Faydano Sambandh books and stories free download online pdf in Gujarati

ફાયદાનો સંબંધ

"ફાયદાનો સંબંધ"

લે. નીરવ પટેલ "શ્યામ"

સંગીતાના લગ્નને 25 વર્ષ પુરા થઇ ગયા હતા. એક 23 વર્ષનો દીકરો અને બીજી 19 વર્ષની દીકરી પણ હતી. તેનો પતિ રાકેશ સારું કમાતો, કોઈ ખોટ નહિ. લગ્નના 20 વર્ષ સુધી તો કોઈ ફરિયાદ રહી નહીં પરંતુ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ રાકેશ અને અંગીતા વચ્ચે માત્ર વાત અને સામાજિક કાર્યક્રમોમાં સાથે હાજરી આપવાના જ સંબંધો રહ્યા.

એવું નહોતું કે બંનેના સંબંધોમાં કોઈ ખટાશ આવી હતી પરંતુ સમય સાથે રાકેશનો સંગીતાના શરીર પ્રત્યેનો લગાવ ઓછો થતો ગયો. પરિણામે સંગીતા છેલ્લા 5 વર્ષથી શરીર સુખથી વંચિત રહેવા લાગી. રાકેશ તો પોતાના મિત્રો સાથે બહાર ફરવા માટે જતો ત્યારે પોતાના શોખ પુરા કરી લેતો, બેંગકોકમાં રિલેક્સ થવા જવાનું નામ લઈને તે નીકળી જતો અને 5-10 દિવસ ત્યાં મઝા કરીને આવતો, આ વાત સંગીતાથી છુપી તો નહોતી છતાં પણ ઉંમરના આ પડાવે આવીને આંખ આડા કાન કરવા જરૂરી હતા. કારણ કે દીકરો દીકરી હવે મોટા થઇ ગયા હતા. પરિવારમાં સંગીતાનું માન સન્માન હતું અને રાકેશે પણ ક્યારેય તેને કોઈ વાતની ખોટ અનુભવવા દીધી તો નહોતી જ. બસ તેને ભૂખ હતી તો શરીર સુખની.

સંગીતાની માત્ર ઉંમર વધી હતી પરંતુ શરીર સાચવવામાં એ પહેલેથી જ કાળજી રાખતી એટલે આજે 45 વર્ષે પણ તે 30-35ની જ દેખાતી. પરંતુ શરીરમાં લાગેલી આગ તો તેને આજે પણ 25 વર્ષની યુવતીની માફક ડંખી રહી હતી. એવું નહોતું કે સંગીતાએ રાકેશને મનાવવા માટે પહેલ નહોતી કરી. તેને પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી જોયા પરંતુ રાકેશને હવે સંગીતાના શરીરમાં કોઈ રસ રહ્યો જ નહોતો.

રાકેશની રુચિ તો બે બાળકોના જન્મ બાદ જ ઓછી થઇ ગઈ હતી પરંતુ થોડા થોડા સમયે તે સંગીતાને ખુશ કરતો પરંતુ છેલ્લા 5 વર્ષથી તો એ ખુશી પણ મળતી હવે સાવ બંધ જ થઇ ગઈ હતી. સંગીતાએ મનને કાબુમાં કરીને મનાવી લીધું પરંતુ તેનું તન શરીર સુખ પામવા માટે તડપી રહ્યું હતું.

સોશિયલ મીડિયામાં તેને પહેલા એટલી રુચિ નહોતી પરંતુ એકલતાના કારણે તેને હવે સમય પસાર કરવા સોશિયલ મીડિયાના સહારે જ જવું પડ્યું. ઘરનું કામ કામવાળી કરતી, બાળકો પોતાના ભણવામાં વ્યસ્ત, રાકેશ તો સવારથી જ ઓફિસ નીકળી જતો ક્યારેક રાતોની રાતો પણ બહાર રહેતો.

સોશિયલ મીડિયામાંથી જ એક દિવસ એક છોકરાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી સંગીતાએ સ્વીકારી પણ લીધી. એ છોકરાની ઉંમર આમ તો તેને દીકરા જેટલી જ લાગતી હતી પરંતુ દેખાવમાં તે ખુબ જ સુંદર હતો. ઊંચાઈ અને વજનમાં પણ આકર્ષક. પહેલી નજરે જ ગમી જાય એવો.

ધીમે ધીમે બંને વચ્ચે સામાન્ય વાતો ચાલી. શરૂઆતમાં તો એ છોકરો સંગીતાને સંગીતાજી કહીને બોલાવતો પણ સતત વાતોથી સંગીતાએ તેને માત્ર સંગીતા જ કહીને બોલાવવાનું જણાવી દીધું. થોડા સમય બાદ બંને વચ્ચે પોતાના ફોન નંબર પણ શેર થયો અને પછી તો ફોનમાં પણ વાતો શરૂ થઇ ગઈ.

સંગીતાને એ છોકરો ગમવા લાગ્યો હતો. તેનું નામ હતું પંકજ. તેની ઉમર 24 વર્ષની પરંતુ સંગીતાને જાણે તેના શરીરને જોઈને આકર્ષણ જન્મવા લાગ્યું હતું. પંકજને પણ સંગીતામાં આકર્ષણ જન્મ્યું હતું. બંને વચ્ચે હવે તમામ પ્રકારની વાતો પણ થવા લાગી. વિડિઓ કોલમાં પણ બન્ને કલાકો સુધી વાતો કરતા. ક્યારેક વિડિઓ કોલમાં જ અંગ પ્રદર્શન પણ થતું. બસ બાકી હતું એકબીજાને મળવાનું. સંગીતા તો તેને મળવા માટે તડપી રહી હતી પરંતુ તે તેના શહેરથી દૂર રહેતો હતો. તેની સ્થિતિ પણ સામાન્ય છે એવું તેને પહેલા જ જણાવી દીધું હતું.

સંગીતાના ચહેરા ઉપર એક નવી જ ખુશી ચમકવા લાગી, પરંતુ તે ખુશીને જોનારું તેના ઘરમાં કોઈ હતું નહિ. પંકજ સાથે વાતોથી તે નવા સપનામાં રાચવા લાગી. તે જાણતી હતી કે પંકજ સાથે તે આજીવન સંબંધ નથી રાખી શકવાની છતાં પણ પંકજના શરીરને પામવા માટે તે તડપવા લાગી.

પંકજ કોણ છે? ક્યાનો છે? તેની વાતો સાચી છે કે ખોટી? તેની કાંઈ જ પાકી ખબર સંગીતાને હતી નહિ તે છતાં પણ તેને પંકજ ઉપર પૂરો વિશ્વાસ હતો. એક દિવસ બંનેએ મળવા માટેનું આયોજન બનાવ્યું. સંગીતા તો તેનું શહેર છોડીને બહાર જઈ શકે તેમ હતી નહિ માટે તેને પંકજ ને જ પોતાના શહેરમાં બોલાવી લીધો. પંકજ પાસે ભાડાના પૈસા પણ નહોતા તો સંગીતાએ તેને કોઈ પાસેથી લઈને આવવા અને અહીંયા આવીને તેને આપી દેવાનું પણ જણાવ્યું.

પંકજ અને સંગીતા પહેલીવાર મળ્યા. સંગીતા પંકજને મળીને ખુબ જ ખુશ હતી. તે બંને એક હોટેલમાં ગયા. 5 વર્ષથી સંગીતાના શરીરમાં લાગેલી વાસનાની આગને પંકજે શાંત આજે શાંતિ કરી. તડપી રહેલી સંગીતાને પંકજે શરીર સુખની સંપૂર્ણ સંતુષ્ટિ આપી. સંગીતા પણ પંકજના સહવાસથી ખુશ થઇ ગઈ. બંનેએ 5-6 કલાક હોટેલની બંધ રૂમમાં જ વિતાવ્યા.

સંગીતાએ પંકજને કેટલીક મોંઘી ભેટ પણ આપી અને ભાડા કરતા બમણા પૈસા પણ આપ્યા અને આવી જ રીતે વારંવાર મળવાનું વચન પણ પંકજ પાસેથી લીધું.

પંકજને પણ આજ તો જોવતું હતું. તેને મોજશોખ માટે પૈસાની જરૂર હતી અને તેની કમાણી એટલી નહોતી કે તે પોતાના મોજશોખ પુરા કરી શકે. તેના યુવાનીના આવેગો પણ શરીરસુખ માટે વલખા મારી રહ્યા હતા. તેને તો મનગમતું મળી ગયું. તેની ઉંમરની કોઈ છોકરી સાથે તે પ્રેમ સંબંધ બાંધતો તો તેને ખર્ચ પણ કરવો પડતો અને શરીરસુખ પણ મળતું નહિ. સંગીતા તેના માટે કંઈપણ કરવા તૈયાર હતી એ તો તેને પહેલી મુલાકાતમાં જ જોઈ લીધું. બસ તેને ગમેતેમ કરીને ખુશ રાખવાનું નક્કી કરી પંકજ સંગીતા સાથે સંબંધમાં જોડાયેલો રહ્યો.

ધીમે ધીમે સમય વીતતો ગયો. પંકજ આ રીતે જ મહિનામ એક બે વાર આવી સંગીતાને ખુશ કરતો, સંગીતાને પણ જે જોવતું હતું તે મળી રહેતું હતું બદલામાં તેને થોડા પૈસા ખર્ચવા પડતા પરંતુ એનો પણ તેને કોઈ રંજ નહોતો કારણ કે તેને આજ સુધી પોતાના ખર્ચમાંથી જે બચત કરી હતી તે હવે કામ લાગી રહી હતી. રાકેશ પણ તેને ક્યારેય પૈસા ક્યાં વાપરે છે તેનું પૂછતો પણ નહિ. કારણ કે રાકેશે પાસે પણ એટલી સંપત્તિ હતી કે તે વાપરવા છતાં પણ ખૂટે નહિ. વ્યવસાય પણ દિવસેને દિવસે વધી રહ્યો હતો.

સંગીતા પંકજના સહવાસથી ખુશી અનુભવતી હતી. પંકજ પણ સંગીતા સાથે જોડાઈને પોતાના મોજશોખ પુરા કરી શકતો. સોશિયલ મીડિયામાં સંગીતા માત્ર પંકજ સાથે જ વાત કરતી પરંતુ પંકજ આ રીતે ઘણી સ્ત્રીઓ અને છોકરીઓ સાથે મઝાક મસ્તી કર્યા કરતો. જે સંગીતાને પસંદ નહોતું. ઘણીવાર તેને પંકજને આ બાબતે ટોક્યો, બંને વચ્ચે ઝગડા પણ થતા પરંતુ પંકજ તેને સમજાવી દેતો અને સંગીતા સમજી પણ જતી.

પંકજ સંગીતાને છોડવા માંગતો નહોતો તેના માટે તો તે સોનાનું ઈંડુ આપતી મરઘી હતી. સંગીતા પણ તેને છોડી શકવાની નહોતી કારણ કે તેના માટે પંકજ વાસનાની ભૂખ સંતોષનાર વ્યક્તિ હતો.

એક દિવસ પંકજે સંગીતા પાસે બે લાખ રૂપિયાની માંગણી કરી. તેને આકસ્મિક કોઈ જરૂર છે એમ જણાવીને. સંગીતા પાસે એટલી મોટી રકમ તો હતી નહીં છતાં પણ પંકજના ઈમોશનલ નાટકમાં આવીને તેને મદદ કરવા માટે હા કહ્યું. પોતાના પતિને ખબર ના પડે એ રીતે તેને પોતાનું થોડું સોનુ પણ વેચી દીધુ અને બે લાખ ભેગા કરી લીધા. પૈસા લેવા માટે પંકજ રૂબરૂ જ આવ્યો. બંનેએ એ દિવસે પણ હોટલમાં ભરપૂર શરીર સુખ માણ્યું. આ વખતે તો પંકજે સંગીતાને વધારે ખુશ કરી દીધી. સંગીતાને પણ ખુબ જ મઝા આવી.

પૈસા લેતી વખતે પંકજે સંગીતાને જેમ બને તેમ જલ્દી પાછા આપી દઈશ એવો વિશ્વાસ પણ આપ્યો અને પૈસા લઈને નીકળી ગયો.

પંકજને તો જાણે લોટરી લાગી હોય તેમ લાગ્યું. બે લાખમાં તો તેને નવી સ્પોર્ટ્સ બાઈક અને મોંઘો મોબાઈલ ખરીદી લીધો. થોડા દિવસ સંગીતા સાથે સારી રીતે વાત કરી, પરંતુ પછી તો તેના ઉપર ગુસ્સે થવા લાગ્યો. બે ત્રણ દિવસ સુધી વાત પણ કરતો નહિ જેના કારણે સંગીતા દુઃખી પણ રહેવા લાગી તે છતાં પણ તેને વિશ્વાસ હતો કે પંકજ વાત કરશે જ.

મહિનામાં બે ત્રણ વાર મળવા માટે આવતો પંકજ હવે સંગીતાને છેલ્લી મુલાકાત બાદ બે મહિના સુધી પણ મળવા આવ્યો નહિ. સંગીતાની તડપ હવે વધવા લાગી હતી. પરંતુ પંકજ તેને ઇગ્નોર જ કર્યા કરતો. હવે તો પંકજ તેને ચારિત્ર્ય અને ઉંમર ઉપર પણ ટિપ્પણીઓ કરવા લાગ્યો હતો. જે સંગીતાને ના ગમતું હોવા છતાં પણ સહન કરતી. આજસુધી તેના પતિ રાકેશે જે શબ્દો નહોતા સંભળાવ્યા તેનાથી પણ ખરાબ શબ્દો પંકજ તેને કહેતો તે છતાં પણ તે સાંભળી લેતી.

એક દિવસ પંકજ અને સંગીત વચ્ચે ઝગડો એટલો વધી ગયો કે પંકજે સાવ વાત કરવાનું જ બંધ કરી દીધું. સંગીતા તેને મળવાની તેની સાથે વાત કરવાની રાહ જોતી રહી પરંતુ પંકજ તો એક બીજું આઈડી બનાવી, નવો નંબર લઈને સોશિયલ મીડિયાની મસ્તીમાં ખોવાઈ ગયો હતો. સંગીતાને એક નવા આઈડીની કોમેન્ટ અને પોસ્ટ ઉપરથી શંકા તો હતી જ કે આ પંકજ છે પરંતુ હવે તે થોડો માનવાનો હતો? પંકજને તો તેની જરૂરિયાત સંતોષાઈ ગઈ હતી, તેને જે જોવતું હતું તે મળી ગયું હતું.

મહિનાઓ વીતી ગયા અને સંગીતાને અહેસાસ થયો કે તેને મોટી ભૂલ કરી છે. પરંતુ હવે પછતાવવાથી કોઈ ફાયદો નહોતો. આ વાતને કોઈ સામે જણાવી શકે તેમ પણ નહોતી, કારણ કે વાંક પંકજનો નહિ સંગીતાનો જ નીકળે. પોતાના દીકરાની ઉંમરના છોકરા સાથે સંબંધ રાખીને તેને શરીરની ભૂખ તો સંતોષી પરંતુ તેની સામે તેને ઘણું બધું ગુમાવ્યું છે તેનું પણ તેને ભાન થયું. પરંતુ હવે શું? થોડા સમયની મઝા મળી પણ આગળનું જીવન તો હવે એજ દશામાં વિતાવવાનું થયું ને?

પંકજના મળ્યા બાદ સંગીતાના ચહેરા ઉપર જે ખુશી આવી હતી તેનાથી પણ વધારે ઊંડા આજે તેના ચહેરા ઉપર નિરાશાના ભાવ દેખાઈ રહ્યા હતા. તેને કોઈના ખભે માથું મૂકીને અનરાધાર રડવું હતું પરંતુ કોની સામે રડે? તેને પોતાનું દુઃખ વહેંચવું હતું, પોતાની પીડાને ઠાલવવી હતી, પણ કોની સામે કરી શકે? સંગીતાને પૈસા ગુમાવ્યાનું દુઃખ નહોતું, પરંતુ તેને જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મુક્યો હતો તેને પૈસાના કારણે તેની સાથે વિશ્વાસઘાત કર્યો હતો તેનું દુઃખ હતું.

થોડા મહિના આમ નિરાશામાં પસાર કર્યા બાદ, પંકજની રાહ જોઈને થાક્યા બાદ તે પાછી સોશિયલ મીડિયામાં એક્ટિવ થઇ, થોડા જ સમયમાં એક નવા છોકરાની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી.......!!!



લે. નીરવ પટેલ "શ્યામ"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED