અંગારપથ - ૩૨ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગારપથ - ૩૨

અંગારપથ.

પ્રકરણ-૩૨.

પ્રવીણ પીઠડીયા.

સુરજ માથા ઉપર ચળકતો હતો. સ્વિમિંગ પુલનાં નીલા કાચ જેવા પાણીમાં ડગ્લાસ કોઇ એથ્લેટ્સ સ્વિમરની જેમ સરકતો હતો. તેણે હમણાં જ એક ભયંકર ક્રૃત્ય આચર્યું હતું. કાંબલેને બહું બેરહમીથી તેણે માર્યો હતો પરંતુ તેનો સહેજે અફસોસ કે ગુનાહિત લાગણી તેના ચહેરા ઉપર જણાતી નહોતી.

તેનો પેલો પહેલવાન જેવો બંદો કાંબલેના શરીરને ઠેકાણે પાડીને ફરીથી પોતાની જગ્યાએ આવીને ઉભો રહી ગયો હતો. તેનો ચહેરો પણ સાવ સપાટ હતો જાણે કંઇ થયું જ નથી એવી નિર્લેપતા ધારણ કરીને તે ઉભો હતો. આ લોકોની દુનિયામાં દયા-માયા કે લાગણી જેવા શબ્દો વાહિયાત ગણાતાં અને એવા માણસોનું કોઇ અહી સ્થાન નહોતું. સમગ્ર ખેલ બસ… પૈસા અને પાવરનો હતો. અહી આદમીની જાનની કિંમત કરતાં તેમના ’ઈગો’નું વર્ચસ્વ છવાયેલું રહેતું હતું. ખુદ ડગ્લાસને પણ યાદ નહી હોય કે તેણે આ સામ્રાજ્ય ખડું કરવાં કેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હશે! કેવા-કેવા ભયાનક કાવતરાઓ અને ષડયંત્ર કરીને તે આ મુકામે પહોંચ્યો હતો. અહી સુધી પહોંચવા કેટલાં બધા વર્ષો તેને લાગ્યાં હતાં. અને હવે… એક ઝટકે બધું ખતમ થવા જઇ રહ્યું હતું એ તેના મનમાં વિસ્ફોટો પેદા કરી રહ્યું હતું. તેના ચહેરા ઉપર શાંતી છવાયેલી હતી પરંતુ તે ભયંકર ઝડપે આવનારા સમય વિશે વિચારી રહ્યો હતો. તે કાયમી રીતે તો છૂપાઇને જીવી શકવાનો નહોતો. એ તેની ફિતરતમાં, તેના લોહીમાં નહોતું. ગોવામાં ફેલાયેલો તેનો કારોબાર આમ સાવ આસાનીથી હાથમાંથી ચાલ્યો જાય એ કોઇ કાળે તે સહન કરવા તૈયાર નહોતો. હાથો વડે પાણીમાં લાંબા હલેસા મારતો તે આગામી સમયમાં શું રણનિતી અમલમાં મુકવી એ વિશે જ તે વિચારતો હતો. એકાએક તેને સંભાજી ગોવરેકર સાંભર્યો. એ તેનો પાર્ટનર હતો. અત્યાર સુધી તો તેની જરૂર પડી નહોતી પરંતુ આ મામલામાં હવે તેને નાંખ્યાં વગર ચાલે તેમ નહોતું. અડધી કલાક સ્વિમ કર્યાં બાદ તે બહાર નીકળ્યો ત્યારે સંભાજીને આમાં સંડોવાનું તેણે મન બનાવી લીધું હતું.

સંભાજી ગોવરેકર બહું પહોંચેલી માયા હતો. ગોવાનાં રાજકિય ઇતીહાસમાં તેનો ઉદય એક સામાન્ય કાર્યકર્તા તરીકે થયો હતો અને પછી જોતજોતામાં તે પોતાની કુનેહ અને કપટથી ઘણો આગળ નીકળી ગયો હતો. અત્યારે ગોવાનાં મુખ્યમંત્રી સુધ્ધાએ તેની વાત સાંભળવી પડતી હતી એટલી જબરજસ્ત વગ તેણે જમાવી દીધી હતી. રાજકારણમાંથી મબલખ રૂપિયા તેણે બનાવ્યાં હતા. આખરે રાજકારણ એ માટે જ તો હતું ને. રાજકારણમાં લોકોની સેવા માટે થોડું કોઇ આવે છે! ધન, દૌલત, સત્તા, સંપત્તિ, રૂઆબ, મોભો, શરાબ, શબાબ… આ તમામ વસ્તુઓને રાજકારણ અને રાજકારણીઓ સાથે ગજબનો સંબંધ પહેલેથી જ રહ્યો છે. ભારતને આઝાદી મળી એ પછી રાજા રજવાડાઓ તો સમાપ્ત થઇ ગયા હતા પરંતુ તેના સ્થાને આ નવી વ્યવસ્થાએ જન્મ લીધો હતો જેની હુકુમત તળે ભારત ફરીથી ગુલામી જેવી અવસ્થામાં આવી પડયું હતું. સંભાજી ગોવરેકર અને તેને પણ ચાર ચાસણી ચડે એવા ખંધા રાજકારણીઓએ દેશને નિચોવામાં કંઇ બાકી રાખ્યું નહોતું.

ડગ્લાસે શરીર લૂછ્યું અને બાથરોબ વિંટાળ્યો. એ દરમ્યાન એક યુવતી આવીને તેના હાથમાં જ્યૂસનો ગ્લાસ થમાવ્યો અને ત્યાં જ ઉભી રહી ગઇ. ડગ્લાસે જ્યૂસનો ઘુંટડો ભર્યો, ટેબલ ઉપર પડેલો મોબાઇલ હાથમાં લીધો અને સંભાજીને ફોન લગાવ્યો. સામાં છેડે રિંગ વાગતી હતી.

@@@

બુલેટની લયબધ્ધ ઘરઘરાટી અભિમન્યુનાં જીગરમાં અજીબ થડકા ઉત્પન્ન કરતી હતી. તેણે હમણાં જ ગોવાની સિમાનું ચેકપોસ્ટ વટાવ્યું હતું અને બેલગાંવની હદમાં પ્રવેશ કર્યો હતો. બપોરનો તડકો તેના રાતાં તાંબા જેવા ચહેરાની ત્વચા ઉપર પથરાઇને વિખેરાઇ રહ્યો હતો. ડબલપટ્ટીનાં રોડ ઉપર સામેની બાજુએથી સપાટાભેર પસાર થતાં વાહનો સાથે ભયાનક વેગથી હિલોળાતો પવન તેના કપડામાં ભરાઇને ભારે ફડફડાટ પેદા કરતો હતો. છેલ્લા ગીયરમાં દોડતું બુલેટનું પાવરફૂલ એન્જીન ફૂલ થ્રોટલમાં પાવર ફેંકતું હતું. બહું જ જલદી તેણે બેલગાંવનો સીધો હાઇવે વટાવ્યો હતો અને ચોરલા ઘાટનાં વાંકા-ચૂકા રસ્તે આવી પહોંચ્યો હતો. અહીથી ઘેરી વનરાજી મઢયો ચોરલાનો ઘાટ શરૂ થતો હતો.

કમિશનર પવારે તેને જૂલી નામના કોયડાનો ઉકેલ શોધી આપ્યો હતો અને રોબર્ટ ડગ્લાસનું ઠેકાણું પણ બતાવ્યું હતું એ આશ્વર્યજનક બાબત હતી. એ આશ્વર્યમાંથી હજું તે બહાર આવ્યો નહોતો પરંતુ અત્યારે એ વિશે વધું વિચારવાનો તેની પાસે સમય નહોતો કારણકે સૌથી પહેલાં ડગ્લાસને પકડવો જરૂરી હતો. અને એટલે જ બધું પડતું મુકીને તે ડગ્લાસની પાછળ નીકળી પડયો હતો.

ચોરલાનાં ખતરનાંક વળાંકો ધરાવતા ઘાટનાં રસ્તે પણ તેનું બુલેટ તેજ રફતારથી ભાગી રહ્યું હતું. રસ્તાની કીનારીએ ઉગેલાં વૃક્ષો વચ્ચેથી ક્યારેક ક્યારેક ચળાઇને આવતો સૂર્ય પ્રકાશ તેને રંજાડતો હતો એટલે જલ્દી પહોંચી જવા તે સતત સ્પિડ વધારી રહ્યો હતો.

@@@

“સંભાજી, મને આનો ઉકેલ જોઇએ. તું જાણે છે કે જો હું મામલો હાથ ઉપર લઇશ તો શું પરિસ્થિતિ સર્જાશે.” ડગ્લાસનો શ્વર ઉંચો થઇ ચૂકયો હતો. તેણે થોડીવાર પહેલાં જ સંભાજીને ફોન જોડયો હતો ત્યારે સંભાજી ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો એટલે ડગ્લાસનો પિત્તો ઉછળ્યો હતો.

“અરે યાર, તું થોડી શાંતી રાખ. મામલો અત્યારે બહું ગરમ છે. પોલીસ કમિશ્નર ઉપર હુમલો થવો એ કોઇ નાનીસૂની ઘટના ન ગણાય. આમપણ અત્યારે સમસ્ત ગોવાની પોલીસ ફોર્સ હાઇ એલર્ટ ઉપર છે અને મિડિયા પણ દેકારો મચાવી રહ્યું છે. તને ખબર નથી પરંતુ ઉપરથી સખત પ્રેશર ઉભું થયું છે. પહેલા પોલીસ ક્વાટર ઉપર બોમ્બથી હુમલો અને પછી કમશ્નરનું ઘાયલ થવું… આ બન્ને બાબતોનાં ઘેરા પ્રત્યાઘાત ચારેકોર પડયાં છે. આવાં સમયે એક ખોટું પગલું તને અને મને રસાતાળ ભળી ધકેલી શકે છે. એક-એક કદમ સમજી વિચારીને ભરવું પડશે. તું થોડો સમય ખોમોશીથી બેસી રહે ત્યાં સુધી હું કંઇક ઉકેલ શોધું છું. ઉતાવળ કરવામાં આપણે જ ફસાઇ જઇશું.” સંભાજી ભારે કાબો માણસ હતો. તેણે સમજાવટ ભર્યા શબ્દોમાં ડગ્લાસને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. એક રીતે જોવા જાઓ તો તેની હાલત પણ ડગ્લાસ જેવી જ હતી કારણકે જો પોલીસ ઊંડે સુધી તપાસ આદરે તો તેનું નામ પણ આમાં સામે આવ્યાં વગર રહે નહી. જો એવું થાય તો તેની રાજકિય કારકિર્દી પછી જેલનાં સળિયા પાછળ જ સમાપ્ત થઇ જાય. તે અને ડગ્લાસ, બન્ને એક જ નાંવનાં હમસફર હતાં. ફરક એટલો હતો કે ડગ્લાસનું કનેકશન સીધું જોડાતું હતું અને તે હજું બહાર આઝાદ ઘૂમી રહ્યો હતો. તેને પણ ડગ્લાસ જેટલી જ બીક લાગતી હતી એટલે તે ન કહે તો પણ તેણે પોતાની રીતે દોડવાનું શરૂ કરી જ દીધું હતું.

“હું આમ છૂપાઇને ન રહી શકું. તને બે દિવસનો સમય આપું છું. જો આ બે દિવસોમાં તેં કંઇ ન કર્યું તો પછી ગોવા ડગ્લાસનું અસલી રૂપ જોશે. હું કોઇને નહી બક્ષું એટલું યાદ રાખજે.” લગભગ ધમકીભર્યા સ્વરે ડગ્લાસે સંભાજીને સંભળાવ્યું અને પછી તે કંઇ બોલે એ પહેલાં ફોન કાપી નાંખ્યો.

સંભાજી ભયંકર આઘાતથી ખામોશ થયેલા ફોનને જોઇ રહ્યો. તે જાણતો હતો કે ડગ્લાસ જે કહે છે એ કરીને જ રહે છે. એક વખત જો તે મેદાનમાં ઉતર્યો તો પછી તેને રોકવો લગભગ નામુમકિન જ હશે. તે ગોવાને તબાહીનાં કગાર ઉપર લાવીને ખડું કરી દેશે અને પછી જે પરિસ્થિતિ સર્જાશે એ શાંત થતા કદાચ મહિનાઓ લાગી જશે. તે ધૂંઆફૂંઆ થતો ઓફિસમાં આંટાં મારવા લાગ્યો. એક તો તેના માથે આટલું ટેન્શન હતું તેમા હવે ડગ્લાસે વધું ટેન્શન ઉમેરી દીધું હતું, તે ઝડપથી વિચારવા લાગ્યો કે આમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય.

બીજી તરફ, ડગ્લાસનું માથું ભમવા લાગ્યું હતું. તેને સમજાઇ ગયું કે સંભાજી અત્યારે કોઇપણ સંજોગોમાં તેની મદદ નહી કરે કારણ કે તેને પોતાના જીવની અને પોતાની પોઝિશનની ફિકર થાય છે. રિસોર્ટની સૂંવાળી લોનમાં તે ભયંકર ગુસ્સામાં આટાં મરવા લાગ્યો. એક અદના-સા આર્મી ઓફિસરનાં કારણે તેની આ હાલત થઇ હતી. એક વખત તો થયું કે તેને ગમે ત્યાંથી શોધીને શૂટ કરી નાંખે. પણ એના માટે તેણે બહાર નીકળવું પડે જે અત્યારનાં સંજોગોમાં શક્ય બનવાનું નહોતું. તો શું કરવું જોઇએ? કંઇ સમજાતું નહોતું. પોતાની જાતને આટલી નિસહાય તેણે ક્યારે અનુભવી નહોતી.

તેની સૌથી કાબેલ અને સૌથી ખતરનાક ગણાતી યુવતી… કે જેનું નામ આમન્ડા હતું એ પણ નિષ્ફળ ગઇ હતી. આમન્ડાએ ખુલેઆમ હોસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો અને કત્લેઆમ ચલાવી હતી છતા તે પેલી એન.જી.ઓ.વાળી બાઈ અને તેના આર્મી અફસર ભાઈનું કશું બગાડી શકી નહોતી. એ વારદાતને લીધે તે બધાની નજરોએ ચડી ગઇ હતી એટલે તેને પણ અંડર ગ્રાઉન્ડ મોકલી દેવી પડી હતી. અને… એથી પણ ખતરનાક બનાવ પોતાના જમણાં હાથ સમા સંજય બંડુને ખોયો એ હતો. તેનો સૌથી જૂનો અને સૌથી વિશ્વાસુ માણસ બંડુ પોલીસ સાથેની ઝડપમાં મરાયો હતો તેનો જબરજસ્ત ખટકો તેના દિલમાં હતો. અને આ બધું થવામાં નિમિત્ત હતો અભિમન્યુ નામનો અફસર.

“ક્યાં છૂપાઇને બેઠો છે હરામખોર. એક વખત સામે આવ એટલે તને તારી ઓકાત યાદ અપાવી દઉં.” ભયંકર ગુસ્સાથી કાંપતો ડગ્લાસ સ્વગત જ બબડયો.

બરાબર એ સમયે જ અભિમન્યુ ઘાટનો એક ખતરનાક વળાંક પસાર કરીને રિસોર્ટની દિશામાં આગળ વધી રહ્યો હતો. તેની અને ડગ્લાસની વચ્ચે હવે માત્ર થોડા કલાકોનું જ અંતર બાકી રહ્યું હતું.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.