Dear...Respected books and stories free download online pdf in Gujarati

ડીઅર...રીસ્પેક્ટેડ

વાર્તા સંપુર્ણ કાલ્પનિક છે તેને કોઈ જીવિત કે મૃૃૃત વ્યક્તિ સાથે કોઈ સબંધ નથી. જો એવું લાગે તો તેને એક યોગાનુયોગ ગણશોજી.
આ વાર્તા રજીસ્ટંર્ડ થયેલ વાર્તા છે કોઇએ પણ તેનો ઉપયોગ કે દુરુપયોગ કરતાં પહેલા લેખકની પરવાનગી લેવી ફરજિયાત છે.
નહિતર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
- જીગર બુંદેલા
SWA MEMBERSHIP NO : 32028


રીમા નું ધ્યાન કોમ્પ્યુટરમાં હતું ને એનો મોબાઇલ રણક્યો પહેલાં એણે નજર કરી ને હટાવી લીધી પણ નામ જાણીતું લાગ્યું એટલે તરત જ ફરી નજર કરી ક્ષિતિજભાઈ નામ ફ્લેશ થતું હતું એણે વિચાર્યું અત્યારે એમનો કોલ આવ્યો રીમાએ તરત જ ફોન ઉપાડ્યો અને કહ્યું બોલો ક્ષિતિજભાઇ ક્ષિતિજે તરતજ કહ્યું, "હજી નંબર છે મારો?" હા હોય જ ને કેટલાક લોકો ડીલીટ નથી થતા મોબાઇલમાથી અને મગજમાંથી પણ. રીમાએ જવાબ આપ્યો. ક્ષિતિજે પુછ્યું, સાંજે શું કરે છે ? રીમાએ કહ્યું, કાંઈ નહી. ક્ષિતિજે કહ્યું મળીએ ? રીમાએ પુછ્યું, ક્યાં ? ક્ષિતિજે કહ્યું, CCD.
રીમાએ કહ્યું એ હા..હો... ક્ષિતિજે કહ્યું એ હા....હો.....એ હા....હો.....રીમાએ હસતા હસતા કહ્યું મારા ચાળા ના પાડો......ક્ષિતિજ એનાં એ જ ઓર્ડરવાળા અવાજમા બોલ્યો એ હા ...એ હા ...હો....ઓ.કે શાર્પ 6:00 વાગે. ફોન મુક્યો ને

યાદોની પેન્સિલ ની અણી શાર્પ થઇને મગજનાં પેપર પર લખાયેલા એ શબ્દોને......એ યાદોને........ તાજી કરી ગઈ .

જ્યારે રીમા ને ક્ષિતિજ પહેલીવાર મળ્યા હતા.

ક્ષિતિજ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો, કામમાં બિઝી હતો એની નજર ઘડિયાળ પર ગઈ.10:20 થવા આવી હતી ને નવી રિસર્ચર હજી આવી નહોતી. ક્ષિતિજે પાછું કામમાં ધ્યાન લગાવ્યું ને ત્યાં જ દરવાજો ખુલ્યો ને સામે રીમા હતી આવતાંની સાથે તેણે કહ્યું, "સોરી થોડી લેટ થઈ ગઇ". ક્ષિતિજે એનાં કડક અંદાજમાં કહ્યું હતુ, "થોડી નહીં પુરી 21 મિનિટ". રીમાને થયું કેવો ખડુસ માણસ છે? 20 મિનીટ બોલી શક્યો હોતને અેકવીસ મીનીટ બોલવાની ક્યાં જરૂર હતી? તણે કહ્યું, " સર " ક્ષિતિજ બોલ્યો, "તમે જઈ શકો છો કાલે શાર્પ દસ વાગે આવી જજો શાર્પ. રીમાએ વિનતી ભર્યા સ્વરે કહ્યું, "અરે પણ સર મારી વાત તો સાંભળો. "સોરી" ક્ષિતિજ બોલ્યો. પણ સર મારે પેટ્રોલ પુરાવાનું હતુ ને ત્યાં લાંબી લાઈન હતી ને પછી મને પીક અવરને કારણે ટ્રાફિક નડ્યો. રીમાએ એકસકયૂઝ આપતાં કહ્યું. ક્ષિતિજે કહ્યું, "સવારે પીકઅવરમા ટ્રાફિક મળે જ એની ગણતરી કરીને ઘરેથી એટલા વહેલા નીકળો. No Excuse. કાલથી એવું કરજો. આજે ઘેર જાવ. ને રીમાં પગથિયાં ઉતરતાં બોલી ખડુસ. ને બીજા દિવસે રીમા શાર્પ 10:00 વાગે ઓફિસમાં હતી. ક્ષિતિજ ટાઇમનો પાબંધ હતો. શાર્પ ટાઇમનો પાબંધ હતો.એણે ખર્ચેલા કે આપેલા કે મળેલા એક એક પૈસાની વેલ્યુ કરતો. કોઈ આપેલા સમય કરતાં થોડું લેટ થતું તો તરત જ કહી દેતો તમે મારા રૂપિયાનું નુકસાન કર્યું. આ હતી રીમા ને ક્ષિતિજની પહેલી મુલાકાત. આજે પણ એ શાર્પ 6:00 વાગે બોલ્યા હતાં. ને રીમા શાર્પ છ વાગ્યે પહોંચવા માંગતી હતી એટલે જ ફટાફટ કામ પતાવીને અડધો કલાક વહેલી નીકળી ગઈ.

કેફે કોફી ડે પર જઇ એણે જોયું તો એમનું રગ્યુલર ટેબલ આજે ભરેલું હતું. એ ટેબલ કે જ્યાં બેસી એ લોકોએ ઘણાં પ્રોજેક્ટની ચર્ચાઓ કરી હતી, અનેક પ્રોજેક્ટ્સ ડિઝાઈન કર્યા હતા. એ બીજા ટેબલ પર જઈને બેસી ગઈ. બરાબર છ વાગ્યે CCD નો ગેટ ખુલ્યો પણ ક્ષિતિજભાઇ ન્હોતા. થોડી થોડી વારે ગેટ ખૂલતો ને રીમાની નજર દરવાજા પર જતી,જેની એ રાહ જોતી હતી એ ક્ષિતિજભાઇ દેખાતાં ન હતાં . શાર્પ ટાઈમ પર આવવાવાળા ક્ષિતિજભાઇ હજી કેમ નહીં આવ્યા હોય? 6:10 થઈ CCD નો ગેટ ખુલ્યો. રીમા મોબાઈલમાં મેસેજ ટાઈપ કરતી હતી. ક્યાં છો? ને સેન્ડ કર્યો. ક્ષિતિજભાઇનો જવાબ આવ્યો, "તારી સામે" . ક્ષિતિજ એની સામે આવીને ઊભો રહી ગયો હતો ને એને ખબર જ નહોતી. રીમાએ ઘડિયાળ બતાવી,જેવી રીતે ક્ષિતિજ હંમેશા બતાવતો. ક્ષિતિજે તરત જ કહ્યું, "બદલો લે છે? તને ખબર છે ને કે હું કોઈના ભરોસે હોવું ત્યારે જ લેટ પડુ છું . મારો ડ્રાઇવર લેટ આવ્યો. રીમાએ કહ્યું, એ હું કાંઈ ના જાણું. મિસ્ટર ક્ષિતિજ તમે દસ મિનિટ લેટ છો.આપણે કાલે મળીએ. મારી એક એક મિનિટની કિંમત છે. ક્ષિતિજ એને જોઈ રહ્યો જાણે રીમા નહીં પણ ક્ષિતિજ બોલી રહ્યો હોય એવું લાગ્યું એને એ બોલ્યો, "મારો એંઠૉ સૂપ હજી ચાલે છે કે શું? " ને બંને હસી પડ્યા. રીમાને યાદ આવી ગયું એકવાર બધાં જ જમવા ગયા હતા. ક્ષિતિજભાઇએ ત્યારે ભૂલમાં સાત ને બદલે છ જ સૂપનો ઓર્ડર કર્યો ત્યારે રીમાએ કહ્યું હતું, "લો મારામાંથી પીવો ". ક્ષિતિજભાઇએ ત્યારે કહ્યુ હતું કે, "હું કોઈને મારું એંઠુ ખવડાવતો નથી." પણ હું તો એઠું ખાઉં છું. મને ચાલશે. રીમાએ કહ્યું હતું. ક્ષિતિજભાઇએ કહું, "નાં મારું એંઠુ ખાય ને તું મારા જેવી થઈ જાય તો? ટીમમાં બધા જ ખડ્ડૂસ. રીમાએ તરતજ કહ્યુ ને પછી ભૂલથી સાચું બોલી હોય એમ જીભ કાઢી. ક્ષિતિજે પણ મજાકના સૂરમાં કહ્યું, તો કેવું લાગશે? ટીમ ખડૂસ. બધા હસી પડ્યા હતા.

રીમાએ કહ્યું, "તમારાં વાળમાં હવે સફેદી વધી ગઈ છે. " ને ક્ષિતિજ Past Tense માથી Present Tense માં આવી ગયો. ક્ષિતિજે કહ્યું, તારાં પણ. રીમાએ પોતાની સફેદ લટને સરખી કરતાં જવાબ આપ્યો, ઉંમર ઉંમરનું કામ કરે છે. ક્ષિતિજે પુછ્યું, શું કરે છે અત્યારે? રીમાએ જવાબ આપ્યો, બસ એક સ્કૂલમાં પાર્ટ ટાઈમ ડાન્સ ટીચર ને રિસર્ચ વર્ક. તમે? ક્ષિતિજ ખાલી હસી પડ્યો. રીમાએ કહ્યું તમે પણ એ જ. બીજું આવડે પણ શું છે? ક્ષિતિજ પોતાના વાળ સરખા કરતાં બોલ્યો. રીમાએ કહ્યું, " બસ હવે, છે એટલા પણ ખરી જશે." ક્ષિતિજે કહ્યું, "હા તમારા લોકો જોડે રહીને જ ખરી ગયા છે." બન્ને હસી પડ્યા.
કોફી? રીમાનાં સવાલ ની સામે ક્ષિતિજે કહ્યું, " કેપેચીનો સ્ટ્રોગ".
હું ચા લઈશ મસાલાવાળી.
ચોઇસ નથી બદલાઇ? ક્ષિતિજે પુછ્યું
બદલાઇ જાય એ ચોઇસ જ શું? રીમાએ જવાબ આપ્યો.

પછી મસાલાવાળી ચા ની મીઠાશ અને કોફીની બિટરનેસ જેવી બન્નેએ ઘણી મસાલેદાર વાતો કરી. ક્ષિતિજભાઇએ ઘડિયાળ જોતા કહ્યું ,"ચાલ મળીએ." રીમાની આંખોમાં સવાલ હતો, ક્યારે ? જોઈએ સમય ફરી સમય આપે ત્યારે.ક્ષિતિજે હસતાં હસતાં કહ્યું. ચાલો ત્યારે ફરી મળીએ.રીમા પણ બોલી.
બંને જણા છુટા પડ્યા.

રીમા ઘરે પહોંચી ત્યાં whatsapp આવ્યો તારો મોબાઈલ જો. whatsapp ક્ષિતિજભાઇનો હતો. રીમાએ મોબાઇલ જોયો. કઈ નવું ન્હોતું. ના એને નવું લાગ્યું.એ જ જૂનો મોબાઇલ ને એજ જૂનું કવર હતું કે જે એ વર્ષોથી વાપરતી હતી અને એને અચાનક યાદ આવ્યું કે જ્યારે એ વોશરૂમમાંથી બહાર આવી ત્યારે એણે ક્ષિતિજભાઇને એનો મોબાઇલ સરખો કરતાં જોયા હતાં. એણે મોબાઇલ હાથમાં લીધો ને મોબાઈલનું કવર ખોલ્યું.અંદરથી એક લેટર નીકળ્યો.
લખ્યું હતું.....................

લેટર પૂરો થયો. રીમા ભાવશૂન્ય દશામાં ઊભી થઈ. ડ્રોઅર પાસે ગઈ. ડ્રોઅરનાં પર્સનલ ખાનામાં રાખેલી એક ડાયરી ખોલી. એમાંથી એક પીળો પડી ગયેલો પત્ર લઇને એ ત્યાં જ બેસી ગઈ. એ પત્રનાં પીળા પડી ગયેલાં અક્ષરો પર રીમાની નજર ફરવા લાગી.

લખ્યું હતું.

રિસ્પેક્ટેડ ક્ષિતિજભાઇ,

આમ તો ડિયર લખવું હતું પણ તમને જ્યારથી જોયા છે, મળી છું ત્યારથી એક રિસ્પેક્ટની નજરે જ જોયા છે અને એ રિસ્પેક્ટ ક્યારે પ્રેમમાં પલટાઈ ગયો એ મને પણ નથી ખબર. મેં ઘણીવાર તમારી સમક્ષ મારા પ્રેમને પ્રદર્શિત..... ના પ્રેમ પ્રદર્શિત કરવાની વસ્તુ નથી. અનુભવવાની લાગણી છે. તમે મારા પ્રેમનો ભાવ... પ્રેમનો અનુભવ કરો એવા પ્રયત્ન કરવાની કોશિશ કરી પણ તમારી આમાન્યાના કારણે ક્યારેય કહી નાં શકી. ક્યારેક તમારા વર્તનમાં તમારો પ્રેમ અનુભવું છું પણ અસમંજસમાં છું કે એ પ્રેમ છે કે સહાનૂભૂતિ? કારણકે તમે દરેક એમપ્લોઈને એ જ પ્રકારે ટ્રીટ કરો છો. આજે તમને આ લેટર આપીને હું મારા પ્રેમનો ઈઝહાર કરવા માગું છું. એકરાર કરવા માંગું છું. આશા રાખું છું કે આપ મને સમજી શકશો. મારી તમારી પાસે કોઈ અપેક્ષા નથી ના તમારી પત્ની બનવાની કે ના કોઈ પણ પ્રકારના હક લેવાની. હું ફક્ત તમારી ઇટલેકચ્યુઅલ પાર્ટનર બનવા માંગુ છું અને રહી વાત ઉંમરની તો આપણી વચ્ચે 15 વર્ષનો તફાવત છે , પણ 15 વર્ષ કોઈ ચોકલેટી લવરીયા જોડે રહીને એની મૂર્ખામીઓ સહન કરીને એનાં છોકરાઓની માં બનવા કરતા 15 વર્ષ મોટા intellectual - પોટેન્શિયલવાળા માણસ સાથે રહીને વાંઝીયા રહેવું વધારે પસંદ કરીશ.

ફક્ત આપની
રીમા

રીમાનાં એક હાથમાં એનો લખેલો પત્ર હતો ને બીજા હાથમાં ક્ષિતિજનો. લેટર હાથમાંથી પડી ગયા એ ભાવશૂન્ય હતી એના લેટર ની બાજુમાં જ ક્ષિતિજનો લેટર પડ્યો હતો. જેને વાંચીને રીમા ભાવશૂન્ય થઈ ગઇ હતી.
એમાં લખ્યું હતું.

ડીઅર રીમા,

આ લેટર કદાચ વર્ષો પહેલા તને આપવાનો હતો અને આ વાત બહું વર્ષો પહેલા તને કહેવાની હતી, પણ શબ્દો હંમેશા મારા હોઠ સુધી આવીને અટકી જતા. આ વાત હું તને whatsapp પર મેસેજ કરીને પણ કહી શક્યો હોત પણ એક કવિતાની પંક્તિઓ મને ખૂબ ગમે છે.

લેટર્સમાં માત્ર લેટર્સ નથી
કાગળની કોરમાં બાંધેલું લાગણીનું ઘોડાપુર છે,
આંગળીઓના ટેરવેથી ઉગતું વાતોનું જઁગલ છે,
ભવિષ્ય માટે આંખોમાં સાચવેલુ ભૂતકાળનું પાણી છે,
પહેલા પ્રેમની નિશાની ને નિષફળતાની કહાની છે
કેમ કરી સમજાવું તને લેટર્સમાં ખાલી લેટર્સ નથી......
હાથ પર લાગેલી બ્લેડ છે, કોઈ બેનપણીને આપેલી લાંચ છે,
રાહ જોતાં કાઢેલા કલાક છે, વરસાદમાં છીકો ખાતી સાંજ છે,
કોઇના માટે કફન તો કોઇના માટે ફન છે,
એનાં સહારે કેટલાયની જીદગી રન છે,
કેમ કરી સમજાવું તને લેટર્સમાં ખાલી લેટર્સ નથી......
લાગણીની ચાસણીમાં ઝબોળેલી ચમ ચમ છે ,
લુખ્ખાને મળતો ખજાનો છે,ઈલાયચીનો દાણો છે,
કાગળ આ મસ્ત મજાનો છે,
છુપાવેલી લાગણીઓ હજારો છે
એટ્લે જ......
કેમ કરી સમજાવું તને લેટર્સમાં ખાલી લેટર્સ (શબ્દો) નથી......
કેમ કરી સમજાવું તને........
કેમ કરી સમજાવું.........
કેમ કરી..........

એટલે જ લેટર લખું છું.
હું જ્યારે પણ તને લગન વિશે તારા કોઈ અફેર વિશે પૂછતો ત્યારે તું હંમેશા કહેતી, "તમે નહી પણ તમારાં જેવું કોઈ મળશે તો ચોક્કસ લગન કરી લઈશ." ને આજે પણ તું બોલી, કોઈ મળ્યું નથી તમારાં જેવું, ને એટલે જ આ લેટર આપવાની હિંમત કરી શક્યો.
હું તને........ નહિ. તું મને ગમવા લાગી હતી. ધીરે ધીરે તારી તરફ મારું મન ખેંચાવા લાગ્યું હતું, પણ આપણી વચ્ચેના ઉંમરનાં તફાવતને કારણે હું તને ક્યારેય ન કહી શકયો એ ત્રણ શબ્દ. તું હંમેશા મને માનથી બોલાવતી - જોતી ને તારા મગજમાં ઉભા થયેલા મારાં એ ચિત્રને - રૂપને - ઈમેજને હું ખરડાવા નહોતો માંગતો. માણસ હંમેશા બીજાની નજરમાં પોતાની ઇમેજ તૂટવાથી ખુબ ડરે છે, અને એટલે જ કદાચ કેટલાક સત્યો એ ક્યારેય કોઈને કહેતો નથી.

पहेचान ना लिया जाऊ इसलिए मैं कभी खुद से भी नही मिलता
कुछ कमरे मनके ऐसे है जहाँ मै भी नही फिरता।
असली सूरत ना दिखे कभी मेरी इसलिए
रोज नए चहेरे पहनकर हूं घूमता
मेरी छबी टूटने से डरता हूँ इसलिए
मेरे प्यार का इज़हार भी नही करता

કદાચ મારા વિશે સામેવાળી વ્યક્તિ શું સમજી બેસશે અને સ્ત્રીઓનાં મામલામાં ખાસ. હું ડરતો હતો કે જો હું તને મારા મનની વાત કહીશ ને ક્યાંક તું પ્રોજેક્ટ છોડીને ચાલી જઈશ તો ? અત્યારે તારો જે સાથ મળે છે, તારી સાથેની જે થોડીઘણી સુંદર પળો મળે છે એ પણ છીનવાઈ જશે અથવા તું મારા વિશે, મને જે માને છે એ છબીને ઠેસ પહોંચશે તો? અને એજ બીકે આજ સુધી એ ત્રણ શબ્દ કદી કહી ન શક્યો પણ આજે હવે જ્યારે આપણે સાથે નથી, એક શહેરમા નથી ને હવે મને ઈમેજ તૂટવાનો ડર પણ નથી. ત્યારે હું તને કહું છું એ ત્રણ શબ્દ.

I Love You.

તું મારા શરીરની નહીં intellectual ભૂખ છે અને હું આ વાત મારા હૃદયમાં રાખીને નથી મરવા માંગતો. ક્ષિતિજ પર ભલે ધરતી અને આકાશ મળતા દેખાય પણ એ એક ભ્રમ છે. પણ સારો છે.આપણે ભલે સાથે રહી ના શકીએ પણ ભેગા દેખાઇ તો શકીએ ને?
ક્યારેક પાછો આ શહેરમાં આવીશ તો એક દોસ્તની જેમ મળીશું. મળીશ ને?
તું પણ આ લેટર વાંચીને ફાડી નાંખજે ને ભૂલી જજે કે મેં તને આવું કંઈ પણ કહ્યું છે. તારી પાસે ઘણો સમય છે તને કોઈ પણ મળી જશે. મારા જેવું નહીં મારાથી પણ સારું.

I Wish You a Happy Life.

કાલે હું પાછો જતો રહીશ ને પાછો કામમાં પરોવાઇ જઈશ, પછી મને કશું જ યાદ નહીં આવે. આજે આ શહેરમાં આવ્યો તો ભાવનાઓ - ઇચ્છાઓ - યાદો - લાગણીઓ જાગૃત થઈ ગઈ ને મારો હાથ મોબાઈલમાં તારા આંકડા દબાવી બેઠો.
ફક્ત છેલ્લી વાર કહું છું.
I Love You.
ફરી ક્યારેય મારા મોઢે નહીં આવે.
પ્રોમિસ.
Bye.
ફક્ત તારો .......નહીં કહું
જુઠ્ઠું બોલતા નથી આવડતું
ક્ષિતિજ
રીમાએ કાગળ થોડીવાર પકડી રાખ્યો પછી તેના હાથ એ લેટર્સના ઝીણા ઝીણા ટુકડા કરવા લાગ્યા. ભાવશૂન્ય ચહેરે એણે મોબાઈલ લીધો ને કોન્ટેક્ટ લિસ્ટમાંથી નામ કાઢ્યું. ક્ષિતિજભાઈ
એડિટ બટન દબાવ્યું ધીરે ધીરે એક એક શબ્દ ડીલીટ કરવા લાગી. I......A......H......B ને "J " પર આવી અટકી ગઈ. સેવનું બટન દબાવ્યું ને તરત જ કોલ નું. રિંગ ગઇ ને સામે છેડેથી ક્ષિતિજે ફોન ઉપાડ્યો. રીમા ફક્ત એટલું જ બોલી 30 મિનિટ પછી કેફે કોફી ડે પર મળીએ શાર્પ. ક્ષિતિજે કહ્યું એ હા.....રીમા કડક અવાજમાં બોલી 30 મિનિટ પછી. શાર્પ.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED