"મીમી..!" ત્વરાએ એક જ વખત બૂમ પાડી. ને તરત જ મારી આંખ ખૂલી ગઈ. ઊંઘ તો પરોઢીયે જ ઉડી ચૂકી હતી. આંખો બંધ રાખીને પડી હતી.
વહેલી સવારના પાંચ વાગ્યામાં બાલ્કનીમાં ઉભીને આંખમાં શેરીનો સૂનકાર ભરતી હોઉં એ ત્વરાને ન ગમતું. એ મને સાવ મૂંગી, કશાકમાં ડૂબેલી, ક્યાંક ખોવાયેલી જોઈ ન શકતી. ને એટલે જ હવે મેં વહેલું ઉઠવાનું બંધ કરી દીધું હતું. વહેલું ઉઠવાનું બંધ કરીએ તો વિચારો બંધ થઈ જતાં હશે ? તમે ઘટનાક્રમ બદલી શકો, પણ એથી ઘટના થોડી બદલાય ?!
"લે, તું જાગતી હતી ?" મારી આંખ ખુલેલી જોઈ તરત જ એ મારી નજીક આવીને બેસી ગઈ.
"હં..!" બેઠાં થઈ વિખરાયેલા વાળ બાંધતા મેં પૂછ્યું, "ચા મૂક્યો ?"
"હાસ્તો !" ને ત્યાં જ એણે ખોળામાં માથું મૂકી દીધું. ને અકારણ જ મારો હાથ એનાં સુંવાળા વાળ પર ફરી રહ્યો. મંદ ગતિએ વહેતાં પવન વચ્ચે થોડી મૂંગી ક્ષણો પણ વહી ચૂકી.
"ક્યારે વાંચવા ઉઠી'તી ?" મેં પૂછ્યું, ‘ક્યો સબજેક્ટ લીધો’તો ?’
"પાંચ વાગ્યે ! અને હા, ઇતિહાસ લીધું’તું ! ચાર પાઠ વાંચી નાખ્યાં ને એ પણ દોઢ કલાકમાં !" ખોળામાંથી માથું ઊંચકી એ બેઠી થઈ.
***
ફરી એક નવો દિવસ ! રોજની જેમ મૌનની શેકેલી બ્રેડ પર નકલી સ્મિતનું બટર લગાવી, અતીતના મીઠાં દૂધના ઘૂંટ સાથે ત્વરાની વાતો પણ હું આરોગતી જતી. પછી રોજની જેમ જ ટ્યુશનમાં એને મૂકીને પાછાં ફરતાં શાકભાજીની દુકાને ઠેસ ખાવાની. રોજની જેમ જ ત્વરાને ફરી તેડવા જાઉં એટલે શાક સમારી લીધું હોય અને વઘારવાનું જ બાકી હોય. લોટ બાંધી લીધો હોય અને રોટલી વણવાની-શેકવાની બાકી હોય. રોજની જેમ એ ફળિયામાં વાસણ માંજતાં માંજતાં આખા ક્લાસની વાતો વિખેરે ને હું રોટલી શેકતાં શેકતાં એની વાતો સાંભળી રસોડાની બારીમાંથી મલકતી રહું – હોંકારો ભણતી રહું. રોજની જેમ ઓફિસ, રોજની જેમ એ જ સાંજ, રોજની જેમ...
પણ હા, આજનો દિવસ રોજ કરતાં અલગ છે, નવો નથી. દર બે મહિને યંત્રવત યોજાતી પેરેન્ટ્સ મિટિંગ છે. એટલે ત્વરાના સવારના ટ્યુશનમાં રજા રાખી છે. ને હું બ્રેકફાસ્ટ પર બહેરી બનીને ત્વરાની ચીસો સાંભળી રહી હતી !
"હે માતાશ્રી, તારો આ પ્રોબ્લેમ ક્યારે દૂર થશે ?" ત્વરાએ ગુસ્સામાં મને હાથ પર ચૂંટી ખણી.
"શેનો ?" મેં દૂધનો મગ નીચે મૂકી, હાથ પંપાળતા પંપાળતા કહ્યું, "આમ ચૂંટી ખણાય ? દુખ્યું હોં, !"
"પણ તો કેટલી વાર કીધું છે કે આમ ભૂતકાળમાં વારે વારે રખડવા ન નીકળી પડ." ત્વરા નજીક આવી, "આપણી વચ્ચે આ બાબત હજારો વખત ડિસ્કસ થઈ છે કે તારે જૂનું કાંઈ જ યાદ નહીં કરવાનું !!"
"હં !!" મેં હુંકારો ભણી, ચાનો કપ હોઠે અડાડયો.
"શું હેં ? મીમી આ મને નથી ગમતું." એણે મારો હાથ પકડી લીધો, "તું તારાં અતીતને લીધે રોજ વલોવાયા કરે છે. શું મને નથી ખબર ?! પ્લીઝ...!"
"ત્વરા..." હું હજુ વાક્ય શરૂ કરવા જતી હતી.
"જો, તારે આમ જ કરવું હોય તો હું પણ તારી જેમ જ જીવીશ. ન ક્યાંય બહાર જવાનું. ન કોઈ સાથે વાત કરવાનું. બસ, આપણે ભલા ને આપણું કામ ભલું !"
"ના, ના, બેટી !" હું ધ્રુજી ઉઠી. કઈ મા એમ ઈચ્છે કે એની જીવાદોરી સમાન દીકરી એક કેદીની જેમ જીવે. અતીતના કેદીની જેમ ! ભણતી તો બારમા ધોરણમાં પણ એની સમજ ક્યારેક એના ટીચર્સની આંખો આંજી દેતી.
"તને ખબર, અમારાં સમાજના સર ઈતિહાસ ભણાવતાં ભણાવતાં બહુ સરસ વાતો કરે. એ કહે કે ક્યારેય અતીતમાં નહીં જીવવાનું ! આજમાં જીવવાનું મીમી, આજમાં !" ત્વરા બોલી.
"તારો સમાજનો સર શું જાણે કે, અતીત તો નીંદણ જેવુ છે. એને ગમે તેટલું કાપો એ ફરી વર્તમાનની ઓથે ઉગી જ નીકળે !" હું મનોમન ફિક્કું હસી.
***
અમે સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સવા અગિયાર જેવુ થયું હતું. મારી ઓફિસના હેડ ક્લાર્કને જાણ કરી જ દીધી હતી કે ઓફિસે મોડી પહોંચીશ એટલે ત્યાંની તો કોઈ ચિંતા ન્હોતી.
પેરેન્ટ્સ મિટિંગમાં સ્કૂલ જાણે મેળો બની જતી. સ્કૂલના કમ્પાઉન્ડ અને કોરિડોર્સમાં તેમજ પ્રિન્સિપાલની ઓફિસો પાસે પેરેન્ટ્સ જ નજરે પડતાં હતાં. ક્યાંક કેટલીક મમ્મીઓ ઘણાં સમયે એકઠી થઈ હોય એમ ચર્ચાઓ ચલાવી રહી હતી તો ક્યાંક સ્ટાફ રૂમ પાસે પર્સનલ અટેન્શન માટે કોઈ માબાપ શિક્ષકને વિનવી રહ્યા હતાં.
‘મીમી !’ પગથિયાં ચડતા ચડતા મારું ધ્યાન હજુ સામેની કોરિડોરમાં પડ્યું જ હતું ત્યાં ત્વરાએ આંગળી ચીંધી, ‘અમારાં ઈતિહાસના સર ! હું તને ન્હોતી કહેતી, હા એ જ !’
મેં એની આંગળીની દિશામાં આંખ ફેરવી. ઓહ ! મારાં પગ જમીન સાથે જડાઈ ગયાં. આ...આ...એ જ ? સ્પષ્ટ જોવા મેં આંખ ઝીણી કરી. ઓહ ! આ તો..! આંખો રુંધાઇ ગઈ. ગળું થીજી ગયું. એક સાવ અણધાર્યુ તોફાન શરીરમાંથી પસાર થઈ ચૂક્યું. મેં તરત જ નજર હટાવી, ત્વરા સામે જોયું. એની નજર હજુ ત્યાં જ હતી.
‘એનું નામ છે પ્રવેશ સર !’ મારી અંદર ઉઠેલા ઝંઝાવાતથી બેખબર બની એ બોલતી રહી, ‘અમને ઈતિહાસ ભણાવે છે. જો કે, બે મહિના જ થયા આવ્યા એને !"
પ્રવેશ ! પ્રવેશ મણિયાર ! કેટલાં સમયે સાંભળ્યું આ નામ ! એક લાંબા અરસા પછી ! એ ક્લાસરૂમમાં પ્રવેશે ને હું બદલાઈ જતી. જાણે એ ક્લાસમાં નહીં, મારાં અંતરમાં પ્રવેશતો હોય હું મહેકી ઉઠતી. સામે પક્ષે પ્રવેશને પણ અઢળક લાગણીઓ હતી. એક પિતાની વ્હાલસોયી દીકરીને સુખી રાખી શકે એવાં તમામ ગુણ પ્રવેશમાં મોજૂદ હતાં પણ પપ્પાના હઠાગ્રહ પાસે પ્રવેશના બધાં ગુણો બાષ્પીભવન થઈ ગયાં. જો કે, ઘરેથી ભાગીને પરણવાની બધી જ તૈયારી પ્રવેશે કરી નાખી હતી પણ....
‘એય ! ક્યાં ખોવાઈ ગઈ ??’ ત્વરાએ ફરી પૂછ્યું, ‘હમણાં મળવું છે કે પછી ?’
‘સમય વધશે તો મળીશું !’ આંખમાં ઉઠેલાં મોજાંને મેં ફિક્કા સ્મિતમાં સંતાડી હું પગથિયાં ચડવા લાગી.
***
"મીમી !" હું બાલ્કનીમાં ઉભી હતી ત્યાં જ ત્વરાનો અવાજ આવ્યો.
"હં !" ડ્રોઈંગરૂમમાં આવી હું સોફા પર ગોઠવાઈ, "બોલ ને !"
કશું બોલ્યાં વગર એ મારી સામે ત્રણચાર ક્ષણ પૂરતી જોતી રહી. એનાં ચહેરાના ભાવ કળી ન શકાયા. કંઈ કહેવું હશે ? કઈ થયું હશે ? ક્યાંક પ્રવેશે એને કાંઈ કહ્યું હશે ? ના, ના ! પ્રવેશ એવું તો ન કરે ! સીધું જ ત્વરાને તો ન જ કહે !
"ત્વરા, તને શું થયું છે ? કંઈ કહેવું છે, દીકરી ?" મેં પૂછ્યું, "કેમ આમ જુએ છે !?"
"આ જ પ્રશ્ન જો તને પૂછું તો ?" તરત જ એનાં હોઠ ફફડ્યા.
"એટલે ?" હું હજુ અસમંજસમાં હતી.
"જ્યારથી હું દુનિયાને મારી નજરે જોતાં શીખી ત્યારથી મેં તને ગુમસુમ જ જોઈ છે. તું હસે તોય એ હાસ્ય પણ ખોખલું હોય એવું લાગે. પણ છેલ્લાં આઠ નવ દિવસથી તું કંઈક વધુ જ સૂનમૂન થવા લાગી છે. એ દિવસે પણ ઓફિસવર્કનું બહાનું કાઢી પેરેન્ટ્સ મીટિંગ પણ અધૂરી છોડી દીધી. ક્લાસટીચર સિવાય કોઈને ન મળી. આમ સાવ એકલી એકલી તું કઈ દુનિયામાં જીવે છે ? કહીશ ?"
"તું સાંભળી શકીશ અતીતને ?" થોડીવાર રહીને હું બોલી, "ચલ સાંભળવાનું છોડ, એને પચાવી શકીશ !?"
"પ્રવેશ. પ્રવેશ મણિયાર !" એ કશું બોલે એ પહેલાં મેં કહેવાનું શરૂ કર્યું. પ્રવેશનું નામ સાંભળતા જ એ ઝટકા સાથે ચમકી, "હા ત્વરા, એ પ્રવેશ જે તમારો હિસ્ટ્રી ટીચર છે એ ક્યારેક મારો ધબકાર હતો, શ્વાસ હતો ને હું એની !"
ને એ પછી મેં ત્વરાને સમયની બારીમાંથી મારું અતીત બતાવ્યું. પ્રવેશને જ્યારે પહેલી વાર જોયો'તો એ ક્ષણ, મુલાયમ મુલાકાતો, પ્રવેશના લીધે પપ્પા સાથેના ઝઘડા, પપ્પા અને પ્રવેશની જીદ, પપ્પાની મરજી મુજબ અખિલ સાથેના લગ્ન, ત્વરાના જન્મ વખતેનો ઉરમાં છલકાતો અફાટ આનંદ, ઓફિસ કલીગ હેલીના લીધે અખિલ સાથેના ઝઘડા, છૂટાછેડા, પપ્પાનો અફસોસ ને છેલ્લે, એ શહેર સાથે પણ ફાડેલો છેડો !
ત્વરાની આંખો જાણે સ્તબ્ધ બની ગઈ હતી ને મારી ભીની, સ્હેજ જ ! એક ભારેભરખમ મૌન અમારી વચ્ચે તોળાતું રહ્યું. થોડી ક્ષણો એમ ને એમ જ વીતી ગઈ.
"તો પ્રવેશ સરને એક વખત મળી લે ને !!" ત્વરાનું આ વાક્ય મારાં અનુમાનના પરિઘ બહારનું જ હતું, "અરે સાચ્ચે મીમી ! જો કોઈ વ્યક્તિના પુનરાગમનથી તારું અંતરનું સ્મિત પાછું આવતું હોય તો ખોટું શું છે ?!"
"ના ત્વરા !!" મેં નિ:સાસો હવામાં તરતો મૂક્યો, "પ્રવેશ અને મારાં વચ્ચે હવે કેટલુંય અંતર છે. કેટલાંય સવાલો છે. એ પરણ્યો છે કે કેમ એય ક્યાં ખબર છે. અને આપણે જેમાં રહીએ છીએ એ સમાજ..."
"ઑફો મીમી !" એણે મારો હાથ પકડ્યો, "આટલી જૂનવાણી શાને થાય છે ?! પપ્પા સાથેના જે ઝઘડાઓને લીધે તું આટલી વલોવાઈ ત્યારે સમાજ ક્યાં ગયો હતો ? તે અત્યારે તું સમાજનું પૂંછડું પકડીને બેઠી છો ! જો, જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી પ્રવેશ સર લગભગ પરણ્યા નથી અને..."
"હં !" મેં હુંકારો ભણ્યો.
"કે હું વાત કરું !!?" ત્વરા મારી સામે જોઈ તોફાનીભર્યું હસી.
"એ ના, ના !" મેં તરત જ કહ્યું, "હું...હું વિચારીને કહું છું !"
"કાલે તો હું ક્વિઝ કોમ્પિટિશનમાં હોઈશ પણ સાંજે આવીને મારે જવાબ જોઈશે હોં !" ત્વરા હસીને એનાં રૂમમાં ચાલી ગઈ.
હાશ ! પ્રવેશને મળવા જવાના પ્રકરણમાં ત્વરા હાલ પૂરતી શાંત થઈ હતી. પણ પ્રવેશ..? સામે હું શું કહીશ ? એનાં ગુસ્સાનો સામનો કરી શકીશ ? સમયના ધસમસતા પ્રવાહ સાથે ક્યાંક એ બદલાઈ તો નહીં ગયો હોય ? એ જાણતો હશે કે ત્વરા મારી દીકરી...? એ દિવસે એને ન મળવું પડે એટલે હું તો ભાગી આવી પણ શું એણે મને જોઈ હશે ?! ને સૌથી પહેલી વાત, પ્રવેશ પાસે જવા મારાં પગ ઉપડશે ખરાં ?
કેટલાંય સવાલો હવામાં હજુ અધ્ધરતાલ જ હતાં !
***
વર્ષો પછી રાજી થવાનું કોઈ બહાનું હાથ આવ્યું હોય એમ હું ખુશ હતી. વાત એમ હતી કે ત્વરા આજે રાજ્યકક્ષાની ક્વિઝ કોમ્પિટિશનમાં પહેલાં નંબરે જીતી ચૂકી હતી. જ્યારથી ત્વરાના પ્રિન્સિપાલ ગૌરવ સરનો કૉલ આવ્યો'તો ત્યારથી જ હું તો કોઈ અલગ દુનિયામાં જ વિહરી રહી હતી !
ત્વરાને આવવાને હજુ અડધી કલાકની વાર હતી. પણ હવે તો આ અડધી કલાક કાઢવી પણ મુશ્કેલ હતી. એની સ્કૂલ બસ સ્કૂલ પર પહોંચે એ પહેલાં જ સ્કૂલે પહોંચી જવાના હેતુસર મેં વાળ ઓળવવા જેવો કાંસકો હાથમાં લીધો ત્યાં ફોન રણક્યો. જોયું તો ગૌરવસર જ હતાં.
"હલ્લો !" કાંસકો વાળમાં ભરાવી મેં ફોન કાને ધર્યો.
"ચિત્રાબહેન !!" ગભરાહટ ભર્યો અવાજ મારાં કાનમાં સરક્યો, "ત..તમે ક્યાં છો ?!"
"કેમ ? શું થયું ?" મારું હૃદય ફફડી ઉઠ્યું.
"તમે ઝડપથી સિવિલ હોસ્પિટલ આવી જાઓ. સ્ટુડન્ટસની મીનીબસને એક્સિડન્ટ થયો છે..."
"ઓ...હ !!" આસમાન પરથી નીચે પટકાતી હોઉં એવો આઘાત મેં અનુભવ્યો.
"અરે શાંત થાઓ. સદ્દનસીબે કોઈને કશું નથી થયું. નાનીમોટી ઈજા જ થઈ છે. તમે અહીંયા પહોંચી જાઓ. ત્વરા તમારી રાહ જુએ છે ! અને હા, જરા સંભાળીને આવજો હોં. ત્વરાને કશું નથી થયું !"
એક્ટિવા કાઢીને હું મેઈન રસ્તા પર પહોંચી. ઘરથી સિવિલ હોસ્પિટલનો પંદર મિનિટનો રસ્તો પણ જાણે પંદર કલાકનો હોય એવું લાગ્યું ! ને આ એક્ટિવા પણ આજે આટલું ધીમું ! હે ભગવાન !
***
એક્સ રે ડિપાર્ટમેન્ટ વટાવીને હું ઝડપી ડગલે ઈમરજન્સી વોર્ડ પાસે પહોંચી. એક તરફ અકસ્માતના કારણે રોષે ભરાયેલાં પેરેન્ટ્સના ટોળેટોળાં વીંટળાઈ વળ્યાં હતાં. પોલીસ પણ આવી પહોંચી હતી. ને બીજી તરફ, મીડિયા રિપોર્ટર્સ પણ આખી કોરિડોરમાં ન્યૂઝને લાઈવ બ્રોડકાસ્ટ કરવા માઈક અને કેમેરા લઈને દોડાદોડી કરી રહ્યાં હતાં.
"અરે, વાંક તો સામે પેલાં સ્કોર્પિયોવાળાનો હતો. એ જ સીધી આવીને મિનીબસમાં ઘૂસી ગયો !!"
"તોય ડ્રાઈવર જબરો કે'વાય હોં ! બસ તરત વાળી લીધી !!"
"હા, પણ તોય પેલાં ઈતિહાસના સાહેબને ઘણું વાગ્યું છે ! મોટાં ડૉકટર કહેતાં'તાં કે બચશે નહીં !!"
ટોળામાં જગ્યા કરતાં કરતાં ને ત્વરાને શોધતાં શોધતાં મારાં કાન ધ્રુજી ઉઠ્યા. ઈતિહાસના સાહેબ ? એટલે પ...પ્રવેશ ? ના, ના કુદરત ! એટલોય ક્રૂર ન બનતો !
"મીમી !!" તરત જ વ્હાલી ત્વરા મને વળગી પડી. હૈયું જાણે અમાપ હાશકારાથી છલકી ઉઠ્યું હતું. જો કે, ત્વરાના ડૂસકાં શમ્યા ન્હોતાં.
‘પ્રવેશ સર, તમારી જોડે આવ્યાં’તાં ??’ ઊંડે ઊંડે મને હચમચાવી મૂકે એવો ડર પડ્યો હતો.
ત્વરાએ હકારમાં માથું ધૂણાવ્યું. ઓહ માય ગોડ...! તો પેલો જે કહેતો હતો એ સ..સાચું ?!
થોડે દૂર એક સ્ટ્રેચર પર કોઈ માનવશરીર પર સફેદ કપડું ઢાંકયું હતું. એક સ્ત્રી એ શરીરની છાતી પર માથું રાખી, પોક મૂકીને રડી રહી હતી. ને એ સ્ટ્રેચર પાસે જ પ્રિન્સિપાલ ખિન્ન ચહેરે ત્યાં ઉભેલ કોઈ વયોવૃદ્ધ વ્યક્તિને સાંત્વના આપી રહ્યાં હતાં. ક્યાંક એ..!
હું હચમચી ઉઠી.
હવે તો ત્યાં સુધી જવું એ પણ મારે માટે જાણે સૌથી કઠિન કામ બની ગયું. ત્વરાએ હજુ મારો હાથ પકડેલો હતો. મેં હિંમત ભેગી કરી. હૃદય જોરજોરથી ધબકી રહ્યું હતું. શરીરમાં જાણે કોઈ જ ચેતના ન વધી હોય એમ હું સાવ નાના પગલાં ભરી રહી હતી.
"ચિત્રા !" હું ને ત્વરા અવાજની દિશામાં પાછળ ફર્યા.
પ્રવેશ ! હા, મારાથી એ પાંચ જ ડગલાં દૂર ઉભો હતો. મેં ત્વરા સામે જોયું. એની ભીની આંખોમાં જાણે એક સુખદ સંમતિ હતી. હું ઝડપી ડગલે આગળ વધીને પ્રવેશને ભેટી પડી.
"ઓહ, પ્રવેશ ! મને એમ કે..." કંઈ પણ બોલ્યાં વગર એણે મારાં માથે હાથ મૂકી દીધો. એ જ જૂના સ્પર્શનું પુનરાગમન ! જાણે ફરીથી કોઈએ મારી આત્મા સ્પર્શી હોય ! ત્વરા પણ અમને વીંટળાઈ વળી. આજે મારે રડી લેવું'તું. ચહેરાઓ ઓઢીને હું રોજ હસતી હતી, ઘર મૂક્યાં પછી મન ભરીને રડી જ ન્હોતી !
વરસો થીજેલો ડૂમો જાણે પીગળી રહ્યો હતો, આંખોમાંથી !