આવેલા બેન્કેવેટ માં સાડાસાતે, ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.
સવા સાત થતાં જ લોકો ના આવવાની શરૂઆત થઈ ગઈ હતી.
બેંકવેટ ના પ્રવેશદ્વાર પાસે ઉભેલા મિસ્ટર એન્ડ મિસિસ બક્ષી આવનારા આમંત્રિતોને આવકારતાં હતાં.
સામે આમંત્રિતો પણ બુકેથી, ગિફ્ટ થી ઉસ્માભર્યા અભિનંદન પાઠવી દાખલ થતાં હતા. બેન્કેવેટમાં એ. સી. ની ગમતી ઠંડક માં આછી આછી ફેલાતી જતી રજનીગંધા સ્પ્રે ની ફ્રેગ્રરેન્સનો માદક આનંદ, દરેકના ચહેરા પર જણાઈ આવતો હતો. બેન્કેવેટ માં ધીમે ધીમે રેલાંતું પશ્ચિમી સંગીત, લોકો માણી રહ્યા હતા.
બરાબર સાડા સાતે કમ્પની ના બોસ શક્તિરાજ રાણા ની એન્ટ્રી થઈ. સંગીત સાંભળતાં સાંભળતાં વાતો કરતાં લોકો ઘડીભર ચૂપ થઈ ગયા.
શક્તિરાજ રાણા ના ખાસ આશીષ ચંદ્રમોંલી તરત સામે આવ્યા ને બૉસ ને દોરી ને એક તરફ ખુરશી આપી. હવે લગભગ બધા આવી ગયા હતા.
ચંદ્રમોંલી એ બધાની હાજરીમાં સ્વાગત પ્રવચન કર્યું ને મનીષ બક્ષી ને મળેલા પ્રમોશન ની શુભેચ્છા પાઠવી, પધારેલાં અતિથીઓ ને ભોજન શરૂ કરવા વિનંતી કરી.
***********
મનીષ બક્ષી ને, આશીષ ચંદ્રમોંલી બંને આસીસ્ટન્ટ મેનેજર હતા. બંને આ કંપનીમાં સાત વર્ષ પહેલાં સાથેજ જોડાયા હતા. મનીષ ને ખબર પડી કે તેમની ઈન્ટરનેશનલ કંપનીના અમેરિકા ખાતે બે વર્ષ પહેલા શરૂ થયેલા પ્રોજેક્ટ, પર કામ કરતા, ડેપ્યુટી મેનેજર શ્રી રામશરણ મિશ્રા આવતા મહિને સ્વૈચ્છિક નિવૃતી લઇ રહ્યા છે.
આ વાત ત્યાં કામ કરતી પ્રોજેક્ટ આસીસ્ટન્ટ મોનિકા સોની એ ખાનગીમાં ફોન કરીને મનીષ બક્ષી ને જણાવી હતી.
મોનિકા બે વર્ષ અગાઉ અમદાવાદમાં હેડ ઓફિસમાં જ હતી.
નવી નવી આ કંપની માં જોડાયેલ મોનિકા, મનીષ બક્ષીની પર્સનાલીટી થી ત્થા સતત મોડી સાંજ સુધી ઓફીસ કામ થી સાથે રેહવાનું થતા તે મનીષ બક્ષી તરફ આકર્ષિત થઈ હતી.
મનીષ બક્ષી પરણિત હોવા ઉપરાંત તેની પત્ની સુંદર હોવા છતાં તે પણ સતત મોનિકા જોડે રેહવાને કારણે તેની તરફ ખેંચાયો હતો. હજુ તેઓ આગળ વધે તે પેહલા જ આ કંપની ને અમેરીકા ના બોસ્ટન શહેરમાં પાંચ વર્ષ નો મોટો પ્રોજેક્ટ મળતાં જ કંપની તરફ થી મોસ્ટ સિનિયર અને અનુભવી શ્રી રામશરણ મિશ્રાને ત્થા તેમની મદદ મા મોનિકા ને મોકલવામાં આવ્યા. મોનિકા બે દિવસે એકવાર મનીષ બક્ષીને ફોન કરીને ક્યાંય સુધી પ્રેમની વાતો કરતી. પ્રોજેક્ટ પાંચ વર્ષ ચાલવાનો હતો. પરંતુ શ્રી રામશરણ મિશ્રા નિવૃત્ત થતાં હતાં ને આ અગત્ય ના પ્રોજેક્ટ પર, ડેપ્યુટી મેનેજર કક્ષાના અન્ય વ્યક્તિ ને મૂકવાના થાય.
આ માટે કંપનીમાં બે વ્યક્તિ જ એલિજિબલ હતી, મનીષ બક્ષી ને આશીષ ચંદ્રમોંલી, આ બે માંથી એક ને પ્રમોસન આપી બોસ્ટન મોકલવા પડે. મનિષ જાણતો હતો કે આશિષ, કંપની ના મેઈન કર્તાહર્તા શ્રી શક્તિરાજ રાણા નો ખાસ છે.
જો તેને પ્રમોશન મળે તો પોતાની બોસ્ટન જવાની તક છીનવાઈ જશે. એનાથી પણ વિશેષ મોનિકા ના સતત સહવાસ ને પ્રેમ કરવાની તક છીનવાઈ જશે?
આ વિચારે તે વ્યાકુળ થઈ ગયો. અને પોતાની મનસા ને અંજામ આપવા એક શેતાની વિચાર તેના દિમાગ માં આવ્યો.
***************
રાત્રે તે પથારી માં પડખાં ઘસતો હતો ને આકુળ વ્યાકુળ થઈ ઉઠતો ને રસોડા માં જતો, પાણી પીને પરત આવી પાછો સૂવાનો પ્રયત્ન કરતા પડખા ઘસતો...
તેની પત્ની પણ આ પ્રકાર ની વર્તણૂક જોઈ ગભરાઈને પથારી માં બેઠી થઈ ગઈ ને બોલી, " કેમ? તબિયત નથી સારી?"
"ના.. ના.. કાંઈ નથી.."
પરંતું બીજે દિવસે પણ, રાત્રે સુતા સમયે એજ રીતની ચેસ્ટા.. ..જોઇ તેની પત્ની એ આજે પણ પુછ્યું "તમને કોઈ તકલીફ છે? કાલે રાત્રે પણ તમે ટેન્શન માં હતા? આજે પણ તમે ઠીક નથી લાગતા?"
મનીષે લાગ જોઈ વાત ખોલી, "જો ચારુ, હું વિચાર તો હતો કે તને ક્યાં ટેન્શન આપું, પણ વાત એમ છે કે, મારી કંપની માં એક જુના અધિકારી નિવૃત્ત થઈ રહ્યા છે. તે જગ્યાએ મને પ્રમોશન મળે તેમ છે પરંતુ મારી સાથે કંપનીમાં આશીષ ચંદ્રમોંલી છે તેને તુ ઓળખે છે. તે મારા બોસનો ચમચો છે, તેથી તે બૉસ ને મસ્કા મારીને પ્રમોસન લઈ લેસે. આ પ્રમોસન મળે તો મારે થોડો સમય અમેરિકા, બોસ્ટન માં રેહવુ પડે પરંતુ મારો પગાર ઘણો વધી જાય ને આપણું ભવિષ્ય સુધરી જાય. "
" તમારી વાત સાચી છે પણ તમને જ પ્રમોસન મળે તેવો કોઇ ઉપાય નથી? " ભોળા ભાવે ચારુ બોલી.
અચકાતા અચકાતા મનીષ બોલ્યો," ઉપાય તો છે, પણ જરા મુશ્કેલ છે. મારો બૉસ આમ તો કોઈ ની વાત માને તેમ નથી પણ.. કોઈ છોકરી કે સ્ત્રી જઈ ને વાત મુકે તો તે માની જાય છે."
" હા તો એમાં શું?, તમને વાંધો ના હોય તો હું જઈને વાત કરું?"
"મારા મળવાથી, તમને જો પ્રમોશન મળતું હોય તો હું તમારા બૉસ ને મળી આવું? "પ્રશ્નાર્થ ચહેરે ચારુ જોઈ રહી.
" સારું તું એકવાર પ્રયત્ન કરી જો " મનીષ બનાવટી ભાવ સાથે બોલ્યો, ને આગળ કહ્યું," તું ઘરે ના જતી, પરંતુ મારો બૉસ ઑફિસ માં એકલો મોડે સુધી કામ કરતો હોય છે, કાલે ઑફિસ નો સ્ટાફ જાય પછી તું, લગભગ સાડા સાતે આવજે. હું તારી ઓળખાણ કરાવી બહાર જાઉં પછી તું વાત કરજે"
*******************
એ જે હોય તે પણ પોતાના પતિની ખુશી માટે તે દિવસે બૉસ ની ચેમ્બરમાં ચારુ એ જે કઈં કર્યું... તે ચારુ જાણે ને બૉસ જાણે..
પણ...
તે પછી બે જ દિવસમાં મનીષબક્ષી નો ડેપ્યુટી મેનેજર તરીકે નો પ્રમોશન નો હુકમ થયેલો. મનીષબક્ષી ખુબજ ખુશ હતો.
અને તેના પ્રમોશનના માનમાં આજે આ સાંજની ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.
આશીષ ચંદ્રમોંલીએ પધારેલા અતિથિઓને જમવાનું શરૂ કરવા આમંત્રણ આપતા ધીરે ધીરે લોકો બુફે કાઉન્ટર તરફ જવા લાગ્યા. લોકો સ્ટાટરમાં સુપ ને મનચૂંરીયન લઈ એક તરફ જઈ ચુસ્કી લેતા વાતો કરવા લાગ્યા.
મનીષ પોતાના સ્ટાફ સાથે હસી હસી ને વાતો કરી રહ્યો હતો. તેની પત્ની પણ આવેલા સ્ટાફના પત્નીઓ ને બેહનો સાથે વાતો કરતા કરતા એક બાજુ ગઈ.
ત્યાં ગુસપુસ કરતા લોકો ની વાત સાંભળીને અટકી ને ખૂણા માં ઉભી રહી ગઈ. વાતો કરનારા પોતાની વાતમાં લીન હતાં. તેમને ખબર નહોતી કે મનિષ ની પત્ની તેમની બાજુમાંજ પીઠ ફેરવી વાત સાંભળતી હતી.
"ખરેખર મારો બેટૉ હોશિયાર તો ખરો, આશીષ ચંદ્રમોંલી સાહેબ નો ખાસ હોવા છતાં અને તે પણ પ્રમોશન માટે એલિજિબલ હોવા છતાં મનિષ બક્ષીએ સાહેબ શક્તિરાજ રાણા પર શું જાદુ કર્યો કે પ્રમોશન મેળવી લીધું... અને બીજી ખાસ વાત એ કે તમને બધા ને યાદ હશે કે બે વર્ષ પહેલા આપણી કંપનીમાં જોઈન થયેલી પેલી મોનિકા ને આ મનીષ ને લફડું હતું તે મોનિકા અત્યારે અમેરિકા બોસ્ટનમાં છે, એટલે મનીષયો તો બેઉ રીતે ફાવી ગયો..
પ્રમોશન ને પ્રેમિકા... "
ને તેઓ બધા અંદરોઅંદર ખી ખી કરવા લાગ્યા.
ચારુ ને આ સાંભળી ને ધરતી પગ નીચેથી સરકતી લાગી. તેના હાથપગ માં અકળ ધ્રૂજારી થવા લાગી, તેને લાગ્યુ કે તે પડી જશે.
તે એક બાજુ થોડી ડિમલાઇટ વાળા ખૂણામાં સરકી પડદો પકડી ઉભી રહી. અચાનક ચારુ નું ધ્યાન બેન્કવેટ માં સામેની દિવાલ તરફ ગયું.
સજ્જડ કિલ્લેબંદી વાળા દુશ્મન ના રાજ્યની અંદર પ્રવેશી યુધ્ધ જીતવા માટે, તેના લોખંડ ના ખીલાઓ મઢેલા તોતિંગ દરવાજાને તોડવો જરૂરી હોઈ, ભાલા ની અણીઓ જેવા મજબુત ખીલાઓ મઢેલા દરવાજાને તોડવા હાથીઓ દોડાવી તેનું માથું દરવાજે પછડાવતાં, પરંતુ હાથીને ખીલા વાગે નહીં અને દરવાજો તૂટી જાય, એટલે દરવાજા પાસે ઊંટ ઉભું રાખવામાં આવતું.આ રીતે ઊંટ નો ભોગ આપી કિલ્લો જીતવામાં આવતો તે પ્રકારનું અદ્ભુત તૈલ ચિત્ર બેન્કવેટ માં સામેની દિવાલમાં શોભતું હતું.
બેન્કેવેટ માં મેહમાનોની ભીડની વચ્ચે, મનીષને પ્રમોસનના વિજયની ખુશી સાથે ખડખડાટ હસતો જોઈ....
રાજસ્થાની શૈલીના આ પેઇન્ટિંગ સામે જોતા, ચારુનું ધ્યાન આ પેઇન્ટિંગ માં રહેલા ઊંટ તરફ જતાંની સાથે જ, તેને અંધારા આવી ગયા તે ઉભી ના રહી શકતા, બાજુની ખુરશી માં ધબ દઈ ને બેસી ગઈ..........
************************************************
દિનેશ પરમાર 'નજર'








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED