વિષાદ યોગ - પ્રકરણ - 52 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 52

વિલીએ સુપ્રિયા સામે કબુલાત કરવાની શરૂઆત તો કરી પણ હવે તેની હિંમત ચાલતી નહોતી. તે થોડીવાર ચુપ રહ્યો. ફોન પર એકદમ સન્નાટો છવાઇ ગયો. જાણે બંને એકબિજાની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતા હોય તેમ બેસી રહ્યા. આ જોઇ નિશીથે ઇયર ફોનમાં વિલીને કહ્યું “ચાલ જલદી કર હજુ તારે ઘણા કામ કરવાના છે.” આ સાંભળી વિલીએ બોલવાની શરુઆત કરતા કહ્યું “પ્રિયા, મે તારી સામે ઘણુ ખોટુ બોલ્યું છે. મે તારાથી ઘણુ બધુ છુપાવ્યું છે. મને માફ કરી દે જે.” આ સાંભળી સુપ્રિયાની લાગણીનું સ્થાન ગુસ્સાએ લઇ લીધુ અને બોલી “જો સુમિત આમ ગોળ ગોળ વાત નહીં કર, જે કહેવુ હોય તે ચોખ્ખું બોલ અને તું મજાક તો નથી કરતોને? તને ખબર છે ને મને આવી મજાક પસંદ નથી.”

આ સાંભળી વિલીએ કહ્યું “નહીં પ્રિયા આ કોઇ મજાક નથી. જ્યારે જિંદગી મારી મજાક કરી રહી છે ત્યારે હું તારી સાથે મજાક કઇ રીતે કરી શકું? અત્યારે હું તને જે પણ કહીશ તે એકદમ સત્ય હશે. મે તારી સાથે ઘણી છેતરપીંડી કરી છે પણ આજે હવે તને બધુજ સાચુ કહી દેવું છે. પછી તારે મને જે સજા આપવી હોય તે આપજે.” આટલું બોલી વિલી સુપ્રીયાનો પ્રતિભાવ સાંભળવા રોકાયો.” પણ સુપ્રિયાએ કોઇ પ્રતિભાવ આપ્યો નહીં. જ્યારે સુપ્રિયા મૌન થઇ જાય ત્યારે તે મૌન તુફાન પહેલાની શાંતી જેવુ હોય છે, તે વિલી સારી રીતે સમજતો હતો. અત્યારે પણ પ્રિયા મૌન હતી એટલે વિલીને આવનારા તુફાનના સંકેત મળી ગયાં હતા. હવે આમપણ જિંદગીમાં સૌથી મોટુ તુફાન તો ચાલી જ રહ્યું છે અને એમાંથી નિકળવું હશે તો આ નાના તુફાનનો સામનો કરવોજ પડશે. થોડીવાર વિચારી વિલીએ ફરીથી બોલવાની શરુઆત કરતા કહ્યું “પ્રિયા, મે તને જે પણ કહ્યું તે બધુજ ખોટુ હતું. પહેલા તો એ કે મારુ નામ સુમિત નહીં પણ વિકાસ ગુપ્તા છે અને લોકો મને વિલી તરીકે ઓળખે છે. હું પરણેલો છું અને મારે એક દિકરો પણ છે. તે લોકો વસ્ત્રાપુરમાં રહે છે.” વિલી હજુ આગળ બોલવા જાય ત્યાં તો સામેથી પ્રિયા નો એકદમ કઠોર અને થીજી ગયેલો અવાજ આવ્યો “સુમિત સોરી,વિલી તે જે કર્યુ છે તે બદલ હું ક્યારેય તને માફ નહીં કરું. તે તારી જિંદગીમાં ઘણાને હેરાન કર્યા હશે પણ આ ભૂલ તને ખૂબ મોંધી પડશે. મારી હાય લાગશે તને. તું કૂતરાની જેમ મરીશ. તું મરીશ ત્યારે તને પાણી આપવાવાળુ પણ કોઇ નહીં હોય. તારા પરીવારની પણ..” પ્રિયા હજુ આગળ બોલે તે પહેલાજ વિલીએ તેને રોકતાં કહ્યું “પ્રિયા,પ્લીઝ યાર મારા પરિવારને નહીં. તારે જે પણ કહેવું હોય તે મારા માટે કહે. મને તારે જેટલા શ્રાપ આપવા હોય તેટલા આપ. હું તેનેજ લાયક છું પણ, મારા પરિવારે તારું કઇ બગાડ્યુ નથી. તે તો બિચારા તને ઓળખતા પણ નથી. પ્લીઝ પ્રિયા.” આટલું બોલતાં વિલીનો અવાજ રુંધાઇ ગયો અને કોલ કટ થઇ ગયો. તરતજ વિલીના ઇયર ફોનમાં નિશીથનો અવાજ આવ્યો.

“વિલી, તે તારી જિદગીમાં એટલા બધા લોકોની હાય લીધી છે કે જો તે બધી જ સાચી થઇ જાય તો તારા માટે નર્કથી પણ આગળ કોઇક જગ્યા બનાવવી પડે.” થોડીવાર વિલી કઇ બોલ્યો નહીં પણ પછી તેણે સ્વસ્થ થઇને કહ્યું “ઓકે, તમે કહ્યું તે બધુજ મે કર્યુ, હવે તમે મને જવાદો. તમે મને વાયદો કર્યો હતો. પ્લીઝ મને જવાદો.”

“વિલી તું તો બહું ઢીલો નિકળ્યો. થોડીવારમાંજ હાર માની લીધી. મને તો એમ હતું કે તું છેલ્લે સુધી લડત આપીશ.”

“એ તો એક વખત પેલા પૈસા મને આપીદો અને પછી તમે લડત માટે તૈયાર થાવ તો સાચી લડત જોવા મળે.”

આ સાંભળી નિશીથે કહ્યું “તને તે પણ આપશું એટલી બધી ઉતાવળ શું છે? કેટલા વર્ષોની મહેનત પછી તું મળ્યો છે થોડો સમય અમને પણ મજા કરવા દે.”

“જો તમને ખબર નથી હું થોડીવારમાં જો ગાંધીનગર નહી પહોંચું અથવા ફોન નહી કરુ તો મારી શોધ ચાલુ થઇ જશે. અને આખુ પોલીસ તંત્ર આ કામમાં લાગી જશે. તમે વધુ વાર છુપા રહી શકશો નહીં. તેના કરતા તમે મને છોડી દો તો બચી જશો.”

આ સાંભળી નિશીથ હસવા લાગ્યો અને બોલ્યો “હવે પાછો તારામાં જુનો વિલી જાગી ગયો. તું પણ જબરો છે તારી જિંદગી અત્યારે મારી આંગળીના ઇશારે છે અને તું અમને બચાવવાની વાતો કરે છે. અત્યારે તું મને નહીં પણ હું તને બચાવી રહ્યો છું.”

આ સાંભળી વિલીએ કહ્યું “તમે મને એ તો કહો કે મે તમારુ શું બગાડ્યું છે? તમે શેનો બદલો લઇ રહ્યા છો?”

“વિલી અહીં પ્રશ્ન માત્ર હું પુછીશ અને જવાબ તું આપીશ. છતા તને તારા બધાજ પ્રશ્નોના જવાબ સમય આવ્યે મળી જશે.” પછી થોડીવાર રોકાઇને નિશીથે કહ્યું “અત્યારે આખા દેશની ન્યુઝ ચેનલ અમદાવાદના એક સર્કલ પર જમા થઇ ગઇ છે. તારા માટે પણ આ સમાચાર ખુબ અગત્યના છે. તું જોવા માગે છે?”

“હા, શું સમાચાર છે?” વિલીએ ગભારાતા પુછ્યું.

તરતજ પાછળ રહેલુ ટીવી ઓન થયું અને એક ગુજરાતી ચેનલ પર એક એન્કર બુમો પાડીન બોલી રહ્યો હતો.

“હું સી ટીવી ગુજરાતીનો ન્યુઝ એન્કર એક સનસની ખેજ સમાચાર આપવા જઇ રહ્યો છું. અમે અત્યારે અમદાવાદના પ્રખ્યાત વૈષ્ણોદેવી સર્કલ પર છીએ. અહીં એક બોલેરો કાર પડી છે તેમાં કરોડો રુપીયા છે. અહીં અમારી પાછળ તમે જોઇ રહ્યા છો કે આખા સર્કલને પોલિસે કોર્ડન કરી લીધુ છે. અહીં ઇન્કમ ટેક્ષ અને રીઝર્વ બેંકના કર્મચારી પણ આવી ગયા છે. તે લોકો આ પૈસાની ગણતરી કરી રહ્યા છે. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. આ કોના પૈસા છે? ક્યાંથી આવ્યા છે? અને તે વિશે પોલીસ અને રીઝર્વ બેન્ક્ના કર્મચારીને કઇ રીતે ખબર પડી? આ બધા પ્રશ્નોના જવાબ અમે તમને ટુંક સમયમાં જણાવીશું.” આ સમાચાર સાંભળી વિલી તો સુનમુન થઇ ગયો. હવે શું કરવું તે જ તેને સમજાતુ નહોતું. તે હજુ વિચારતો હતો ત્યાં પેલો એન્કર કોઇ કર્મચારી સાથે વાત કરવા લાગ્યો અને બોલ્યો “ આ અમારી સાથે છે રીઝર્વ બેંકના કર્મચારી. તેના જણાવ્યા મુજબ, તેના પર કોઇ અનામી ફોન આવ્યો હતો અને ફોન કરનારે તેને જણાવ્યુ હતું કે આ જગ્યાએ એક કાર પડેલી છે તેમાં કરોડો રુપીયા છે.” અને પછી તે એંકર પેલા સાથે વાત કરવા લાગ્યો. આ જોઇ વિલીના હોશ ઉડી ગયા હતા.

“તમે આ શું કર્યું? હવે પેલો રાક્ષસ મારા પરિવારને ક્યારેય છોડશે નહીં. મારો પરિવાર બરબાદ થઇ જશે.” વિલી એકદમ લાગણીશીલ થઇને બોલી રહ્યો હતો.

ત્યાં ફરીથી પેલો ટીવી એન્કર બોલવા લાગ્યો “અહી છે તે બધાજ કર્મચારીઓને કોઇ અનામી વ્યક્તિએ ફોન કરી બોલાવ્યા છે. અને અમને જાણવા મળેલી માહિતી મુજબ આ ગાડીમાં કુલ 150 કરોડ રુપીયા છે. આ પૈસા કોના છે? કોઇ પોલીટીશિયન કે પછી કોઇ બીઝનેસમેનના કાળા નાણા છે? આ કાર કોની છે? એ બધીજ તપાસ પોલીસ કરી રહી છે? શું આ પૈસાનું રાજ ખરેખર બહાર આવશે કે પછી આખો મુદો દબાવી દેવામાં આવશે?”

આ સમાચાર સાંભળી વિલીની બધીજ હિંમત ચાલી ગઇ હતી. તેને ખબર હતીકે જેવા આ સમાચાર કૃપાલસિંહને મળશે કે તરતજ તે વિલીનો ખેલ ખતમ કરી નાખવાનો ઓર્ડર આપી દેશે. વિલીની છેલ્લી થોડી ઘણી આશા હતી તે પણ હવે પૂરી થઇ ગઇ હતી.

------*****---------------**********-------------**************------------******************

ગુજરાત ક્રાઇમ બ્રાંચના બાહોશ પોલીસ ઇન્સપેક્ટર રુદ્રપ્રતાપસિંહ જાડેજા ઉર્ફે બાપુ જ્યારે સિંહોર પાસે પહોંચ્યા ત્યારે તેમણે ડ્રાઇવરને કહ્યું પેલી હોટલમાં વોલ્ટ કર. અહીં થોડી પુછપરછ કરીએ અને ફ્રેસ થઇ જઇએ ત્યાં પહોંચ્યા પછી કઇ સમય નહીં મળે. ડ્રાઇવરે કારને હોટલના કંપાઉન્ડમાં લીધી. પેલા બધાએ પગ છુટા કર્યા અને ચા પાણી પીધા પછી બાપુ થોડી પુછપરછ માટે હોટલના માલિક પાસે ગયાં. ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી સામે ઇંસ્પેક્ટર દવે બોલતા હતા.

“ અહીં પાલીતાણા- જેસર રોડ પર પેલી તમે કહેલી તે કાર મળી છે પણ કોઇ માણસ મળ્યો નથી. અમે કારની તલાસ લેવાની શરુઆત કરીએ છીએ.” આ સાંભળતાજ બાપુએ કહ્યું “નહીં, હું હવે લગભગ કલાકમાં આવુજ છું ત્યાં સુધી કોઇ કારને અડશો નહીં.” એમ કહી તેણે ફોન કાપીને ડ્રાઇવરને કહ્યું “ચાલ જલદી જિપ ભગાવ કાર મળી ગઇ છે.” અને તે લોકો જિપમાં બેસીને જતા રહ્યા. બાપુ અહીંજ ભૂલ કરી હતી. આ હોટલ વિલીએ જ્યાથી યુ ટર્ન માર્યો હતો તેની સામેજ હતી અને હોટલના માલિકે વિલીની કારને અચાનક બ્રેક મારતા જોઇ હતી અને નંબર પણ જોયા હતા. વિલીએ યુ ટર્ન લીધો હતો તે પણ આ માલીકે નવાઇથી જોયુ હતું. જો બાપુએ અહીં પુછ પરછ કરી હોત તો ચોક્કસ તેને કોઇ કળી મળી ગઇ હોત. પણ પ્રશાંત અને નિશીથના નસીબ જોર કરતા હતા.

----------**********---------------***************‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌---------------************----------------

કૃપાલસિંહ તેના બંગલામાં આમથી તેમ આંટા મારતા હતા. કૃપાલસિંહે જિંદગીમાં ઘણા ખેલ ખેલ્યા હતા. પણ અત્યારે તે જે ખેલ ખેલી રહ્યો હતો તે તેની જિંદગીનો સૌથી મોટો અને નિર્ણાયક હતો. જો તે આ રમત જીતી જાય તો તે ગુજરાતનો સૌથી શક્તીશાળી માણસ બની જાય એમ હતો. આખા ગુજરાત પર રાજ કરી શકે એમ હતો પણ આ રાજા બનવા માટે તેને વજીરની મદદની જરૂર હતી પણ વજીર અત્યારે ક્યા છે? તે તેને ખબર નહોતી. આ વજીરને લીધેજ તેની ચાલ રોકાઇ ગઇ હતી. કૃપાલસિંહે જિદગીમાં ક્યારેય શતરંજની રમત રમી નહોતી પણ તેણે આખી જિંદગી શતરંજના ખેલની જેમ જીવી હતી. તેણે પ્યાદામાંથી રાજા સુધીની સફરમાં શતરંજના ઘણા નિયમોનો ઉપયોગ કર્યો હતો. પણ આ આખી સફરમાં તેનો બધો મદાર તેના વજીર જેવા વીલી પર હતો. અત્યાર સુધી વિલીએ ક્યારેય તેને નિરાશ નહોતા કર્યા પણ આજે પહેલીવાર અને ખુબ કિંમતી સમયે જ ગાયબ હતો. કૃપાલસિંહ તેના બંગલામાં આટા મારતો હતો ત્યાં તેનો ફોન રણક્યો અને સામેથી જે કહેવાયું તે સાંભળી કૃપાલસિંહનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને તેણે મોબાઇલ છુટો ફેંક્યો. આ મોબાઇલ ટુટવાના અવાજથી બાજુના રુમમાંથી પી.એ દોડી આવ્યો અને બોલ્યો “શું થયું સાહેબ?”

“બધાજ નકામા છે? આ વિલીને પણ મે જ અહી સુધી પહોંચાડ્યો અને તે આસ્તીનનો સાપ નિકળ્યો. ન્યુઝ ચાલુ કર.”

પી.એ ને કઇ સમજાયું નહીં પણ કૃપાલસિંહનો મિજાજ જોઇને તેણે કઇ ન પુછવામાં જ ભલાઇ સમજી અને ટીવી ઓન કરી ગુજરાતી ન્યુઝ ચાલુ કર્યા. ન્યુઝ જોતાજ પી.એને આખી વાત સમજાઇ ગઇ. તે હજુ કઇ કહેવા જાય ત્યાં તો કૃપાલસિંહે સામેથીજ કહ્યું “પેલા હરામી કમિશ્નરને ફોન કર. તેને મે આ પોસ્ટ સુધી પહોંચાડ્યો છે. પણ હરામી કોઇ કામનો નથી. તેનાથી એક માણસને શોધી શકાતો નથી તો કમિશ્નર શું બન્યો હશે.”

પી.એ એ કમિશ્નરને ફોન લગાવ્યો અને કહ્યું “સાહેબ, તમારી સાથે વાત કરવા માગે છે.” અને પછી ફોન કૃપાલસિંહને આપ્યો.

“તને મે જ કમિશ્નર બનાવ્યો છે તે ભુલી ગયો? મે તને એક માણસને શોધવાનું કહ્યું પણ તારાથી આટલું કામ પણ થતુ નથી. અને તારા ઇન્સપેક્ટર મિડીયામાં હિરો બને છે. તે બધાની વર્દી ઉતરાવી નાખીશ. તારાથી તારા જ માણસ પર કંટ્રોલ નથી તો કમિશ્નર શું કાંદા ખાવા બન્યો છે?”

કમિશ્નરને કૃપાલસિંહનો ટોન અને તુંકારે કહીને બોલાવવું ગમ્યુ નહીં પણ આજ કૃપાલસિંહની મહેરબાનીથી તે કમિશ્ર્નર બન્યો હતો એટલે કઇ બોલી શકે એમ નહોતો. કમિશ્નર એકદમ ખંધો હતો કૃપાલસિંહે મિડીયાનો ઉલ્લેખ કર્યો એટલે કમિશ્નરે તરતજ એક વતા એક કરી નાખ્યા અને આખો મામલો સમજી ગયો. આ જે પૈસા છે તે કોના છે તે સમજાતાજ કમિશ્નરે કહ્યું “પણ સાહેબ તમારે મને આખી વાત કરવી જોઇતી હતી. મને ખબર હોત કે આ તમારા પૈસા છે તો હું ગમે તેમ કરીને મામલો થાળે પાડી દેત.”

કમિશ્નરનું તીર નિશાના પર લાગ્યુ હતું. તરતજ સામેથી કૃપાલસિંહે કહ્યું “એ તો જે થયુ તે પણ મારે એક કલાકમાં વિલી મારી સામે ઉભેલો જોઇએ. નહીંતર તારી આખી ફાઇલ હું ખોલાવી નાખીશ.” આ ધમકીનો અર્થ કમિશ્નર સારી રીતે જાણતો હતો. તેણે આ પોસ્ટ સુધી પહોંચવા ઘણા એવા કામો કર્યા હતા જે બહાર આવે તો તેની કમિશ્નરની પોસ્ટ જ નહી, નોકરી પણ જતી રહે અને તે ન્યુઝપેપરની હેડલાઇન્સમાં છવાઇ જાય. કમિશ્નરને સમજાઇ ગયું હતુ કે જો આ વિલી નહી મળે તો તેના માટે પણ મોટી મુસીબત ઊભી થવાની છે એટલે તેણે કહ્યું “સાહેબ, મે મારા બેસ્ટ માણસો કામે લગાડી દીધા છે. તે લોકો ગમે તેમ કરીને વિલીને પકડી લેશે. હું ઝડપથીજ તમને ખુશ ખબરી આપવા ફોન કરીશ.”

કમિશ્નર હજુ આગળ કઇ કહે તે પહેલા સામેથી ફોન કપાઇ ગયો. કમિશ્નરે ફોન મુક્યો ત્યારે એ.સીવાળી તેની ચેમ્બરમાં પણ તેના કપાળ પર પરસેવો વળી ગયો હતો. કમિશ્નરે તરતજ બાપુને ફોન લગાવ્યો.

------------**********--------------**********----------------------************-------------------

નિશીથ વિલી સાથે વાત કરતો હતો ત્યાં તેની પાસે પડેલા બીજા ફોનમાં રીંગ વાગી નિશીથે ફોન ઉંચક્યો એ સાથેજ સામેથી પ્રશાંતે કહ્યું “ચાલ પહેલુ ચરણ પુરુ થઇ ગયું છે. હવે આપણે ખુબ ઝડપથી કામ પતાવવું પડશે કેમકે હવે આખા રાજ્યની ફોજ આપણી પાછળ લાગી જશે. હવે આખી બાજી તારા હાથમાં છે. હું તારા મોબાઇલમાં હમણા બેંક એકાઉન્ટની ડીટેઇલ્સ નાખુ છું. તે એકાઉંટમાજ તારે ટ્રાંસફર કરી દેવાના છે. આપણી શરત મુજબ તને તારો ભાગ એક કલાક પછી મળી જશે.” આખી વાત સાંભળીને નિશીથે ફોન કટ કરી નાખ્યો અને પછી તેણે સમીરને ફોન જોડ્યો.

------------************---------------**************---------------**************-----------

પ્રશાંતે હજુ ફોન મુક્યો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી પ્રશાંતે ફોન ઉચક્યો તો સામેથી કહેવાયું “તમે જલદીથી ફાર્મ હાઉસ પહોંચી જાવ સાહેબે ઇમર્જન્સી કામ માટે બોલાવ્યા છે.” ફોન કટ કરી પ્રશાંત જોરથી હસી પડ્યો અને બોલ્યો “સાહેબ તારી મને ખબર જ હતી એટલે તો મારે નિશીથને સાથે રાખવો પડ્યો. ચાલ સારુ કર્યુ તે મને બોલાવ્યો તારી ચાલ પણ મને ખબર પડશે.”

--------------**********--------------*************------------------************----------------------

બાપુ જ્યારે વિલીની કાર પાસે પહોંચ્યા ત્યારે ત્યાં ઇંન્સ્પેક્ટર દવે તેની રાહ જોઇ રહ્યા હતા. બાપુએ ઇ.દવે સાથે હાથ મિલાવ્યા અને કહ્યું આ વખતે તમે એક પોઇંટ આગળ નિકળી ગયા. હવે હું રાહ જોઇશકે ક્યારે તમારે મારુ કામ પડે અને હું પોઇન્ટ સરભર કરી દઉં.” દવે હસ્યા અને બાપુને કાર તરફ લઇ ગયાં. બાપુએ કાર પાસે જઇને આખી કારને ફરતે એક રાઉન્ડ માર્યુ. અને કારની તલાસી લેવાની શરુઆત કરવા જતા હતા ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. બાપુએ ખીસ્સામાંથી મોબાઇલ કાઢી જોયુ તો કમિશ્નરનો ફોન હતો. કમિશ્નરે જે કહ્યું તે સાંભળી બાપુ આશ્ચર્ય ચકિત થઇ ગયાં. તેણે ફોન મુકી દવેને કહ્યું “આ કોઇ એક માણસનું કામ નથી. આતો એક વેલ પ્લાન્ડ ક્રાઇમ છે અને આ ક્રાઇમ પાછળનો માસ્ટર માઇંડ ખુબ પહોંચેલો છે. આપણને આ કેસ ઉકેલતા દમ નિકળી જવાનો છે. બાપુની સિક્સ્થ સેંસ જોરદાર હતી. તેણે તરતજ કહ્યું “મને એવુ લાગે છે આ બધુ તો આપણુ ધ્યાન ભટકાવા માટે છે. ક્રાઇમ કરનારનો મોટીવ તો કઇક જુદોજ છે. તમે વિચારો જે માણસ ધ્યાન ભટકાવા માટે 150 કરોડ જેવી રકમ દાવ પર લગાવતો હોય તેનો મોટીવ કેટલો ડેંજર હશે?” આ સાંભળી ઇ. દવે ચોંકી ગયા અને બોલ્યા “150 કરોડ રુપીયા શું વાત કરો છો?”

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM