એક નિર્ણય Jaimeen Dhamecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નિર્ણય

"ચલો, ચલો, બેઉ બ્રેકફાસ્ટ માટે આવી જાઓ !!" માર્ગીએ ડાઈનીંગ ટેબલ પર નાસ્તો અને ચા સર્વ કરતાં કરતાં સાદ પાડ્યો.

"ચલો કિયાન !!" એક હળવું સ્મિત માર્ગી તરફ ફેંકી મેં કિયાન પાસેથી પ્લૅસ્ટેશન લીધું, "ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ !"

"હં, ઑકે ચલો !!" કિયાન એવા તોફાની બારકસોમાંથી ન્હોતો જેને કોઈ પણ ડિવાઇસ એક વખત આપીએ પછી પાછું લેવામાં પરસેવા છૂટી જાય. એક વખત કહીએ એટલે તરત જ એ કામ થઈ જ ગયું હોય !

"આજે તો ઍસે કોમ્પિટિશન છે અમારે !!" નાનકડો મગ હોઠે અડાડતાં એ બોલ્યો.

"સબ્જેક્ટ શો છે ?!" મેં તો અમસ્તું જ પૂછ્યું.

"મમ્મી પપ્પા !!" એના ચહેરા પર જાણે એક અનેરી ચમક છવાઈ.

"ઓહો !!" માર્ગી ખાખરાનો એક ટુકડો હાથમાં લેતાં બોલી, "જરા ઝઘડાઓ વિશે પણ લખજે !"

"શ્યોરલી લખજે હોં બેટા !!" મેં આંખ મીંચકારી, "ખાસ કરીને એ પણ લખજે કે શરૂઆત ક્યાંથી થાય છે ??!"

"બહુ સારું હોં !!" તરત જ માર્ગી બોલી, "અને એ પણ લખજે..."

"એ બસ, બસ !" કિયાન વચ્ચે જ બોલી ઉઠ્યો, "મારે નિબંધ લખવો છે, પુરાણ નહીં !!" ને અમે ત્રણેય એકસાથે હસી ઉઠ્યાં.

આ રોજનો ક્રમ હતો. સવારના બ્રેકફાસ્ટ પછી તો હું દસેક વાગે કંપનીમાં ચાલ્યો જાઉં. માર્ગી તો ઘેર જ હોય. બાર વાગ્યાની આસપાસ સ્કૂલ વૅનમાં એ કિયાનને મોકલી દે. ફરી અમે સાત વાગ્યે ઘર ફરીથી કિયાનની ચિચિયારીઓથી ભરચક થઈ જાય.


***


"શું રિતેનભાઈ !!?" કંપનીબસની રાહ જોતો ઉભો હતો ત્યાં જ કિયાનની સ્કૂલ વૅનમાંથી એનો ડ્રાઈવર શોએબે બહાર ડોકિયું કર્યુ.

"અરે શોએબ !" શોએબને છેલ્લાં પાંચેક વરસથી ઓળખતો હતો, "તું આ બાજુ !!?"

"હા, અહીંયા આ સામે ગેસ ભરાવવા આવ્યો'તો. તમને જોયાં તો થયું ચલો, મળતો જાઉં !!" સામે રહેલાં પેટ્રોલ પંપ તરફ જોઈ એ કહી રહ્યો.

"હં !!"

"કહો, શું ચાલે આજકાલ !!?"

"શોએબ, તારાં જેવા જલસા ક્યાં છે અમારે !?" હું હસ્યો.

"ના રે ના હવે !!" એણે નવી વાત કાઢી, "હવે આ વૅનમાંય પૂરું નથી થાતું ! ખર્ચા જો ને !!"

"હં !!" મેં તો અમસ્તું જ પૂછ્યું, "પેલી ફોર્ડ વેચાઈ ગઈ ?!"

"હા હોં !" તરત જ ઘડિયાળમાં જોઈ એ બોલ્યો, "ચલો, હું ગાડીમાં ગેસ ભરાવીને નીકળું !! મારે એક વર્ધીમાં જવાનું છે. મળીએ પછી !!"

"ચોક્કસ !" ને ત્યાં જ મને કંપની બસ આવતી દેખાઈ. ત્યારે કદાચ મને અંદાજ પણ ન્હોતો કે આવનારી સાંજ મારાં માટે એક સરપ્રાઈઝ લઈને રાહ જોતી બેઠી હશે !!


***


મારું ઑફિસ રૂટિન છ વાગ્યે પૂરું થતું હતું. ને સાડા છની આસપાસ મારી કંપની બસ મને ઘરથી થોડે દૂર કંપનીએ નક્કી કરેલાં સ્ટોપ પર ઉતારતી હતી.

એ સાંજે હવામાં બફારો પણ એટલો હતો. માત્ર પાંચ મિનિટ ચાલવા સુધીમાં તો પીઠ પરથી ધીમે ધીમે સરકતો પરસેવાનો લસરકો હું અનુભવી શકતો હતો. લિફ્ટના રસ્તે હું મારાં ફ્લોર પર પહોંચ્યો. જોયું તો માર્ગીના ચપ્પલ ન્હોતાં. મતલબ કે એ ક્યાંક બહાર ગઈ હશે એવું પૂર્વાનુમાન બંધાઈ ગયું. એક ચાવી તો મારી પાસે રહેતી જ હતી એટલે ઘર ન ખૂલવાનો પ્રશ્ન જ ન્હોતો. મેં ઘડિયાળમાં જોયું. છ ને ચાલીસ થવા આવી હતી.

ઘર ખોલી, બૅગ ડાઈનીંગ ટેબલની ચૅર પર મૂક્યું. ટાઈ ખોલી ફૅન અને લાઈટ્સ ઑન કર્યા. ને સોફા પર પગ લાંબા કરીને ગોઠવાયો. નજીક રહેલી ટીપોય પર રિમોટ પડ્યું હતું ને અકારણ જ 'ઑન'નું કુમળું બટન દબાઈ ગયું.

ન્યૂઝની ચેનલ ચાલુ રાખી, હું ઉભો થઈ ફ્રિજ તરફ ચાલ્યો. 'અહાહા..!' ફ્રીજમાંથી આવતી ઠંડી હવા પરસેવે રેબઝેબ થઈને બે ઘડી કાશ્મીરમાં ઉભો હોઉં એવો અહેસાસ આપતી ગઈ.

'કિયાન હજુ ન આવ્યો ??!' પાણી પીતાં પીતાં એક અજાણ્યો વિચાર દોડતો દોડતો બહાર નીકળી ગયો. પાણી પી, ફ્રિજ બંધ કરી ફરી હું ટીવી સામે ગોઠવાયો.

ને ગુજરાતી ન્યૂઝ ચેનલ્સની હારમાળામાં મારી આંખો રોકાઈ. 'બ્રેકીંગ ન્યુઝ...બ્રેકીંગ ન્યૂઝ...'ના નીચે ચમકતાં પીળા પટ્ટામાં મેં વાંચ્યું : રાજકોટના મીરા સર્કલ પાસે સ્કૂલવૅન સળગી. હૃદય જાણે થંભી ગયું. રોકેલ શ્વાસે મેં સ્ક્રીન પર નજર માંડી. ઓહ, આ તો શો..એ..બની વ...વૅ..!

હું ઝડપથી ઉભો થયો. એકસાથે વિચારોનો મારો થવા લાગ્યો. પણ આ મોબાઈલ !! ઑફફો !! ક્યાં ગઈ માર્ગી ?? એને અત્યારે જ જવું હોય !! કિયાનને શું થયું હશે ?! ક્યાંક...ઓહ ગોડ !! એવું ન કરતો ! એવું... પ્લીઝ, ન કરતો ભગવાન !!

'યસ, મોબાઈલ તો મળ્યો !!' મનોમન બબડતાં મેં ઝડપથી પહેલું કામ માર્ગીને કૉલ કરવાનું કર્યુ. ટ્રીન...ટ્રીન...ટ્રીન... અરે, યાર ! ફોન ઉપાડ, ફોન ઉપાડ !! કપાળે પરસેવો રેલાતો જતો હતો ને અહીંયા મારી ધીરજની ચરમસીમા આવી જવા પામી હતી.

ટીવી ઑફ કરી, તરત જ હું ઘરની બહાર નીકળ્યો. ફોન કાન અને ખભા વચ્ચે ભરાવી, ઘર લૉક કર્યુ.

"હા રિતેન, બોલ ને !!" સ્લીપર પહેરતો હતો ત્યાં જ કૉલ રિસીવ થયો.

"માર્ગી...માર્ગી..!!" મારો અવાજ સૂકાઈ રહ્યો હતો, "ત..તું.. મીરા સર્કલ પહોંચ !!"

"મીરા સર્કલ !!?" ઓહ, મતલબ માર્ગી પણ હજુ અજાણ જ હતી !!

"કીધું એટલું કર...!!"

"ઑહ...ઑહકે !" મારા ઊંચા અવાજથી નવાઈ પામી એણે કૉલ કટ કર્યો.

કિયાન ને કશું થયું તો નહીં હોય ને ?! અરે, આજે જ મને શોએબ મળ્યો'તો સવારે !! હે ભગવાન !! પ્લીઝ, મારી સાથે આવો ક્રૂર ન બનતો !!

હું મનોમન હાથ જોડતો મારી બાઈકની સેલ્ફ સ્ટાર્ટ કરી રહ્યો હતો. ને બાઇક સ્ટાર્ટ થતાં જ મેં એ દિશામાં ગાડી મારી મૂકી. મીરા સર્કલ આમ તો અમારાં ઘરથી વીસ પચ્ચીસ મિનિટના અંતરે જ હતું.

"ફટાક...!!" ને પાછલા વ્હીલમાં એક ફટકો પડયો. બધુંય આજે જ થવાનું હતું ??! આ ટાયરમાં પંક્ચર !? ઑફફો ! હે ભગવાન !

ગુસ્સો ને અકળામણ મારાં ગળામાં ગૂંથાઈ રહ્યાં હતાં.  લાચારી અને રઘવાટ મારી નસેનસમાં જાણે ઉત્પાત મચાવતાં હતાં. ને મેં બાઇક રસ્તાની એક તરફ પાનવાળાની કેબિન પાસે મૂક્યું. રીક્ષા લેવાનો કોઈ સમય ન્હોતો. ને મેં ઝડપી ડગલે દોટ મૂકી. બીજા મને જોઈને શું વિચારશે એ વિચારવાની કોઈ જગ્યા જ ન્હોતી બચી !!

માત્ર વીસ મિનિટનો રસ્તો આજે વીસ કલાક જેવો લાગતો હતો. એવું લાગતું જાણે સાવ નજીક જ ગણાય એવું મીરા સર્કલ દૂર ને દૂર લંબાતું હોય એવું ભાસતું હતું.

આખરે, થાકેલ-તૂટેલ પગે પહોંચતાં પહોંચતાં મારી આંખોએ મીરા સર્કલ પાસે ટોળું જોયું. ને ધબકારા અનેક ગણા વધી ગયા.

હું ટોળું ચીરતો ચીરતો, ધક્કા મારતો-ખાતો આગળ પહોંચ્યો. જોયું તો ફાયર સ્ટેશનના ચાર કર્મચારીઓ વૅન પર પાણીનો મારો ચલાવી રહ્યાં હતાં. ને એ વૅન કાળી ડિબાંગ થઈને રસ્તાની એક કોરે સાવ શાંત ઉભી હતી. તૂટી ગયેલાં કાચ અને એમાંથી દેખાતી બળીને રાખ થઈ ગયેલી સીટો ને આખા રસ્તા પર વેરાયેલા બૂક્સના પાનાંઓ !!

મેં હાંફળાફાંફળા થઈને આમતેમ જોયું. બે એમ્બ્યુલન્સ પડી હતી. પણ કિયાનનો ક્યાંય પતો ન્હોતો ! હું થોડો આગળ ગયો. જ્યાં ત્રણ પોલીસવેન પડી'તી ત્યાં જઈ પહોંચ્યો. હજુ ધબકારા શમ્યા ન્હોતા. આંખો એક જ ચહેરો શોધી રહી હતી. હૃદયમાં કોઈ ઊંડે ખૂણે અજુગતું બનવાનો ડર હતો. મન સતત ભગવાનને પ્રાર્થનામાં મચી પડ્યું હતું.

"પપ્પા..! પપ્પા...!" એક અવાજ પાછળથી અથડાયો. હું એ દિશામાં ફર્યો. ઓહ ! કિયાન !! મારી સામે દોડી આવતાં એ નાનકડાં દેહને મેં બાથમાં લઈ ઊંચકી લીધો. ઝડપથી એની પીઠ, પગ, ચહેરો બધું જ તપાસી લીધું. ક્યાંય ઈજા તો નથી થઈ ને ??!

"કિયાન...!!" જેનાં દરેક શ્વાસમાં એ વસતો હતો એ માર્ગી તો દોડીને મને અને કિયાનને વળગી પડી, "બેટા, કંઈ થયું નથી ને તને ?! ક્યાંય વાગ્યું નથી ને તને ??!" માતૃસહજ પ્રશ્નો વરસી રહ્યાં હતાં.

કિયાનને એની મમ્મી પાસે ઉભો રાખી, મેં આમતેમ નજર ફેરવી. બે-ત્રણ પોલીસની વચ્ચે શોએબ માથું નીચું રાખીને ઉભો હતો. એણે મને જોયો. ને તરત જ મારી નજીક આવ્યો. પોલીસવાળા બસ જોઈ જ રહ્યાં.

"રિતેનભાઈ !!" એની આંખમાં હાશકારો હતો, "મેં કિયાનને બચાવી લીધો હોં !! મેં કોઈને કાંઈ નથી થવા દીધું !!" એનો ખભો બળી ચૂક્યો હતો. બળેલી ચામડીમાંથી લોહી વહી રહ્યું હશે એટલે ત્યાં મોટો પાટો બાંધ્યો હતો. કંઈ જ વિચાર્યા વગર હું એને ભેટી પડ્યો.

"આભાર દોસ્ત !!" ખરેખર તો મનોમન હું ભગવાનનો આભાર માની રહ્યો, "મને તો એમ જ કે.."

"ના, ના રિતેનભાઈ !!" એણે કિયાન સામે જોયું, "માન્યું કે મેં મારી વૅનમાં પંદર છોકરાં બેસાડ્યા'તા, પણ જેવું મારુ ધ્યાન પાછળ પડ્યું કે તરત જ અહીંયા મેં સાઈડમાં લીધી. ઝડપથી એક પછી એક બધાંને બહાર ઉતાર્યા. ને છેલ્લી છોકરી બહાર કાઢી ત્યાં તો આખી વૅન ભડભડ સળગી..!"

"હં !!" મેં વૅન તરફ જોયું.

"પણ, હું તમારા સ્કૂલ બેગ્સ ન બચાવી શક્યો. એ બધાં જ.."

"અરે તે જીવ બચાવી લીધો એ જ ઘણું છે !!" મેં એને પીઠ થાબડી.

"પણ રિતેનભાઈ !!" એણે મારી સામે જોયું, "આજે એક નિર્ણય લીધો હોં !"

મેં પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

"આ વૅન સાથે મારો ધંધો પણ બળી ગયો સમજો ! મારી મૂર્ખાઈ સળગી ગઈ સમજો ! એક તક આપી છે અલ્લાહે !" એની ભીની આંખો કાળી પડી ગયેલી વેન તરફ હતી, "હવે આ કામ હું નહીં કરું. છોડી દઈશ. બીજું ગમે તે મજૂરીકામ કરીશ પણ આવો જોખમ... જ..જ..જરાય નહીં !!" ને એટલામાં જ બીજી બે ત્રણ ન્યૂઝ ચેનલ વાળાઓએ એને ઘેરી લીધો. એક નિર્ણય એણે કર્યો'તો, હવે એક નિર્ણય મારે કરવાનો હતો.

"માર્ગી..!" કિયાનને તેડીને ઉભેલી માર્ગી સામે જોઈ કહ્યું.

"હા, રિતેન !!" એ નજીક આવી.

"આવતીકાલથી તું કે હું જે કોઈ ફ્રી હશે એ કિયાનને મૂકવા-લેવા જશે. ટુ વ્હીલર પર અને એ પણ હેલ્મેટ સાથે !" મેં મક્કમતાથી કહ્યું, "ઠીક છે ?!"

"હા, શ્યોર !!" થોડીવાર મારી આંખોમાં તાકી, એણે જાણે મારાં નિર્ણય પર મહોર મારી દીધી.

દરેક નવી ઘટના તમને નવા નિર્ણયો લેવા પર મજબૂર કરે છે. કેટલાંક નિર્ણયો સંબંધો બચાવે છે તો કેટલાંક નિર્ણયો જિંદગી..!!


***

ન્યૂઝ ચેનલ્સવાળા જે પણ કહે, સોશ્યલ મીડિયા પર ફોરવર્ડ થતાં લાંબા લચક દોષારોપણો જે પણ કહે, હું એવું નથી કહેતો કે સંચાલકો કે પછી શહેરનું તંત્ર સુરતની ઘટના માટે જવાબદાર નથી. પણ, એક જાગૃત વાલી તરીકેની પહેલી ફરજ મારી-તમારી-આપણી છે કે આપણું બાળક કેવાં વાતાવરણમાં અભ્યાસ કરે છે !

ઊંડે સુધી હચમચાવી નાખનાર સુરત દુર્ઘટનામાં સદ્દગતે ગયેલાં એ તમામ વિદ્યાર્થીઓને-વ્યક્તિઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ !!

???