પ્રકરણ – 25
“પણ હજી રામાયણ પતી નથી.” વિનયકાકાએ કહ્યું- “આતંકવાદીઓ હજી ભમરાહમાં જ છે.”
“પણ એ લોકોને ભમરાહમાં અહીંતહીં રખડતા જોઈને ભમરાહવાસીઓને નવાઈ નથી લાગતી?” મેં પૂછ્યું.
“બુલકુલ નહિ!” વિનયકાકાએ જવાબ વાળ્યો- “અમરકંટક આ જિલ્લામાં છે. શહડોલ જિલ્લો જંગલ, પર્વતો અને નદીઓનો જિલ્લો છે. અહીં પુષ્કળ લોકો સહેલાણી તરીકે આવે છે. ઘણાં ફોરેનર્સ પણ ફરતાં ફરતાં ભમરાહમાં આવી ચડે છે. એટલે ભમરાહવાસીઓને નવાઈ નથી લાગતી કે એક ચીની બાઈ આપણા ગામમાં આવી છે.”
વશિષ્ઠકુમારે પ્રસંશનીય કામ કર્યું છે એમ કહેવાનું મને મન થઈ આવ્યું પણ ન બોલ્યો. વૈદેહી એના પપ્પાની વાત મારી સમક્ષ રજૂ કરતી વખતે અને વનિતાબેન તરંગ બની ગયા એ વાત વિનયકાકાના મુખે સાંભળતી વખતે, એમ બે વખત રડી ચૂકી છે. હવે વારંવાર તેને એ યાદ નથી દેવડાવવું કે અનાથ બની ચૂકી છે. અલબત્ત, વિનયકાકા તેને દીકરી જ સમજે છે. સાથે જ ખુશીની વાત એ છે કે વીણામાસી મર્યાં નથી! મેં પૂછ્યું-
“વીણામાસી અત્યારે ક્યાં છે?”
“તને જગ્યા વિશે જણાવું.” વિનયકાકાએ કહ્યું- “મેં તને એ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ તેમનાં ટેમ્પરરી રહેઠાણ માટે નદીકિનારે એક ઝૂંપડી બનાવી છે. ભમરાહ આવવા માટેનો જે પુલ નદી પર છે, ત્યાંથી નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં કિનારે કિનારે ચાલીએ તો એ ઝૂંપડી સુધી પહોંચાય. પરંતુ, નદી ઓળંગીને સામે કાંઠે જઈએ અને પ્રવાહની દિશામાં કિનારે કિનારે ચાલીએ તો બીજી એક ઝૂંપડી આએ, જે અવની અને ડૉ.પાઠકનું કામચલાઉ રહેઠાણ છે. વીણાને ત્યાં રાખી છે.”
“બરાબર!” મેં મહત્વનો પ્રશ્ન કર્યો- “હવે આપણે શું કરવાનું છે?”
“એકેએકને પતાવી દેવાના છે.” વૈદેહી બોલી.
“એવું ન કરાય.” મારાથી બોલાઈ ગયું.
“કેમ ન કરાય?”
“આપણે હત્યારા નથી બનવું.”
“ઓહોહો! ને હું માબાપ વિનાની થઈ ગઈ એનું શું?”
“કૂતરું તને કરડે તો તું કૂતરાંને કરડવા જાય છે?”
“ચૂઊઊઊપ!” ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલી વૈદેહી તાડૂકી રહી છે- “મારે તારા ઉપદેશ નથી સાંભળવા, વેદ!”
“વૈદેહી…” મેં શાંત સ્વરે કહ્યું- “તું શાંતિથી વિચાર કર!”
“મારો નિર્ણય પાક્કો છે, વેદ!” તે શાંતિથી બોલી- “આજે ૧લી ડિસેમ્બર છે. પાંચમી ડિસેમ્બરે પપ્પાએ એમની શોધ રજૂ કરવાની હતી. તેઓ વિશ્વપ્રસિદ્ધ થવાના હતા. આ આતંકવાદીઓએ બધું જ બરબાદ કરી નાખ્યું.” ને અચાનક જ તે ગરમ અવાજે બોલવા લાગી- “ને તારી વૃંદા…. જો એ જીવતી હશે ને તો હું સૌથી પહેલાં એને જ પતાવીશ. એક નંબરની નાલાયક છે એ. એના લીધે જ તો આ બધું થયું. એણે જ તો સૌથી પહેલાં આ શોધની વાત સાંભળી હતી. એણે જ તો બધું પેલી ચાઈનીઝને જણાવ્યું. એના કારણે જ મારા પપ્પા મર્યા છે. આ બધું જ એના કારણે થયું છે. એને તો હું જીવતી નહિ જ રહેવા દઉં. વૃંદા, કૃપા, શ્રેયા, શિવાની, મૅર્વિના…. કેટલાં રૂપ બદલે છે! લુચ્ચી છે એ! હરામી છે એક નંબરની!”
“આવું બધું ન બોલાય, બેટા!” વિનયકાકાએ કહ્યું.
“કેમ ન બોલાય, કાકા? એણે જ તો આ ખેલ શરૂ કર્યો હતો.”
“વૃંદા હવે પહેલાં જેવી નથી રહી.” મેં કહ્યું- “એ સુધરી ગઈ છે.”
“હા, બહુ ડાહી થઈ ગઈ હશે!” એ બોલ્યે જ જાય છે- “પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે સાધ્વી બની ગઈ હશે!”
“જો એ જીવતી હોય તો એને સુધરવાનો મોકો આપવો જોઈએ.” મેં કહ્યું- “એને સારી રીતે જીવવાનો અવસર આપવો જોઈએ.”
“એ સુધરી જાય એથી મને શું? મારા પપ્પા જીવતાં થઈ જશે?”
“એને મારવાથી તારા પપ્પા જીવતાં થઈ જશે? તું સમજ!”
“બધું સમજાય છે મને! બહુ પ્રેમ કરે છે તું એને! એટલે જ તો એનો બચાવ કરે છે!”
“હું તો ગુઆન-યીનની હત્યાનો પણ વિરોધ કરું છું. હા, એ લોકો આપણને મારવા આવે ત્યારે આપણે પોતાનો બચાવ કરીએ એ વાત અલગ છે. પ્રયોગશાળામાં તેં મારા પર હુમલો કર્યો ત્યારે મેં પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ વખતે મારો હેતુ કોઈનો જીવ લેવાનો નહિ, પોતાનો જીવ બચાવવાનો હતો. હિંસા અને સ્વરક્ષણમાં બહુ ફેર છે.”
તે ચૂપ રહી. મેં શાંત સ્વરે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો-
“આતંકવાદીઓ જેને ને તેને મારી નાખે છે એટલે જ તો આપણે તેમને ‘આતંકવાદી’ કહીએ છીએ. હવે સામે આપણે એ લોકોને મારી નાખીએ તો એમનામાં અને આપણામાં શું ફરક? સામસામે મારામારી કરવાથી આતંકવાદ ક્યારેય દૂર નહિ થાય. બંને પક્ષે ક્રમશઃ વેર વધ્યે રાખશે અને વધુ લડાઈઓ થશે, વધુ ને વધુ લોકો મરશે. એ વેરની આગમાં નવા નવા આતંકવાદીઓ પેદા થયે રાખશે. ક્યારેય અંત આવશે આનો? હવે મને એ સમજાય છે કે એ લોકોને પણ સુખ જ જોઈએ છે. તેમને લાગે છે કે આ વિશ્વ બરાબર નથી ચાલી રહ્યું. એને બદલવા માટે તેઓ હિંસક પ્રવૃત્તિઓ કરે છે. એ શોષિત લોકો છે. સમાજમાં એમનું શોષણ થયેલું છે. એટલે એ લોકો બળવો કરી રહ્યા છે. સમાજે તેમનું સન્માન નથી જાળવ્યું, તેમને કોઈ મહત્વ નથી આપ્યું અને ઉપરથી શોષણ કર્યું છે એટલે એ લોકો આતંકવાદને પોતાની વાત રજૂ કરવાનો યોગ્ય રસ્તો માનવા લાગ્યા છે અથવા તો અમુક કિસ્સાઓમાં બાળપણથી જ આતંકવાદી મનોવૃત્તિ સંસ્કારરૂપે અપાય છે. જ્યારે આપણે એમના માણસોની હત્યા કરીએ છીએ ત્યારે તેમનો એ ભ્રમ દ્રઢ થાય છે કે મારામારીની ભાષામાં જ વાત થઈ શકશે. આપણે એ નથી જોતા કે એ લોકો પણ અંતે તો માનવ જ છે. આપણે તેઓને આપણથી ‘અલગ’ જ માનીએ છીએ. જરા વધુ ધ્યાન આપવાથી મને એ પણ સ્પષ્ટ થયું છે કે સમાજમા વ્પાયેલી અવ્યવસ્થાઓને પરિણામે અમુક લોકો આતંકવાદી પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. તો, એ સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અને એ વ્યવ્સ્થામાં એ લોકોને પણ સમાવિષ્ટ કરવા એ સમાજની જવાબદારી છે. આતંકવાદ મિલિટરીથી દૂર નહિ થાય, એ કામ સમાજનું છે…. સમાજ એટલે આપણે! એ કામ આપણું છે! સમજાય છે તને?”
“એકદમ સાચું કહ્યું તેં, બેટા!” વિનયકાકાએ કહ્યું- “વૈદેહી, વેદની વાત સમજવા જેવી છે. હું તને અલગ દ્રષ્ટિકોણથી સમજાવું. O.D.I. બહુ મોટું અને ખતરનાક સંગઠન છે તેં અવનીના મોઢે સાંભળ્યું છે. એ સંગઠનના ચાર જ માણસોને આપણે જોયા છે. સંગઠનમાં કુલ કેટલાં આતંકવાદીઓ છે અને એ લોકો કેટલી હદે ક્રૂર છે આપણને ખબર છે? તું જે કરવાનું કહી રહી છે એ કંઈ આ ચાર સામે લડાવનું કામ નથી, આખાય O.D.I.ની દુશ્મનાવટ વ્હોરી લેવાનું કામ છે એ. કોને કોને મારીશ? ક્યાં સુધી લડીશ? ક્યાં સુધી લપાઈ-છૂપાઈને જીવીશ? આખીય જિંદગી આમાં જ વેડફી નાખીશ?”
જરા અટકીને વિનયકાકા બોલ્યા-
“હું વેદની વાત સાથે સંપૂર્ણ સહમત છું. જો વૃંદા જીવતી હોય તો તેને મારી દીકરી તરીકે સ્વીકારવા હું તૈયાર છું”
તેઓ આ વાક્ય બોલ્યાં કે તરત જ હું ઉછળીને તેમને ભેટી પડ્યો. બોલ્યો-
“કાકા, ખૂબ જ ઉમદા માણસ જો તમે!”
“તું પણ મજાનો છોકરો છે, બેટા!” તેઓ મને બાથ ભીડીને બોલ્યા.
અમે છૂટા પડ્યા.
“તમારે કોઈએ મારો સાથ ન આપવો હોય તો કંઈ વાંધો નહિ!” વૈદેહી હજી વરાળ કાઢતી હતી- “હું એકલી લડીશ.”
“અરે, વૈદેહી…” વિનયકાકા બોલ્યા.
“બસ, કાકા! તમારો નિર્ણય મેં સાંભળી લીધો છે!”
“અચ્છા! તો તું મારી, તારા કાકાની દીકરીને મારી નાખવાની વાત કરે છે?”
“મારે કોઈની સાથે ચર્ચા જ નથી કરવી!” તે ચીડાઈને બોલી- “વેદ, તેં અમને જે કંઈ મદદ કરી એ બદલ આભાર. તું હવે તારા ઘરે જા!”
“હા કાકા, હું નીકળું!” મેં વૈદેહી સામે જોઈને કહ્યું- “આમેય આવા સુપર હ્યુમનને આપણા જેવા સિમ્પલ હ્યુમનની શું ગરજ હોય?”
“તું…. મારે વાત જ નથી કરવી!” કહીને વૈદેહી ગાયબ થઈ ગઈ.
“વેદ, હું વૈદેહીને સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ.” વિનયકાકાએ કહ્યું- “હવે તારે ઘરે જવું જોઈએ, બેટા. તારા માબાપ તારી રાહ જોતાં હશે. અમારા માટે થઈને તેં ખૂબ જોખમ ઉઠાવ્યું.”
અમે ફરી ભેટ્યા. છૂટા પડીને મેં કહ્યું-
“મારે વૃંદાની તપાસ કરવાની છે, કાકા.”
“પણ આતંકવાદીઓ હજી ભમરાહમાં જ છે. કદાચ, આ સમયે તેઓ સક્રિય નહિ હોય. અજવાળું થતાં પહેલાં તું અહીંથી નીકળી જાય તો સારું.”
“તમે શું કરશો?”
“મારે પ્રયોગશાળામાં જવું છે. વૈદેહી શોધ અંગેની તમામ નિશાનીઓ નષ્ટ કરી દેવાની છે. પછી હું પણ વીણાને લઈને નીકળીશ. વૈદેહી તો પળવારમાં અમદાવાદ પહોંચી શકે તેમ છે!”
“આપણે સાથે જ જઈએ.” મેં કહ્યું- “તમારે પણ અમદાવાદ જ જવું છે ને?”
“હા, પણ…” વિનયકાકા જરા હસીને બોલ્યા- “અવનીની રજા વિના કંઈ થાય તેમ નથી!”
“એમ કરીએ…” મેં કહ્યું- “હું અવની પાસે જઉં અને તમે પ્રયોગશાળામામ જાઓ. તમે પ્રયોગશાળાનું કામ પતાવો અને હું અવનીનું આગળનું આયોજન જાણીને પાછો આવું. જો હવે આપણે ઘરે જ જવાનું હોય તો વીણામાસીને અહીં લેતો આવું.”
“બરાબર છે!”
અમે ઊભા થયા. વિનયકાકા પ્રયોગશાળા તરફ ચાલ્યા અને હું દરવાજા તરફ. દરવાજો ખોલીને બહાર આવ્યો…. સખત ઠંડી છે! મેં અત્યારે કામળો પણ નથી ઓઢેલો. હજી અંધારું પથરાયેલું છે. ચંદ્ર આથમી ગયો છે. તારલાંઓ ટમટમી રહ્યા છે.
ખરેખર તો હું વૃંદાની તપાસ કરવા માટે જ જઈ રહ્યો છું. અવનીએ મૅર્વિનાને વૃંદામાં પરિમાર્જિત કરવાનું જે કામ કર્યું એ ખરેખર વંદનીય છે. મને એ વાતનું ગૌરવ છે કે એમાં હું નિમિત્ત બન્યો. મારી જવાબદારી યોગ્ય રીતે નિભાવ્યાની તૃપ્તિ અનુભવું છું. વૃંદા સાથેના મારા ભવિષ્યની કલ્પના માત્રથી હું પ્રફૂલ્લિત થઈ જાઉં છું. મારો એક એક વિચાર ઝૂમી ઉઠે છે. ‘મિશન મૅર્વિના’ અને ‘એન્ટી-મૅર્વિના ઓપરૅશન’ વિશે મને રતિભાર જાણકારી પણ નથી. એથી અવની વૃંદાને મારે કે ન મારે એ વિશે હું અનુમાન નથી લગાવી શકતો. હું આશા રાખું છું કે અત્યારે મને અવની મળે અને હું તેને જ વૃંદા વિશે પૂછી લઉં.
રોયલ ચોકડીએ પહોંચ્યો. અહીંથી ડાબે, પુલ તરફ વળ્યો.
‘વેદ-વૃંદા’ એટલે ‘કૃષ્ણ-રાધા’…. વાહ અવની, વાહ!
વૃંદાની તર્કશક્તિના સ્વયં અવની વખાણ કરે છે! જો વૃંદા સાચી દિશામાં વિચારવા લાગે તો તે કેટલી સમજદાર બની જશે! અમે બંને સાથે સમજણની યાત્રા ખેડીશું. અમે એકબીજાને ઉપયોગી અને પૂરક બની શકીશું… અમે એકબીજાનાં બની શકીશું! અમે સાથે મળીને સુખમય જીવન જીવી શકીશું. અમે સમાજ માટે કંઈક સાર્થક કરી શકીશું.
પણ… વૃંદા હારી ગઈ હશે અને મૅર્વિના જીતી ગઈ હશે તો? તે આ દુનિયાને ગંદી-ગોબરી, કચરાપેટી જેવી, ઉકરડા જેવી, જાતભાતની યાતનાઓથી તરફડતાં ભૂંડા માનવોથી ખદબદતી, બખડજંતર અને અશુભ તરફ ગતિ પામી રહેલી માનતી હશે તો? ક્યારેય રડવું ન પડે એ માટે હસતી નહિ હોય તો? એ ગુઆન-યીનની સૂચનાઓ પાળતી હશે તો?
જે હોય તે…. એ જીવતી હોવી જોઈએ….
હા, વૈદેહી સાથે હમણા જે ચર્ચા થઈ તે દરમિયાન હું જોઈ શક્યો છું કે મારી સમજણ વિકસી છે. ફક્ત આતંકવાદ બાબતે જ નહિ, માનવીય સમાજ અને સર્વશુભ અંગેની સમજણ વધુ સ્પષ્ટ થઈ છે. હા, રૂપા અને ભાભી સાથે થયેલો સંવાદ ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે. મારે હજી ઘણું સમજવાનું છે, જીવવાનું છે. જીવવામાં ન આવે તો સમજણનો શું અર્થ?
પુલ પર ચડી રહ્યો છું. સાવ આછા અજવાળામાં એવું લાગ્યું કે સામેથી કોઈક આવી રહ્યું છે. મને ભ્રમ થઈ રહ્યો છે? ના, ખરેખર કોઈક આવી રહ્યું છે. બંનેની ચાલવાની ગતિ ધીમી પડી. આ અંધકારમાં તેનો શ્વેત ચહેરો ચંદ્રમા સમો લાગી રહ્યો છે. એ વ્યક્તિ મારી નજીક આવી રહી છે અને હું પણ તેની તરફ ચાલી રહ્યો છું. અમે સામસામે આવી ગયા. ઊભા રહી ગયા છીએ. અંધારામાં પણ અમે એકમેકને ઓળખ્યા.
“વેદ…” તે બોલી.
હું તેની સામે જોઈ રહ્યો. સહેજ પણ કલ્પના નહોતી કે આ રીતે, આ સમયે, આ જગ્યાએ અમારી મુલાકાત ફરીથી થશે. બે ઘડી અમે એમ જ ઊભા રહ્યા. હવે શું કરવું એ મને તો નથી સૂઝતું.
હું બેસી પડ્યો. પીઠ પરનો ઘા દબાણમાં ન આવે તે રીતે પુલની રેલિંગને ટેકો દઈને, ઢીંચણ છાતી જેટલી ઉંચાઈએ રહે તે રીતે પગ વાળેલા રાખીને, બંને હાથ ઢીંચણ પર ટેકવીને હું બેઠો. સ્તબ્ધ બનીને બેઠો છું. તે મારી બાજુમાં, મારી જ ‘સ્ટાઈલ’માં બેઠી!
ઉપર વિશાળ આભમાં તારોડિયાં ઝબૂકી રહ્યાં છે, નીચે નિર્મળ અને શીતળ જળની ધારા ખળખળ વહી રહી છે અને વચ્ચે આ પુલ પર હું બેઠો છું… સ્તબ્ધ બનીને... કેમ કે મારી બાજુમાં એ બેઠી છે… બોલી-
“ની હાઓ મા… વેદ… ધ ગ્રેટ ફૅલો… ધ એન્જલ…. ”
હા, દયાની દેવી મારી બાજુમાં બેઠી છે….. સાક્ષાત્!
ગઈ કાલે તેણે વૃંદાને સખત માર માર્યો હતો અને મને પણ જડબા પર જોરથી લાકડી ઠોકી હતી, જડબુ હજી દુઃખે છે. પ્રયોગશાળામાં વૈદેહીએ પગથિયા પરથી જ ધક્કો માર્યો હતો. એ વખતે ડાબા હાથની આંગળી મચકોડાઈ ગઈ હતી અને હોઠ ચીરાયો હતો. પીઠમાં તૂટેલી ટૉર્ચનું અણીદાર પ્લાસ્ટિક ભોંકાયું હતું. આ બધા ઘા અમુક કલાકો પહેલાનાં જ છે અને હજી પીડા આપી રહ્યા છે... અને આ બાજુમાં બેઠી છે….
આતંકવાદ સુખનો સાચો રસ્તો નથી એ વાત ગુઆન-યીનને કઈ રીતે સમજાવી?
“ડોન્ટ યુ વોન્ટ ટુ કીલ મી?” તેણે મારી સામે જોયા વિના પૂછ્યું.
“નો.”
“ઓહ! યુ આર અ ગ્રેટ મેન… રીઅલી!” તેણે હસતાં ચહેરે મારી સામે જોયું અને બોલી- “એન્ડ ગ્રેટ સ્ટુપિડ!”
હું ચૂપ રહ્યો. તેના પરથી નજર ખસેડીને સામેની રેલિંગ પર ટેકવી. શું કરું? હું અહીંથી ભાગીશ તો પણ આ ચાઈનીઝ મને પકડી પાડશે. કદાચ, તે મને ‘શૂટ’ પણ કરી દે. આની સામે લડીને, તેને પરાસ્ત કરીને અહીંથી વિજયી પ્રયાણ કરવાની શક્તિ મારામાં નથી. વળી, હું ઘવાયેલો છું. તે બોલી-
“બટ આઈ એમ સ્યોર.”
“ફોર વોટ?”
“અબાઉટ માય વીલ…”
“વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ?”
“હંમ્મ્મ્..” આકાશમાં કોઈક તારલા સામે તાકીને તે બોલી- “આઈ જસ્ટ વોન્ટ ટુ કીલ યુ.”
હું આપાદમસ્તક થથરી ગયો.
તે એમ જ ઉંચે જોઈ રહી અને બોલતી રહી-
“આઈ વોન્ટ ટુ કીલ યુ. બિકોઝ આઈ હેવ ટુ કીલ યુ એન્ડ આઈ વીલ કીલ યુ…. વેદ… ધ એન્જલ….”
તે અંગ્રેજીમાં બોલતી રહી-
“અમારે હાર સ્વીકારવી પડી છે. આ મિશન અમને ખૂબ મોંઘું પડ્યું છે. અમે સફળ તો ન થયા ને ઉપરથી મૅર્વિના ગુમાવી. અમને સામાન્ય માણસો માત આપી ગયા છે. પેલા બંને વિજ્ઞાનીઓ અને તું અમ-”
“મેં મૅર્વિનાને નથી મારી.” મેં કહ્યું.
“તો કોણે મારી? મેં?”
“મને નથી ખબર.”
“એ જ્યારે મરી ત્યારે તારા સિવાય કોઈ નહોતું એની પાસે. હવે એમ ન કહેતો કે એણે આત્મહત્યા કરી છે.”
મને એ સ્પષ્ટ છે કે મારે ગમે તેવા સંજોગોમાં અવનીનું નામ નથી લેવાનું. હું ચૂપ રહ્યો. તે બોલી-
“અમે તને મારી નાખવાના હતા, વેદ. પણ અત્યાર સુધી તું જીવતો કેમ છે, ખબર છે? મૅવિનાના કારણે. મારે શું કરવું અને શું નહિ એ બાબતમાં મૅર્વિનાને એક અક્ષર પણ બોલવાનો ન હોય. તને મારવાની વાત જ્યારે નીકળી ત્યારે એ વચ્ચે બોલી. અમારા મનમાં એ સમયે વૈદેહીને શોધવા માટેના ઘણાં પ્રશ્નો હતાં એટલે અમે એની એ ભૂલ તરફ ધ્યાન ન આપ્યું. એણે કહ્યું હતું, ‘વેદ ભમરાહમાં આવ્યો છે એ એના મમ્મી-પપ્પાને ખબર છે. જો વેદ જીવતો પાછો નહિ જાય તો તેના માતાપિતા પોલીસમાં ફરિયાદ નોંધાવશે અને ભમરાહમાં તપાસ થશે. આખુંય ભમરાહ આપણને સૌને દીઠે ઓળખે છે. આપણા દેખાવના ચિત્રો તૈયાર થશે અને ભૂખ્યા કૂતરાઓ આપણી પાછળ પડે તેમ કેટલીય જાતજાતની ટુકડીઓ આપણને શોધશે. આપણા માથે આફત આવી પડશે, જો વેદ મરશે તો.’ એની એ વાત યોગ્ય છે કે કેમ એ વિચારવાનો અમારી પાસે સમય નહોતો. અમે તેની વાત માની લીધી. એટલે તું હજી સુધી જીવતો છે. પણ વેદ, તેં જ એને મારી નાખી. કેટલો નાલાયક છે તું!”
“અમે ભમરાહ છોડી રહ્યા છીએ, વેદ. પંદર જ મિનિટમાં અમે અહીંથી રવાના થવાના છીએ. સારું થયું કે તું મને મળી ગયો. જતાં જતાં એક સારું કામ કરી લઉં! તને પતાવતી જાઉં!”
અરેરે! હું પંદર મિનિટ પછી નીકળ્યો હોત તો! પણ હું ફસાઈ ગયો છું. મારી ડાબી બાજુએ બેઠેલી ગુઆન-યીન બોલી-
“વેદ, તેં આવી પીડા ક્યારેય અનુભવી છે?”
બોલીને તેણે એક હાથે મારા ડાબા હાથની ટચલી આંગળી પકડી… મરડી… આખુંય ભમરાહ જાગી જાય તેવી રાડ મારા મોંમાંથી નીકળવાની હતી પણ તેણે બીજો હાથ મારા મોં પર દબાવી દીધો… અસહ્ય પીડા… ઘડીભર તો લાગ્યું કે જીવ જતો રહેશે… આંખે અંધારા આવી ગયા… મારાથી આનો પ્રતિકાર જાણે યંત્રવત્ થઈ ગયો… મારો હાથ જમણો હાથ મેં તેના પર વીંઝ્યો… મચકોડાયેલી આંગળી પર અપાયેલી ભયાનક પીડાથી શરીરનો એક એક કોષ કણસી ઉઠ્યો છે…. એટલે જ મારા જમણા હાથમાં ભયંકર જોર આવ્યું અને પાંસળીઓ ભાગી જાય એવો પ્રહાર તેના પડખામાં થઈ ગયો. ગુઆન-યીનના હાથ મારા હાથ અને મોં પરથી ખસી ગયા.
હું સડાક કરતો ઊભો થઈ ગયો. ડાબા હાથની આંગળીમાં અતિશય વેદના થઈ રહી છે. મારું ધ્યાન આંગળીની વેદના પરથી ખસીને ગુઆન-યીન પર જાય તે પહેલાં જ તેણે મારા પગ પર લાત ઠોકી. તેની લાતના ગજબ બળને કારણે હું લથડ્યો. હું સંતુલન મેળવું એ દરમિયાન તે ઊભી થઈ ગઈ. એ પછીની તેની એકપણ મૂવમેન્ટ મને સમજાઈ નહિ. નાની છોકરી જાણે ઢીંગલી સાથે રમત કરતી હોય એમ તે મારા શરીર સાથે રમવા લાગી. મારા શરીર પર અસંખ્ય પ્રહારો થવા લાગ્યા. આમથી તેમ લથડી રહ્યો છું. એકવાર મારું માથુ પુલની રેલિંગને અથડાયું. એકવાર હું નીચે પડી ગયો. આડેધડ ત્રણ-ચાર લાત માર્યા પછી તેણે મને ઊભો કર્યો. ફરી તેણે હાથ-પગ વીંઝવાનું શરૂ કર્યું. કઈ જગ્યાએ થઈ રહેલી વેદના પર ધ્યાન આપવું એ હું નક્કી નથી કરી શકતો. આજની સવાર હું નહિ જોઈ શકું?
હું ફરી નીચે પટકાયો. સહેજ પણ હલવાની શક્તિ વધી નથી શરીરમાં. હવે ગુઆન-યીન અટકી.
સૂર્યની રાહ જોઈ રહેલા અંધારિયા આકાશમાં ટમટમી રહેલાં તારલાંઓના એકદમ આછા અજવાળામાં ધીમી ગતિએ વહેતો ઠંડો પવન નદીના કિનારે ઊભેલાં ઊંચા તરુઓના વિશાળ પર્ણો હળવે હળવે ફરફરાવી રહ્યો છે અને એ ફરફરાટ સાથે તાલ મિલાવતો મંદ ખળખળાટ જે નદી ઉપજાવી રહી છે તેના પર બંધાયેલા આ પુલ પર હું કોઈ નિષ્પ્રાણ શરીરની માફક પડ્યો છું.
મારા પગ જકડાઈ ગયા. હું બંને પગ છૂટાં નથી કરી શકતો. મારા બંને પગ ભેગાં બંધાઈ ગયા છે. હું ચત્તો થયો. બેઠો થવા ગયો ત્યાં જ એણે મારી છાતીમાં લાત ઠોકી.
“રેઈઝ અપ યોર હેન્ડ્સ!” તેણે હુકમ કર્યો.
હાથ ઉંચા કરવા સિવાય કોઈ છૂટકો નથી.
તેણે મારા હાથ બાંધ્યા. તેને પોતાના બંને બૂટની દોરીઓ ખેંચી કાઢી છે. એકથી તેણે મારા પગ બાંધ્યા અને બીજીથી હાથ.
“સ્ટેન્ડ અપ!”
હું બેઠો ન થઈ શક્યો. તેણે મને બેઠો કર્યો. ઊભો કર્યો. હું માંડ ઊભો રહી શકું છું. આંખો બંધ થઈ જાય છે. એવું લાગી રહ્યું છે જાણે હમણા શરીર છૂટી જશે. આજુબાજુ શું થઈ રહ્યું છે એનું ભાન ગુમાવતો હોઉં એવું લાગે છે.
“વેદ, આમ તો હજી હું ધરાઈ નથી. પણ અજવાળું થતાં પહેલાં અમારે નીકળવાનું છે. તો… ગુડ બાય… તને તારી મૅર્વિના જોડે પહોંચાડી દઉં….”
તે દસ-બાર ડગલાં પાછી ખસી. રાડ પાડીને મારી તરફ દોડી. મારી નજીક પહોંચતા સુધીમાં તેણે ઘણો વેગ પ્રાપ્ત કરી લીધો છે અને મને બાથ ભીડી લીધી છે. તે અટકી નથી. હું જમીન પરથી સહેજ અધ્ધર ઉંચકાયો છું અને તે મને ઉંચકીને દોડી રહી છે. મારા હાથપગ બંધાયેલા છે. તેની ગતિઊર્જા પૂરી થાય એ પહેલાં હું પુલની રેલિંગ સાથે અથડાયો…. મારું શરીર ગતિમાં છે…. અડધાં કરતાં વધારે શરીર રેલિંગથી ઉપર છે અને ગુઆન-યીનની ગતિનું બળ પણ તેને ધકેલી રહ્યું છે… ઢીંચણથી ઉપરનું શરીર રેલિંગની પેલી તરફ જતું રહ્યું… હું નમ્યો… ગુઆન-યીને મને છોડી દીધો…. કમરથી ઉપરનું શરીર નમ્યું… પગ ઊંચા થઈ ગયા… હું પુલ છોડી ચૂક્યો છું…. અને…
ભફાંગ….
ઊંધા માથે હું પાણીમાં ક્યાંક ઊંડો ઊતરી ગયો… એકદમ અંધકાર…. નિરવતા… માથું એક પથ્થર સાથે અફળાયું…. હું ભાન ગુમાવી રહ્યો છું…. મોંમાં પાણી જવા લાગ્યું છે…. હું શરીરને બેભાન થવાનો આદેશ આપી રહ્યો છું…. પગ ઢીંચણમાંથી વાળીને પાછા સીધા કરીને, કમરમાંથી આખું શરીર વાળીને પાછું સીધું કરીને હું શરીરને ઉપરની તરફ ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છું…. પથ્થર સાથે અફળાવાના કારણે માથું ભમી રહ્યું છે…. હું સહેજ સહેજ ઉપર જઈ રહ્યો છું…. શરીરમાં પુષ્કળ હલનચલન થવાને લીધે મારો શ્વાસ ઝડપથી ખૂટી રહ્યો છે…. મોં ખુલી જાય છે અને પરપોટા સ્વરૂપે હવા બહાર નીકળે છે…. આ અંધકારમય પ્રવાહમાં હું તણાઈ રહ્યો છું… આખા શરીરમાં પીડા થઈ રહી છે…. માથામાં સણકા આવી રહ્યા છે…. ભાન ગુમાવી રહ્યો છું….
મારી મમ્મી…. તેના ખોળામાં માથું મૂકીને સૂતો છું હું…. તે મારા માથે હાથ ફેરવી રહી છે…. મમ્મી મમતાનો અખૂટ સ્ત્રોત…. પણ તેનો દીકરો, વેદ…. ઘરે પાછો નહિ આવે…. હા, પોઢી જવું છે મારે…. પપ્પા મારી પીઠ પસવારી રહ્યાં છે…. વાત્સલ્યની અવિરત ધારા…. પણ તેમનો દીકરો વેદ…. હું…. મને નિંદ્રા આવી રહી છે…. ને ત્યાં સામે…. દૂર બેઠી છે…. વૃંદા…. નીરખી રહી છે મને…. અગમ્ય ભાવાવરિત ચહેરે…. પણ એની એ દ્રષ્ટિના ઊંડાણમાં…. હા, એના ઊંડાણમાં છે પેમની કલકલ વહેતી ધારા….
બસ, મારે પોઢી જવું છે….
મને સૌ કોઈ ઢંઢોળતા રહેશે….
હું જાગીશ નહિ….
નિંદ્રાધિન થઈ જવું છે મારે
સદાને માટે….
*****
આંખ ખૂલી.
કોમળ અજવાળુ આંખમાં પ્રવેશ્યું.
સૂકાચારાથી બનાવેલી છત દેખાઈ.
હું ક્યાં છું?
સૂતાં-સૂતાં જ મેં આજુબાજુ જોયું. હું એક ઝૂંપડીમાં છું. ધીમેથી બેઠો થયો. મને ઓઢાડવામાં આવેલી રજાઈ સરકી પડી અને આછી ઠંડી મને વીંટળાઈ વળી. ડાબા હાથની ટચલી આંગળી પર નવો પાટો બંધાઈ ગયો છે. નીચલા હોઠને હાથ અડાડ્યો. નવેસરથી ટાંકા લેવાયા છે. મેં શર્ટ નથી પહેરેલો. પીઠના ઘા માટેનો પાટો પણ નવો છે. અમુક જગ્યાએ નવા ઘા પડ્યા હતા ત્યાં પણ મલમપટ્ટી થઈ ગયા છે. શરીરમાં ઊર્જા અનુભવાય છે. મારી બાજુમાં એક વાટકો પડ્યો છે, જેમાનું પ્રવાહી મને ચમચી વડે પીવડાવાયું હશે.
ઝૂંપડીના દરવાજા બહાર મેં નજર કરી. ત્યાં દૂર પેલાં પર્વતોની પાછળ સૂર્ય હમણાં જ ઊગ્યો છે. કેસરી રંગનો એ સૂર્ય મારા પર એકદમ કૂણો તડકો વરસાવી રહ્યો છે. મારા કર્ણપટલ પર ઝીલાતાં ધ્વનિ પર મેં ધ્યાન કેન્દ્રિત કર્યું. નદીના વહેવાનો ધીમો અવાજ આવી રહ્યો છે. પક્ષીઓ કલરવ કરી રહ્યા છે.
વાતાવરણ આહ્લાદક છે.
હું સ્વર્ગમાં તો નથી આવી ગયો ને?
સ્વર્ગમાં રહેવા માટે સૂકાચારાના બનેલાં ઝૂંપડા આપવામાં આવે છે?
હું અવળો ફર્યો…
વૃંદા….
અદબ વાળીને, ઝૂંપડીની દીવાલને અઢેલીને તે ઊભી છે. મારી સામે જોઈ રહી છે. નાનકડાં કોલરવાળી, ટૂંકી બાંયની અને સફેદ રંગની શોર્ટ કુર્તી તથા ડાર્ક બ્લૂ જિન્સ પહેરીને તે ઊભી છે. પગ ખુલ્લા છે. તેનાં વાળ સહેજ ભીના હોવાથી ખુલ્લાં રાખેલા છે. વાળ વધુ લાંબા નથી. ખભા પર પથરાયેલાં વાળ પોતાના પરનું જળ નીતરાવીને કુર્તીના ખભા ભીંજવી રહ્યા છે. તેનો ચહેરો અત્યારે તાજગીથી ભરપૂર છે, ઊર્જાવાન છે. કેમ કે તે સ્મિત વેરી રહી છે. હા, વૃંદાના ચહેરા પર અનુપમ સ્મિત છે. તેના કારણે તેના અંગેઅંગમાંથી દિવ્યતા ઝરી રહી છે, પ્રસન્નતા નીતરી રહી છે. હું કોઈ દૈવી સૌંદર્યનું રસપાન કરી રહ્યો છું.
તે મારી પાસે આવી. બેઠી. દરવાજા બહાર અમે જોઈ રહ્યા. અમુક ક્ષણો એમ જ વીતી.
“તેં બચાવ્યો મને?” મને આ પ્રશ્ન સિવાય બીજું કંઈ ન સૂઝ્યું.
“હા.” દરવાજા બહાર નજર સ્થિર રાખીને તે બોલી- “તને ડૂબતો બચાવીને તારામાં ડૂબવા ઈચ્છું છું.”
તેણે મારી સામે જોયું. તેની આંખમાં આંખ પરોવીને હું એકદમ હળવેથી બોલ્યો- “વૃંદા, પ્રેમમાં ડૂબવાનું ન હોય, પ્રેમમાં તો તરી જવાનું હોય!”
તે મારી સામે તાકી રહી. તે મારી વાતનો વિરોધ કરશે… સામનો કરવા હું તૈયાર છું…
મને સહેજ તંગ થયેલો જોઈને તે…. હસી…!
હા, વૃંદા હસી… ખડખડાટ હસી….
હું સહેજેય હસ્યો નહિ… તેને હસતી જોઈ રહ્યો….
ને તે મને ભેટી પડી….
જાણે તેને પોતાનામાં સમાવી લેવા માંગતો હોઉં એટલા જોરથી હું તેને ભેટ્યો….. વેદ અને વૃંદા એક થઈ ગયા…..
ચારેય આંખે ભીની થઈ અને બંને હૈયાં ઠર્યાં…. અમે ક્યાંય સુધી એમ જ વળગી રહ્યા….
એક આતંકવાદીનું માનવીયકરણ….
થોડીવાર પછી અમે છૂટાં પડ્યા. તે બોલી-
“વેદ, દુનિયા બહુ સારી છે!”
મેં આછું સ્મિત વેર્યું…. વધારે મલક્યો… હસ્યો… ખડખડાટ હસ્યો….
ને તે પણ હસી….
“હવે અમે અંદર આવી શકીએ?” ઝૂંપડીની બહારથી કોઈક સ્ત્રીનો અવાજ આવ્યો.
“હા, પધારો!” વૃંદાએ કહ્યું.
મેં બારણે નજર નાખી. એક સ્ત્રી અને એક પુરુષ બારણે આવીને ઊભા રહ્યા. મેં તેમને ઓળખ્યા; વીણાકાકી અને વિનયકાકા.
“કાકા…” હું બોલ્યો.
“અલ્યા ડફોળ, કાકો નહો, સસરો થઉં તારો!”
અમે ચારેય હસ્યાં….
ભાવમિશ્રિત હાસ્ય હસતો હસતો હું પાછળની તરફ નમ્યો અને ચત્તો સૂઈ ગયો. મારી આંખમાંથી હર્ષનું એક અશ્રુ નીકળ્યું. વૃંદા મારા માથા પર ઝૂકી…. તેના ભીનાં વાળ મારા ચહેરાથી થોડે ઊંચે ઝૂમી રહ્યા છે. અમે એકમેકની આંખમાં આખ પરોવીને ક્યાંક ઊંડે પહોંચવા લાગ્યા. તેનાં કેશમાંથી જળબિંદુ નીતર્યું અને મારી આંખમાંથી ઉદ્ગમિત થયેલાં અશ્રુમાં ભળી ગયું….
*****
ભાભીના ઘરની બહાર હું, વૃંદા, ભાભી, રૂપા, વેદાંત અને અવની ઊભાં છીએ. અવનીએ મને અને વૃંદાને ઉદ્દેશીને કહ્યું-
“હું, વેદાંત અને પાઠકસાહેબ અમદાવાદ જઈએ છીએ. ભાર્ગવ અને અભય અમારી રાહ જુએ છે. વિનયકાકા અને વીણાકાકીને પણ લેતાં જઈશું. વૈદેહીને RAWના ટ્રેઈનીંગ સેન્ટરમાં મોકલી છે. તમે બંને એક અઠવાડિયું અહીં રહો. અઠવાડિયા પછીની તમારી અમદાવાદની ટ્રેન છે. ત્યાંથી શંખેશ્વર જજો. થોડા દિવસ રોકાજો. પછી તમને દિલ્હી બોલાવીશ. AMO શરૂ કરવાનું છે. અત્યાર સુધી તો પૂર્વતૈયારીઓ ચાલતી હતી. વેદ, તારા મનમાં બાકી વધેલાં પ્રશ્નોના જવાબો ચોક્કસ આપીશ. તારા પપ્પાનું વર્તન તને રહસ્યમય લાગતું હશે. એ રહસ્યનું કારણ તું તારા પિતાને પૂછી શકીશ. મારા વિશેના જે પ્રશ્નો બાકી વધશે એ હું વિસ્તારથી સમજાવીશ. મૅર્વિના-19 તો મારા માટે પણ રહસ્ય છે. લે, આ તારો મોબાઈલ!” અવનીએ અઠવાડિયા પછીની ટ્રેનની ટિકિટ અને મારો મોબાઈલ મને આપ્યો.
આ દરમિયાન વેદાંતે ભાભીને અને રૂપાને એ સમજાવી દીધું હતું કે રાત્રે હું કેમ ભાગી ગયો હતો. પછી ભાભીને પગે લાગીને અને રૂપાને ભેટીને વેદાંતે તેમની વિદાય લીધી. અવની અને વેદાંત ચાલ્યા. તેઓ થોડુંક આગળ ગયા કે વૃંદા જોરથી બોલી-
“આવજો… અવની… દીદી!”
તેઓ અટક્યા. અવની અવળી ફરી. દોડી. આવીને વૃંદાને વળગી પડી. તેનું ભાલ ચૂમીને બોલી-
“ભાભી અને રૂપા પાસે રહીને શક્ય તેટલી સમજણ વધારી લે તેવી શુભેચ્છા… મારી લાડલી બહેન!”
પછી અવનીદીદી મને પણ ભેટ્યા. છૂટા પડીને બોલ્યા-
“તારા ઘા જલદી રુઝાય એ માટેની દવાઓ ભાભીને આપી રાખી છે. આવજે!”
“આવજો, દીદી!”
“ને હા, આજથી મરણ સુધી વૃંદાની જવાબદારી તારી.”
“ને વેદની જવાબદારી મારી.” કહીને વૃંદા હસી….
હું સહેજે ન હસ્યો… તેને હસતી જોઈ રહ્યો….
ભૌતિક કે શારીરિક સૌંદર્યને ક્યાંય ઝાંખું પાડી દે તેવી, વિલક્ષણ, અદ્વિતીય, શર્વરીને મનોજ્ઞ બનાવતાં નક્ષત્રેશના પૂર્ણરૂપમાંથી છલકાતી કૌમુદી જેવી, અદ્રિમાળાની વચ્ચેથી ઉદક વહાવતી શૈવલિની ઘાટિલા વળાંકો સમી, ચંદ્રમૌલિની હ્રદયેશ્વરી શૈલસુતાની આભા સમી, કાસારમધ્યે ખીલેલા કૈરવ સમી સુષમા વૃંદાના હાસ્યમાં પ્રગટી છે…..
*** વદેહીમાં વૈદેહી સમાપ્ત ***
પણ.....
મૅર્વિના-19 એટલે શું? વેદને અને વૈદેહીનો બચાવવા દોરડું કોને ફેંક્યું હતું? મિશન મૅર્વિના શું છે? AMOમાં શું થશે? હવે વેદ અને વૃંદા સાથે જ રહેશે? વેદના મમ્મી-પપ્પા વૃંદાને સ્વીકારશે? હવે ODI એમની મૅર્વિનાને ભૂલી જશે કે શોધશે? અવની વેદને કઈ રીતે ઓળખે? અવનીને કેવી રીતે ખબર પડી કે વૈદેહી આટલા વાગ્યે જ નદીમાં કુદશે? અવનીનો ભૂતકાળ શું છે? ODIની સ્થાપના કરનાર અને એને ચલાવનાર કોણ છે? મૅર્વિનાના જન્મનું રહસ્ય શું છે? એ કેવી રીતે ગુઆન-યીન પાસે પહોંચી હતી? આવા અનેક પ્રશ્નોના જવાબો રોમાંચક રીતે, સમજણયાત્રા સાથે મેળવવા માટે હવે વાંચો વૈદેહીમાં વૈદેહીનો બીજો ભાગ...
અનેક
(‘અનેક’ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ચૂક્યો છે. મેળવવા માટે લેખકનો સંપર્ક કરો.)