Liftman books and stories free download online pdf in Gujarati

લિફ્ટમેન

કોઈ બીજું ન ઘુસી જાય એટલે હું થોડી ઝડપથી લિફ્ટમાં ઘુસ્યો.

"ક્યાં મળે જવું છે, સાહેબ...?" અંદર પ્રવેશતાની સાથે જ મારી દિશામાં પ્રશ્ન ફેંકાયો. થોડી વાર એને હું જોઇ રહ્યો. સાદાં કપડાં. માથું વ્યવસ્થિત રીતે ઓળેલું. ચહેરા પરની રેખાઓમાં ઉત્સાહ અને હોઠે રમતું તાજગીભર્યું સ્મિત. એ વિચારતાં જરાય વાર ન લાગી કે આ લિફ્ટમેન જ હોવો જોઈએ.

"ત્રીજા માળે." મેં પ્રત્યુત્તર વાળ્યો. ને એણે ત્રીજા માળ તરફ જવાનું બટન દાબી દીધું. ઉભા ઉભા જ હું તો મનોમન રાજી થઈ રહ્યો હતો કારણ કે હવે બટન દબાવવાની પણ મહેનત કરવી નહિ પડે.

હા, તો એ લિફ્ટમેન મારા જેવા આળસુને વધારે આળસુ બનાવવા નોકરીએ લાગ્યો હતો. આમ પણ, લિફ્ટ તો મંજિલે પહોંચાડનારા શોર્ટકટ જેવું કામ કરે છે. તમે પગથિયાંથી જશો તો પહોંચી જશો એ વાતમાં શંકાને સ્થાન નથી. પણ ઓછી મહેનતથી પહોંચવાની ઘેલછામાં ક્યાંક લિફ્ટ બંધ પડી જાય તો અધવચ્ચે જ અટકી જવું પડે છે. એ કાયમી હતો કે કામચલાઉ એની પરવા કર્યા વગર હું ઑફિસની અંદર ચાલ્યો ગયો.

***

એ પછી ત્રીજા કે ચોથા દિવસે ઑફિસના કામ કારણોસર હું બહાર જઇ રહ્યો હતો ત્યારે મેં એ લિફ્ટમેન ના હાથમાં એક પ્રતિષ્ઠિત પ્રકાશનની જનરલ નોલેજનું પુસ્તક જોયું. એ વાંચવામાં મશગૂલ હતો.

મારી માન્યતા એવી હતી લિફ્ટમેન માટે વધુ લાયકાતની જરૂર ન હોવાથી અને આ કામ માટે કાળી મજૂરી કરવી પડતી ન હોવાથી એ માટે વૃદ્ધ, અશક્ત કે ગરીબ માણસો જ આવતા હશે. આ અગાઉ ઘણા લિફ્ટમેન ને છાપાં વાંચતા જોયાં છે પણ પહેલી વાર કોઈ લિફ્ટમેન ને પુસ્તક વાંચતા જોયો હતો અને એ પણ આટલી તલ્લીનતાથી...!!

એના સુગઠિત શરીર પરથી ન તો એ વૃદ્ધ જણાતો હતો કે ન તો એ અશક્ત જણાતો હતો. મને એના પુસ્તકપ્રેમ પર માન થઈ ગયું. ને એણે પણ લિફ્ટમેન માટેની મારી નીચી વિચારસરણી નો છેદ ઉડાડી નાખ્યો હતો. એ કેટલું ભણ્યો હશે, આવી નોકરી કરવાની એને શુ જરૂર પડી હશે, ક્યાંય સરકારી ખાતામાં નોકરી નહિ મળી હોય...? જેવા અનેક સવાલોએ મને ઘેરી લીધો. આ સવાલના જવાબો મેળવવા મેં એની સાથે મુલાકાત ગોઠવવાનું નક્કી કર્યું. પહેલાં એ સહેજ સંકોચાયો પણ પછી એણે હા પાડી.

મેં જીવનમાં વધારે મુશ્કેલીઓ વેઠી નથી. એટલે મારા જેવા ડામરના સુંવાળા રસ્તાઓ પર ચાલનારને એક લિફ્ટમેન સાથેની મુલાકાત જિંદગીના પથરાળ અને કાંટાળા રસ્તાનું જે સ્વરૂપ બતાવવાની હતી એ વિશે હું અજાણ જ હતો. નિયત સમયે અને સ્થળે એ આવી પહોંચ્યો.

થોડી ઔપચારિક વાતો પછી હું મૂળ વાત પર આવ્યો. મેં એકીસાથે ઘણાંય સવાલો પૂછી નાખ્યા. એના વિશે જાણવાની મારી આટલી ઉત્સુકતા જોઈને એને આશ્ચર્ય થયું. થોડી ક્ષણો પૂરતું તો મને પણ અજુગતું લાગ્યું. અને એની પર આ રીતે સવાલોનો મારો કરવા બદલ મને પસ્તાવો પણ થયો. એક નાનકડું સ્મિત કરી, એને કહેવાનું શરૂ કર્યું, "મારું નામ વિશેષ દેસાઈ છે. અને મેં એમ.એ. કર્યું છે. ઇતિહાસ વિષય સાથે...."

મને એક હળવો આંચકો લાગ્યો. એક માસ્ટર ડિગ્રીવાળો યુવાન અને એ લિફ્ટમેન...! જેમ જેમ જિંદગીના પાનાં ખોલ્યે જતો હતો એમ મારી આંખો વિસ્મયથી વધુ ને વધુ પહોળી થતી જતી હતી.

એને વાત આગળ વધારી, "મારા પપ્પા એક ખાનગી ઑફિસમાં નજીવા પગારે કામ કરતા હતા. ભરતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થવાના આશયથી જ મેં મારું પોસ્ટ ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું હતું. અનુસ્નાતક થવાના લાંબા સમય પછી પણ ગુજરાત સ્તરે કોઈ જાહેરાત ન થઈ. એટલે અહીંની ખાનગી બેંકોમાં પણ કલાર્કની પોસ્ટ માટે તપાસ કરી જોઈ. પણ બધી જ જગાએ લાયકાત કરતાં લાગવગની કિંમત વધારે જણાતી હતી..."

ખૂબ લાંબો સમય રાહ જોયા પછી મેં કેન્દ્ર સરકારની ઊંચા હોદ્દાની ભરતી પરીક્ષામાં ઝુકાવ્યું..." મારા કાન આગળ સાંભળવા અધીરા થઈ રહ્યા.

"...ગુજરાતમાંથી આ હોદ્દાના ઇન્ટરવ્યૂ માટે પસંદ થનારા 12 ઉમેદવારોમાં મારું નામ પણ હતું. હું તો રાજીનો રેડ થઈ ગયો. મારું સપનું મારાથી બસ એક ડગલું દૂર હતું. અને એમાંય, ઇન્ટરવ્યૂમાં પૂછાયેલા બધા સવાલોના સંતોષકારક જવાબ આપી શક્યો હોવાથી મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. મારી નિમણુંક લગભગ નક્કી જ હતી. પણ આશ્ચર્ય અને આઘાતની વચ્ચે મેં જોયું કે ફાઇનલ લિસ્ટમાં મારું નામ જ નહોતું.મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. નિરાશાનો પાર ન રહ્યો. એવું લાગ્યું કે જાણે હવે બધું જ ખતમ થઈ જશે..."

"...સૌથી વધુ આઘાત પપ્પાને લાગ્યો. ને એ આઘાત પેરેલીસીસ ના હુમલા માટે કારણભૂત નીવડ્યો. એમનું આખું જમણું શરીર કામ કરતું બન્ધ થઈ ગયું. ઘર ચલવવા ની સઘળી જવાબદારી મારી પર આવી પડી. અને મેં પણ એને સહર્ષ સ્વીકારી લીધી. એ પછી મેં ઇન્ટરવ્યુની તપાસ કરાવી તો જાણવા મળ્યું કે મારું નામ ફક્ત બે જ ગુણ માટે નીકળી ગયું હતું. અને એ પણ એટલા માટે કે મેં એંસી હજારની ભેટ નહોતી આપી...!

કદાચ મને ખબર હોત તોય મારા માટે આ રકમ ગજા બહારની વાત હતી. અને આમેય કોઈ બેન્ક ભેંટ આપવા માટે લૉન થોડી આપતી હશે. પૈસા ઉછીના લેવાનો તો અવકાશ જ નહોતો. ને હવે જ્યારે ભરતીઓ થઈ રહી છે ત્યારે મારી વયમર્યાદા એના કરતાં વધી ગઈ છે.

અમે જનરલ કેટેગરીમાં આવતા હોવાથી ઉંમરની છૂટછાટ નો તો સવાલ જ નથી. બસ, ત્યારથઈ છૂટક છૂટક નોકરીઓ અને ટ્યુશનો કરીને જીવન ચાલે છે. જિંદગીના રસ્તા પર ભૂતકાળને હૃદયમાં ભરી ચાલ્યો જઉં છું. આ તો તમારી સાથે બે ક્ષણ... એ વાક્ય પૂરું ન કરી શક્યો. આંખમાં વિધાતા માટેની મૂંગી ફરિયાદ હતી - શબ્દો જેને વર્ણવી ન શકે એવી વ્યથા હતી.

***

મેં નીચે રસ્તા પર જોયું. કોઈ જ નહોતું. કાંડા પર રહેલી ઘડિયાળમાં જોયું. રાતના અઢી વાગ્યા હતા. વિશેષની આપવિતીએ મારી ઊંઘ ઉડાડી દીધી હતી. દિમાગમાં એના જ વિચારો જ ઘૂમ્યા કરતા હતા.

મેં પહેલા કીધું એમ જિંદગીમાં એટલી મુશ્કેલીઓ નથી વેઠી. જે જોઈતું એ માંગ્યા વગર જ મળી રહેતું. એટલે મારા માટે જિંદગીનું મહત્વ ખાસ વધારે નહોતું. પણ વિશ્વેશની મળ્યા પછી એવું લાગ્યું કે સુખી-સંપન્ન, વૈભવી અને આલીશાન જિંદગી જીવતા લોકોની વચ્ચે એવા લોકો પણ જીવે છે જેમની પ્રતિભા આ લોકો કરતાં કેટલાંય ગણી છે પણ પરિસ્થિતિઓને લીધે પ્રકાશમાં નથી આવી શકતા. જે પરિસ્થિતિનો સામનો કરી આગળ આવે છે. ત્યાં સુધીમાં તો પોતાની મહેનતને માણવાનો ખરી અવસર તો વીતી ચુક્યો હોય છે. એવા તો કેટલાય કુટુંબો છે જેમની આજીવિકાનો આધાર લાંબા ગાળાની સ્થાયી નોકરી પર હોય છે એટેલે જ તો એ સરકારી નોકરીની અપેક્ષા રાખે છે.

મારા દિલોદિમાગમાં વિચારો પૂરપાટ ગતિએ જતા હતા.

શિક્ષિત બેરોજગારોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે ત્યારે સરકાર અજાણ બનીને પોતાનું કામ કર્યે રાખે છે. જો ભરતીની જાહેરાત કરે તો પણ એવા સમયે કરે કે જ્યારે ઉમેદવારીની સંખ્યા હજારો-લાખોમાં હોય. કેટલીય શાળાઓમાં હજુ પૂરતા શિક્ષકો નથી. કેટલીક જગાએ તો લાગવગના ધોરણે કર્મચારી હજાર હોય ને ભરતી માત્ર કાગળ પર જ હોય એવા કિસ્સા સામાન્ય થઈ ચૂક્યા છે.

મેં સિગારેટનું લાંબો કશ ખેંચ્યો. એક લિફ્ટમેનની મુલાકાતે મને અંદરથી હચમચાવી નાખ્યો હતો. એણે જાને જિંદગીની એક નવી જ વ્યાખ્યા સમજાવી હતી. એનાં જેવા કેટલાંય આંસુને આંખની પાછળ છુપાવી, હોઠે સ્મિત સજાવી જીવતા હોય છે. મારા માટે એનું માન ખૂબ વધી ગયું પણ બીજાની નજરમાં એ માત્ર ભરતી પરીક્ષાઓ આપતો બેરોજગાર હતો.

***

"કેવી ગઈ તલાટીની એકઝામ...??" લિફ્ટમાં ઉભેલા એક જાણે પૂછ્યું.લિફ્ટમાં હું પણ હાજર હતો. મેં એની સામે જોયું.

"સરસ, પેપર સારું હતું..." એ હળવા સ્મિત સાથે એ બોલ્યો. એમાં કેટલાય મૂક આંસુઓ છુપાયેલા હતા. કશું બોલ્યા વગર હું બહાર નીકળી ગયો...!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED