અર્ધ અસત્ય. - 27 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 27

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૭

પ્રવીણ પીઠડીયા

રાજસંગે પિસ્તોલ હાથમાં લીધી. તેના એક હાથમાં પિસ્તોલ હતી અને બીજા હાથે ટોર્ચ પકડી હતી. ઘોર અંધકારને ચિરતો ટોર્ચનો પ્રકાશ ગોળ કૂંડાળામાં પથરાઈને સામેની દિશા ઉજાગર કરતો હતો. સાવધાનીથી ધીમા પગલે તે સ્કૂટર તરફ આગળ વધ્યો. આવી અવાવારૂં જગ્યાએ સ્કૂટર પડેલું જોઇને તેનું માથું ઠનક્યું હતું. જે યુવતીની તેને તલાશ હતી એ યુવતીનું જ આ સ્કૂટર હોવું જોઇએ એ તેને સમજાઇ ચૂકયું હતું. મતલબ કે તે પોતાની મંઝિલથી ઘણો નજીક હતો.

તે સ્કૂટર નજીક પહોંચીને અટકયો. યસ્સ.. તે વાઈટ કલરનું એકટિવા જ હતું. મતલબ સાફ હતો કે એ યુવતી અહીં આવી હતી અથવા તો તેને જબરજસ્તીથી અહીં લાવવામાં આવી હતી. સામે જ કોઈ ફેકટરીનો ’શેડ’ હોય એવું બંધ દરવાજા વાળું મકાન ઉભું હતું. રાજસંગને પાક્કી ખાતરી થતી જતી હતી કે યુવતીને આ મકાનમાં જ રખાઈ હોવી જોઇએ. તેના હાથ પિસ્તોલનાં કૂંદા ઉપર સખ્તાઈથી ભિંસાયા. ટોર્ચને તેણે ઓફ કરી અને એકદમ સાવધાનીથી તે એ બંધ દરવાજા તરફ લપક્યો. આ તરફ ક્યાંય કશી હલચલ વર્તાતી નહોતી. ફેકટરીનું મકાન ગહેરો સૂનકાર ઓઢીને ખામોશ પડયું હતું. તે દરવાજાની લગોલગ જઈને ઉભો રહ્યો અને દરવાજે કાન માંડયાં. અંદર બિલકુલ શાંતિ પથરાયેલી હતી. તેને કોઇ અંદાજો નહોતો કે મકાનની અંદર કોણ હશે? એ યુવતી અહીં હશે કે નહી એ પણ ખ્યાલ નહોતો છતાં બહાર પડેલું સ્કૂટર ઘણાં સંદર્ભો દર્શાવતું હતું.

અને.. રાજસંગ જેવું વિચારતો હતો ખરેખર એવું જ હતું. બંસરીને બંધક બનાવીને આ મકાનમાં જ પૂરી રખાઇ હતી. રઘુભાને સુરા ઉપર શક પડયો હતો અને તેણે સુરો શું ધાંધલી મચાવી રહ્યો છે એનું પગેરું મેળવ્યું હતું. તેમાં આબાદ રીતે સુરો ફસાયો હતો અને રઘુભાનાં ટોર્ચર સામે તેણે બધું બકી નાંખ્યું હતું. તે રઘુભાનાં હાથે મરવા માંગતો નહોતો એટલે તેણે બંસરીને જે કહ્યું હતું એ બધું રઘુભાને જણાવી દીધું હતું. રઘુભાને સુરા ઉપર કાળ તો ઘણો ચડયો હતો પરંતુ સૌથી પહેલાં એ યુવતીને પોતાની ગિરફ્તમાં લેવી જરૂરી હતી એટલે તેણે સુરાનાં ફોનમાંથી સુરા પાસે જ ફોન કરાવ્યો હતો અને બંસરીને ઘણાં વર્ષોથી બંધ પડેલી પોતાની આ સાઈડ ઉપર આવવા જણાવ્યું હતું. બંસરીને તો સુરા ઉપર વિશ્વાસ હતો ઉપરાંત કાળીયાનું શું થયું હતું એ પણ જાણવું હતું એટલે તે સામે ચાલીને રઘુભાની ચાલમાં ફસાઈ હતી અને રઘુભાએ તેને બંધક બનાવી લીધી હતી. આ ફેકટરીનો શેડ રઘુભા આવા કામકાજ માટે જ ઉપયોગમાં લેતો હતો. તેનું કારણ એ હતું કે એક તો આ જગ્યા કોસંબા-ભરૂચ હાઈવે ઉપર હતી. વળી કોસંબાથી થોડે દૂર પણ હતી. ઉપરાંત આ સાઈડ કેટલાય સમયથી બંધ પડી હતી એટલે મોટેભાગે અહી કોઈ આવતું જ નહી. મતલબ કે રઘુભા જેવા શખ્શ માટે આ જગ્યા એકદમ પરફેક્ટ હતી.

જો કે રઘુભાએ બંસરીને વધું ટોર્ચર નહોતી કરી. પાછલા થોડા દિવસો દરમ્યાન જે ઘટનાઓ બની હતી એમાં તે એટલું સમજી ગયો હતો કે આ મામલો જરૂરત કરતાં વધું લાંબો ખેંચાયો છે. યેનકેન પ્રકારે અત્યાર સુધી તે બધું સંભાળતો આવ્યો હતો પરંતુ હવે જો કોઈ નવી વારદાત ઘટી તો આ વખતે વાત તેના કાબુ બહાર નીકળી જવાની હતી. એવું ન થાય એટલા માટે જ તેણે બંસરીને હાથ લગાવ્યો નહોતો અને આ ખંડેરમાં જ તેને આજની રાત રાખવાનો નિર્ણય લીધો હતો. પોતાના એક માણસને બંસરીનો હવાલો સોંપીને તે સુરત જવા રવાના થઇ ગયો હતો. ત્યારે તેને ખબર નહોતી કે આજની રાત તેના માટે ભારે ગુજરવાની હતી.

@@@

“ઠક..ઠક...ઠક..” ભારે અવાજ સાથે કોઇ દરવાજો ઠોકી રહ્યું હતું. ખુરશીમાં બંધાયેલી બંસરીના કાને એ અવાજ પડયો અને તે ચોંકી ઉઠી. લગભગ આઠ-દસ કલાકથી તે અહીં બંધાયેલી હતી. રઘુભા ગયો ત્યારે તેનું ધ્યાન રાખવા એક માણસને પાછળ છોડતો ગયો હતો. એ માણસનાં દેદાર ખતરનાક હતા. અંધારું થયું ત્યાં સુધી સતત તે બંસરીને ઘૂરકતો રહ્યો હતો અને પછી બંસરી જે ખુરશીમાં બંધાયેલી હતી તેની સામે એક ખાટલો ઢાળીને ભયાનક અવાજે ખર્રાટા ભરતો ઉંઘી ગયો હતો. સખત તરસ અને ભૂખથી બંસરીની હાલત બેહાલ થઇ ચૂકી હતી. પાણીનું એક ટિપું ય તેને આપવામાં આવ્યું નહોતું. તે કેટલીય વખત એ આદમી સમક્ષ કરગરી હતી પણ તેની ઉપર કોઇ અસર થઇ નહોતી.

“ઠક..ઠક..ઠક..” ફરીથી કોઇકે દરવાજો ઠોક્યો અને પેલો ગેંડા જેવો માણસ ભરઉંઘમાંથી બેઠો થયો. તેની ઉંધરેટી આંખોમાં અત્યારે કોણ આવી ચડયું એવી નારાજગી ભર્યો ગુસ્સો છવાયો હતો.

“કોણ છે?” તેણે હાંક મારીને પૂછયું અને ખાટલામાંથી ઉભો થઇ દરવાજા તરફ ચાલ્યો. આ સ્થળની જાણકારી ફક્ત રઘુભા અને તેના માણસોને જ હતી એટલે તેના સિવાય બીજું કોઇ આવ્યું હોય શકે એવો વિચાર પણ તેના મનમાં ઉદભવ્યો નહોતો. તેને એમ જ હતું કે રઘુભાનો કોઇ માણસ આવ્યો હશે. તે ઉંઘમાં જ ચલતો હોય એમ દરવાજા નજીક પહોંચ્યો અને “કોણ છે બહાર?” ફરીવાર તેણે બૂમ પાડી. સામેથી કોઇ જવાબ ન મળ્યો ત્યારે મનમાં જ એક ગાળ બોલીને તેણે આગળીયો ખોલ્યો અને દરવાજો સહેજ ખોલીને તેની તડમાંથી બહાર ઝાંકયું. એ સાથે જ ’ધડાક’ કરતું બારણું આવીને બરાબર તેના મોઢા સાથે ટકરાયું. તેનું ગેંડા જેવું ભારેખમ શરીર એ ધક્કાથી રીતસરનું હવામાં ઉંચકાયું અને ’ધડામ’ કરતો તે જમીન ઉપર પીઠભેર ચત્તોપાટ પડયો. એ ઘટના એટલી ઝડપે બની ગઇ હતી કે એ માણસને વિચારવાનો કે સંભળવાનો સમય પણ મળ્યો નહોતો. અને જે ઝડપે બારણું ખુલ્યું એટલી જ ઝડપે રાજસંગ અંદર દાખલ થયો હતો અને તેણે નીચે આળોટતાં આદમીના કપાળે પિસ્તોલ ઠેરવી દીધી હતી.

“સહેજપણ હલ્યો છે તો ખોપરીમાં કાણું પાડી દઇશ.” રાજસંગ તેના અસલ અંદાજમાં બોલ્યો. તેણે રીતસરનો જૂગાર જ ખેલ્યો હતો જેમાં એક ધડાકે જ તેને ફતેહ મળી હતી.

તે ક્યારનો વિચારમાં હતો કે અંદર કેવી રીતે દાખલ થવું? ઘણું વિચારવા છતાં જ્યારે કોઇ રસ્તો સૂઝયો નહી ત્યારે તેણે સીધો જ પ્રહાર કરવાનું નક્કી કરી લીધું. આ તેની આગવી રણનિતિ હતી. ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય, એનો જ્યારે કોઇ ઉકેલ ન મળે ત્યારે તે યા હોમ કરીને કૂદી પડતો. અહીં પણ એ રણનિતિ જ તેણે અપનાવી હતી અને જોરજોરથી દરવાજો ઠોકવાનું શરૂ કર્યું હતું. તેની એ ચાલ કારગત નિવડી અને જેવો અંદરથી કોઈકે આગળિયો ખોલ્યો કે પોતાનામાં હતી એટલી બધી તાકત એકઠી કરીને તેણે દરવાજા ઉપર લાત ઠોકી હતી. એ પ્રહાર એટલો શક્તિશાળી હતો કે વાવાઝોડામાં હિલોળાતો કોઇ વૃક્ષની જેમ દરવાજો અંદરની તરફ હિલોળાયો હતો અને દરવાજો ખોલનારાં માણસના મોઢા સાથે ભયંકર ગતિથી અથડાયો હતો. પેલો અંદરની તરફ ઉછળ્યો હતો અને જમીન ઉપર ચત્તોપાટ પથરાઇ ગયો હતો. રાજસંગે એ જોયું અને સેકન્ડનો પણ સમય ગુમાવ્યાં વગર તેણે એ વ્યક્તિના માથે પિસ્તોલ ટેકવી દીધી હતી. એ માણસનું નાક લગભગ ચપ્પટ થઇ ગયું હતું અને તેમાંથી લોહીની ધાર વહેવા લાગી હતી. તેની આંખો આગળ તારામંડળ સર્જાયું હતું અને રાજસંગના એક જ પ્રહારે તે પસ્ત થઇ ચૂકયો હતો.

“પ્લિઝ હેલ્પ મી.“ બંસરીએ પોતાનામાં હતી એટલી તાકત એકઠી કરીને બૂમ પાડી. તેણે કોઇને અંદર આવતા અને પેલા ગેંડા જેવા માણસને ધરાશાયી થતા જોયો હતો. તેના મનમાં એકાએક એક આશા જાગી કે જરૂર કોઇ તેને બચાવવા જ આવ્યું છે.

રાજસંગે એ અવાજ સાંભળ્યો અને તેની રગોમાં દોડતા લોહીમાં એકાએક તેજી ભળી. તેને વિશ્વાસ નહોતો આવતો કે સાવ અનાયાસે… લગભગ આંધળૂકિયા જ કર્યા હતા છતાં એ યુવતીને શોધવામાં તેને સફળતા મળી હતી. સમય ગુમાવ્યાં વગર તેણે નીચે પડેલા આદમીનો કોલર પકડયો અને તેને ઢસડીને એ યુવતીની નજીક લઇ આવ્યો. પેલાનો કોલર છોડયો અને પાછળનાં ખિસ્સામાં ભરાવેલી ટોર્ચ કાઢીને ઓન કરી. ટોર્ચનો પ્રકાશ સીધો જ યુવતીનાં ચહેરા ઉપર પડયો અને યુવતીની આંખો અંજાઇ. તે એક ખુરશી સાથે મજબૂતીથી બંધાયેલી હતી.

“બંસરી?” રાજસંગનાં હોઠ ફફડયા. તેના જીગરમાં આનંદ મા’તો નહોતો. તેને ફક્ત એક મેસેજ મળ્યો હતો કે કોસંબા ચાર રસ્તા નજીકથી એક યુવતી ગાયબ થઇ છે. તેનું નામ જણાવાયું હતું ’બંસરી જોષી’. કોઇ જ ફોટો મળ્યો નહોતો અને બસ એમ જ તેણે તપાસ આરંભી હતી. એ પછી કોઇ વિશ્વાસ ન કરી શકે એવી ઘટનાઓ તેની સાથે ઘટી હતી અને અત્યારે તે એ યુવતી સામે ઉભો હતો.

“પ્લિઝ હેલ્પ મીં.” પોતાની સમક્ષ પોલીસ વર્દી પહેરેલો એક શખ્શ ઉભો છે એ જોઇને બંસરીની આંખોમાં આંસુ ઉભરાઇ આવ્યાં.

“ડોન્ટ વરી, હવે તમને કંઇ નહી થાય.” રાજસંગ બોલ્યો અને તેણે બંસરીનાં હાથ-પગ છોડયા. બંસરી એટલી બધી ગભરાયેલી હતી કે સતત તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી હતી. ખૂબ જ ઓછા સમયમાં તેણે એક દોઝખની સફર ખેડી હતી. અને જો આ અફસર અચાનક આવી ચડયો ન હોત તો તેના શું હાલ થાત એ વિચારતા જ તેને ધ્રૂજારી ઉપડતી હતી.

એ દરમ્યાન રાજસંગ રાઠોડે ફોન કરીને દેવીલાલને જાણ કરી હતી એટલે દેવીલાલ પેલા લારીવાળા સાથે ચોથા નંબરની શેરીમાં છેલ્લા મકાને જીપ લઇને આવી પહોંચ્યો હતો. તેણે પેલા માણસને ઉઠાવ્યો અને જીપમાં નાખ્યો. એ પછી તે આખું મકાન સર્ચ કરવામાં આવ્યું. ત્યાં બીજું કંઇ હાથ લાગ્યું નહી એટલે બંસરીને લઇને તેઓ ભરૂચ પોલીસ સ્ટેશને જવા રવાના થયાં ત્યારે કોસંબાનાં આકાશમાં સવારનો આછો ઉજાસ પથરાવો શરૂ થયો હતો.

(ક્રમશઃ)