હળવા આંચકા સાથે સીટીબસ મહાવીર ચોક બસસ્ટોપ પાસે ઊભી રહી. બે ત્રણ પેસેન્જર્સ સાથે એ પણ ઉતર્યો. સહેજ ઉતાવળથી, એ વડોદરાના નેશનલ હાઈ-વેને ઓળંગી, બીજી બાજુ ગયો. એક ઊડતી નજર એને ઘડિયાળ પર અને પછી બસ ની રાહ જોઇને ઊભેલા લોકો તરફ ફેંકી. ને સીધો જ એ મુન્નાભાઈની કેબીન પાસે જઈ ઉભો રહ્યો.
"જેતલસરવાળી બસ નીકળી ગઈ...?" પરસેવાથી રેબઝેબ ચહેરો લૂછતાં એણે પૂછ્યું.
"બકા, ઈ તો ક્યારનીય નીકળી ગઈ...!" હાથમાં તમાકુ મસળતાં મસળતાં મુન્નાભાઈએ પૂછ્યું, "આજ તું મોડો છે, નંઈ..?"
"અરે હા, એક એસાઇનમેન્ટ સબમિટ કરાવવાનું હતું." બેગમાંથી મોબાઈલ કાઢતાં કાઢતાં એ બોલ્યો, "એક તો મારો રોલ નંબર પાછળ આવે. મેં સરને તો કીધું કે મારી બસ નીકળી જશે. પણ સર માને તો ને...? લ્યો, થઈ ગયું મોડું...!"
"અરેરે, પણ આમાં એટલો તીખો કાં થાશ..? પાછળ બરોડા વાળી આવતી જ હશે. એક્સપ્રેસ...!" મુન્નાભાઈએ એને ઠંડો પાડતાં કહ્યું, "ત્યાં લગી તું બેસ ને મોજથી આપણા બાંકડે..!"
પીઠ પર રહેલું બેગ બાજુ પર મૂકી, એ બાંકડા પર ગોઠવાયો. એક નિઃસાસા સાથે એણે રસ્તા પર મીટ માંડી.
પાંચ છ મિનિટ પછી એને બરોડા જતી એસ.ટી. બસનું લાલ પાટિયું દેખાયું.
"ચાલો, મુન્નાભાઈ હું નીકળું..." પ્રત્યુત્તર ની રાહ જોયા વગર બેગ ઉપાડી, બસ જ્યાં ઉભી રહેવાની હતી એ જગ્યા તરફ ડગ ઉપાડયા...
***
એનું નામ પ્રિયાંશ પરીખ. એકવડિયો દેહ. ગોરો વાન. મોટી આંખો ને એ આંખોમાંથી છલકતી નિર્દોષતા. ચહેરા પર કાયમ રમતું રહેતું સ્મિત. મિકેનિકલ એન્જીનીયરીંગ નો ત્રીજા વર્ષનો વિદ્યાર્થી. બરોડાના નાના ગામ પાસે એની એસ. વી. કૉલેજ ઓફ એન્જીનીયરીંગ. બરોડાથી લગભગ બે-અઢી કલાકનો રસ્તો. બીજા સ્ટુડન્ટસ સાથે રોજ એસ.ટી.માં એ પણ અપડાઉન કરે.
પણ, આજે મોડું થયું હતું. બરોડા જતી લાંબા રૂટની બધી બસો નીકળી ગઈ હતી. અને એ સાથે એના ફ્રેન્ડસ્ પણ નીકળી ગયા હતા. એક બસ આવી રહી હતી.
"હાશ...!" બસને જોઈ એની આંખોમાં હાશકારો ડોકાયો.
અહીંથી ચડવામાં એ એકલો જ હતો. અંદર જઈને એક નજર બધાં મુસાફરો પર નાખી. એક જ સીટ ખાલી હતી. એક છોકરી ત્યાં માથું બેગ પર ઢાળીને બેઠી હતી. એવું લાગી રહ્યું હતું જાણે એ સુઈ રહી હતી. છોકરી હતી એટલે સીધેસીધું બેસી પણ જવાય...!
"એક્સકયુઝ મી...!" આગળ વધીને પ્રિયાંશે નરમાશથી પૂછ્યું, "હું અહીં બેસી શકું...?”
પેલીએ માથું ઊંચું કર્યું. ને બારીમાંથી આવતા શરારતી પવને એ છોકરીના વાળ ઉડાડી મૂક્યાં. ભૂરી આંખો, ચમકતો ચહેરો, ગુલાબની પાંખડીઓ જેવા નાના હોઠ ને એ હોઠો પર રમી રહેલું ચંચળ સ્મિત. ઘડીભર તો એ પણ ભૂલી ગયો કે પોતે ક્યાં ઉભો છે...! એવું લાગ્યું જાણે સામે ઉભેલી આકૃતિ એના હૃદયમાં ઉતરી રહી છે.
"ઓહ, યસ પ્લીઝ.." ગાલ પર રહેલી રેશમી વાળની લટને હાથથી હટાવતાં એણે કહ્યું. ખોળામાં બેગ મુકી, પ્રિયાંશ એની બાજુમાં ગોઠવાયો.
બન્ને સાવ શાંત બેઠા હતા. હજુ પણ બારીમાંથી આવતો પવન બેશરમ બનીને પેલી છોકરીના વાળ ઉડાડી રહ્યો હતો.
બસમાં બેઠાને પ્રિયાંશને લગભગ અડધા કલાક જેવું થયું હશે. આંખો બંધ હતી. મગજમાં વિચારોનો ધીમો પ્રવાહ ચાલુ હતો. ને એ પ્રવાહની દિશા બાજુમાં બેઠેલા બગીચા તરફ હતી...!
"એન્જીનીયરીંગ...?!" એકસાથે જ બેઉ બોલી ઉઠ્યા.
બંને હસી પડ્યા. હસવાનું રોકાયા પછી પ્રિયાંશએ પહેલું કામ જવાબ આપવાનું કર્યું, “હા, એન્જિનિયરિંગ. મિકેનિકલ એન્જિનિયરિંગ. એસ.વી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ..”
“હું પણ. કમ્પ્યુટરમાં. સી. કે. માં. તમારી બાજુમાં જ.”
“પ્રિયાંશ. પ્રિયાંશ પરીખ...” વાતચીતની સફર શરૂ થઈ.
“શ્રુતિ...શ્રુતિ શેઠ.”
“અહીં રહે છે..? બરોડામાં જ...?” પ્રિયાંશે પૂછ્યું.
“ના. ના. હું તો એકચ્યુઅલી સુરતમાં રહું છુ. જેતલસર તો ગર્લ્સ હોસ્ટેલમાં જ.”
“આ બસ ન તો સુરત જાય છે કે...” પ્રિયાંશે ચહેરો ગંભીર રાખી, મજાકમાં પુછ્યું, “ન તો એ જેતલસર જાય છે..”
“અરે ના ના...” પ્રિયાંશના પ્રશ્નથી શ્રુતિના હોઠ મલકી ઉઠ્યા, “બરોડા તો હું મારા માસીના ઘરે જાઉં છું. તમે...?”
“બરોડા તો મારું ઘર છે…” પ્રિયાંશના શબ્દોમાં ગર્વભરી હૂંફ વર્તાતી હતી.
“અપ ડાઉન કરતાં હશો, નહિ…?”
પ્રિયાંશએ હકારમાં માથું ધુણાવ્યું.
“પણ, રોજ રોજ અપ-ડાઉન કરવામાં થાકી ન જવાય..? મોટાભાગનો દિવસ તો અપ-ડાઉનમાં જ ચાલ્યો જાય, નહિ…?” એના ચહેરા પર ચિંતાના ભાવ ઉપસ્યા.
“હં, ચાલ્યો તો જાય. એક રીતે એ મારી મજબૂરી છે. પણ એ મજબૂરીને મેં શોખમાં બદલી નાખી છે…”
“શોખ…? એય અપ ડાઉનનો..?” શ્રુતિના શબ્દોમાં આશ્ચર્ય ભળ્યુ.
“મને શોખ છે, રોજ રોજ નવા માણસોને મળવાનો. શોખ છે બસની રાહ જોવાનો. અને શોખ છે બંધ પડેલી બસને લીધે કૉલેજ સમયસર પહોંચવા માટે વેઠવી પડતી મુશ્કેલીઓની મજા લેવાનો…!”
“અહીં હોસ્ટેલમાં કે રુમ રાખીને કેમ નથી રહેતા…?”
“નથી રહેતો..” પ્રિયાંશએ શાંતિથી કહ્યું, “બસ, નથી રહેતો…”
“સોરી…” શ્રુતિને કશું ખોટું પુછાઈ ગયાનો અહેસાસ થયો, “મારાથી એવું ન પૂછી શકાય…”
“અરે…એવું નથી. દરેકને આ બાબતે પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે પણ હા, દરેક પ્રશ્નનો જવાબ સમજાય એવું જરૂરી નથી. કેટલાંક જવાબો પછી પણ સમજાય…” પ્રિયાંશે સસ્મિત કહ્યું.
શ્રુતિ ગૂંચવાઈ. પણ એ ગૂંચવણ ને એણે સ્મિત કરીને ઉડાડી મૂકી.
“શ્રુતિ…”
“હં…” શ્રુતિનું ધ્યાન બારી બહાર હતું.
“આ વારે વારે તું મને ‘તમે’ કહીને બોલાવે છે ને એટલે હું તારાં કરતાં ઘણો બધો મોટો હોઉં ને એવું લાગે રાખે છે. બસ, ‘તું’ જ કહીને વાત કર ને…” પ્રિયાંશે કહ્યું.
“એ મારી આદત છે…” એણે હસીને કહ્યું.
“મારા પૂરતી એ આદત છોડી દે…”
“કેમ..?”
“તું કહીને બોલાવવામાં એક અહેસાસ છે..” પ્રિયાંશે શ્રુતિની આંખોમાં જોઈને કહ્યું, “અહેસાસ છે પોતાનાપણાં નો..”
“ઓહ…” શ્રુતિને એવું લાગ્યું કે એ વાક્યનો પડઘો કાનમાં નહિ સીધો હૃદયમાં પડ્યો છે.
“અરે છોડ એ વાતને...” પ્રિયાંશે કહ્યું, “તને કોઈ શોખ છે એન્જીનીયરીંગ સિવાય..!?”
“છે ને…” શ્રુતિએ બારીની બહાર જોઈને કહ્યું, “કવિતાઓ લખવાનો..”
“સરસ…” પ્રિયાંશની આંખોમાં ખુશીની રેખા ખેંચાઈ, “યુ મીન કવિયત્રી, રાઈટ..? કંઈ પબ્લિશ કર્યું છે કે એમ જ…ગુમનામ છે..?”
“બે ‘પોએમ કલેક્શન’ આઈ મીન, કાવ્યસંગ્રહ ‘પબ્લિશ’ થઈ ચૂક્યા છે. ત્રીજો લખું છું.” શ્રુતિની નજર હજુ બારીની બહાર જ હતી.
“વાઉ…” પ્રિયાંશની આંખોમાં ચમક આવી, “તારે પેલા કવિઓની જેમ ઉપનામ જેવું રાખ્યું છે કાંઈ..?”
“અત્યાર સુધી નહોતું રાખ્યું પણ હવે રાખીશ. હું કોઈ એવો શબ્દ કોઈ એવું નામ શોધતી હતી જે મારા હૃદયની એકદમ નજીક હોય.” અચાનક જ એ પ્રિયાંશની આંખોમાં જોઈ બોલી, “એ નામ નહોતું મળ્યું પણ હવે મળી ગયું…!”
“કંઈ સમજાયું નહીં…” ગૂંચવણ માં પડવાનો વારો હવે પ્રિયાંશનો હતો.
“દરેક પ્રશ્નનો જવાબ સમજાય એવું જરૂરી નથી. કેટલાંક જવાબો પછી પણ સમજાય…” શ્રુતિએ આંખો નચાવતાં કહ્યું.
બંને હસી પડ્યા.
***
“ભૂખ જેવું કંઈ લાગ્યું છે કે પછી વાતોથી જ ઓડકાર ખાવાનો ઈરાદો છે…?” એસ.ટી.બસ આગળ નાનકડાં ગામ પાસે ઉભી રહેશે એ પ્રિયાંશની ખબર હતી.
“નહિ…નહિ…હું બહારનું કશું ખાતી જ નથી…” શ્રુતિએ હળવેકથી કહ્યું.
“જો મારી વાત સાંભળ…” કોઈ બીજો પેસેંજર સાંભળી ન જાય એ રીતે શ્રુતિના કાન પાસે આવીને એ ધીમેથી બોલ્યો, એક તો તારા બેગમાં દસ વીસ લાખ રૂપિયા નથી કે હું તને લૂટું. જો હોય તો પણ, મને એની ખબર નથી. બીજું, મને છોકરીની ઇજ્જત લૂટતાં આવડતું જ નહી. એટલે જલદીથી બોલી નાખ કે શું ખાવું છે..?
શ્રુતિ હસી પડી, “ઠીક છે. તને જે પસંદ પડે એ લઈ આવ.”
ચાની હોટેલ પરથી એ વેફર્સ લઈ રહ્યો હતો. શ્રુતિ બારીમાંથી એની પીઠ તરફ એકીટશે તાકી રહી હતી. એનું મન કશા વિચારોમાં ખોવાયેલું હતું.
કોણ છે આ...? ક્યારથી ઓળખું છું હું એને..? છતાંય કેમ ખેચાઉ છું એના વ્યક્તિત્વ તરફ...? પ્રિયાંશ ની વાતો એના કાનમાં કોઈ કર્ણપ્રિય સંગીતની માફક ગુંજી રહી હતી. અજાણતાં જ શ્રુતિ એણે આંખોમાં ભરી રહી હતી. અજાણતાં જ એ શ્વાસવાટે શ્રુતિના હ્રદયમાં ઉતરી રહ્યો હતો. ને આ બધુ અજાણતાં જ થઈ રહ્યું હતું...!!
***
બસ વડોદરા શહેરમાં પ્રવેશી રહી હતી.
“પ્રિયાંશ, બરોડા આવી ગયું...!” શ્રુતિ બારીની બહાર જોતાં બોલી.
“કાશ...! આ સફર ક્યારેય પૂરી ન થાય. હું બેઠો રહું દિવસો સુધી..મહિનાઓ સુધી...વરસો સુધી...સદીઓ સુધી. આમ તારી બાજુમાં...!” એ શબ્દો પ્રિયાંશ ના હોઠે અટકી ગયા.
માત્ર “હં...” વડે જ એણે પ્રત્યુતર વાળ્યો.
“બસ, થોડીક જ વાર ને પછી…” શ્રુતિ બોલી રહી હતી.
“પછી...?” એ વચ્ચે જ બોલી ઉઠ્યો.
બંને એકબીજા સામે જોઈ રહ્યા. હોઠ કશું જ નહોતા બોલતા. બસ, આંખો વાતો કરી રહી હતી. એકબીજાના ચહેરાની ઝલક કદી ન ભૂલાય એ રીતે આંખોમાં ભરી રહ્યા હતા. પ્રિયાંશ નીરખી રહ્યો હતો, શ્રુતિના ચહેરાના એક એક વળાંકને. એની ભાવવાહી આંખોને. હોઠને. વાળને.
જાણે શ્રુતિ પણ પ્રિયાંશ નું હ્રદય પર ચિત્ર દોરી રહી હતી, સમયનું ‘ઈરેઝર’ ન ભૂંસી શકે એ રીતે. ઢળતી સાંજે બસમાં ઠંડક સાથે આછું એવું અંધારું છવાઈ રહ્યું હતું. એક પછી એક સ્થળ આવતા જતાં હતા. મુસાફરો ઉતરતા જતાં હતા. બારી બહાર દ્રશ્યો બદલાતા જતાં હતાં.
“ચાલ, મારુ સ્ટોપ આવી ગયું...” શ્રુતિએ બેગ ઉપાડી, ઊભા થતાં કહ્યું.
કશું જ બોલ્યા વગર, પ્રિયાંશએ જવાની જગ્યા કરી આપી. એ બસના દરવાજા પાસે જઈ રહી હતી.
“રોકાઈ જા. થોડી વાર...” પ્રિયાંશની આંખોમાં અજાણી તરસ જાગી.
“જવું પડશે.” શ્રુતિએ આંખથી જ પ્રત્યુતર વાળ્યો.
એક વાર-છેલ્લી વાર ઉતરતાં ઉતરતાં શ્રુતિએ પ્રિયાંશ સામે નજર કરી લીધી. એ હસી. બસ, પછી એણે પાછળ ફરીને ન જોયું.
પ્રિયાંશ શ્રુતિને જતી જોઈ રહ્યો. અચાનક જ એને યાદ આવ્યું કે શ્રુતિમાં એ એટલો ખોવાઈ ગયો હતો કે ન તો એણે એનું સરનામું લીધું હતું કે ન તો કોઈ મોબાઈલ નંબર. અને શ્રુતિ નીકળી ચૂકી હતી. લોકોની ભીડમાં એ એને અદ્રશ્ય થતાં જોઈ રહ્યો.
એની આંખોમાં એક ભીનો પ્રશ્ન તરવરી રહ્યો, ફરી મળીશ ને..?
(શું થયું એ દિવસ પછી...? પ્રિયાંશને શ્રુતિ મળી કે નહીં..? રસ્તા પર એકબીજાને ગમી ચૂકેલા એ મુસાફરો ફરી મળ્યા..? કે આ મુલાકાત અધૂરી જ રહી..? આ દરેક સવાલોના જવાબો મેળવવા બીજા અને છેલ્લા ભાગની રાહ જુઓ...)
ક્રમશ: