અર્ધ અસત્ય. - 29 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 29

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૯

પ્રવીણ પીઠડીયા

“અભય” બંસરીના ગળામાંથી શબ્દો સર્યા હતા અને તે ધસમસતી વહેતી કોઇ નદીની જેમ દોડી હતી. અભય કંઇ સમજે એ પહેલા તો બંસરી પોતાના બન્ને હાથ ફેલાવીને તેને વળગી પડી હતી. અભય માટે આ સાવ અન-અપેક્ષિત હતું. તે આ યુવતીને ઓળખતો નહોતો કે ક્યાંય મળ્યો હોય એવું પણ યાદ આવતું નહોતું. તે આશ્ચર્યના મહા-સાગરમાં ગોથા ખાવા લાગ્યો. એક અજાણી યુવતી અચાનક આવીને ભેટી પડે તો કોઇ પણ માણસ હેબતાઇ જાય. અભય પણ હેબતાઇ ગયો હતો. અરે, ત્યાં હાજર પોલીસ કોન્સ્ટેબલો અને ખુદ રાજસંગ પણ એકાએક અસમંજસમાં પડયા હતા કે આ વ્યક્તિ કોણ છે જેને બંસરી આવી રીતે વળગી પડી છે! સમગ્ર પોલીસ સ્ટેશનમાં સ્તબ્ધતા ભર્યું આશ્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.

પણ.. બંસરીને એની કોઇ ફિકર નહોતી. તેના જીવને તો અજબ રાહત મળી હતી. ગઇ આખી રાત તેણે ફફડતા જીવે વિતાવી હતી. રઘુભાની ચૂંગલમાં ફસાઇ ત્યારે જ તે સહમી ગઇ હતી કારણ કે આ તેનો પહેલો કેસ હતો અને પહેલા કેસમાં જ તે એક ખૂંખાર માણસનાં હાથમાં સપડાઇ ચૂકી હતી. તેની સાથે હવે શું થશે એ વિચારી-વિચારીને જ તેનો જીવ ગભરાતો હતો. ક્યાંક આ લોકો તેની ઉપર બળાત્કાર તો નહીં કરે ને? એ વિચાર જ કેટલો ભયાનક હતો. રઘુભા તો ચાલ્યો ગયો હતો પરંતુ તેની પાછળ એક માણસ મૂકતો ગયો હતો. એ માણસ રાતભર વિચિત્ર નજરોથી તાકતો રહ્યો હતો જાણે તેને કાચીને કાચી ચાવી જવાનો હોય. એ તો સારું થયું કે એક પોલીસ અફસર અચાનક ત્યાં આવી ચડયો અને તેને બચાવી લીધી હતી નહિંતર અત્યારે તે કેવી હાલતમાં હોત એ વિચારતાં જ તેને ધ્રૂજારી ઉપડતી હતી. રઘુભા જેવા ખતરનાક માણસના હાથમાંથી માંડ-માંડ તે છૂટી હતી. એ પછી તેને અહીં લાવવામાં આવી. આ સમગ્ર સમય દરમ્યાન તે પોતાના કોઇ અંગત સ્વજનના સહવાસ અને સાંત્વનાને સતત ઝંખતી રહી હતી. એવામાં સાવ અનાયાસે તેણે અભયને પોલીસ સ્ટેશનમાં ઉભેલો જોયો અને તેના સંયમનો બાંધ તૂટી પડયો હતો. અભયને ક્યારેય તે રુબરું મળી નહોતી પરંતુ તે એના કેસ ઉપર જ કામ કરતી હતી એટલે તેનો ફોટો તેણે ઘણી વખત જોયો હતો. તેને સ્વપ્નેય ખ્યાલ ક્યાંથી હોય કે અભય અચાનક અહીં, ભરૂચનાં પોલીસ સ્ટેશનમાં તેને મળશે. અભયને જોઇને તે ભાવનાઓમાં વહી ગઇ હતી અને કંઇપણ વિચાર્યા વગર તેને વિંટળાઇ પડી હતી.

અભયને સમજાતું નહોતું કે તે શું કરે? એક અજાણી યુવતી તેનું નામ જાણતી હતી. એટલું જ નહી, શરમ સંકોચ છોડીને આવીને તેને ભેટી પડી હતી. તે ભારે અસમંજસમાં મૂકાયો હતો કે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નિકળવું! એ જ સ્થિતિમાં તેણે હળવે રહીને એ યુવતીને પોતાનાથી અળગી કરી અને પછી પ્રશ્ન સૂચક નજરે તેની સામું જોયું. બંસરીને કદાચ પોતાની નાદાની સમજાઇ હતી અને તેના ચહેરા ઉપર સંકોચના ભાવ ઉભર્યા હતા.

“તમે એક-બીજાને જાણો છો?” એ દરમ્યાન રાજસંગ તેમની નજીક આવ્યો હતો અને તેણે બન્ને તરફ જોઇને પૂછયું હતું. હજું હમણાં જ મોટા સાહેબની કેબિનમાંથી તેઓ બહાર આવ્યાં હતા. બંસરી એફઆઇઆર દર્જ કરાવે એ પહેલાં જ રઘુભાને ગિરફ્તમાં લેવાનો આદેશ મોટા સાહેબે આપી દિધો હતો કારણ કે આ અપહરણનો ગંભિર મામલો હતો. અને એ પણ એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું એટલે મામલો ઓર સંગિન બની જતો હતો. તાત્કાલિક ધોરણે તેઓએ રઘુભાના તમામ ઠેકાણે છાપો મારવાનો અને તેના માણસોની ધરપકડનો આદેશ આપ્યો હતો.

“એ નથી ઓળખતો મને પણ હું તેને ઓળખું છું.” બંસરી બોલી ઉઠી અને પછી નજરો નીચી ઢાળીને ખામોશ ઉભી રહી. રાજસંગ તેની એ ચેષ્ટાથી કંઇક ભળતું જ સમજ્યો હતો.

“ઓ.કે. તમે અહી બેસો.” એક બાકડા તરફ ઇશારો કરીને તેણે બંસરીને કહ્યું અને પછી અભય તરફ ફર્યો. “તમારે કોનું કામ છે?”

“કિરણ પટેલનું. એ આવ્યો નથી લાગતો?” પોલીસ સ્ટેશનમાં નજર ઘૂમાવતાં તેણે પૂછયું. એ દરમ્યાન તેની એક નજર સતત બંસરીને જ નિરખી રહી હતી. તેને પાક્કી ખતરી હતી કે આજ પહેલા તે આ યુવતીને ક્યારેય મળ્યો નહોતો. પોતાની શાર્પ યાદદાસ્ત ઉપર તેને પૂરેપૂરો ભરોસો હતો. તો A યુવતી કેવી રીતે તેને ઓળખતી હશે?

“કિરણ પટેલનું શું કામ હતું તમારે?” રાજસંગે અભયને ધ્યાનથી ઉપરથી નીચે સુધી નિરખ્યો.

“અમે મિત્રો છીએ. જો એ આવ્યો હોય તો કહો કે અભય ભારદ્વાજ આવ્યો છે.” તેણે રાજસંગને જ કામ સોપ્યું. રાજસંગના ભવા એ સાંભળીને થોડા ઉંચકાયા. એક સામાન્ય માણસ તેને ઓર્ડર આપે એ તેને ગમ્યું નહી. તે કંઇક બોલવા ગયો પણ પછી રોકાયો. હજું તેણે બીજા પણ ઘણાં કામ કરવાનાં હતા એટલે આની સાથે માથાકૂટમાં પડવાનો સમય નહોતો તેની પાસે. તેણે એક કોન્સ્ટેબલ તરફ જોયું અને બોલ્યો. “કિરણ આવે તો આ સાહેબને મેળવી દે જે.” અને તે ફરી પાછો મોટા સાહેબની કેબિનમાં ચાલ્યો ગયો.

“તમે બેસો અહી.” કોન્સ્ટેબલે બંસરની બાજુમાં અભયને બેસવા કહ્યું. “કિરણ સાહેબ રાત્રે મોડે સુધી ચોકીમાં જ હતા એટલે તેમને આવતા સમય લાગશે.” અને તે ત્યાંથી રવાના થયો. બંસરી અને અભય એકલા પડયા હતા.

@@@

રઘુભા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. છોકરી હાથમાંથી છટકી ગઇ છે અને પોલીસ તેની શોધી રહી છે એ સમાચાર તેને મળી ચૂકયા હતા એટલે પોતાની બધી લીલા સંકેલીને તે ખોવાઇ ગયો હતો. હવે તેને શોધવો મુશ્કેલ હતો અને જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી અભયના માથે તોળાતી સસ્પેન્શનની તલવાર હટવાની નહોતી.

@@@

“તું મને કેવી રીતે જાણે છે?” અભયે બંસરીને પૂછયું. તેની જીજ્ઞાસા ચરમસીમાએ હતી. જે રીતે આ અજાણી યુવતી તેને વળગી હતી તેનું આશ્વર્ય હજું પણ શમ્યું નહોતું.

હવે બંસરી કેમ સમજાવે કે એ તેને કેવી રીતે ઓળખે છે? જ્યાં સુધી તેના મોટાભાઇ આવે નહી અને સમગ્ર હકીકત તેમને જણાવે નહી ત્યાં સુધી કંઇપણ કહેવું યોગ્ય નહોતું. એનાથી વાત બગડી જવાની બીક હતી.

“તમને થતું હશે કે આ કેવી યુવતી છે જે એક અજાણ્યાં યુવકને ભેટી પડી? પણ હું બહું અપસેટ હતી એટલે મારી ઉપર કાબું રાખી ન શકી. અને રહી તમને ઓળખવાની વાત તો એ પછી કહીશ.” બંસરી બોલી ઉઠી.

અભયને કંઇ સમજાતું નહોતું. એક તો તે પોતાની જ સમસ્યામાં ઉલઝેલો હતો એમાં વળી આ યુવતી વધું ઉલઝાવી રહી હતી. તેણે માથું ધૂણાવ્યું અને બંસરીને ધ્યાનથી નીરખી. છોકરી સુંદર હતી અને ઘણી યંગ દેખાતી હતી. તે અહી પોલીસ સ્ટેશનમાં શું કરતી હશે એ સવાલ તેને ઉદભવ્યો. અને એ પણ આટલી વહેલી સવારે? એકસાથે કેટલાય વિચારોનો શંભુમેળો તેના મગજમાં ભેગો થયો. ગઇકાલે પોલીસ સ્ટોરરૂમમાં કશુંક જોયાનું તેને યાદ આવતું હતું. એ શું હતું એ જાણવાની અધિરાઇએ જ તે આટલો વહેલો અહી આવી પહોંચ્યો હતો. તેમાં આ યુવતી અચાનક તેને ભટકાઇ પડી હતી અને ઉપરથી કિરણ હજું સુધી ક્યાંય દેખાયો નહોતો. પાછલા થોડા સમયથી તેનું જીવન જાણે ચગડોળે ચડયું હોય એમ એક પછી એક વિચિત્ર ઘટનાઓ તેની સાથે બની રહી હતી. હજું એક સમસ્યાનો ઉકેલ શોધવામાં તે ઉલઝેલો હોય ત્યાં કોઇ નવી સમસ્યા મોઢું ફાડીને તેની સામે આવીને ખડી થઇ રહી હતી. જૂઓને, અત્યારે આ યુવતી પણ તેને કેમ ઓળખતી હતી એ પછી જણાવવાનું કહી રહી હતી. કોણ જાણે એ ફરી પાછી તેને મળવાની ન હોય!

“ઓ.કે. હું એ સમયની રાહ જોઉં છું.” તે બોલ્યો અને ઉભો થઇને ચોકીની બહાર નીકળી આવ્યો. હજું આઠ જ વાગ્યાં હતા અને કિરણ વહેલો આવશે નહી એવું કોન્સ્ટેબલે કહ્યું હતું એટલે સમય પસાર કરવા તે પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડની બહાર નીકળ્યો અને સામે જ દેખાતા પાનનાં એક ગલ્લે જઇને ઉભો રહ્યો. ત્યાંથી એક સિગારેટ લઇને સળગાવી હતી અને પછી કોઇ ઉંડા વિચારોમાં ખોવાઇ ગયો.

બરાબર એ સમયે જ તેણે જોયું તો સુરતનાં એસીપી કમલ દિક્ષિતની ગાડી ભરૂચ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ હતી. એકાએક તે સતર્ક થયો. તે કમલ દિક્ષિતને બહું સારી રીતે ઓળખતો હતો. અરે ફક્ત ઓળખતો જ નહીં, તે તેમના હાથ નીચે જ તો ડ્યૂટી બજાવતો હતો. કમલ દિક્ષિતને આટલી વહેલી સવારે અહી પધારેલા જોઇને તે ચોંક્યો હતો. એકાએક તેના મસ્તિષ્કમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

BHARAT PATEL

BHARAT PATEL 4 માસ પહેલા

Tejal

Tejal 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 3 વર્ષ પહેલા

Kinnari

Kinnari 3 વર્ષ પહેલા

Neepa

Neepa 3 વર્ષ પહેલા