અર્ધ અસત્ય. - 30 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 30

અર્ધ અસત્ય.

પ્રકરણ-૩૦

પ્રવીણ પીઠડીયા

સિગારેટ સળગતી સળગતી છેક ફિલ્ટર સુધી નાં પહોંચી ત્યાં સુધી તે કશ ફૂંકતો રહ્યો હતો. કમલ દિક્ષિતને અહી જોઇને કોણ જાણે કેમ પણ તે અપસેટ થઇ ગયો હતો. તેનું અહી હોવું સહેજે રુચ્યું નહોતું. તે એનો ઉપરી અધિકારી હતો અને તેણે કમલ દિક્ષિતના હાથ નીચે ઘણું કામ કર્યું હતું પરંતુ આજ સુધી એ વ્યક્તિ અફસર તરીકે તો ઠીક પણ માણસ તરીકે પણ તેને ગમ્યો નહોતો. એવું કેમ થતું એનું કોઇ ચોક્કસ કારણ તો તે પણ નહોતો જાણતો. કમલ દિક્ષિત અહીં હતો મતલબ હવે તેનું પોલીસ ચોકીમાં જવું નકામું હતું. રખે તે એની નજરે ચઢી જાય તો વળી કોઇ નવો ઈસ્યૂ ઉભો થયા વગર ન રહે. અને એવું થાય તે બિલકુલ ઈચ્છતો નહોતો. તેણે અહીથી જ રાજગઢ પાછા ચાલ્યાં જવાનો નિર્ણય કર્યો અને તે પોતાના બુલેટ તરફ આગળ વધ્યો. તેનું બુલેટ ચોકીના કંમ્પાઉન્ડમાં પાર્ક હતું. તે બુલેટ નજીક પહોંચ્યો બરાબર એ સમયે જ કિરણ પટેલ ચોકીના કંમ્પાઉન્ડમાં દાખલ થયો. તેણે અભયને જોયો અને તેની તરફ આવ્યો.

“અરે અભય, આટલી વહેલી સવારે?” તેના અવાજમાં આશ્ચર્ય ભળેલું હતું. “લાગે છે કે રાતભર સૂતો નથી. અરે ભાઇ એવું તે શું દાટયું એ પોટલાઓમાં જે તને ઉપાધી કરાવે છે?” તેણે પોતાની બાઇકને સ્ટેન્ડ કરતા પૂછયું.

“એ જ્યારે મળશે ત્યારે ચોક્કસ જણાવિશ, પણ તું આવ્યો એ સારું થયું. મને એ સ્ટોરરૂમ ખોલી આપ એટલે આજે ફાઈનલ બધું જોઇ નાખું.” અભયને ખરેખર રાહત ઉપજી હતી. જો કિરણ પટેલ અણીનાં સમયે આવ્યો ન હોત તો તેનો આજનો દિવસ ખાલી જવાનો હતો.

“બે ઘડી ઉભો રહે, બસ હમણાં જ સ્ટોરરૂમની ચાવી લઇને આવ્યો.” કહીને કિરણ ધડાધડ પગથિયા ચઢતો ચોકીમાં અંતર્ધાન થઇ ગયો. અભયને હાશ થઇ. હવે તેનું કામ પણ થશે અને કમલ દિક્ષિતનો સામનો પણ નહીં કરવો પડે. તે બહાર જ ઉભો રહીને કિરણની રાહ જોવા લાગ્યો. જો કે પેલી યુવતીને અત્યારે નહી મળી શકાય તેનો અફસોસ અભયને હતો. એ યુવતીએ તેને ચોંકાવી મૂકયો હતો. તેની કહાની જાણવી જરૂરી હતી પરંતુ એ પછી જોઇ લેવાશે એવું મન બનાવીને અભય કિરણની રાહ જોવા લાગ્યો.

@@@

ભરૂચ પોલીસ હેડ-ક્વાટરમાં અફરા-તફરીનો માહોલ જામ્યો હતો. સુરતનાં એસીપી કમલ દિક્ષિતના આગમનથી ચોકીનું વાતાવરણ એકદમ ગરમ થઇ ઉઠયું હતું. તેમની સાથે ચેનલ ન્યૂઝ ગુજરાતનો સિનિયર રિપોર્ટર રમણ જોષી પણ આવ્યો હતો. રમણ જોષી જેવો અંદર દાખલ થયો કે બંસરી ઉભી થઇ હતી અને દોડીને તે પોતાના ભાઇને વળગી પડી હતી. બંસરીને હેમખેમ જોઇને રમણ જોષી ભાવુક થઇ ઉઠયો. તે ઘણો કઠણ માનવી હતો છતાં તેની આંખો ઉભરાઇ આવી હતી. તેણે બંસરીની પીઠ પરવારી અને સાંત્વના આપી અને પછી તેઓ મોટા સાહેબની કેબિનમાં ગયા હતા.

ભરૂચ હેડ-ક્વાટરનાં ઈન્ચાર્જ એટલે કે એસએચઓ(SHO) મી. દેવેન્દ્ર દેસાઇની કેબિનમાં કમલ દિક્ષિત અને રમણ જોષીની મિટિંગ જામી હતી અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે બંસરી રઘુભા વિરુધ્ધ વિધિવત પોતાના અપહરણની એફઆઇઆર દાખલ કરાવે. દેવેન્દ્ર દેસાઇએ ઓલરેડી રઘુભાના તમામ ઠેકાણાઓ ઉપર છાપામારી તો ચાલું કરી જ દીધી હતી છતાં બંસરીની એફઆઇઆર ઘણી જરૂરી હતી. પોલીસ પોતાની રીતે તો કામ કરતી જ હોય છે પરંતુ ઘણી વખત ખુદ ફરીયાદી જ પાછીપાની કરતો હોય ત્યાં પોલીસના હાથ આપોઆપ હેઠા પડતા હોય છે. આ કેસમાં એવું ન થાય એ માટે બંસરીએ પોતાની સાથે જે બન્યું હતું એ બધું એફઆઇઆરમાં લખાવી દીધું હતું.

“આ કેસને જેમ બને એટલી વહેલી તકે ઉકેલવાની કોશિશ કરજો.” કમલ દિક્ષિતે રાજેન્દ્ર દેસાઇ તરફ જોઇને કહ્યું.

“ડોન્ટવરી સર, આ મામલામાં સહેજે કચાશ છોડવામાં નહી આવે. અમે કાર્યવાહી તો ક્યારની શરૂ કરી દીધી છે પરંતુ..!” રાજેન્દ્ર દેસાઇ કંઇક પૂછવા માંગતો હોય એમ અટકયો.

“પરંતુ શું ઓફિસર?” કમલ દિક્ષિતે તેના ચહેરાને ધ્યાનથી જોતા પૂછયું.

“સોરી સર, તમે ખોટુ ન લગાડતાં પરંતુ મને હજું આ મામલાની સચ્ચાઇથી અવગત કરવામાં નથી આવ્યો. મારે એ જાણવું છે કે આખરે આ યુવતી… એટલે કે બંસરી સુરતથી કોસંબા શું કામ આવી હતી અને રઘુભાએ તેનું અપહરણ શું કામ કર્યું? આઇમીન, તમે મારી વાત સમજી ગયા હશો.” રાજેન્દ્ર દેસાઈ ખચકાતા શ્વરમાં બોલ્યો. કમલ દિક્ષિત એ સાંભળીને મુસ્કુરાઇ ઉઠયો અને ખુરશીમાં થોડો આગળ સરકીને તેણે દેવેન્દ્રની આંખોમાં ઝાંકયું.

“આ મારો અંગત મિત્ર છે રમણ જોષી. ન્યૂઝ ગુજરાત ચેનલનો વરિષ્ઠ રિપોર્ટર. બંસરી તેની સગ્ગી બહેન છે એ હિસાબે તે મારી પણ બહેન થઇ. તેનું કોસંબા ચોકડી પરથી રઘુભા નામના એક ગુંડાએ અપહરણ કર્યું અને તેને એક ઇન્ડસ્ટ્રિઝ એરિયામાં બંધક બનાવી રાખી હતી. મને નથી લાગતું કે આનાથી વધારે કંઇ જાણવા જેવું હોય ઇન્સપેક્ટર.” એકદમ ધારદાર અવાજે કમલ દિક્ષિતે કહ્યું એટલે દેવેન્દ્ર ખામોશ થઇ ગયો. તેને સમજાઇ ગયું હતું કે તેણે ફક્ત રઘુભાને પકડવા ઉપર જ ધ્યાન આપવાનું છે. બીજી કોઇ બાબતમાં તેણે આંગળી ડૂબાડવાની નહોતી.

“જી સર, એ થઇ જશે.” તે બોલ્યો અને વાત ત્યાં જ સમાપ્ત થઇ ગઇ.

રમણ જોષી અને બંસરી, બન્નેએ રાહતનો શ્વાસ લીધો હતો કે ચાલો હવે અભય વાળા કેસ વિશે કોઇને ખબર નહીં પડે. કમલ દિક્ષિતે આખી બાજી તેમના ફેવરમાં વાળી લીધી હતી એ કોઇ નાનીસૂની વાત નહોતી. પરંતુ અત્યારે તેઓ એક બાબતથી સદંતર અજાણ હતા કે કમલ દિક્ષિતે એવું શું કામ કર્યું હતું? પોતાના જ પોલીસ ડિપાર્ટમેન્ટને અંધારામાં રાખીને તે પોતાના મિત્રની મદદ શું કામ કરી રહ્યો છે! તે ચાહત તો બંસરીના મોઢે જ કબૂલાત કરાવી શકત કે તે અભય ભારદ્વાજનાં કેસનો પીછો કરતી-કરતી કોસંબા પહોંચી હતી. પરંતુ એવું તેણે કર્યું નહોતું. શું કામ? એ કોઇ નહોતું જાણતું.

@@@

“ભાઇ, અભય અહીં જ છે.” બંસરીએ રમણ જોષીના કાનની એકદમ નજીક પોતાનું મોં લઇ જઇને કહ્યું. રમણ જોષી પહેલા તો કંઇ સમજ્યો નહી અને જ્યારે સમજ્યો ત્યારે ઉછળી પડયો હતો.

“વોટ?” દુનિયાભરનું આશ્વર્ય તેના ચહેરા પર એકઠું થયું હતું. તેઓ હમણાં જ દેવેન્દ્ર દેસાઇની ઓફિસમાંથી બહાર નિકળ્યા હતા અને ચોકીની બહાર આવીને ઉભા હતા. કમલ દિક્ષિત કંઇક કામ અર્થે થોડીવાર પૂરતો અંદર રોકાઇ ગયો હતો એ અવસરનો લાભ લઇને બંસરીએ અભય વાળી વાત છેડી હતી.

“તમારી જેમ મને પણ નવાઇ લાગી હતી કે તે અહી શું કરતો હશે? પરંતુ એ બાબતે તેને પૂછવાનો અવસર જ ન મળ્યો. તમે આવ્યાં તેની થોડીવાર પહેલાં જ એ બહાર નિકળ્યો હતો.”

“પણ… તે અહીં શું કરવા આવ્યો હતો? તેણે તને જોઇ તો નથી ને? તેને એ તો નથી ખબરને કે તું એના જ કેસ ઉપર કામ કરે છે?” રમણ જોષીને ખુદને નહોતું સમજાતું કે તે બંસરીને શું પુંછે? રહી-રહીને એક જ વિચાર તેના મનમાં ઝબકતો હતો કે તેણે બંસરીને આ ઝમેલામાં નાખવા જેવી નહોતી. કારણ કે આ મામલો જરૂર કરતા વધું ગંભિર બની ગયો હતો.

“હું સામેથી તેને મળી હતી.” બંસરીએ બીજો ધડાકો કર્યો. રમણ જોષી મોં વકાસીને પોતાની નાની બહેનના ચહેરા સામું જોઇ રહ્યો. “પણ મેં તેને કશું જણાવ્યું નથી.”

રમણ જોષીએ રાહતનો દમ ભર્યો.

“પણ તે અહીં પોલીસ સ્ટેશનમાં શું કામ આવ્યો હતો મારે એ જાણવું છે.” બંસરી આખો ઝીણી કરીને કંઇક વિચારમાં ડૂબી. ચશ્મા વગરની તેની આખો હતી એ કરતા વધું નાની અને વધું સુંદર લાગતી હતી. રમણ જોષી પોતાની નાનકડી બહેન સામું જોઇ રહ્યો. આવનારો સમય ઘણો અઘરો વિતવાનો હતો એના એંધાણ અત્યારથી જ તેને કળાવા માંડયા હતા.“અને હાં, જેણે મને બચાવી એ પોલીસ ઈન્સ્પેકટરનો આભાર પણ માનવાનો બાકી છે. જો એ ન હોત તો હું રઘુભાની ચૂંગલમાંથી જીવિત પાછી આવી ન હોત. આપણે થોડીવાર અહી રોકાઇએ પછી સુરત જઇશું.”

“ઠીક છે.” રમણ જોષી ફક્ત એટલું જ બોલ્યો અને કમલ દિક્ષિત બહાર આવે તેની રાહ જોવા લાગ્યો.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 3 અઠવાડિયા પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા

Kanaksinh Solanki

Kanaksinh Solanki 2 વર્ષ પહેલા

Jinal Parekh

Jinal Parekh 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા