Diwaal..! books and stories free download online pdf in Gujarati

દીવાલ..!

અમે અમારું સાતમું મકાન શોધી રહ્યાં હતાં. જામનગરમાં આવ્યાં પછી છ મકાન બદલાવ્યાં બાદ દર વખતે કોઈક ને કોઈક કારણસર અમારે મકાન છોડવું પડતું. ક્યારેક લબ્ધિનો બોયફ્રેન્ડ નડી જતો તો ક્યારેક મુસ્કાન મકાનમાલિક સાથે ઝઘડી પડતી ! પણ સિચ્યુએશન ચાહે કોઈ પણ હોય દરેકમાં હું એટલે કે પંક્તિ, મુસ્કાન ને લબ્ધિ-ત્રણેય સાથે જ હોઈએ ! 

મેડિકલ કોલેજની બાજુમાં આવેલી હિંમતનગર સોસાયટીમાં મેં અને મુસ્કાને મકાન માટેનું સર્ચ ઓપરેશન આદર્યુ હતું. ચાલતાં અમે એક શેરીમાં વળ્યાં. બંગલાઓથી સજ્જ આ શેરીમાં એક ઘર પાસે ત્રણ ચાર બહેનો વાતો કરતાં ઊભાં હતાં. 

"આંટી !" મુસ્કાન તરત જ નજીક પહોંચી પૂછી રહી, "આટલાંમાં કોઈ મકાન હશે ભાડે આપવા માટે !!?" 

"અમ્મમ.." મુસ્કાનને અને મને પહેલાં પગથી માથાં સુધી સ્કેન કરાયા. પછી ઉંબરા પાસે ઉભેલ એક બહેન બોલ્યાં, "એક મકાન છે પણ એમાં..." એમનું વાક્ય અધૂરું રહ્યું. એમનાં ચહેરાના હાવભાવ પણ શબ્દો પાછળ કંઈક સંતાડતાં હોય એવાં હતાં. 

"હા બેટા, અહીંયા આ સામેની લાઈનમાં છેલ્લું મકાન !" બીજા એક બહેન આંગળી ચીંધીને મકાન બતાવી રહ્યા, "લાઈટ ગ્રીન કલરનું દેખાય, સાવ છેલ્લે ! હા, એ !"

"મકાનમાલિકના કોન્ટેક્ટ નંબર..!?" તરત જ મેં પૂછ્યું. 

"હા છે ને !!" એમ કહી ઉંબરે ઉભેલ બહેન ઘરમાં જઈ પાછાં આવ્યા, "આ લો નંબર ! મકાનમાલિકનું નામ પાવનભાઈ રાયચુરા ! ને મારું નામ કોકિલા !" 

એમને માત્ર દલાલીમાં જ રસ હતો એ છેલ્લા વાક્યમાં સાફ વર્તાતું હતું. મુસ્કાને એ નંબર ડાયલ કર્યો.

***

હું પાવનભાઈની રાહ જોતી આજુબાજુના મકાનો જોઈ રહી. નાનકડી એવી એ સોસાયટીમાં હારબંધ ગોઠવાયેલાં મકાનોમાં બંગલાઓ પણ હતાં. ઘણાં ઘરોની બહાર ઉભેલી કારો ત્યાંના રહેવાસીઓના ઊંચા સ્ટાન્ડર્ડ ઑફ લિવિંગ તરફ આંગળી ચીંધતી હતી. 

એટલી જ વારમાં અમારી તરફ સ્હેજ ઝડપી પગલે એક વ્યક્તિ ચાલી આવતી દેખાઈ. પગમાં કાળા રંગના સાદી ડિઝાઈનના ચપ્પલ, બેલ્ટ વગરનું બૅગી પેન્ટ, ઈન કરેલું આખી બાંયનું ક્રીમ બેકગ્રાઉન્ડમાં ઝીણી કથ્થાઈ રંગની ચેક્સ વાળુ શર્ટ, તેલ નાખી વ્યવસ્થિત ઓળવેલાં વાળ ને આંખે પાતળી ફ્રેમના ચશ્માં ને સાઠેક વરસે પહોંચેલો ચહેરો !

"પાવનભાઈ ??" નજીક આવતાં જ મુસ્કાને પૂછ્યું.

"હેલો અંકલ !" એમને હકારમાં ડોકું ઘુણાવતાં જોઈ મેં કહ્યું, "હું પંક્તિ, પંક્તિ દેસાઈ. આ મારી ફ્રેન્ડ મુસ્કાન ચતુર્વેદી..." 

***

અમારી આંખો સામે એ મકાન ઉભું હતું. "મને તો ઘર ગમે છે !" એવું મુસ્કાન પાવન અંકલની પાછળ ઊભાં ઊભાં જ આંખોથી બોલી. મેં એને આંખના ઈશારે જ શાંત રહેવા જણાવ્યું. એક રીતે, એને મકાન ગમે એ વાજબી પણ હતું. જોતાંવેંત ગમી જાય એવું બહુ મોટું પણ નહીં ને બહુ નાનકડું પણ નહીં, પણ ત્રણ છોકરીઓ સરળતાથી રહી શકે એવું માફકસરનું મકાન હતું એ !

લોખંડના મેઈન ગેટમાંથી ઉખડેલી પેઈન્ટની પોપડીઓ જાણે કાટ ખુલ્લો પાડવાની મથામણ કરી રહી હતી. ફળિયામાં એકઠાં થયેલાં ઢગલાબંધ આસોપાલવના પાંદડાઓ ઘર મહિનાઓ સુધી બંધ રહ્યું હોવાની ચાડી ખાઈ રહ્યાં હતાં. 

ફળિયું વટાવી અમે મેઈન ડૉર પાસે પહોંચ્યાં. કી હૉલમાં કી ફેરવી તોય બારણું ન ખુલ્યું. પાવન અંકલની થોડી મથામણ પછી એક ધક્કા સાથે એ ડૉર ખુલ્યું. ડૉર ખુલતાં સાથે જ ધૂળનું એક વાદળ જાણે અમારી આસપાસ વીંટળાઈ વળ્યું. મુસ્કાનને ડસ્ટની એલર્જી હતી. એ તરત છીંકાછીક કરતી અંદર પ્રવેશી. 

"આ ડ્રોઈંગ રૂમ !" અંદર જતાંવેંત અંકલ કોઈ ટુરિસ્ટ ગાઈડની માફક બોલવા લાગ્યાં, "આ તરફ એક રૂમ છે. સામે કિચન છે. આ સોફા સેટ તમે લોકો યૂઝ કરી શકશો..."

ખૂણામાં રહેલું ટી.વી. સ્ટેન્ડ, મોટાં કપડાથી ઢાંકેલો સોફા સેટ, વચ્ચે પડેલ ટીપોય ને કોરી દીવાલો ! ડ્રોઈંગરૂમનો ખૂણેખૂણો હું જોઈ રહી. મુસ્કાન પાવન અંકલ સાથે કિચન તરફ આગળ વધી ને હું બાજુમાંના રૂમ તરફ !

લાઈટ ગ્રીન કલરના વૉલ પેઇન્ટથી રંગાયેલાં રૂમની બરાબર વચ્ચે જઈને હું ઉભી રહી. એક ખાલી વુડન કપબોર્ડ સિવાય રૂમમાં કોઈ ફર્નિચર નહોતું. ખાલીખમ અભેરાઈ પર પસ્તીનો ટુકડો ડોકિયાં કરી રહ્યો હતો. 

આંખો ફરતાં ફરતાં જમીન પર સ્થિર થઈ. ને ત્યાં જ ચોંટી ગઈ. ભયની એક લહેરખી મારાં શરીરમાં વહી ગઈ. જમીન પર પથરાયેલી ધૂળમાં કોઈકના પગલાં હતાં ! મારાં પગલાંની બરાબર બાજુમાં ! એ પગલાં આખા ઓરડામાં ફરેલા હતાં. અત્યારે અહીંયા મારાં સિવાય કોઈ જ તો ન્હોતું ! તો આ પગલાં !!? 

અચાનક મને કશું અનુભવાયું. જાણે, જાણે કોઈ માનવશરીર મારી પાછળ ઊભું હોય ! હું ધડકતે હૈયે પાછળ ફરી. કોઈ જ તો ન્હોતું ! ઉફ્ફ ! મેં એ પગલાં તરફ ઝીણી આંખે જોયું. હું એ રૂમમાં એ પગલાં જ્યાં સુધી જતાં હતાં એ તરફ ધીમે ધીમે આગળ વધી. 

"પંક્તિ !" ઝબકીને હું પાછળ ફરી, "જોઈ લીધું હોય તો ચાલ ને બકા !" 

"મુસ્કાન !" મેં એને નીચે દેખાડવા નજર કરી તો મારું આશ્વર્ય ધ્રુજારીમાં ફેરવાઈ ગયું. ધૂળ એમ જ પથરાયેલી હતી. પહેલાંની જેમ ! માત્ર મારાં જ પગલાં ઉપસ્યા હતાં !!

"ધૂળ ને !!?" એ પૂછી રહી, "એ તો અહીંયા આવીશું એટલે સાફ થઈ જશે !!"

મુસ્કાને નિર્ણય જાહેર કરી દીધો હતો. અમે આમેય છ છ મકાન ફેરવ્યા હતાં. વધુ મકાનો શોધવા કરતાં આ મકાન પર મેં મહોર મારી દીધી, મારવી પડે એમ હતી ! 

***

એક મહિના ઉપર થઈ ચૂક્યું હતું એ જ ઘરમાં ! આઠ વાગે એટલે હું અને મુસ્કાન મેડિકલ કૉલેજે નીકળી જતાં ને લબ્ધિ એની સાયન્સ કૉલેજે છેક અગિયાર વાગ્યે નીકળતી. એ પછી ઘર ચારેક કલાક બંધ રહેતું ને ફરી મારે ચારેક વાગ્યે આવવાનું થતું. મુસ્કાન ને લબ્ધિ આવવામાં સાથે જ થઈ જતાં, સાંજે !

સાંજના પાંચેક વાગ્યાં હશે ને હું મારી બુક વાંચતી ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. મારું ધ્યાન પાનાંઓની લીટીઓ વચ્ચે હતું. મનમાં બસ એ બુકનું લખાણ જ રમી રહ્યું હતું. ને ત્યાં જ હું વાંચતી હોઉં ને કોઈ હળવેકથી મારી નજીક ઉભું રહી ગયું હોય એવું લાગ્યું. મેં તરત જ ઊંચું જોયું. કોઈ જ તો ન્હોતું ! 

મનમાં ભયનો આછો થડકો અનુભવ્યો. બીજી જ ક્ષણે મને પહેલી વખતનો એ અનુભવ તાજો થઈ ચૂક્યો. એ ધૂળમાં ઉપસેલા પગલાં મારી આંખ સામે ફરી તરવરી ઉઠ્યાં. એટલામાં જ સામે રહેલાં સોફા પર કોઈ હમણાં જ બેઠું હોય એમ લાગ્યું. હું એ દિશામાં એકીટશે જોઈ રહી. સોફા પર કે એની આજુબાજુ કોઈ જ પ્રકારની હલનચલન ન વર્તાઈ. પણ...

...જાણે એ શાંત વાતાવરણમાં કોઈના શ્વાસોચ્છવાસ સંભળાવા લાગ્યાં. સાવ ધીમા પણ સ્પષ્ટ ! ને અચાનક જ શ્વાસોચ્છવાસ ડૂસકાંમાં પલટાઈ ગયો. એ ડૂસકાં હું સાંભળી શકતી હતી, અનુભવી શકતી હતી. એ દર્દ મહેસૂસ થઈ શકતું હતું. એનાં શ્વાસમાં વેદનાની આછેરી ઝલક હતી. જાણે કંઈક ખટકી રહ્યું હતું સતત ! કંઈક દુઃખી રહ્યું હતું સતત ! એ, એ જે કંઈ પણ હતું, એ નક્કી અહીંયા રૂંધાઇ રહ્યું હતું. રિબાઈ રહ્યું હતું. કંઈક હતું એ !

મેં બુક બંધ કરી દીધી. મન વ્યથિત થઈ ઉઠ્યું. "ક.ક..કોણ છો તમે !!?" મેં સ્હેજ ફફડાટ સાથે પૂછવાની હિંમત કરી જોઈ.

શાંતિ. નિરવ શાંતિ. આસોપાલવના પાનનો પવન સાથે અથડાવાનો અવાજ મારાં કાનને અડકી રહ્યો હતો. મારાં પ્રશ્નનો કોઈ જ પ્રત્યુત્તર ન મળ્યો. હું ફરી એ દિશામાં એકીટશે જોઈ રહી. કશું જ હાથ ન લાગ્યું. આખરે એ છે શું !!? એનો પર્પઝ શું હતો !!? એનાં ધીમા ડૂસકાં શું કહેતાં હતાં !!? એને ન તો હું સાંભળી શકતી હતી ન તો જોઈ શકતી હતી, બસ અનુભવી શકતી હતી !! પણ હું જ કેમ !!? મુસ્કાન અને લબ્ધિને પણ આ જ અનુભવો થતાં હશે !?

***

એ રવિવારની સવાર હતી. ખુશનુમા સવાર. કોઈ જાતની દોડાદોડ નહીં. દર અઠવાડિયે માંડ એક દિવસ એવો આવતો જ્યારે અમે ત્રણેય આખો દિવસ સાથે ગાળી શકતા !

"એય લબ્ધિ !!" મુસ્કાન તરત જ બોલી, "તું આ આટલું ઉપાડી લેજે હું ત્યાં પેલાં રૂમમાંથી વાળી નાખું !" 

"એક મિનિટ !" લબ્ધિ હાથમાં હથોડી લઈ આંટા મારી રહી હતી, "મારે આ ફોટો ફ્રેમ લગાવવી છે. મારી ફેવરિટ !!" 

લબ્ધિએ ડ્રોઈંગરૂમની એક દીવાલ જે બાજુના રૂમની દીવાલ સાથે જોડાયેલી હતી ત્યાં સ્ટૂલ મૂકીને ઉભી હતી. હાથમાં ખીલ્લી ને હથોડી લઈ એ ઉપર ચડી. ને તરત જ હથોડી ઉગામી.

"એય છોકરી !!" એક મોટા અવાજ લબ્ધિનો હાથ રોકી રહ્યો, "નીચે ઉતર ! કીધું ને એક વાર ! નીચે ઉતર !"

પાવન અંકલ તરત જ ધૂંઆફુંઆ થતાં અંદર પ્રવેશ્યાં. ચપ્પલ પહેરીને જ અંદર આવી હાથમાંથી હથોડી ઝૂંટવી લીધી. ને ગુસ્સો ભભૂકેલી આંખે લબ્ધિને જોઈ રહ્યાં. 

"આ ઘરની એક પણ દીવાલ પર કોઈ ખીલ્લી ન લગાડવી. જે છે એમ ને એમ રહેવા દો !!" એમનાં અવાજમાં ગુસ્સો હતો. કંઈક અલગ જ તીખાશ હતી. આટલી નાની વાત ને આટલો ગુસ્સો !!? 

"સમજ્યાં, મિસ. પંક્તિ તમે !!? સારું થયું હું આવી ગયો નહીંતર...!!" તરત એમણે વાક્ય બદલ્યું હોય એવું લાગ્યું, "નહીંતર દીવાલમાં ખાડા પડી જાત !! તમે મકાન બદલ્યાં કરો ને અમારે તો મકાનની દશા જ બદલી નાખવાની ને !!?"

"ઑકે ! ઑકે ! કાકા !" મુસ્કાન વાત વાળવામાં હોશિયાર હતી, "બેસો તમે અહીંયા પહેલાં. લબ્ધિ ! કાકાને પાણી આપ. ઈટ્સ ઑકે કાકા. કાંઈ નહીં થવા દઈએ તમારાં મકાનને, બસ !!?" 

અંકલ સ્હેજ ઠંડાં પડ્યાં. લબ્ધિ પાણી લેવા કિચન તરફ ગઈ. હું પાવન અંકલને જોઈ રહી. એ તીખાશ ભરેલી આંખોમાં એક ખૂણે ડરની આછી રેખા અંજાયેલી હતી. એ ગુસ્સામાં કંઈક અંશે ભય ભળેલો હતો, કશું ખુલ્લું પડી જવાનો ભય ! 

***

"પંક્તિ દી, આવતીકાલે મારેય વ્હેલું ઉઠવું છે ! એકઝામ છે ને એટલે !" સ્માર્ટફોન ટીપોય પર મૂકી લબ્ધિ બેડ પર ગઈ, "ને હા, મેં એલાર્મ પણ મૂકી દીધો છે !"

"હં !" હૂંકારો કરીને હું પાંપણોને પરાણે બંધ કરીને રહી, "ગુડ નાઈટ !" 

આ મકાનમાં આવ્યાં એ પહેલાં જ મારો ફોન તૂટી ચૂક્યો હતો. વ્હેલાં ઉઠવા માટે મારે હવે લબ્ધિના ફોનના એલાર્મ પર જ નભવાનું હતું !

રૂમની લાઈટ બંધ થતાં સાથે જ જાણે આખું વાતાવરણ બદલાઈ ગયું. આંખો તો ખુલ્લી જ હતી. નાઈટલેમ્પના અજવાશમાં વિચારો ઉડાઉડ કરી રહ્યાં હતાં. 

એક અજાણી એલાર્મ ટ્યુને મારી આંખ ખોલી. ટ્યુન સાંભળતાં જ હું ઝબકીને સફાળી બેઠી થઈ ગઈ. ઘડિયાળમાં જોયું તો સાડા પાંચ થયાં હતાં. પણ રોજ કરતાં સાવ જુદી જ ટ્યુન !!? સાવ નવી જ ! એ અલગ એલાર્મ ટૉન સાંભળતાં કાન તરત સરવા થઈ ગયાં. 

રોજ હું વાંચવા ઉઠતી ત્યારે લબ્ધિના ફોનમાં મૂકેલાં એલાર્મની એ મસ્ત ટ્યુન જ મને ઉઠાડતી. જાણે એ એક વળગણ જેવું જ હતું, એ ટ્યુન સાથે ! પણ આજે એ ટ્યુન ન વાગી. થોડીવાર હું એમ જ આશ્ચર્યચકિત બેઠી રહી. એટલામાં જ લબ્ધિ પણ બગાસું ખાતી બેઠી થઈ. 

"ગુડ મોર્નિંગ દી !" મારી સામે જોઈ એ મલકી.

"મોર્નિંગ ! મોર્નિંગ !" મારું દિમાગ હજુ એ એલાર્મ ટ્યુનમાં જ અટવાયું હતું, "એલાર્મ ટ્યુન તે ચેન્જ કરી હતી !!?" 

"કઈ ટોન !!?" ઉભી થઇ ફોન હાથમાં લઈ એ બોલી, "આ ટોન !!? આ જ તો છે !" એણે એ નવી ટૉન ફરી વગાડી. 

"અરે ના ! આ નહીં !" હું એની નજીક ગઈ, "પેલી ટૉન ! જે રોજ વાગે છે એ !!" 

"અરે દી ! આ એક જ તો એલાર્મ ટૉન છે ફોન લીધો એ દિવસથી !" એ સરળભાવે બોલી, "કશું ચેન્જ નથી થયું. છતાંય જોઈ લો ! લો !" 

ફોન એનાં હાથમાંથી લઈ હું અધીરાઈથી એક પછી એક ટૉન પ્લૅ કરી રહી. મ્યુઝીક ફાઈલ્સનું એક એક ફોલ્ડર, એક એક સોંગ ફરી વળી. સવાર સવારમાં કપાળ પર પ્રસ્વેદબિન્દુઓ બાઝવા લાગ્યાં હતાં. એ ટૉન ન જ મળી ! 

તો, તો આ મકાનમાં આવ્યાં પછી આજ સુધી હું કઈ ટૉન સાંભળતી રહી !!? કઈ ટૉન મને જગાડતી હતી !!? જો આવી એકેય ટૉન લબ્ધિના ફૉનમાં ન્હોતી તો...! તો..! તો મેં સાંભળેલી ટૉન કોની છે !!? ઓહ ગૉડ !! આ બધું શું થઈ રહ્યું છે !!? એ ધીમા-ગૂંગળાતાં શ્વાસ, આ ખૂંચતી એલાર્મ ટૉન, એ ધૂળમાં પડેલાં પગલાં !! ઓહ !! વિચારો જાણે દિમાગમાં ધમપછાડા કરી રહ્યાં હતાં. અહીંયા કંઈક એવું હતું જે, જે લબ્ધિ ને મુસ્કાન સિવાય માત્ર હું જ અનુભવી શકતી હતી ! 

***

મુસ્કાન કિચનમાં ભાજી સમારી રહી હતી. લબ્ધિ લેપટોપમાં ગૂંચવાયેલી હતી. ને હું વિચારોમાં અટવાયેલી હતી. અસંખ્ય વિચારો વલોવી નાખ્યાં બાદ હું એક જ નિર્ણય પર આવી હતી. અહીંયા આવ્યા બાદની કેટલીય ઘટનાઓ દિમાગમાં ફરી ફરીને રિપ્લે કરી હતી. 

"મુસ્કાન ! અહીં આવ !" લબ્ધિને એમ કે મારે મુસ્કાનનું કંઈક કામ હશે એટલે એ એક નજર મારાં તરફ ફેંકી ફરી લેપટોપમાં પરોવાઈ ગઈ. 

"હા બોલ ને !" હાથ લૂછતાં લૂછતાં એ આવી. 

"બેસ અહીંયા !" પાસે પડેલું સ્ટુલ આપ્યું. એની આંખોમાં હજુ કુતૂહલ અંજાયેલું હતું. પાસે બેઠેલી લબ્ધિને પણ વાતમાં રસ પડ્યો હોય એમ લેપટોપ પરથી આંખો મારી તરફ ફેરવી.

"મને એક વખત કોકિલાબહેન પાસેથી સાંભળ્યું હતું કે અહીંયા પહેલાં કોઈ પૂર્વી નામની છોકરી રહેતી. પણ પછી અચાનક એ ગાયબ થઈ ગઈ હતી. પોલીસમાં ફરિયાદ પણ થઈ. પણ મળી જ નહીં. પપ્પાના ઓળખીતા અહીંયા જામનગરમાં પોલીસ ઇન્સ્પેકટર છે. નામ છે રાજેન્દ્રસિંહ. હું એમને મળી. તોય પૂર્વી વિશે વધુ કંઈ જ જાણવા ન મળ્યું. એ કોમર્સ કોલેજમાં..." આટલું બોલી ત્યાં જ મારી નજર ડ્રોઈંગરૂમની દીવાલો પર પડી. સ્ટુલની બરાબર સામે દીવાલ હતી ત્યાં પણ એક નજર ફેંકી.

"ઓહ !!" મારાથી બોલાઈ ગયું. તરત જ હું ઝડપી ડગલે એક રૂમમાંથી બીજા રૂમમાં એમ આખા ઘરમાં ફરી વળી. 

"અરે, પણ છે શું પંક્તિ !!?" મુસ્કાન ગૂંચવાઈ રહી હતી.

પાછી આવીને હું એ જ દીવાલ સામે ઉભી રહી. એ જ દીવાલ, જેનાં પર ખીલી ઠોકવાની અંકલે મનાઈ કરી હતી. એ જ દીવાલ જે અન્ય દીવાલોથી અલગ તરી આવતી હતી. હા, ઘરની બધી જ દીવાલો લાઈટ ગ્રીન કલરની હતી, આ એક જ દીવાલ ક્રીમ કલરની હતી !

કોઈ એક રેલવે સ્ટેશન પર જાણે ટ્રેનોનો જમાવડો થયો હોય ને બધી જ ટ્રેનોમાં એકસાથે વ્હીસલ વાગે એવું મગજમાં ફાટફાટ થવા લાગ્યું. માનસપટ પર એ કાન ફાડી નાખતી અનેક વ્હીસલો, ત્યાં ઊભાં રહેલાં અસંખ્ય પેસેન્જર્સનો ઘોંઘાટ મારાં કાનો ગજવી રહ્યો. બે ક્ષણ હું માથું પકડી ઉભી રહી !

અવાજ વધતો જ હતો. ને જોરદાર ઝાટકો દિમાગમાં લાગ્યો ! જાણે બધું જ સુન્ન થઈ ગયું. સાવ શાંત ! કોઈ જ અવાજ નહીં ! કોઈ જ વિચાર નહીં ! શૂન્યાવકાશ જ !

"મુસ્કાન !" તરત જ હું દ્રઢસ્વરે બોલી, "લબ્ધિને બહાર કાઢ !!" 

"વ્હોટ !!?" બંને એકસાથે બોલ્યાં. 

"કહું છું એમ કર !" મોટા અવાજે હું બોલી, "લબ્ધિને ફળિયામાં જ રાખ. ને તુંય ત્યાં ઉભીને રાહ જો." 

"હલો રાજેન્દ્રસિંહ !!" મેં તરત જ કૉલ જોડ્યો, "હું પંક્તિ બોલું છું. સુકેશભાઈની ડૉટર !" 

"ઓહ હા !!" એ અવાજ ઓળખી ગયાં, "બોલો, બોલો પંક્તિ ! કોઈ તકલીફ !!?"

ફોન પર જ એમને સાવ ટૂંકી પણ મહત્વની વિગતો આપી દીધી. "હું હમણાં જ પહોંચું છું !" એમનું એ વાક્ય સાંભળ્યાં પછી જ મેં કૉલ 'કટ' કર્યો. 

આ તરફ મુસ્કાન ને લબ્ધિ બંને, સ્હેજ ડરમાં, સ્હેજ મૂંઝવણમાં મને જોઈ રહી હતી. લબ્ધિ ફળિયામાં ઉભી રહી ને મુસ્કાન પણ એની બાજુમાં જ ઉભી રહી. હું રાજેન્દ્રસિંહની રાહ જોતી બહાર ઉભી રહી.

આ પળો મારાં માટે નિર્ણાયક હતી. મારી એ બંને બહેનપણીઓ એવું માનતી હતી કે આને કંઈક નક્કી વળગ્યું છે. પણ જે જે વસ્તુ મેં જોઈ હતી એનાં આધારે હું આ અનુમાન પર પહોંચી હતી ને મારી એ ધારણા જો સાચી પડે તો તો તો..!!

દસેક મિનિટ પછી શેરીમાં પોલીસ જીપ આવતી દેખાઈ. આકાશમાં અંધારાનું સામ્રાજ્ય સંપૂર્ણપણે ફેલાઈ ચૂક્યું હતું. જીપમાંથી રાજેન્દ્રસિંહ, એની સાથે બે કોન્સ્ટેબલ પણ ઊતર્યા. 

કશું બોલ્યાં વગર ઝડપી ડગલે હું અંદર પહોંચી. એ બધાં મારી પાછળ દોરવાયા. પોલીસને અંદર આવતાં જોતાં જ મુસ્કાન મારી નજીક આવી ગઈ. 

ડ્રોઈંગરૂમમાં દાખલ થતાં જ મેં એ દીવાલ બતાવી. કોન્સ્ટેબલે ઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર પહેલાં સ્હેજ આંગળીઓ ભીંત સાથે અથડાવી. કંઈક પોલું જણાયું. 

બધાંને આઘું ઉભવાનું કહી કોન્સ્ટેબલ દીવાલમાં હથોડા ઝીંકવા લાગ્યો. ગભરાયેલાં ચહેરે મુસ્કાન મારા ખભે હાથ મૂકી ઉભી હતી. 

ધડામ..! ધડામ...! હથોડા ઝીંકાતા જતાં હતાં. ને ત્યાં જ શ્વાસ રોકી દે એવી બદબુ અમને વીંટળાઈ વળી. દરેકના હાથ નાક પાસે પહોંચી ગયાં. મુસ્કાને નાકે રૂમાલ રાખી દીધો. 

ને અચાનક જ કપડાંમાં વીંટાળી રાખેલો-કોહવાયેલો માનવદેહ કોન્સ્ટેબલના પગ પાસે પડ્યો !! બધાંની ફાટી આંખે જોઈ રહ્યાં. મુસ્કાનના ગળામાં તો જાણે ચીસ અટવાઈ ગઈ !

તરત જ રાજેન્દ્રસિંહએ અમને બહાર બોલાવી લીધા. મારો શક સાચો જ હતો. એ મૃતદેહ બીજા કોઈનો નહીં પણ પૂર્વીનો જ હતો જે કદાચ પાવન અંકલે જ દીવાલમાં ચણાવી લીધો હતો. 

પૂર્વી ગાયબ ન્હોતી ! કોકિલાબહેનના કહ્યાં અનુસાર પૂર્વીના કોઈ સાથે ભાગી જવાની સ્ટોરી મનઘડંત જ હતી ! મતલબ કે પાવન અંકલ જાણતાં હતાં એટલે જ તો એમણે દીવાલોમાં કાંઈ પણ કરવાની 'ના' કહી હતી. શું પાવન અંકલે જ પૂર્વીનું...!!!? હું એ વિચારમાત્રથી ધ્રુજી ઉઠી !

*** 

કળજું કંપાવનારી એ ઘટનાને આજે ત્રણેક વરસ વીતી ગયાં છે. મુસ્કાન પણ મારી જેમ ડૉક્ટરને પરણી ચૂકી છે ને ન્યુયોર્કમાં સેટલ્ડ છે. ને લબ્ધિ હજુ માસ્ટર્સનું ભણે છે. 

એ પછી રિમાન્ડમાં પાવનકુમારે કબૂલાત કરી કે એક બપોરે જ્યારે પૂર્વી એકલી હતી ત્યારે પોતે બદઈરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો ને એ ઝપાઝપીમાં પૂર્વીનું ગળું દાબીને હત્યા કરી નાખી હતી. પૂર્વી કોઈ સાથે ભાગી ગયાંની નવી જ સ્ટોરી ઉપજાવી શકાય એ હેતુથી પોતે અને એનાં દીકરા વૈરાગએ ભેગા મળીને લાશ દીવાલમાં છુપાવી દીધી હતી. જો કે, અદાલતે એ બંનેને ફાંસીના માંચડે લટકાવી દીધાં હતાં. ને આ જ એમનો અંજામ હતો !

ક્યારેક મુસ્કાન અને લબ્ધિ સાથે ફોન પર હિંમતનગર સોસાયટીના એ મકાનની વાત નીકળે ત્યારે આજેય રૂંવાડા ઊભાં થઈ જાય છે. કોઈની વ્હાલસોયી દીકરીને દીવાલમાં ચણી નાખવાની !!? માત્ર વાસના સંતોષવા ખાતર જ આ બધું !!? પૂર્વીને હું ક્યારેય મળી ન્હોતી કે સાંભળી ન્હોતી. મેં તો બસ એની વેદના મહેસૂસ કરી હતી. 

પણ એક વાત તો સાફ છે ક્યારેક કેટલાંક કામો પાર પાડવા નિયતિ આપણને જ પસંદ કરે છે. ને મને સંતોષ છે કે હું એ કામ કરી શકી. પૂર્વીની હત્યાનો ભેદ એ દીવાલમાં જ કેદ ન રહ્યો !


સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED