અર્ધ અસત્ય. - 38 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 38

અર્ધ અસત્ય.

પ્રકરણ-૩૮

પ્રવીણ પીઠડીયા

કાળમિંઢ પથ્થરોની કરાલ ધારેથી ધોધમાર પડતાં સંખ્યાબંધ ઝરણાઓનો અદભૂત નજારો જોઇને અભય અચંભિત બન્યો હતો. ચાંદની રાતમાં રેળાતી દૂધીયા રોશનીમાં સો-એક ફૂટ ઉંચેથી સફેદ-ઝગ પાણી ફિણ-ફિણ થઇને નીચે ખાબકતું હતું એ દ્રશ્ય તેને સ્વર્ગની અનૂભુતી કરાવતું હતું. એકાએક આવું દ્રશ્ય જોવા મળશે એવું તેણે વિચાર્યું સુધ્ધા નહોતું. ખરેખર જાંબુઘોડાનું જંગલ વિચિત્રતાઓથી ભરપુર હતું એવું ક્યાંક તેણે સાંભળ્યું હતું એની સાક્ષાત અનૂભુતી અત્યારે થઇ રહી હતી. તે લાંબા સમય સુધી ત્યાં જ ઉભો રહીને એ અદભૂત નજારાને જોતો રહ્યો. અનંતને શોધવા તે આ જંગલમાં આવ્યો છે એ વાત થોડા સમય પૂરતી તેના દિમાગમાંથી નિકળી ગઇ હતી અને તે નજરોની સામે દેખાતા મનોરમ્ય લેન્ડસ્કેપના સંમોહનમાં ખોવાઇ ગયો હતો.

લગભગ અડધાં-એક કલાક એવી જ આશક્ત સ્થિતિમાં વિત્યો હશે અને એકાએક તે સજાગ થયો. ઘડીભર તેને થયું કે તે અહીં જ રોકાઇ જાય અને આખી રાત આ ઝરણાઓનાં સાનિધ્યમાં જ વિતાવી નાંખે. પરંતુ અનંતની શોધ કરવી અત્યંત જરૂરી હતી. કોણ જાણે એ ક્યાં ચાલ્યો ગયો હતો અને અત્યારે કેવી સ્થિતિમાં હશે? તે પાછો ફર્યો કારણ કે હવે આગળ વધવાથી કોઇ ફાયદો થવાનો નહોતો. જંગલમાં આટલે ઉંડે સુધી અનંત આવે જ નહી એની તેને ખાતરી હતી. તો એ ક્યાં ગયો હશે? તેના દાદાની જેમ એ પણ અચાનક ગાયબ નથી થઇ ગયો ને? થડકી ઉઠયો અભય. તે ઝડપથી પાછા ફર્યો. બધું બહું રહસ્યમય પ્રતિત થતું હતું. અનંત સવારનો ક્યાં ગયો છે એ કોઇને ખબર નહોતી છતાં વિષ્ણું બાપુએ જે પ્રતિક્રિયા આપી હતી એ આશ્વર્ય પમાડનારી હતી. એ ઉપરાંત દેવા નામનાં માણસનું વૈદેહીસિંહને ત્યાં હોવું એ પણ અભયનાં મનમાં ખતરાની ઘંટડી વગાડી રહ્યું હતું. તે ચકરાઇ ઉઠયો. આવો કેસ તેની જીંદગીમાં પહેલીવાર આવ્યો હતો જેમાં તે ખુદ ઉલઝી ગયો હતો. તેને ખરેખર સમજાતું નહોતું કે હવે ક્યો રસ્તો લેવો. પણ… તે આટલી જલ્દી હાર માનવાં વાળી વ્યક્તિમાં શામેલ નહોતો. તેના મનમાં પાક્કો નિર્ધાર હતો કે ગમે તે થાય પરંતુ આ કેસને તે ઉકેલીને જ જંપશે. ભલે એ માટે તેણે ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે. એક મક્કમ નિર્ધાર સાથે તે બુલેટ જ્યાં મુકયું હતું ત્યાં આવ્યો અને તેના ઉપર સવાર થઇને પાછો રાજગઢ આવવા નિકળી પડયો.

પરંતુ… એ સમયે તેને ખબર નહોતી કે તે પૃથ્વીસિંહજીનાં રહસ્યની એકદમ નજદીક જઇને પાછો ફર્યો છે. જો તે એ ઝરણાઓની હકીકત જાણતો હોત, અરે તેણે એ ઝરણાઓની સંખ્યા ગણી હોત અને તેનો મતલબ સમજ્યો હોત તો પણ તે ધણું બધું સમજી શકયો હોત. તેમાથી તેને એક ચોક્કસ દિશા મળી હોત અને કેસ ત્યાંજ સોલ્વ થઇ ગયો હોત. પરંતુ એવું થયું નહી કારણ કે કોઇક તો જોઇએને જે તેને એ ઝરણાઓની હકીકત જણાવે!

@@@

ઓફિસમાં સન્નાટો પ્રસરી ગયો હતો. રાજસંગ જે માહિતી એકઠી કરી લાવ્યો હતો તે અત્યંત વિસ્ફોટક હતી. અને હજું તેણે પોતાની વાત પુરી તો કરી જ નહોતી. દેવેન્દ્ર દેસાઇ ઉભડક જીવે રાજસંગ શું કહે છે એ સાંભળવા અધિરા બન્યાં હતા. અને રાજસંગ એક પછી એક ઘડાકા કર્યે જતો હતો.

“એસીપી કમલ દિક્ષિતે રઘુભાને બંસરી વિશે જાણકારી આપી હતી.”

“વોટ?” ઉછળી પડયો દેવેન્દ્ર દેસાઇ. તેની ખુરશીમાં એકાએક જાણે ચારસો ચાલીસ વોટનો વિજળીનો કરંટ પ્રસર્યો હોય એમ તે ઝટકાભેર ખુરશીમાંથી ઉભો થઇ ગયો. તેને જોઇને રાજસંગ પણ ઉભો થયો. “શું વાત કરે છે?” તેમને વિશ્વાસ નહોતો થયો કે રાજસંગ સત્ય બોલે છે કે કોઇ વાર્તા સંભળાવે છે!

“જી સાહેબ, તમારી જેમ મને પણ ઝટકો લાગ્યો હતો. પરંતુ ખબર એકદમ પાક્કી છે. મારા ખબરીએ એટલી ઉંડી ખણખોદ કરી છે કે તેની વાતો ઉપર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ મુકી શકીએ.”

“પણ, એ કેવી રીતે શક્ય બને રાઠોડ? કમલ દિક્ષિત અને રઘુભાનું આપસમાં શું કનેક્શન હોઇ શકે એ મને સમજાતું નથી?” દેસાઇ હજું પણ વિશ્વાસ કરવા તૈયાર નહોતો.

“કનેક્શન છે સાહેબ, બહું ગહેરું કનેક્શન છે. જૂઓ હું તમને સમજાવું.” રાજસંગ અટકયો અને મનમાં જ શબ્દો ગોઠવીને તે બોલ્યો. “આપણાં કમલ દિક્ષિત સાહેબ રઘુભા પાસેથી હપ્તાઓ વસૂલતાં હતા. વસૂલતાં હતા શું કામ, અરે હજું ય વસૂલે છે. અને રઘુભા તેમને માતબાર રકમનાં હપ્તાઓ પહોંચાડતો હતો તેનું કારણ એ કે સુરતમાં અમુક સમયે ભારે વાહનો માટે પ્રવેશબંધીનો નિયમ છે. એ સમયે એકપણ ભારે વાહન શહેરની સડકો ઉપર દોડે નહી એ જોવાની ફરજ ત્યાંના પોલીસ વિભાગની છે. તેમાં ટ્રાફિક પોલીસ પણ આવી જાય અને લોકલ એરિયાની જે ચોકીનો વિસ્તાર લાગતો હોય એ પણ આવી જાય. હવે તમે તો જાણો જ છો કે જ્યાં નિયમો બનતાં હોય છે ત્યાં એનો તોડ પણ થતો જ હોય છે. બસ, રઘુભા અને દિક્ષિત વચ્ચે એ જ કનેકશન છે. આ રઘુભાનું કામકાજ ઘણું મોટું છે અને તેની પાસે અસંખ્ય ટ્રકો છે. જો તે નિયમ પ્રમાણે ચાલે અને નિર્ધારિત સમય પ્રમાણે ટ્રકો દોડાવે તો તેને ઘણું મોટું નૂકશાન સહન કરવાનું થાય. એટલે તેણે સીધા જ એસીપી કમલ દિક્ષિતને સાધ્યાં અને તગડી રકમ દર મહિને લાંચ સ્વરૂપે આપવાનું ઠેરવ્યું. અને એ ગાડી ચાલી નિકળી. ડિપાર્ટમેન્ટમાં ઘણાંને આ વાતની ખબર છે પરંતુ બોલે કોણ? જેમણે વિરોધ કર્યો તેમને કાં તો સાથે ભેળવી લેવામાં આવ્યાં અથવા તો ટ્રાંન્સફર કરી દેવામાં આવ્યાં. અભયનું પણ એ જ થવાનું હતું પરંતુ અભયના કિસ્મત ખરાબ હશે કે એ ગમખ્વાર અકસ્માત થયો અને કમલ દિક્ષિતને મોકો મળી ગયો. તેણે યેનકેન પ્રકારે અભયને એ અકસ્માતનો જવાબદાર ગણાવી તેને સસ્પેન્ડ કરી દીધો. બસ આ જ છે આખી કહાની.” રાજસંગ એક શ્વાસે બધું બોલી ગયો હતો અને પછી સાહેબનાં મોઢા ઉપર આવેલાં રિએકશન જોવા રોકાયો હતો.

“માયગોડ, આ તો ઘણો ગંભિર મામલો છે રાઠોડ. આપણાં જ ડિપાર્ટમેન્ટનાં એક ઇમાનદાર અફસરને તેના જ ઉપરીએ ફસાવ્યો છે અને એ પણ થોડાક રૂપિયા માટે! મને તો વિશ્વાસ નથી આવતો. જ્યારે અંદરો-અંદર જ આવી ગંદી રમતો રમાતી હોય ત્યાં સામાન્ય પ્રજાનું તો શું થતું હશે? આઇ શેમ ઓન યુ મિ.કમલ દિક્ષિત. આનો રિપોર્ટ તો કરવો પડશે. તારો એ ખબરી ગવાહી આપશે?” દેવેન્દ્ર દેસાઇએ પૂછયું. અને પછી પ્રશ્ન સૂચક નજરોથી રાજસંગ તરફ જોયું. તે જાણતો હતો કે એ ક્યારેય શક્ય નહી બને. કોઇ ખબરી પોતાની જાતને ક્યારેય છતી થવા દે નહી. કારણ કે એમાં તેની જાનનું ભારોભાર જોખમ રહેલું હોય છે. અને.. આ તો ફક્ત વાતો હતી, હવામાં ઉડતી ખબર હતી. રાજસંગે જે કહ્યું એના સબૂત તરીકે તેની પાસે કંઇ નહોતું. ખબરીએ તો ફક્ત સચ્ચાઇની જાણકારી મેળવી હતી. એ સચ્ચાઇને જ્યાં સુધી સબૂતોની એરણે પારખવામાં ન આવે ત્યાં સુધી અદાલત પણ દિક્ષિતને ગુનેગાર ઠેરવી ન શકે. અને જો એમ થાય તો ખુદ દેવેન્દ્ર દેસાઇને જવાબ આપવો ભારે પડી જાય. તેઓ વિચારમાં પડયા. કેબિનમાં ફરીવાર સન્નાટો છવાયો.

“સાહેબ, આપણે એક કામ કરીએ તો?” અચાનક રાજસંગના દિમાગમાં એક ખેપાની વિચાર જનમ્યો હતો.

“બોલ.” દેસાઇએ આંખો ઝિણી કરીને રાજસંગના રુક્ષ ચહેરાને તાક્યો. તેને પોતાના આ અફસર ઉપર સંપૂર્ણ ભરોસો હતો કારણ કે તે કારનામાં જ એવા કરી આવતો હતો કે તેની વાત માનવી જ પડે. અત્યારે પણ તેણે કંઇક જબરું વિચાર્યું હશે એની ખતરી હતી તેમને.

“આ વિગતો આપણે કમલ જોષીને જણાવી દઇએ તો?” પોતાના એક એક શબ્દ ઉપર ભાર દેતા તે બોલ્યો. “તે એક બાહોશ પત્રકાર છે. ઉપરાંત હવે તેની પાસે તો અંગત કારણ પણ છે. તેની સગ્ગી બહેનનું જ્યારે અપહરણ થયું હોય ત્યારે તે ખામોશ બેસી રહે એમાં માલ નહી. તે અત્યાર સુધીમાં જરૂર આ ઘટનાનાં મૂળિયા શોધવાં લાગી જ ગયો હશે. આપણે જો આ માહિતી તેના સુધી પહોંચાડી દઇએ તો પછી આ વાતનાં સબૂત તો એ પાતાળમાંથી પણ એકઠા કરી લાવશે એની મને ખાતરી છે. એ બહાને આપણે જે કરવા ધારીએ છીએ એ પણ થઇ જશે. તમારું શું માનવું છે સાહેબ?” રાજસંગનું દિમાગ ખરેખર ખતરનાક વિચારી શકતું હતું. તેણે સાહેબ સમક્ષ એક દમદાર સૂઝાવ રજું કર્યો હતો.

દેસાઇ વિચારમાં પડયો. એક રીતે તો રાજસંગની વાત બરાબર હતી કારણ કે જો આ મામલામાં તેનું નામ બહાર આવે, કે દેવેન્દ્ર દેસાઇએ કોઇ જ દેખીતા કારણ વગર પોતાનાં જ ડિપાર્ટમેન્ટનાં એક આલા અધિકારી વિરુધ્ધ વગર એફઆઇઆરે અંગત રીતે કોઇ કાર્યવાહી કરી છે તો પછી તે સમગ્ર પોલીસ બેડામાં અળખામણો બની જાય. ઉપરાંત ન કરે નારાયણ અને રાજસંગ જે જાણી લાવ્યો છે એ ખોટું નિકળે તો તેની નાલોશી ન થાય. એટલે જો રમણ જોષી આ મામલો સંભાળતો હોય તો તેણે કંઇ કરવાનું પણ ન રહે અને દિક્ષિતને તેના કર્માની સજા પણ મળી જાય.

“સુપર્બ આઈડિયા દોસ્ત, ક્યારેક ક્યારેક તું મને જબરી સરપ્રાઇઝ આપે છે રાઠોડ. કીપ ઈટ અપ. તું રમણ જોષીને ફોન કર અને આ વિગતોથી અવગત કરાવી દે. પછી એ જાણે અને એનું કામ.” દેસાઇએ દિલથી રાજસંગના વખાણ કર્યા એટલે રાજસંગનો ચહેરો લાલ થઇ ગયો. મોટા સાહેબનાં શબ્દો ઘણીવખત તેનો જૂસ્સો વધારી દેતાં અને તે વધું ઉત્સાહથી કામ કરતો હતો. તેણે તુરંત પોતાનો ફોન કાઢયો અને રમણ જોષીનો નંબર ડાયલ કર્યો.

આમ જોવા જાઓ તો સાવ અનાયાસે જ તેઓ આ કેસમાં પડયા હતા. જો કમલ દિક્ષિતે દેસાઇને સાથે ખોટું લાગી જાય એવી ભાષામાં તોછડાઈથી વાત ન કરી હોત તો દેસાઇ ક્યારેય આ મામલામાં ઉંડો ઉતર્યો ન હોત. અને તો દિક્ષિતની માથે જે ઘાત આવવાની હતી એ આવી ન હોત. પરંતુ કહે છે ને કે સમય ક્યારેય કોઇને બક્ષતો નથી. તમારા કર્મો ક્યારેક તો તમારી સામે આવીને ઉભા રહે જ છે. બસ, એવું જ કંઇક અત્યારે કમલ દિક્ષિત સાથે બનવાનું હતું.

(ક્રમશઃ)